વીક એન્ડ

નામ બદલવાથી નિયત અને નિયતિ બદલે? રાજુ રદી પોતાનું નામ બદલીને મહારાજાધિરાજ રાજવેન્દ્ર રદી કરવા માગે છે!

વ્યંગ – બી. એચ. વૈષ્ણવ

આપણા પ્રાચીન દેશનું નામ વિદેશી?? પંચોતેર વરસ દાળમાં બિસ્કિટ બોળીને ખાધું!! હવે કંટાળીએ કે નહીં?

અહો આશ્ર્ચર્યમ્. અદ્ભુત . ન ભૂતો ન ભવિષ્યતિ!! આવું હોઇ શકે?? સુંદર, સ્વચ્છ આહ્લાદક . સાલ્લું ઊંઘમાં ચાલવાની ટેવ છે. ઊંઘમાં ઘરમાંથી ચાલતી પકડી હોય. ઊંઘમાં એરપોર્ટ પહોંચ્યા હોઇએ.એરપોર્ટ જઇ ફલાઇટ પકડી હોય એવું શક્ય બને!!હમણા એક છોકરો ઊંઘમાં એક, બે ,ત્રણ નહીં પણ એકસો સાંઇઠ કિલોમીટર ચાલ્યો હતો. જેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નોંધાયું છે. હવે તો રાજુ રદી અને ગિરધરલાલ ગરબડીયા પણ ગિનેસ બુકમાં ચમકશે કે શું?? તે જાણવા બખડજંતર ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને વિઝિટ કરો!!
અમે આંખ ચોળી. અમને એમ કે અમે એમસ્ટેરડેમમાં છીએ. એમસ્ટેરડેમમાં આવું શક્ય બને!! આપણે ત્યાં તો ડેમમાં કે ડોમમાં આવું મંગલ દંગલ ન હોય!! આશ્ર્ચર્ય સિંગલ ડિજિટમાં નહીં પણ ડબલ ડિજિટમાં !!
ઘી- દૂધની રિલ નહીં પણ રિયલ નદી વહેતી હતી. એ પણ કાંકરેજી ગાયના દૂધની હતી. વૃક્ષ પર વણેલા ગાંઠિયા અને ફાફડા વડવાઇની જેમ લટકતા હતા. મોહનથાળના પહાડ હતા. લિકવિડ ચોકલેટના તળાવ હતા. ઠેરઠેર મેગી પાસ્તાની લોન હતી. રસ્તા ચકાચક હતા. ફૂટપાથ સોફા જેવી . ડનલોપના ગાદલા જેવી પોચી. આંગળી ખોંસવાનું મન થાય!!રોજેરોજ ગાયના દૂધથી રસ્તાની સફાઇ થઇ રહી હતી. એક પણ ખાડો નહીં. રસ્તા પર ભૂવો નહીં. ફૂટપાથ પર ચક્ર સ્નાન કે રામાયણ સમયના ધોબીની જેમ કપડાં ધોવાતા ન હતા. ફૂટપાથ આલિયાના ગાલ જેવી મુલાયમ હતી!! ફૂટપાથ પર વાહન, ઝૂંપડા, પાણીપુરીની લારી, ગાદલા બનાવનારનો ઝમેલો, દબાણેશ્ર્વપ એટલે ગેરકાયદેસર મંદિર, ખાડા નહીં!! શહેરમાં સરકારી જમીન પર દબાણ કરનાર વગર નોટિસે સ્વેચ્છાએ બુલડોઝરથી પદરના ખર્ચે દબાણ હટાવતા હતા. રસ્તા ગોમૂત્રના છંટકાવથી પવિત્ર કરવામાં આવતા હતા. ગૂગળ અને સુગંધિત ધૂપ કરવામાં આવી રહ્યો હતો. શેરી વાળીને નહીં પણ રસ્તા વાળીને સજજ થઇ રહ્યા હતા. સ્વચ્છ ભારતના અનુદાનના ઉપયોગમાં ગરબડ ગોટાળા કે અસ્વચ્છતા ન હતી. રસ્તા પર ગૌમાતા કે કૂતરા નહીં . જે કામ આઝાદીથી લઇને અમૃતકાળથી નામુમકીન લાગતા હતા તે નમકીનની જેમ મુમકીન થઇ ગયા કે શું??
