વીક એન્ડ

ટાઢથી ન મરી જવાય, પણ…

‘ગૂગલદેવ’ને નમસ્કાર કરી ચુનિયો અમારી રસોડારૂપી પ્રયોગશાળામાં ઘૂસી તો ગયો ને પછી…

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી

હળવેકથી ગોદડામાંથી એક આંગળી બહાર કાઢી અને બહારનું ટેમ્પરેચર મેં માપી લીધું પછી નક્કી કરી લીધું કે આજે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દુશ્મનોથી બચવા બંકર બનાવવાનો વિચાર કદાચ આ જ રીતે આવ્યો હશે. મને એ સમજાતું નથી કે વહેલી સવારે આટલી મીઠી નીંદર કેમ આવે છે…? ઋષિમુનિના તપો ભંગ કરવા અપ્સરા આવતી તેવું મેં સાંભળ્યું હતું, પરંતુ નવા વર્ષના શિયાળામાં ચાલવા જઈશું… કસરત કરશું.. યોગા કરશું…’ જેવાં દ્રઢ સંકલ્પ આ ઠંડીરૂપી અપ્સરા પરિવારમાં ભાંગીને ભૂકો કરી નાખે છે. નવા વર્ષની શરૂઆતના અઠવાડિયું થવા આવ્યું, હજુ સુધી સવારના નવ ડંકા સાંભળ્યા નથી.
આમેય અમે રાજકોટવાળા તો ઊંઘનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ… પ્રગતિ માટે સપનાં જોવાં જોઈએ અને તે સપનાં પૂરા કરવા માટે પૂરતી ઊંઘ જોઈએ એવા સિદ્ધાંત પર ચાલીએ. ગોદડા રૂપી બંકર પેક કર્યું ત્યાં તો પત્નીએ પગના તળિયા નીચે દાબેલી ગોદડી એકઝાટકે ખેંચીને બીજા ખૂણામાં ફગાવી દીધું તેમાં અંગ્રેજીના
એકડામાંથી અચાનક હું અંગ્રેજીમાં આઠડો થઈ ગયો.
‘એ…. ય…. ’નો ધ્વનિનાદ તાર સપ્તકથી શરૂ થયો , પરંતુ પત્નીનો ચહેરો જોયા પછી મંદ્ર સપ્તક પર અલોપ થઈ ગયો. પાંચ ઘર સાંભળે તેમ એણે રાડ પાડી :
“ઊઠો, તમારા ભાઈબંધના ઘરવાળાનો ફોન હતો. તાત્કાલિક એના ઘરે પહોંચવાનું છે.
હું સમજી ગયો કે ચુનિયાએ કાંઈક કારસ્તાન કર્યા હશે. માંડીને વાત કરું તો…
શિયાળાના મજેદાર કિસ્સા સાંભળવા હોય તો તમારે ચુનીલાલના ઘરે એક ચક્કર મારવું પડશે. ચુનીલાલ ઠંડી પડવાની શરૂઆત થાય એટલે તમામ સભ્યને ભેગા કરી મિટિંગ કરે કે કોને શું ખરીદી કરવાનું છે. શિયાળાના કયા પકવાન કોણ બનાવશે કોણ કસરત કરશે… કોણ વહેલા ઊઠી મોર્નિંગ વોકમાં જશે…દરેક પોતપોતાનાં સંકલ્પ જાહેર કરે. તેના પર ચર્ચા થાય અને ચર્ચા એટલી હદે ઊગ્ર થાય કે લોહી ગરમ થઈ જાય.
બસ, આ ગરમ લોહી શરીરમાં ફરતું થાય એટલે સ્વેટર -કોટની જરૂર ના પડે. આ સિદ્ધાંત પર આખો પરિવાર ચાલે. ચુનિયો વહીવટ ડોળતો હતો ત્યાં હું પહોંચી ગયો. આમ તો રોજેરોજ ભેગા થઈએ, પરંતુ આજની મિટિંગનો મુદ્દો હતો:
“શિયાળાના ગરમી આપતા વ્યંજનો …
શરૂઆત હંમેશાં ચુનિયાથી થાય આમ પણ જેને રાંધતા ના આવડતું હોય તે સજેશન કરવામાં પાવરધો હોય. આ શિયાળામાં બજારમાં મળતી તલ સાંકળી, કચરિયું, શીંગ પાક, ચીકી ઉપરાંત અડદિયા, ગુંદરપાક, વસાણાથી ભરપૂર જુદાં જુદાં વ્યંજનોની ફરમાઈશ થવા માંડી. બધા પોત પોતાના તરફથી એક એક વાનગી બોલ્યા. ચુનિયાએ એકસામટી ૪-૫ વાનગીના નામ ઝીંકી દીધા.
