વીક એન્ડ

ડૉ. હેરી હર્લો: કુશળ માનસશાસ્ત્રી કે ક્રૂર મનોરોગી?

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

ભૂતકાળની અમુક માન્યતા વિશે તમે જાણો તો રીતસરનો આઘાત લાગે, જેમ કે પશ્ર્ચિમી સમાજમાં વીસમી સદીનાં શરૂઆતી વર્ષો દરમિયાન માતા-પિતા અને બાળકો વચ્ચેના સ્નેહાળ સંબંધોને બહુ મહત્ત્વ નહોતું અપાતું. ઉલટાનું એ સમયના કેટલાક માનસશાસ્ત્રી પણ એવી ગેર માન્યતાના શિકાર હતા કે મા-બાપ જેના પર બહુ પ્રેમ ઠાલવે એ બાળક નબળું પાકે, પોતાની જરૂરિયાતો માટે એ બીજા પર આધારિત થઇ જાય! આમ તો આ વાત સાવ કાઢી નાખવા જેવી પણ નથી, પણ એનો અર્થ એવો ય નથી કે પોતાનાં બાળકોને પ્રેમથી વંચિત રાખવા! પણ સમાજને સમજાવે કોણ?

એક માનસશાસ્ત્રીએ પોતાના વિશિષ્ટ ‘પ્રયોગો’ દ્વારા અમુક વાત સાચી પ્રતિપાદિત કરી એવું મનાય છે. આ વૈજ્ઞાનિક અને એના પ્રયોગો વિશે એક પુસ્તક પણ લખાયું છે, જેનું નામ છે “Love at Goon Park.’’ કવરપેજ પરના બીજા મથાળામાં લખ્યું છે: “Harry Harlow and the Science of Affection.’’ અર્થાત હેરી હર્લો અને સ્નેહનું વિજ્ઞાન.
અમેરિકાના સિદ્ધહસ્ત માનસશાસ્ત્રીઓમાં જેની ગણના થાય છે એ હેરી હર્લોએ (Harry Frederick Harlow) પ્રેમ અને ડિપ્રેશન જેવી માનસિક સ્થિતિ – લાગણીને સમજવા માટે અનેક પ્રયોગો કર્યા. આ પ્રયોગો જેટલા પ્રખ્યાત થયા એટલા જ કુખ્યાત થયા. હર્લોએ આ પ્રયોગો સામાજિક ક્રાંતિ ખાતર કરેલા, વૈજ્ઞાનિક ઢબે કશુંક સાબિત કરવા માટે કરેલા કે પછી પોતાના સબકોન્શિયસ માઈન્ડ-અર્ધજાગ્રત મન કે ધરબાયેલા ભૂતકાળના ‘ટ્રોમા’-આઘાતથી દોરવાઈને કરેલા એ હંમેશાં ચર્ચાસ્પદ રહ્યાં છે.

આ પ્રયોગો વાનરો પર કરવામાં આવેલા. હર્લોએ ડિપ્રેશનની અસરો સમજવી હતી એ માટે વાનરબાળને જબરદસ્તી ડિપ્રેશન તરફ ધકેલવામાં આવ્યા! હર્લોએ બેબી મંકીઝને એમની માતાઓથી અલગ પાડીને અંધારિયા ઓરડામાં રાખ્યા. ક્રૂરતાની આ હદ હતી અને હર્લો અનેક વખત આવી હદ વટાવવા માટે કુખ્યાત હતા. માતાના વિયોગમાં મહિનાઓ સુધી ટળવળતું વાનરબાળ એકાંતવાસ અને અજંપા વચ્ચે કચડાઈને ગુજરી જતું. જો કોઈ રડ્યુંખડ્યું બાળક બચી જાય તો એ ક્યારેય બીજા વાનરો સાથે ભળી શકતું નહિ. ઉલટાનું બીજા વાનરોને જોઈને એ સતત ડરમાં જીવતું.

