તમારે ઇગના (મોટી ગરોળી) પાળવી છે? તો સુરતના હેરકટિંગ સલૂનના માલિકનો સંપર્ક કરો !!
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
“ગિરધરભાઇ. એક સવાલ પૂછું છું – બામ્બુ ચિકન કે વૃક્ષનું ચિકન કોને કહેવાય? રાજુએ માથું ખંજવાળવું પડે તેવો સવાલ પૂછ્યો.રાજુ રદી બોટોનિકલ એકસપર્ટની જેમ મારા ઘરનું માઇક્રો સ્કોપથી નિરીક્ષણ કરતો હોય તેમ ખૂણેખાંચરે ફરી વળ્યો. માનો કે ક્રાઇમ પેટ્રોલ કે સીઆઇડી સિરિયલનો એસીપી દયા ન હોય. !! નતીજો શું? બાબાજી કા ઠુલ્લું કે રાજુ ઉલ્લું !!
જો રાજુ, હું શુદ્ધ તૃણાહારી એટલે કે ઘાસફૂસ ખાનારો નિરામિષ આઇ મિન શાકાહારી છું. તને કોઇ એંગલથી સામિષ કે નોનવેજિટેરિયન લાગું છું કે તું મને તારા જેવા વાહિયાત સવાલ પૂછે છે? “મેં વરસાદ પહેલાં બફારો કે ઉકળાટ હોય તેવો આક્રોશ ઠાલવ્યો.
“ગિરધરભાઇ. ગરોળી પ્રજાતિની એક મોટી ગરોળી એટલે કે ગ્રીન ઇગનાને બાંબું એટલે વાંસનું ચિકન કે વૃક્ષનું ચિકન કહે છે. તે બ્રાઝિલ કે પેરુગ્વેની વતની છે.તેનું વજન નવેક કિલો અને ઊંચાઈ લગભગ બે મીટર હોય છે!! આમ તો તે પાંદડા, ડાળી આરોગે છે. ક્યારેક મેટાબોલિક જરૂરત સંતોષવા માંસ પણ આરોગે છે.તેને કપાળમાં ત્રીજી આંખ તરીકે ઓળખાતી પીનીઅલ કે પાર્શિયલ આંખ હોય છે. જે જોઇ શકતા નથી પણ પ્રકાશની વધઘટ અને ગતિ પારખી શકે છે.ઇગનાને ગાય, ભેંસ, કૂતરા કે ગધેડાની જેમ પાળી શકાય છે કે કેમ?? અલબત, તે દૂધ બૂધ આપે છે કે કેમ? જો દૂધ આપે તો કેટલા ફેટનું આપે છે અને તેનું ડેરીમાં ભરવામાં આવે છે કે નહીં તેની આધારભૂત કે બિનાધારભૂત વિગતો પ્રાપ્ય નથી. તેના છાણના છાણા કોના માથે થાપવામાં આવે છે તે પણ ખબર નથી. રાજુએ લીલી મોટી ગરોળીનું અર્ધદગ્ધ વીકીપીડિયા મારા માથા પર માર્યું!!
“હે !રાજુ કૃપા કરીને બતાવશો કે લીલા સિવાય કેટલા રંગની મોટી ગરોળી-ઇગના હોય છે? હું તેનું શ્રવણ કરવા ચાહું છું મેં રાજુને સંસ્કૃત ઇસ્ટાઇલમાં પૃચ્છા કરી.
“હે! વત્સ! રાજુ આગળ બોલવા જાય તે પહેલાં રોકયો.
“શું બોલ્યો દેવાનુમપ્રિય? મેં મોકે પે ચોકા નહીં પણ છકા લગાવ્યો!!
“સોરી ગિરધરભાઇ !! રાજુએ માફી માંગી અને રાજુ ઉવાચ “હે તાતતુલ્ય!ઇગના દરેક રંગમાં મેચિંગ રંગમાં પ્રાપ્ય છે.ગ્રીન, બ્રીલિયન્ટ ગ્રીન,ઓરેન્જ, યલો , બ્લુ, પર્પલ બ્લુ, બ્રાઉન, ટર્કવોઇઝ બ્લુ રંગના શેડમાં મળે છે!! રાજુએ સાડીના સેલ્સમેનની જેમ ઇગનાના રંગોની પારાયણ માંડી!
“રાજુ આ તારી ગરોળી રંગ બદલે? મેં પૂછયું
“એ કામ નેતાલોગને સોંપ્યું છે. આ ગરોળી કાંચિડો નથી કે ડોકું હલાવી હેન્ડપંપ ચલાવતો હોય તેમ થોડીવારમાત્ર ગળા- ગરદનના ભાગનો કલર બદલીને લાલ કરી નાંખે!! રાજુએ કહ્યું.