એ પછી, કઈ વસ્તુ પહેલાં બનશે- કોણ બનાવશે તેની ચર્ચાઓ શરૂ થઇ. વાતાવરણમાં ગરમી ફેલાવવાની શરૂઆત થઇ ગઇ હતી.તરત જ ચુનિયાના ઘરવાળાએ કહ્યું કે ‘આટલા બધા સજેશન કરો છો તો આ વખતે તમે બનાવો એટલે ખબર પડે કે ખાવી કેટલી સહેલી છે અને બનાવવી કેટલી અઘરી છે’.
સામાન્ય રીતે ચુનિયો ક્યારેય ઉશ્કેરાટમાં આવીને ભૂલ ના કરે, પરંતુ અચાનક થતા હુમલાઓ સારા સારા યોદ્ધાઓને પણ વિચલિત કરી દે એવું જ ચુનિયાની બાબતમાં થયું.ભાભીના આ એટેક સામે ઉગ્ર થઇ ચુનિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી.
બોલતા તો બોલાઈ ગયું પછી મારી સામે જોયું. બુઠ્ઠી તલવાર સાથે અદ્યતન શસ્ત્રોથી સજ્જ સૈન્ય સામે લડવાનો વખત આવી ગયો. મારું બાવડું ઝાલી અને મને બહાર લઇ ગયો ને માંડ્યો ખખડાવવા:
‘મિલનભાઈ, યાર, તમે તો કેવા માણસ છો તમારે તો મને રોકી લેવો જોઈએને? હા શું કામ પાડવા દીધી?’ ઉંદર પાંજરામાં આવી ગયો હતો. હવે બીજું કંઈ થઈ શકે તેમ ન હતું..
તરત જ સવારના પહોરમાં ‘ગૂગલ’ દેવને નમસ્કાર કરી ચુનિયો રસોડામાં ઘૂસી ગયો છે. કોઈને પણ આવવાની મનાઈ છે. સરકારનું કોઈ સિક્રેટ મિશન ચાલુ હોય તેવો માહોલ ચુનિયાએ ઊભો કર્યો છે. યુટ્યૂબ પરથી તલ સાંકળી, તલની ચીકી, તલના લાડુ કઈ રીતે બનાવવા તે શીખીને મોઢે રાખ્યું. તાવડો મંડાયો- તલ શેકાયા-ગોળ ગરમ થયો બધી જ વિધિ પૂરી થઈ. લગભગ બે કલાકની કસરત પછી તલના લાડુ અને તલની ચીકી લોકો સમક્ષ પ્રસ્તુત થયા. ઘરના તમામ લોકોએ ફોટોસેશન પૂરું કર્યું. કોઈએ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ તો કોઈએ વોટસએપ પર ફોટો લાઈન્સ લખી લખીને ફોટા અપલોડ કર્યા.
ચુનિયાએ શિયાળામાં તલ ખાવાથી થતા ફાયદાઓ અને તેમાં પણ ખાસ કરી અને ગોળમાં બનાવેલી ચીકી અને લાડુ આખો શિયાળો ખાધા પછી આઠ મહિના તેની કેવી અસર રહે તે એક કલાક સુધી પરિવારને સમજાવ્યું. પરિવારના તમામ સભ્ય તલની ચીકી અને લાડુ ખાવા તલપાપડ એટલે કે ઉતાવળા થયા, પરંતુ હજુ ગઢના દરવાજા બંધ હતા.નકૂચા રૂપી ચુનિયો હટવાનું નામ લેતો ન હતો. પરિવારે તાત્કાલિક મને બોલાવ્યો.
ગઢના દરવાજા ખોલવા માટે જેમ ઊંટીયાઓને પહેલી હરોળમાં દરવાજા આડે રાખી હાથી માથું મારે અને
ભલે ઊંટીયો મરી જાય, પણ દરવાજો ખુલી જાય અને હાથીને નુકસાન ન થાય. આ થિયરી પ્રમાણે ચુનિયાને મારે બહાર બોલાવી લેવાનો હતો. ત્યારબાદ પરિવાર તલની ચીકી અને લાડુ પણ તૂટી પડે આવું આયોજન હતું.
યોજના મુજબ ચુનિયાને મે બહાર બોલાવી માલ પરથી દબાણ દૂર પણ કર્યું. ભાવવિભોર પરિવાર મનોમન મારો આભાર માની તલના લાડુ પર તૂટી પડ્યો. આજુબાજુવાળા પાડોશીઓને પણ ખબર હતી એટલે એ બધા પણ તપાસ કરવાના બહાને આવ્યા અને એક બે એક બે લાડુ લઈ ગયા.
ચુનિયાને આખી વાતની ખબર પડી ગઈ. એ મારી સાથે ધોખો કરવા લાગ્યો :