હર્લોનો ‘વાયર મધર’ પ્રયોગ પણ જાણીતો છે. વાનર નવજાત બાળકોને એમની માતાથી અલગ પિંજરામાં રાખવામાં આવતા. એ પછી બાળકોના દરેક પિંજરામાં બે-બે ઢીંગલીઓ ‘માતા’ તરીકે ગોઠવવામાં આવતી. આમાં એક ઢીંગલી વાયરમાંથી બનાવવામાં આવતી, જેનો સ્પર્શ સ્વાભાવિકપણે જ બહુ શુષ્ક રહેતો. જ્યારે બીજી ઢીંગલી કાપડમાંથી બનાવવામાં આવતી. સગી માતાની ગેરહાજરીમાં બિચારા અબુધ વાનરબાળ આ ઢીંગલીઓમાં પોતાની માતાને શોધવાની કોશિશ કરતા. પિંજરામાં ખોરાક એવી રીતે રાખવામાં આવતો, જેથી વાનરોને એવું લાગે કે આ ખોરાક પેલી વાયરની ઢીંગલી તરફથી પીરસાયો છે. હર્લો જાણવા માગતો હતો કે બાળકો માટે ખોરાક અને લાગણીઓનું કેટલું મહત્ત્વ છે. જો માત્ર ખોરાકનું જ મહત્ત્વ હોત તો બાળકોએ પેલી ‘વાયર મધર’ને માતા તરીકે સ્વીકારી લીધી હોત.

થયું એવું કે પેટનો ખાડો પૂરવા માટે થઈને વાનરબાળો પેલી શુષ્ક વાયર મધર પાસે આવતા ખરા, પણ બાકીનો સમય પેલી મુલાયમ કાપડની બનેલી માતા (એટલે કે ઢીંગલી)સાથે જ વીતાવતા. કોઈ પણ બાળક માટે માતાનો સ્પર્શ બહુ મહત્ત્વનો હોય છે.

પોતાનો પક્ષ રજૂ કરતા હર્લોએ કહ્યું કે હું સાબિત કરવા માગતો હતો કે બાળકના ઉછેરમાં ખોરાકની સાથે જ પ્રેમ પણ અતિઆવશ્યક છે.

લો બોલો, હવે આટલી સીધી સાદી વાત તો ભારતના કોઈ ગામડામાં ઉછરીને મોટી થયેલી સત્તર વર્ષની છોકરીને ય ખબર હોય! પણ હેરી હર્લોને ‘વૈજ્ઞાનિક રીતે’ આ પુરવાર કરવાનું હતું. આ માટે થઈને એણે અનેક માસૂમ વાનરબાળને મા વગરના કરી મૂક્યા! એ આટલેથી અટક્યો હોત તો હજીય ચાલત, પણ એ તો પ્રયોગમાં વધુ ઊંડા ઊતર્યા! આ માટે વાનરબાળકોના એકમાત્ર ઈમોશનલ આધારસમી કાપડની માતાને પિંજરામાંથી ખસેડી લેવામાં આવી. આની આડઅસર એવી થઇ કે વાયર મધર તરફથી પૂરતો ખોરાક મળતો હોવા છતાં મોટા ભાગના વાનરબાળો કાપડની ઢીંગલીના પેલા ‘સ્પર્શ’ને અભાવે રડતા-કકળતા-ચીડિયા સ્વભાવના થઇ ગયાં. એ પૈકીના મોટા ભાગના બાળવાનર મરી પણ ગયાં!