સંસદ વિધાનસભામાં ગાળાગાળી કે તોડફોડ નહીં. ગલી કે ગુંડે જેવું વર્તન નહીં. માઇકો સલામત.,અધ્યક્ષને પણ માસ્તરની જેમ ગગનભેદી અવાજે સાયલન્સ પ્લીલીલીલીઇિઇઇઇજજજ બોલવું પડતું નહીં. સરકસના પ્રાણીની જેમ બધા ડાહ્યાડમરા . માનો માથાભારે મમરા સુધરી ગયા!! સંસદના સાર્જન્ટો તો માનો કે કુંભકર્ણની જેમ નિંદ્રારાણીની આગોશમાં ન હોય!!!કવિ માધવ રામાનુજે યુદ્ધ સમયે ટેન્કના નાળચે માથું ટેકવીને ઊંઘવાની અભિલાષા વ્યક્ત કરેલી!! ઊંધાભિલાષી સૈનિકના મનોયત્ન જેવું જ સમજો!!
ત્રણસો સાંઇઠ ડિગ્રીએ વર્તમાનપત્રોનું આમૂલાગ્ર પરિવર્તન!! દૈનિકમાં નકારાત્મક સમાચાર નહીં.,આક્ષેપો નહીં,,આરોપો નહીં. ખંડણી બંડણીની પજવણી નહીં!લોન આપનાર લોન આપીને વ્યાજ મુદલ સહિત વિસરી જતા હતા .બ્લેકમેઇલિંગ શબ્દ તો ડિકસનરીમાં શોધ્યો જડતો નહીં !! સાફસુથરા પેપર!!
પ્રેમીપંખીડાઓ બગીચા, ઉપવન, ઉદ્યાનમાં કોરાનાકાળની દો ગજની દૂરી રાખતા હતા. સુહાગરાત કે હનીમુનમાં પણ દો ગજની દૂરીનું કડકાઇથી પાલન થઇ રહ્યું હતું!! સબ સે બડી પ્રેમસગાઇ જ્યારે લગ્નનું લોભામણું અને સોહામણું રૂપ ધારણ કરે ત્યારે વાલીઓની સંમતિ મેળવીને જ કુર્યાત સા મંગલમ્ કરવામાં આવતું હતું!!
સરકારી કચેરીમાં સીસીટીવી સર્વેલન્સ સિવાય બાબુલોગ કામ કરી રહ્યા હતા. કટકી , લાંચ, રિશ્વત , ભેટ, સોગાદને ગૌમાટી ગણતા હતા. ધક્કા ખાધા વગર પ્રજાનાં કામો બુલેટ ટ્રેનની સ્પીડે કામ થતા હતા. કેટલાક કિસ્સામાં અરજદારો અરજી કરે તે પહેલાં હુકમ ઘરબેઠાં મળી જતા હતા. રામ રાજ્ય ખરા અર્થમાં સ્થાપિત થઇ ગયું હતું??’
દિવસે દીવો લઇને કે મેગ્નિફાઇંગ ગ્લાસ લઇને શોધવા નીકળીએ તો લાંચ લેનાર કે લાંચ દેનાર ન મળે. નોકરીમાં કોઇ બંક મારે નહીં, ફ્રેન્ચ લીવ લે નહીં! અરજી પાંચ મિનિટ ટેબલેથી આગળ પહોંચે!!
મોંઘવારીની મા મરી ગઇ હોય તેમ સુધરી ગઇ. બેકારીને સાપે સંબંધી લીધી હોય તેમ જલેબી જેવી સીધી થઇ ગઇ!! ગરીબીએ જેન્ડર ચેઇન્જ કરી અમીરી નામ રાખી દીધું દરેક ગામ ગોકુળ અને તીર્થગ્રામ. ટંટા ફિસાદ, ઝઘડા, ક્લહ, કંકાસનું નામ નહીં ચાડીચુગલી, નિંદા કૂથલી , અફવા , ગોસિપ ફેકાફેંકીનું નામોનિશાન નહીં!! ચીજવસ્તુમાં ભેળસેળ, તોલમાપમાં ગરબાનું નામોનિશાન નહીં!!
સૂરજ વધુ તપે નહીં. ઠંડી બહુ પડે નહીં. વરસાદ ટપક પદ્ધતિએ પડે. પાકને નુકસાન નહીં! પવન પણ દસ કિલોમીટરની લોકલ સ્પિડમાં વહે. ઋુતુઓનું તાંડવ નહીં !! બધું માપસર,માફકસર , સંયમિત , સંતુલિત !!!આપણે પાછા પગલે હળાહળ કળિયુગમાંથી પુન: સતયુગ કે ત્રેતા યુગમાં સતયુગમાં પુન: પ્રવેશ કર્યો કે શું!! આમ, તો કોઇને તકલીફ નહીં મધર ઇન્ડિયાનું નામ મધરભારત કરવું પડશે . ગેટ વે ઓફ ઇન્ડિયાનું ગેટ વે ઓફ ભારત કરવું પડશે તો કરી દો. બાઇડનની મંજૂરી લેવા થોડું જવાનું છે??ચક દે ઇન્ડિયાનું ચક દે ભારત કરવામાં કયાં ઇન્ડિયાનો બાપ મરી જાય છે?? ઇસરો, ઇન્ડિયા ગેટ, રિઝર્વ બૅંક જયાં જયાં ઇન્ડિયા શબ્દ છે ત્યાં ભારત લખી નાખો આંખો
મચીને!!