‘ભલા માણસ, તમે મારા મિત્ર થઈ મારી સાથે રમત રમી ગયા?’ આપણે જે વસ્તુ બનાવી હોય તેનું મહત્ત્વ શું છે તે પણ પૂરું સમજાવવા ન દીધું…. લોકોને આપણી વસ્તુની કદર થાય તેવો માહોલ આપણે ઊભો કરવો જ જોઈએ’.
આ બધી ચર્ચાઓ થતી હતી ત્યાં ઘરમાંથી રાડારાડ સંભળાઈ ચુનિયાની બૈરી દોડાદોડ બહાર આવી. હાથમાં સાણસી હતી મને અને ચુનિયાને અંદર ગયા પછી ખબર પડી કે નાનકાએ નાનકડો લાડુ મોઢામાં મૂકી અને બટકું ભરવાનો પ્રયત્ન કર્યો તો બંને દાંત વચ્ચે નાનકડી દડી જેવડો લાડુ ચોટી ગયો હતો.ગઢની રાંગ પર જેમ ચંદન ઘો ચોટે પછી ઉખાડવાના પ્રયત્નમાં મરી જાય ત્યારે જ તે શક્ય બને તેવી કટોકટી અહીં સર્જાઈ હતી.
અમારે હવે એ પ્રયત્ન કરવાનો હતો કે બંને બાજુની દાઢ અને દાંત સચવાઈ રહે અને તલના લાડુનો ભોગ લેવાઈ જાય તો ઘીના ઠામમાં ઘી પડે…. પાના પક્કડ, સાણસી, સ્ક્રૂ ડ્રાઈવર સહિતની આખી કીટ થકી પ્રયત્ન કર્યો.છેવટે મેં એક સૂચન કયુર્ં કે સતત પાણીનો છંટકાવ તે લાડુ પર કરીએ તો ગોળ થોડોક ઢીલો પડે પછી બે દાઢ વડે ફરી પ્રયત્ન કરવો….
ચૂંટણીના પ્રારંભિક પરિણામ આવતા હોય તે રીતે આ તો હજી પહેલો આ આઘાત હતો.પડોશમાંથી તલની ચીકી લઈ ગયા હતા એણે આવીને ફરિયાદ કરી કે જીભ પરથી ઉઘડતી નથી, અમારી બાજુમાં રહેતા બાપુએ ચાર- પાંચ નાની સાઈઝની લાડુડી માંગી. મેં એમની હિંમતને દાદ આપી અને કહ્યું કે તમારા દાંત બહુ મજબૂત છે તો મને કહે: ‘ચોકઠું આવી ગયું છે, પરંતુ હમણાં મારી ૧૨ બોરની રાઈફલમાં કારતૂસ ખાલી થઈ ગયા છે,લાડુડી હાથમાં લેતા જ મને ખબર પડી ગઈ કે નાના-મોટા શિકાર તો રાઈફલમા લાડુડી ભરાવી અને ફોડીસ તો પણ ચાલશે! આનાથી દીવાલમાં કાણું પડી ગયું એટલે પાક્કું થયું હાલો, દેખાડું’.
પાડોશીના દીકરાએ તો મોટો લાડુ લઈ અને ક્રિકેટની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી. એક બે ઘરના પાળેલા કૂતરા રમકડું સમજી અને રમવા લાગ્યા છે.
પરિસ્થિતિ પામીને હું ત્યાંથી સરકવાની તૈયારી કરતો હતો ત્યાં જ ભાભીએ મને કહ્યું કે ‘આ તમારા ઘર માટે તલના લાડુ અને ચિક્કી લેતા જાવ’
જેમ ઘરમાં વિસ્ફોટક પદાર્થ પડ્યા હોય અને ખબર પડે કે પોલીસની રેડ પડવાની છે પછી માલ સગેવગે કરવાનો હોય એમ ભાભી એ બે -ત્રણ પેકેટ ભરી રાખેલા અને ભલામણ પણ કરી કે ‘આ બીજા તમારા મિત્રોને આપજો..’ .
ચુનિયાએ પરિસ્થિતિ નો તાગ મેળવી લીધો હતો એટલે ચાર- પાંચ મિત્રના એણે પણ નામ આપ્યા કે આ લોકોને તો ખાસ ખવડાવજો…!
તમારા ઘરમાં શિયાળાનો કોઈ પાક તૈયાર થયો કે નહીં? ઘરવાળાને બનાવવા દેજો.. તમે ડાહ્યા થતા નહીં, નહીં તો…!..

વિચારવાયુ:
શિયાળામાં ગુજરાતી બબુડાની પ્રપોઝ
ઇ-સ્ટાઇલ..
બોય: હેય, હું શીંગ.. તું મારો ગોળ બનીશ? આપણે બંને મળી ચિકીફૂલ લાઇફ જીવીશું…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો