ઓછાયો
ટૂંકી વાર્તા -પ્રજ્ઞા પટેલ
વાદળછાયા આકાશમાં શરદપૂનમનો ચંદ્ર ઊગ્યો છે. સફેદ અજવાળાનો તેજપુંજ મહેકી રહ્યો છે. ખુલ્લી અગાસીના એક ખૂણામાં આરામખુરશી પર બેઠો બેઠો જયકર ચંદ્રને, આકાશને, વાદળને જોયા કરે છે.
ચારે તરફથી વાદળોથી ઘેરાયેલો ચંદ્ર અને એવાં જ ગાઢાં વાદળો દળો વચ્ચે ક્યાંય ક્યાંક દેખાતા આકાશના ટુકડા…
સરસ, સ્વચ્છ વાદળી રંગના, અસમાન આકારના આકાશના ટુકડા.. ટુકડાઓમાં વહેંચાયેલું અને તો ય અસીમ એવું એક આખ્ખું આકાશ… આખ્ખા આકાશને પોતાના પૂર્ણ ધવલ રૂપ-રાશિથી ભરી દેતો ગોળમટોળ ચંદ્ર…
વાદળો અને ચંદ્ર સંતાકુકડીની રમત રમી રહ્યા છે જાણે!
આકાશ, આકાશના ટુકડા, ચંદ્ર, ચંદ્રનું અજવાળું, અજવાળામાં તરતાં વાદળો, વાદળો ઓથેે લપાતો – છુપાતો – છુપાતો – લપાતો ચંદ્ર…
અજવાળાનું વિસ્તરતું જતું રણ…
પોચું પોચું, ભીનું ભીનું, સુંવાળું સુંવાળું, વિસ્તરતા વાદળોનું રણ….
રણમાં તરી રહી છે રૂની હોડીઓ, હોડીઓમાં તરતો સમય…
સમય? કેવો સમય? માણસથી અલગ કેવો હોઈ શકે સમય?
આ આખ્ખું આકાશ આ ક્ષણે મારી નાની કીકીઓમાં સમાઈ ગયું છે.
મારા વહી ગયેલા સમયને આજે ફરી પાંખો ફૂટી છે.
ઉદાસીઓ, કાળના ગર્ભમાં ઢબૂરાઈ ગયેલી ઉદાસીઓએ આજે એકસામટો વિદ્રોહ કર્યો છે. મારી ભાવવિભોર બની ગયેલી ઉદાસીઓ આજે મને ઘેરી વળી છે અને તારી રહી છે મને, મારી જેમ. પણ… મેં તો ઉદાસીને દેશવટો દીધાનેય વર્ષો વીતી ચાલ્યાં છે, મારા શરીર પર સુખ ઉપસવા લાગ્યું છે ને ચહેરા પર પણ પ્રસન્નતાનાં પુષ્પો પાંગર્યાં છે.
પૂનમનો ચંદ્ર માણસના મનને અસર પહોંચાડે છે… ક્યાંક વળી વાંચ્યું હતું કે પૂનમનો ચંદ્ર માણસને પાગલ પણ બનાવે, ભાવવિભોર પણ કરે.
પણ મને કેમ ઉદાસીઓ ઘેરી વળી છે? ના… ના…
‘શું વિચારો છો આમ એકલા એકલા?’ સરોજે બાજુની ખુરશી પર બેસતાં હળવેથી પૂછ્યું.
‘હં… કંઈ નહીં. એ તો આજે પૂનમ છે ને? ચંદ્રને જોઈ રહ્યો હતો.’
‘કેમ, ચંદ્રને, પૂનમના ચંદ્રને કોઈ દિવસ જોયો જ નથી કે શું?’
‘આવો ચંદ્ર તો આજ પહેલી વખત જ જોયો.’
‘તમને ક્યાં કશું યાદ રહે છે?’
‘કશુંય ભુલાતું નથી એની પીડા તું શું જાણે? એનાથી સહસા બોલાઈ જવાયું. સરોજે ચમકી – ‘શું, શું બોલ્યા તમે… મને કંઈ સંભળાયું નહીં…’ કહ્યું ને એ વાતને ગળી ગયો.