સ્પષ્ટપણે અહીં વિજ્ઞાનનો કે વૈજ્ઞાનિક પ્રયોગોનો કોઈ જ વિરોધ નથી, પરંતુ પ્રયોગો માટે થઈને આટલી હદે ક્રૂર થવું જરૂરી હતું? ‘નિરાશાનો ખાડો’ Pit of Despair) તરીકે ઓળખાતા અન્ય એક પ્રયોગમાં એણે અનેક વાનરબાળોને અંધારિયા પિંજરામાં ત્રણ મહિના સુધી પૂરી રાખ્યા. આ પૈકીના મોટા ભાગનાં બાળકો, નિયમિત ખોરાક મળતો હોવા છતાં અપંગ જેવા થઇ ગયાં અને ચાલતા-ફરતા બંધ થઇ ગયા! ‘રેપ રેક’ તરીકે ઓળખાવાયેલા એક પ્રયોગમાં પિંજરે પુરાયેલી ફીમેલ મન્કી એટલે કે વાંદરીને બળપૂર્વક નર વાનરો સાથે સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી. આ પણ એક પ્રકારનો ‘બળાત્કાર’ જ ગણી શકાય. આનું પરિણામ એવું આવ્યું કે પેલી વાંદરીઓ અત્યંત આક્રમક બની ગઈ. ગર્ભવતી થયેલી અનેક વાંદરીઓએ પ્રસૂતિ પછી પોતાનાં જ બાળકને ખાઈ જવાનો કે પિંજરામાંથી બહાર ફેંકી દઈને મારી નાખવાનો પ્રયત્ન કર્યો!
હેરી હર્લો કુશળ માનસશાસ્ત્રી હતો. આટલો જ્ઞાની હોવા છતાં એ આટલો ક્રૂર કઈ રીતે થઇ શકતો હતો? હેરી હર્લો સાથે કામ કરી ચૂકેલા બીજા કેટલાક વિજ્ઞાનીઓના કહેવા મુજબ, હર્લો તો માણસો ઉપર પણ વાનરો જેવા જ પ્રયોગો કરવાની મંશા ધરાવતો હતો!

હકીકતમાં એ ખુદ ડિપ્રેશનનો શિકાર હતો. હેરી હર્લો સાથે લેબમાં કામ કરનારા અનેક લોકો ભાગી છૂટ્યા ને બીજે નોકરીએ લાગી ગયા. હર્લોના સહકર્મી રહી ચૂકેલા ડોક્ટર ચાર્લ્સ સ્નોડોન પાછળથી ‘યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સીન’ ના હેડ બનેલા. એમના કહેવા મુજબ હર્લોની લેબનું વાતાવરણ એટલું ભયાનક હતું કે કાચાપોચા તો ડિપ્રેશનનો શિકાર બની જાય અને એને આત્મહત્યાના વિચારો આવવા માંડે.

શરૂઆતમાં જે પુસ્તકની વાત કરી, એ Love at Goon Parkનાં લેખિકા ડેબોરાહ બ્લમ લખે છે કે બાળપણમાં હેરી હર્લો બીજા નોર્મલ બાળકો જેવો જ હતો, પરંતુ એ સમયે એને માતા તરફથી પૂરતો પ્રેમ ન મળ્યો. હેરીનો એક ભાઈ મોટે ભાગે બીમાર રહેતો. પરિણામે માતાનો મોટા ભાગનો સમય અને ધ્યાન એ ભાઈ પાછળ રહેતા. યુવાન વયે લગ્ન થયા, પણ પત્ની બહુ વહેલી ગુજરી ગઈ! આથી એકલતાએ યુવાન હેરી હર્લોના મગજ પર બહુ વિપરીત અસર કરી. પ્રયોગો દરમિયાન એનું ડિપ્રેશન ક્રૂરતા બનીને બહાર આવતું! એક વાર તો હર્લોએ એવું પણ કહી દીધેલું કે ‘મને બિલાડીઓથી નફરત છે, કૂતરાઓને જોઈએ મને ચીડ ચડે છે તો પછી વાંદરાઓને હું કઈ રીતે ચાહી શકું?’

આ બધું જાણ્યા પછી હેરી હર્લોનું વ્યક્તિત્વ ડોક્ટર જેકિલ એન્ડ મિસ્ટર હાઈડ જેવું ‘ડબલ ફેસ’ લાગી શકે છે. એના માનસશાસ્ત્રીય પ્રયોગોએ એક તરફ વીસમી સદીના સમાજોની ખોટી વિચારસરણી બદલવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું તો બીજી તરફ અનેક અબોલ પશુઓનું જીવન નર્ક સમાન બનાવ્યું. આ માણસે જે સંશોધનો કર્યા એ પછી એક વિટંબણા ઊભી થઈ. એ કુશળ હતો-જ્ઞાની હતો એમાં કોઈ બેમત નથી, પણ એ કઈ રીતે માનસશાસ્ત્રી તરીકે કુશળ હતો કે ક્રૂર મનોરોગી હતો એનો જવાબ શોધવો મુશ્કેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button