આપણને શેરી, ચોક, મહાલ્લો, ગામ, શહેરના નામ બદલવાનો, જૂના નામો ભૂંસવાનો , નવા નામ લખવાની ફાવટ સારી છે!! આપણે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના હેડનું નામ બદલી તુલસીભાઇ કરી દીધું . જે સ્થળની માલિકી આપણી નથી તેને શિવશક્તિ નામ બાકાયદા વટ કે સાથ આપી દીધું કે નહીં??
આપણા પ્રાચીન દેશનું નામ વિદેશી?? પંચોતેર વરસ દાળમાં બિસ્કિટ બોળીને ખાધું!! હવે કંટાળીએ કે નહીં?? બંધારણ, કાયદા, નિયમો, વિનિયમો, પેટા નિયમો, બાય લોઝ જે કાંઇ હોય તો કલમના ઝાટકે જરૂર પડે તો તલવારના ઝાટકે નામ સુધારી દો. આપણી સમસ્યા પાછળ આપણી અકર્મણ્યતા, આળસ, અણઆવડત, પરિવારવાદ, ટુંકી દ્રષ્ટિ, સ્થગિતતા, બંધિયારપણું, હુસાતુંસી જવાબદાર નથી. આપણા ડીએનએમાં ખામી નથી. દેશના નામમાં ખામી છે. માન મનહૂસ, તનહુસ, ધનહુસ છે. તેમાં કોલોનિયલ બદબૂ છે!!! એકટર એકટ્રેસ કે સેલિબ્રિટી નિષ્ફળ થાય તો નામમાં સ્પેલિંગમાં ન્યુમરીકલ કે એકાદ લેટર વધારી દે એટલે તેનો ઘોડો તો સમજ્યા ખચ્ચર પણ વિન વિન સિચ્યુએશનમાં આવી જાય છે!! આપણે બુંદિયાશ બદલીશું તો જ યાવશ્ર્ચંદ્રદિવાકરૌ શાસન કરી શકીશું !!
વિશ્ર્વમાં ૧૯૫ દેશો છે અને તેમાંથી ઘણાએ વિવિધ કારણોસર પોતાના નામ બદલ્યા છે. સરહદ પરિવર્તન, યુદ્ધ અને સ્વતંત્રતા, નેતાનું સન્માન, દેશોનું વિભાજન વગેરે જેવાં કારણોસર ઘણા દેશોએ તેમના નામ બદલ્યા છે. મોટાભાગના દેશોએ તેમના ભૂતકાળને ભૂંસી નાખવા માટે તેમના નામ બદલ્યા છે. જ્યારે કેટલાક અન્ય દેશોએ પ્રવાસનને આકર્ષવા માટે આમ કર્યું છે. શ્રીલંકાએ પોતાનું જૂનું નામ ‘સિલોન’ બદલીને જ શ્રીલંકા કર્યું. આ રીતે અંગ્રેજોની હકૂમત ધરાવતો દેશ ‘રહોડેશિયા’ નામથી ઓળખાતો હતો, પણ ૧૯૮૦માં સ્વતંત્રતા મેળવ્યા બાદ તેનું નામ બદલીને ‘ઝિમ્બાબ્વે’ રાખવામાં આવ્યું. ‘ચેકોસ્લોવેકિયા’ નામનો સંગિઠત દેશ ચેક અને સ્લોવાક પ્રજાએ વર્ષો પહેલાં રચ્યો હતો. ૧૯૯૩માં ભાગલા પડ્યા બાદ ‘રિપબ્લિક’ અને ‘સ્લોવેકિયા’ નામના બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા. અગાઉ ‘બ્રહ્મદેશ’ના જૂના નામથી ઓળખાતા દેશે નવું નામ ‘મ્યાનમાર’ ધારણ કર્યું. માલાગાસે ‘રિપબ્લિક’ હવે ‘માડાગાસ્કર’ તરીકે ઓળખાય છે. ‘સિયામ’ ‘થાઈલેન્ડ’ના નામથી વિશ્ર્વભરમાં જાણીતો દેશ છે. ‘બ્રિટિશ ગિઆના’એ જૂનું નામ બદલીને ‘ગુયાના’ રાખ્યું. ‘ફોર્મોસા’ જેવા જૂના નામથી ઓળખાતો દેશ હવે ‘તાઈવાન’ તરીકે દુનિયામાં પ્રખ્યાત બન્યો છે. હજુ તો આવા ઘણા દેશ છે જેમણે પોતાનું નામ બદલ્યું છે.