સરોજ પણ થોડીવાર આકાશ – વાદળ – ચંદ્રની રમત જોઈ રહી.
થાકી. આંખો બંધ કરી એમ જ બેસી રહી.
‘સરોજ તને યાદ છે…’
‘શું? તમે કંઈક યાદ કરાવો તો ખબર પડે ને?’
‘કેટલાં વર્ષ થયાં એ વાતને? બાર? લગભગ ૧૩-૧૪ વર્ષ થયાં હશે. ત્યારે દર પૂનમે હું તારા ત્યાં આવતો. એક જ ઈચ્છાની આંગળી પકડી હું તારી પાસે દોડી આવતો – તારા સાંનિધ્યમાં પ્રવાહિત બની વહી જવા, તારી સાથે થોડીક ક્ષણો, સભર ક્ષણો જીવવા. તમે સાંભળવા.મને થતું – તું કંઈક કહેતી રહે ને હું સાંભળ્યા જ કરું, સાંભળ્યા જ કરું. રાત અંધારાની જેમ ચૂપચાપ ઓગળતી રહે અને બસ, પૂનનના અજવાળામાં તને જોયા જ કરું, જોયા જ કરું’
‘હં, યાદ છે.’
‘મને થતું, મારા નાના નાના સુખ તારી સાથે ઊજવું, મારા નાના નાના આનંદ તારી સાથે વહેંચું. તારી જીવનછાબ મારાં સ્નેહ – પુષ્પોથી ભરી દઉં.’
‘આ ક્ષણે પણ આપણે સાથે જ છીએ ને?’
‘સાથે હોવા-હોવામાં પણ ઘણા ફરક હોય છે… સરોજ, કદાચ, આજે હું બોલું તો બોલવા દે જે. તું મને સ્વીકાર સાથે નહીં સાંભળે તો પણ ચાલશે, પણ સાંભળવાનો ડોળ કરી આમ જ બેસી રહેજે આંખો બંધ રાખીને. નહીં તો… નહીં તો… બસ, એક આટલું અજવાળું ને એક આટલું અંધારું – મને વ્યક્ત થવા દે જે. હું ગૂંગળાઈ જાઉં એ પહેલાં…’
‘જયકર, તમારી તબિયત તો સારી છે ને? સરોજે બેઠા થઈ એના હાથ પકડી લીધા, કપાળે હાથ મૂકી જોયો, એની છાતી પર હાથ ફેરવ્યો.
‘મને કંઈ થયું નથી, પણ મને લાગે છે કે હવે સંતાકૂકડીની રમત પૂરી થાય તો સારું.’
‘તમે શું કહો છો? મને તો કંઈ જ સમજાતું નથી. ચાલો, આપણે અંદર રૂમમાં જઈ સૂઈ જઈએ.’ સરોજે ઊભા થઈ એનો હાથ પકડ્યો.
‘ના આજે તો નહીં જ અટકું. જો આજે અટકી પડીશ તો… મને આજે સાંભળ. મેં તો સતત, સતત એમ જ ઈચ્છયું હતું કે તું કંઈક કહે, કંઈક બોલે, તારી અવ્યકતતાના અભિશાપને દૂર હડસેલી મારી સાથે તારાં સુખ – દુ:ખ વહેંચે… પણ…’ જયકરે હાથ પકડી સરોજને એની બાજુમાં બેસાડી દીધી.
પૂર્ણ ચંદ્રને એ જોઈ રહ્યો. વિહ્વળ સરોજ એની આંખમાં ઝીલાતા ચંદ્રના પ્રતિબિંબને જોઈ રહી.
‘સરોજ, તું બધું જાણે છે, બધું જ સમજે છે. તું મારી રગેરગને બરાબર ઓળખે છે. હું શું કહેવી જાઉં એ પણ તું જાણે છે, પરંતુ તારી હંમેશની એ આદત કે, જાણીનેય સાવ અજાણ્યા રહેવું, સામેના માણસને વિહ્વળ બનાવી પોતે અવ્યક્ત, અદૃશ્ય બની જવું, જવાબો વિનાના પ્રશ્ર્નો આપવા અને… મને શબ્દો નથી જડતા… તારી અવ્યક્તતા મારી વ્યક્તતાને ભરખી ગઈ છે. સરોજ, એક આટલું આળ તો તું સ્વીકારી લે જે.’
