શું ખરેખર ગુનેગારને પાપનો બોજ લાગે છે?
ડેવિડ તથા ટેડ જેવા આ બંને ગુનેગારોએ દાયકાઓ સુધી પાપ છુપાવ્યું, પણ આખરે…
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
અનેક યાદગીરી આપીને આખરે ૨૦૨૩નું વર્ષ વિદાય લઇ રહ્યું છે. સારી હોય કે નરસી, યાદો તો દરેક પાસે હોવાની..જ તમને જીવનમાં કેવી કેવી વાત યાદ રહે છે? મોટા ભાગના લોકો દુ:ખદ યાદોને લાંબા સમય સુધી વાગોળતા રહે છે. કોઈક સાથે વિતાવેલી સુમધુર ક્ષણો કદાચ થોડાં વર્ષો બાદ ભુલાઈ જાય, પણ કોઈકે આપેલા જખ્મ વર્ષો સુધી લીલા રહે છે-અરુઝ રહે છે. ઉપરનો પોપડો જરા ખોતરો, ત્યાં ટશિયો ફૂટે… બીજા દ્વારા થયેલા સારા અનુભવોની સાપેક્ષે આપણે ખરાબ અનુભવોને શા માટે મહત્ત્વ આપીએ છીએ? શું માણસનું બ્રેઈન વાયરિંગ જ એવું છે, જે ખરાબ યાદને વધારે જોરમાં જકડી રાખે. જો એવું હોય તો માણસે પોતે જે ખરાબ અનુભવો બીજાને કરાવ્યા હોય તો એ પણ સ્મૃતિમાં અકબંધ રહેવા જોઈએને?
કોઈ કદાચ સહમત ન થાય, પણ હકીકતે એવું જ થાય છે. બીજાને કારણે થયેલા ખરાબ અનુભવો લાંબા સુધી પરેશાન કરે છે એમ જ માણસે પોતે કરેલું ખરાબ આચરણ પણ એને લાંબા સમય સુધી પીડા આપતું રહે છે. આ ‘લાંબો સમય’ એટલે કેટલો સમય? અને પીડા એટલે કઈ હદ સુધીની પીડા?
૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના અમેરિકાનાં પેન્સિલવેનીયા ખાતે ગ્રેચેન હેરિંગટન નામની પરાણે વહાલી લાગે એવી આઠેક વર્ષની બાળકી બાઈબલ કેમ્પમાં હાજરી આપવા ઘરેથી નીકળી. આમ તો હેરિંગટન રોજ પોતાની બીજી બહેનો સાથે જ ચર્ચમાં જતી, પણ એ દિવસે ફેમિલીમાં કોઈ બાળકનો જન્મ થયો એમાં બીજી બહેનો ઘરે રોકાઈ પડી, હેરિંગટન એકલી જ ચાલી નીકળી… અને ફરી ક્યારેય પાછી ન આવી!
પરિવારજનોએ બહુ શોધખોળ કરી, પણ હેરિંગટનનો ક્યાંય પત્તો ન જડ્યો. આખરે ચર્ચમાં આદરણીય વ્યક્તિ તરીકે હાજર એવા ડેવિડ ઝેન્ડસ્ટ્રા નામના સજ્જને પોલીસ બોલાવી. આ ડેવિડ ઝેન્ડસ્ટ્રા પોતે ગ્રેચેન હેરિંગટનની બેસ્ટ ફ્રેન્ડના પિતા હતા. પોલીસને પણ કોઈ કડી મળતી નહોતી. આખરે ગુમ થયાના બરાબર બે મહિના બાદ, ૧૪ ઓક્ટોબર, ૧૯૭૫ના દિવસે કમનસીબ હેરિંગટનનું શબ મળી આવ્યું! ઘણા લોકો હેરિંગટનની અંતિમવિધિમાં જોડાયા. હેરિંગટનની બેસ્ટ ફ્રેન્ડના પિતા તરીકે ડેવિડે પણ ફ્યુનરલમાં હિસ્સો લીધો અને પરિવારને સાંત્વના આપી. પોલીસને એટલી તો ખબર પડી કે કોઈ કે હેરિંગટન પર બળાત્કાર ગુજારવાને ઈરાદે એની હત્યા કરી છે,પણ હત્યારો કોણ હોઈ છે એનો ઉકેલ વર્ષો સુધી ન મળ્યો. સમય વીતતા હેરિંગટનની હત્યાનો કેસ પણ ઠંડો પડતો ગયો.
એ પછી છેક ૨૦૨૩ની ૨ જાન્યુઆરીએ પોલીસે કોઈક કારણોસર હેરિંગટનની ક્લાસમેટ અને મિત્ર રહી ચૂકેલી એક મહિલાની પૂછપરછ કરી. એમાં ચોંકાવનારી વાત જાણવા મળી.આ મહિલાએ પોતાના બાળપણના અનુભવો વાગોળતા પોલીસને જણાવ્યું કે બાળપણમાં એની બેસ્ટ ફ્રેન્ડના પિતાએ એનું જાતીય શોષણ કરવાની કોશિશ કરેલી. એ માણસને આ મહિલા ‘મિસ્ટર ઝેડ’ તરીકે સંબોધતી હતી. મહિલાએ પોતાના બાળપણની ડાયરી પોલીસને બતાવી, જેમાં ગ્રેચેન હેરિંગટનની હત્યા પણ મિ. ઝેડ દ્વારા જ થઇ હશે એવી આશંકા એણે વ્યક્ત કરી હતી!