મેસેડોનિયા પ્રજાસત્તાક ઉત્તર મેસેડોનિયા બન્યું. આ ફેરફારથી ગ્રીસ સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવ્યો. જેણે “મેસેડોનિયા નામના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો કારણ કે તેની પાસે સમાન નામનો પ્રદેશ પણ છે. ઝાયરે તેનું નામ બદલીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ઉછ કોંગો) રાખ્યું. વર્ષ ૨૦૨૦ માં, હોલેન્ડની સરકારે તેના દેશનું નામ બદલીને નેધરલેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. કંબોડિયાએ તેનું નામ ઘણી વખત બદલ્યું છે. ૧૯૫૩ અને ૧૯૭૦ ની વચ્ચે દેશનું નામ બદલીને કંબોડિયા કિંગડમ રાખવામાં આવ્યું અને પછી ૧૯૭૫ સુધી ખ્મેર રિપબ્લિક રાખવામાં આવ્યું. ૧૯૭૫ થી ૧૯૭૯ સુધી સામ્યવાદી શાસન હેઠળ, તેને ડેમોક્રેટિક કમ્પુચીઆ કહેવામાં આવતું હતું.યુનાઇટેડ કિંગડમ સાથેના તમામ સંબંધો તોડવા માટે ૧૯૩૭માં આઇરિશ ફ્રી સ્ટેટનું નામ બદલીને આયર્લેન્ડ કરવામાં આવ્યું.
રાજુ રદીએ ખુશ થઇને યહ હે મેરા ઇન્ડિયા વતન મેરા ઇન્ડિયા ગાવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે મોં પર (પોલીસના મોઢા પર નહીં.) રાજુના મોં પર હાથ મુકીને પીધેલી લાલ આંખો રાષ્ટ્રદ્રોહનો કેસ કરવા ધમકી આપી દીધી. કેમ કે, ઘડિયાળના કાંટા અવળા ફેરવી દેશનું નામ ભારત કરી દીધું છે. જહાં ડાલ ડાલ પે ગરીબી, બેકારી, વસ્તીવધારો કરતા હૈ બસેરા. યે ભારત દેશ હૈ મેરા!! હવે સારે જહાંસે અચ્છા હિન્દોસ્તા હમારા નહીં પણ સારે જહાંસે અચ્છા ભારત હમારા એમ ગાવાનું છે!!
વિપક્ષવાળા એવો આક્ષેપ કરે છે કે અઠાવીસ પક્ષોના શંભુમેળાના ઇન્ડિયા નામથી ગભરાઈને દાઢીવાળી ફઇ
દેશનું નામ ભારત કરી રહી છે. (આપણે ત્યાં નામ બદલવાની મોનોપોલી ફઇ પાસે છે!!) અરે મુંગેરીલાલ એવું નથી. વિપક્ષોરૂપી સ્વાનોનો સંઘ કાશીએ પહોંચવાનો નથી! આ સંગઠન તેમનું નામ પાકિસ્તાન કરે તો હમ કો કિસી કૂકોને કાંટા હૈ કિ હમ દેશ કા નામ પાક્સ્તાન કર દેંગે હાંય કયાં શોચા હૈ કમિનો???દેશનું નામ બદલવું ન પડે તે માટે વિપક્ષી મોરચો ઇન્ડિયા નામ બદલીને ભારત કરી નાખે તો દેશનું નામ બદલવાની ખાલી ખીટપીટ કરવી ન પડે તેવું શશી થરૂર ફરમાવે છે!!!
બ્રિટિશ સાહિત્યકાર વિલિયમ શેકસપિયરે કહ્યું છે કે વોટ ઇઝ ઇન ધી નેઇમ?? નામમાં શું બળ્યું છે દિયોર એવું મેહોણી બોલીમાં કહી શકાય!! ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતા કહે છે, ઘાટ ઘડયા પછી નામરૂપ જુજવા,અંતે તો હેમનું હેમ હોય!! દેશનું નામ આર્યાવર્ત હોય, હિન્દુસ્તાન હોય, ભારત હોય કે ઇન્ડિયા હોય!! આપણું મસ્તક ઉન્નત હોવું જોઇએ!! બાકી,નામ બદલવાથી નિયતિ અને નિયત બદલાઇ જતી નથી. જો આવું હોય તો રાજુ રદી પોતાનું નામ મહારાજાધિરાજ રાજવેન્દ્ર રદી કરવા માગે છે!!! ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button