‘તમે, તમે મને કદી કોઈ આળ આપી જ ન શકોને… ને એ તો મારો સ્વભાવ જ છે. તમે તો પહેલાંથી મને જાણો છો…’
‘હા, હું તને જાણું છું એ કદાચ નર્યો ભ્રમ હોઈ શકે મારો.’
‘તમને આજે થયું છે શું?’
‘કંઈ નહીં, મારી અંદર સતત સતત જાગતા રહેતા અભાવે આજ મને ઉદાસ કર્યો છે, રૂંવેરૂંવેથી મને તીક્ષ્ણ નહોર માર્યા છે, મને થાય છે – આવા ભ્રામક – દંભી જીવનનો પણ શો અર્થ?’
‘પ્લીઝ જયકર, ચાલો આપણે ઘરમાં જઈ સૂઈ જઈએ, મને ખૂબ ચિંતા થાય છે, કદી નહીં ને તમે આમ આજે…’
‘હા, આજે હું વર્ષો પછી મને પરત મળ્યો છું, હતો તેવો એકલો ને સાવ અટૂલો… આ વચ્ચેના વર્ષો તો કાળમીંઢ ખડક સમાં… એ ભારની તીવ્ર અનુભૂતિ આજે પીડી રહી છે…’
‘જયકર, તમે કેવી વાત કરો છો? હું… કોણ છું તો પછી?…
‘એ જ હું તને પૂછવા માગું છે. આ જ પ્રશ્ર્ન મારી જાતને પૂછી પૂછીને હું થાકી ગયો છું, ખૂબ થાકી ગયો છું.
‘મારા ગળામાં આ મંગલસૂત્ર તમે જ પહેરાવ્યું હતું ને?’
‘હા… તેથી શું? મને એમ હતું કે, જવા દે… જવા દે એ વાત…’
‘જયકર, હંમેશની જેમ વિરોધ કરવાની આદત છોડી આજે હું તમને સાંભળીશ. કહો જયકર, કહો. તમારે જે કહેવું હોય તે…’
‘મને કદી મારી વાત કરવા, એમાંય મારી દુ:ખની વાત કરવા શબ્દો નથી જ્ડયા. હું તો હંમેશ તને સાંભળતો રહ્યો છું, પણ મને લાગે છે કે, આપણે એકબીજાંને છેતરી રહ્યાં છીએ. આપણી જાતને છેતરી રહ્યાં છીએ.’
‘મને તો એવું કદી નથી લાગ્યું. બસ, હું તો તમારા સાંનિધ્યમાં જીવી છું, સુખથી જીવું છું…’
‘તું આવું સહજપણે કહી શકે છે, કારણ કે તું વ્યક્ત થવા નથી માગતી, પણ મને ઘણી વખત એમ લાગે છે કે… આપણું લગ્ન એ માત્ર સમાધાન હતું, જિંદગી સાથેનું સમાધાન, નહીં તો…
‘કહો, હું સાંભળું છું, આગળ જે કહેવું હોય તે…’
‘કેવા સંજોગોમાં આપણું લગ્ન થયું એ તો યાદ નહીં કરાવું તો પણ ચાલશે. મારે તો મારા પ્રેમને સાબિત કરવાનો હતો, મારી મૈત્રીને અમર બનાવવાની હતી ને… ને તારા બાળકને મારું નામ આપવાનું હતું! એય હતો તો મારો મિત્ર, જેના ગળાડૂબ પ્રેમમાં તું હતી ને હું હતો તારા અભાવના ઘેનમાં ચકચૂર. આજે તો એ તારો – આપણો દીકરો દીપ મોટો થઈ ગયો છે… એ… એ સાંજે આવીને તે કહેલું મને આજેય એવું ને એવું જ યાદ છે… તેં કહેલું – જયકર, તું તો મારી સાથે તારા નાના નાના સુખ જ વહેંચવા આવતો હતો ને? આજે હું તારી સામે આવીને ઊભી છું – મારી આખી જિંદગી તારી સાથે વહેંચવાનો પ્રસ્તાવ લઈને. બોલ, તૈયાર છે ને તું? મને ખબર છે, તું મને તારી જાત કરતાંય વધારે ચાહે છે. તું ના કહી જ ના શકે. આમાં વિચાર ન હોય, તરત જ જવાબ હોય. મારો હાથ તારી સામે લંબાવી ઊભી છું… મારી જીવનછાબમાં તું જ અંધકાર કે ઉજાસ… ચાહે તે ભરી શકે છે… જયકર… શું વિચાર કરે છે…
…ને મેં તારા હાથમાં મારો હાથ મૂકી દીધો હતો.