આ મિ. ઝેડ એટલે બીજું કોઈ નહીં, પણ હેરિંગટનની (અને આ મહિલાની પણ) બેસ્ટ ફ્રેન્ડના પિતા ડેવિડ ઝેન્ડસ્ટ્રા! પોલીસને મહિલાની વાતમાં દમ લાગ્યો. પછી દાયકાઓથી ધરબાઈ ગયેલી તપાસ આગળ વધી.
આ તરફ જ્યોર્જિયા રહેવા જતો રહેલો ડેવિડ ઝેન્ડસ્ટ્રા હવે ૮૩ વર્ષની જૈફ વયે પહોંચી ગયેલો, પણ ભૂતકાળમાં પોતે કરેલા દુષ્કૃત્યની સ્મૃતિ એને અકળાવતી હતી.૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના દિવસે હેરિંગટન બાઈબલ કેમ્પમાં જવા નીકળી ત્યારે રસ્તામાં એને પોતાની બેસ્ટ ફ્રેન્ડના પિતા ડેવિડ ઝેન્ડસ્ટ્રાનો ભેટો થઇ ગયેલો. હેરિંગટનને એકલી જતી
જોઈને ડેવિડે એને પોતાની કારમાં લિફ્ટ ઓફર કરી. બાળકી અંકલની વાતોમાં ભોળવાઈને ગાડીમાં બેઠી અને ડેવિડે કાર વગડા તરફ હંકારી મૂકી. ત્યાં જઈને એણે હેરિંગટનને વસ્ત્રો ઉતારી નાખવા કહ્યું, પણ હેરિંગટનને કશું અજુગતું બની રહ્યું હોવાનું સમજાઈ ગયું, અને એણે ડેવિડને તાબે થવાનો ઇનકાર કરી દીધો. અકળાયેલા ડેવિડે બિચારી બાળકીને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધી!
આ ઘટનાના ૪૮ વર્ષ પછી ૨૦૨૩માં પોલીસ હેરિંગટનના જૂના કેસની ફેર તપાસ માટે ડેવિડ પાસે પહોંચી ત્યારે ભૂતકાળની સ્મૃતિઓનો ડંખ વેઠી રહેલા ડેવિડે તરત જ ગુનો કબૂલ કરી લીધો. જો ડેવિડે જાતે જ ગુનો ન કબૂલ્યો હોત તો આઠ-નવ વર્ષની બાળકીએ પોતાની નિજી ડાયરીમાં વ્યક્ત કરેલી કાલીઘેલી સંભાવનાને આધારે પણ પાંચેક દાયકા જૂના કેસમાં ડેવિડ પર આરોપ સાબિત થવો લગભગ અશક્ય હતો. બની શકે કે ડેવિડ ઝેન્ડસ્ટ્રાને ઢળતી ઉંમરે પોતાના ભૂતકાળના દુષ્કૃત્યની સ્મૃતિ પરેશાન કરતી હોય!
થિયોડોર કોનાર્ડનાં કેસમાં તો સ્પષ્ટપણે એવું જ થયેલું. વાત ઠેઠ ૧૯૬૯ની છે. ‘ટેડ’નાં હુલામણા નામે જાણીતો થિયોડોર વીસેક વર્ષની ફૂટડી ઉંમરે બેન્કમાં નોકરી કરતો હતો. મગજ પર કોણ જાણે શું ભૂત સવાર થયું, કે શુક્રવાર, ૧૧ જુલાઈ, ૧૯૬૯ના દિવસે ટેડે ડ્યૂટી પૂરી કરીને ઘરે જતા પહેલા બેન્કમાંથી થોડી કેશ પોતાના ગજવામાં સેરવી લીધી ને જાણે કશું બન્યું જ ન હોય એમ ચૂપચાપ ઘરે જવા નીકળી ગયો. શનિ-રવિમાં આમેય બેન્ક બંધ રહેવાની હતી એટલે કોઈને શંકા ય ન ગઈ કે ટેડ ભાઈ બેન્કમાંથી મસમોટો હાથફેરો કરી ગયા છે. ટેડે એ દિવસે બે લાખ સત્તર હજાર ડૉલર્સ જેટલી મોટી રકમ ગજવે ઘાલેલી. આજની તારીખે આ રકમ ૧૭ લાખ ડૉલર્સ જેટલી થાય!