“રાજુ માણસ અજબ સ્પાઇસીસ છે, મા-બાપનું ઘડપણ બરાબર ન પાળે આપણે કચરો ડસ્ટબિનમાં ફેંકીએ એટલી સરળતા અને વિરકતવૃતિથી માબાપને ઘરડાઘરમાં ધકેલી આવે.,એ પાછા કૂતરાં, બિલાડાં, પોપટ, કાચબા, માછલાં પાળે. એને ફેન્સી કપડાં પહેરાવે, સમયસર ભોજન આપે, પગ છૂટો કરાવા બહાર લઇ જાય. પેટ મરી જાય તો છાપામાં મોટા ફોટા ( ભઇ કૂતરાંના – પોતાના નહીં) છપાવી ઘરે બેસણાં રાખે!! જૂનાગઢના નવાબને કૂતરાંના લગ્ન કરાવવા સિવાય કોઇ કોમધંધો ન હતો તેમ કહીએ તો ખોટું નહી. કેટલાક તો માથા ફરેલા સિંહ કે મગર પણ પાળે!! ઘરે પાછા લખાવે કે બી વેર ઑફ ડોગ્સ (ઓફ કોર્સ મેન ઓલ્સો!!). આનાથી ઊલટું કાંકરિયા ઝૂમા પ્રાણીના પાંજરા બહાર બિવેર ઓફ મેન એવું લખેલ હોય છે. જંગલમા સિંહણ તેના બચ્ચાંને કહે છે કે તારા ડેડ સૌથી વધુ કેરિંગ અને લિવિંગ છે. તે સાહસિક અને બહાદુર છે. યોર ડેડ ઇઝ ટ્રસ્ટવર્ધી ટુ!! બીજી બાજુ હરણી તેના બચ્ચાંને કહે છે કે જંગલમા સૌથી ક્રૂર, ખતરનાક અને ઘાતકી હોય તો તે સિંહ છે. તેનો ક્યારેય ભરોસો ન કરવો. પછી ભલે ચૂંટણી સમયે ગાંધી ટોપી પહેરી હાથ જોડી મધલાળ જેવા પાણીપાણી કરી નાંખે તેવા ગળચટા શબ્દ બોલી મતની ભીખ કેમ ન માંગતો હોય!!! મેં માણસની મનોવૃત્તિ સંભળાવી!!!
“ગિરધરભાઇ. સુરતના એક કેશ-કર્તન કલા કેન્દ્ર છે.આઇ મિન હેરકટિંગ સલૂન છે. તે યુનિસેકસ છે ,માત્ર મર્દાના હેરકટિગ સલૂન છે કે મહિલા બ્યુટી પાર્લર છે તેનો ઉલ્લેખ નથી. આ સલૂનના કર્તા,હર્તા , સમાહર્તા ( કલેકટર શબ્દનું અંગ્રેજી!!), નુકસાન કર્તા એટલે કે માલિકને અવનવો શોખ છે. કેટલાક લોકો ભક્તના નામે માણસો પણ પાળે છે બોલો! શું બોલે ?, કંકોડા ?? હેરકટિંગ સલૂનના માલિકે ઇગના નામે ઓળખાતી ગરોળી પાળી છે. કફનમાં ભલે કલર ચોઇસ મળતી નથી.પરંતુ,ઇગનાનાં કલર ચોઇસ મળે છે. મહિલાઓની કુર્તી, લેગિન્સ, સલવાર કે દુપટાના કલરને મેચ થાય તેવા પીળી, બ્લુ, ઓરેન્જ ઇગના પાળી છે. તેને ઇગના પર ક્રશ છે!! તેની ડ્રીમ ગર્લ છે. તે ઇગનાને
નાના બાળકની જેમ હાથમાં પકડી ફોટા પડાવે છે!!. તેને બ્રેકફાસ્ટમાં -ડીનરમાં પપૈયું, કોળું, સરગવાની શીંગ ખવડાવે છે! રાજુએ તાજું છાપું ખોલ્યું.
રાજુ મહિલામંડળ રસોડા-બેડરૂમમાં વાંદો, ગરોળી કે ઉંદર નીકળે તો ગામ ગાંડું કરે એવા ફોબિયાથી બિડાતી-રિબાતી હોય એવડી ઇ પેલાની દુકાને જાય છે. લાંબા જીભડા કાઢે ઉછળકૂદ કરતા તીણા અવાજે ઇઇઇઇઇ ગરોળી એમ ચીસાચીસ કરી તેના ગોરધનની પાછળ ભરાય છે?? પગ પછાડે છે?? ડોળા ચકળવકળ થઇ જતા નથી?? ફિટ કે વાઇ આવી જતી નથી ? “મેં કુતૂહલતાથી પૂછયું.
ગિરધરભાઇ શરૂ શરૂમાં એઝ યુઝવલ બાપડી બાળાઓ ડરતી હતી. દુકાનની નીચેથી ફોન કરીને પૂછે કે મારી શૌકયો-ઇગના છે? જો ન હોય તો જ આવતી હતી!! હવે ઇગના સાથે ચુઇ બોલી વાંકું મોંઢું કરી સેલ્ફી પર સેલ્ફી ખેંચાય છેરાજુએ સંજય દૃષ્ટિ મળી હોય તેમ સ્થળ પરથી લાઇવ બ્રેકિંગ ન્યૂઝ આપ્યા.
આ હ્યુમન ઇન્સ્ટ્રેટથી અભિભૂત થઇને કહે કે મારે પણ ઇગના પાળવી છે. મેં કહ્યું કે તને તારા માબાપ પાળેપોષે છે એ જ મોટી વાત છે, એમાં તને આવા ફિતૂર સૂઝે છે?
સાલ્લું, સાચું કહીએ તો પણ તકલીફ છે! રાજુ ઘોઘર બિલાડાની જેમ તોબરો ફુલાવી મારા ઘરમાંથી નાશી છૂટ્યો!!!!!