…તારા જીવનછાબમાં મારા થકી શું ભરાયું તે હું નથી જાણતો. પણ આ ક્ષણે મને મારી જીવનછાબ અભાવથી છલકાતી લાગે છે…
‘હા, જયકર, મને બધું યાદ છે, એમ સરળ રીતે કેમ ભૂલી શકાય?’
‘હા, મને હતું કે તું તારા ભૂતકાળને ભૂલી જઈશ. મારી સાથે જિંદગીના રસ્તે મારી હમદર્દ બનીને ચાલીશ… મેં સતત તને નિરખ્યા કરી, સતત તને માપ્યા કરી. આમ તો એવી કોઈ વાત નહોતી કે ક્યાંય કશું તારામાંથી વ્યક્ત થાય, છતાં મને લાગે છે કે, એ તારું પરાણે કરવું પડેલું એકમાત્ર સમાધાન જ હતું, માત્ર સમાધાન. હું સાબિત થઈને રહ્યો એક વિકલ્પ માત્ર, વિકલ્પ. ને મને આ વિકલ્પ બન્યાનો ડંખ પીડ્યા કરે છે…’
‘પણ મેં તો તમને કદીય એ રીતે મૂલવ્યા નથી, મને ક્યારેય નથી લાગ્યું કે મેં સમાધાનની જેમ તમારો સ્વીકાર કર્યો છે, જયકર…’
‘તને ભલે ન લાગ્યું હોય, પણ મેં એ પળેપળ અનુભવ્યું છે. કદાચ, દોષ તારો નથી જ નથી, પણ એક આ મન છે ને, સમજાવ્યું ય નથી સમજતું. જે નથી તે સામે લાવીને ખડું કરે છે. મારી જિંદગીનાં તમામ સુખ અને બધા જ આનંદથી તારા વર્તમાનને ભરવાની મેં કોશિશ કરી છે, એય કદાચ કોઈ ઝીણા અહમ્ને સંતોષવા જ થતું. – તને આપ્યા જ કરું, તું લેતા થાકે તેટલું પણ મેં જોયું તો – તને એ કશાની જાણે અપેક્ષા જ નહોતી, પરવા જ નહોતી. તારા ચહેરા પરની એ જ અગમતા એવી ને એવી જ અકબંધ રહેતી ને હું અંદરથી વલોવાઈ જતો, હું થાકી જતો, હારી જતો. તને જાણે કશી અસર જ નહોતી થતી.
… સરોજ, ક્યારેક મને એમ પણ લાગતું કે, તારી સમક્ષ મારું અસ્તિત્વ જ નહોતું રહેતું. બધું એટલું તો તારા મૂક પ્રભાવમય બની જતું કે… હું કંઈ વ્યક્ત જ ન કરી શકતો. મને થતું, ક્યારેક તું ભાવુક બનીને, અકળાઈને કે ગુસ્સે થઈને પણ કંઈક કહેશે, વ્યક્ત થશે, પણ… મારી અપેક્ષાઓ બુઠ્ઠી ને બુઠ્ઠી જ સાબિત થતી રહી.
…હા, શરૂમાં દુષ્ટ મન એમ પણ વિચારતું કે, સરોજ સાથે બદલો લઈશ, એના જીવનના કણકણમાં વ્યાપીને, એના આપેલા અભાવોનો બદલો લઈશ, એને રૂંવેરૂંવેથી તડપાવીશ, મારા પ્રેમ માટે એને તરસાવીશ… પણ ત્યારે ને તોય તું તો એવી જ અકળ – ખામોશ રહી. મારો થાક, મુંઝારો વધતો ગયો. મારી હાર ગાઢી થતી ચાલી.