સોમવારે બેન્ક ખૂલી ત્યારે મેનેજમેન્ટને ખબર પડી કે હિસાબનો તાળો મળતો નથી. થિયોડોર કોનાર્ડ ઉર્ફે ટેડ અચાનક ગુમ થઇ ગયો હોવાને કારણે બેન્કના અધિકારીઓને તરત જ ખબર પડી ગઈ કે ટેડ નામનો મોરલો જબરી કળા કરી ગયો છે. પોલીસે બહુ દોડાદોડી કરી, પણ થિયોડોર કોનાર્ડ જાણે હવામાં ઓગળી ગયો હોય એમ પોલીસને હાથ ન લાગ્યો. એણે પોતાના કોઈ મિત્ર કે સગાસંબંધીને પણ ક્યારેય સંપર્ક કર્યો જ નહિ એટલે પોલીસને ક્યારેય કોઈ કડી હાથ લાગી જ નહીં . એવું કહેવાય છે કે ૧૯૬૮માં આવેલી ફિલ્મથી પ્રેરાઈને ટેડીએ પોતાનો પ્લાન બનાવેલો. ટેડીને અ ફિલ્મનું ગજબનું ઘેલું હતું. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ મેસેચ્યુસેટ્સમાં થયેલું. એટલે ૧૯૭૦માં ટેડભાઈ ત્યાં પણ જઈ પહોંચ્યા અને નકલી આઈડી પ્રૂફ બનાવીને ત્યાં જ ઠરીઠામ થઇ ગયા. હવે થિયોડોર કોનાર્ડનું નવું નામ હતું થોમસ રેન્ડેલ. સમય જતા પોલીસ તપાસ ઠંડી પડી ગઈ અને લોકો આખી ઘટના ભૂલી ગયા.
આ તરફ ,રેન્ડેલે બોસ્ટન પાસે એક ગોલ્ફ કોર્સમાં નોકરી કરવાની શરૂઆત કરી. અને સમય જતા એ મેનેજર પણ બન્યો. કેથી નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા અને સંતાનમાં એક પુત્રી પણ થઇ. બેન્કમાં કરેલ પૈસાની તફડંચીની વાત બધા ભૂલી ગયા, પણ થિયોડોર કોનાર્ડ, ઉર્ફે થોમસ રેન્ડેલ પોતે ક્યારેય ન ભૂલી શક્યો! સ્મૃતિમાં ક્યાંક દાયકાઓ જૂની તફડંચી શૂળ બનીને ખટકતી રહી. આખરે ઘટનાના ૫૨ વર્ષ વીતી ગયા એ પછી ૨૦૨૧ના મે મહિનામાં કેન્સરગ્રસ્ત થઇ ગયેલા ૭૧ વર્ષના વૃદ્ધ રેન્ડેલે પત્ની કેથી આગળ પોતાના પાપની કબૂલાત કરી લીધી. રેન્ડેલના મૃત્યુ પછી પત્ની કેથીએ એની કબરના પથ્થર પર રેન્ડેલનું સાચું નામ – થિયોડોર કોનાર્ડ કોતરાવ્યું. એટલું જ નહીં, કોનાર્ડના જન્મ-કુટુંબ સહિતની સાચી માહિતી પણ કોતરાવી. કોઈકે આ વાંચીને પોલીસને ટીપ આપી અને પોલીસ તરત પાંચ દાયકા જૂના કેસમાં પૂછપરછ માટે કેથી સુધી પહોંચી ગઈ. કેથીએ હવે કશું છુપાવવા જેવું હતું નહીં. આખરે કેસ ઉકેલાયો, પણ બહુ મોડું થઇ ચૂક્યું હતું. ગુનેગાર થિયોડોર કોનાર્ડ પોલીસ અને દુન્યવી કાયદાઓની પકડથી બહુ દૂર નીકળી ગયો હતો…
અહીં સહજે પ્રશ્ર્ન એ થાય કે મરણ પથારીએ પડેલી વ્યક્તિ પાંચ દાયકા જૂનો ગુનો કબૂલ કરે તો એનો ફાયદો શું? આખરે તો એ યોગ્ય સજાથી દૂર જ રહ્યો ને? ખરું પૂછો તો આવું માની લેવું જરા વધારે પડતું છે. બની શકે કે થિયોડોરને વીતેલા પાંચ દાયકા દરમિયાન પોતે કરેલી ચોરીની યાદો સતત સતાવતી રહેતી હોય. બની શકે કે એ હંમેશાં ડરમાં-ગુનાહિત લાગણીના બોજ તળે જીવ્યો હોય. ..નહીંતર મરણ પથારીએ આવી કબૂલાતની પણ એણે ક્ધફેશન કરવાની શું જરૂર પડે?!
આવી ઘટના પછી એવું તો જરૂર સમજાય કે દરેક માણસને પોતે કરેલા પાપનો ડર તો લાગે જ છે,પણા અહીં મુદ્દાની વાત એટલી જ કે ગુનેગારને પાપનો ડર સમયસર લાગે તો જ સારું. દાયકાઓ પછી કરેલી કબૂલાતનો ખાસ કશો અર્થ સરતો નથી. એના કરતા દરેક વિદાય લેતા વર્ષ સાથે જ આપણે કરેલી ભૂલો- લુચ્ચાઈઓ વગેરેનો યોગ્ય સમયે પશ્ર્ચાતાપ કરી લઈએ તો કેવું?!
આવનારા નવા વર્ષની શુભેચ્છાઓ.