… સરોજ, જે ક્ષણે મેં તારો સ્વીકાર કર્યો, એ જ ક્ષણે મેં નક્કી કર્યું હતું કે, મારું ને સરોજનું – બીજું બાળક હું નહીં થવા દઉં. ક્યારેક તારા પેલા બાળકને અજાણતાં પણ અન્યાય થઈ જાય તો…! સરોજ, દીપને મેં મારો પોતાનો અંશ જ ગણ્યો છે… છતાં ક્યારેક એવી લાગણી થઈ આવે કે… સરોજ, દીપના ચહેરાની રેખાઓમાં મેં મને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો છે, એનામાં મારા અણસાર… મારા અંશ શોધવા હું ફાંફાં મારતો રહેતો… એના હોવાપણામાં હું મારું હોવાપણું ક્યાંય શોધી ન શકતો ને ત્યારે મને જે પીડા થતી તે તું સમજી શકે છે? રાતોની રાતો તારા પડખે હું જાગતો પડી રહેતો એનો તને અંદાજ પણ નથી…
… સરોજ, મારા એવા તે કયા અપરાધ હતા કે…
બંને ક્યાંય સુધી ખામોશ રહ્યાં.
‘જયકર, તમે મને માત્ર માપ્યા કરી અને તેમાં તમે મને પામવાનું ચૂકી ગયા. જરાક તમે મારા હૃદયમાં સ્વસ્થ, શાંત હૃદયે ઝાંક્યું હોત તો…’
‘તો પછી તારી આ અવ્યક્તતા, તારી અડગ ખામોશી… એ શું?’
‘જયકર, મેં તો સંપૂર્ણપણે તમારી શરણાગતિ સ્વીકારી હતી. તમને ભલે આ એકબીજાને છેતરવાની રમત લાગી હોય, મેં એવું ક્યારેય અનુભવ્યું નથી.
ને જયકર, બધું તો શબ્દોથી વ્યક્ત કરવું એટલું જરૂરી પણ નથી હોતું ને? હું જાણું છું, તમને એમ હશે કે, જે સંજોગોમાં તમે મને ગ્રાહી તે વિશે તમારી ક્ષમા ચાહું, વારંવાર દિલગીરીઓ વ્યક્ત કરતી રહું, તમારા પ્રત્યે અહોભાવ પ્રગટ કરતી રહું… પણ જયકર, એટલું મારાથી ન થઈ શક્યું.ને કઈ રીતે થઈ શકત? જે ક્ષણે તમારા હાથમાં મેં હાથ મૂક્યો તે જ ક્ષણે પાછલી જિંદગીને મેં પાછી વાળી દીધી હતી – હંમેશ માટે.’
‘સરોજ, તો પછી… તો પછી મને કેમ એ અનુભૂત ન થયું? હું એટલો તો નાસમજ નથી જ ને? ‘સાચી વાત માની શકો તો આ વાત સાચી માનજો. નહીં તો એનેય જૂઠી માની શકો છો. જયકર, તમે શું જાણો મારી વ્યથા, કદાચ કદી નહોતું થયું એ દુ:ખ મને આજે થયું છે. મને પણ આજે તમે વ્યક્ત થવા દેજો. તમે મને સમજવામાં આટલી ગેરસમજ કરી, તમે?…
…જયકર, મેં તો ઈશ્ર્વરની લગોલગ મારા હૃદયમાં તમને સ્થાપીને તમારી આરાધના કરી છે. આ અજવાળાની સાક્ષીએ ખોટું તો નહીં જ બોલું. હંમેશ મેં તમને ખુશ જોવા ઈચ્છયા છે. મારી કોઈ વાતથી તમને જરાપણ દુ:ખ ન પહોંચે તે માટે પ્રયત્નો કર્યા છે, ને માટે જ.. તમારી જે અપેક્ષા હતી એ કદાચ અધૂરી રહી. હું એટલી તો તમારામય બની ગઈ હતી કે, મારું કોઈ અલગ અસ્તિત્વ, અલગ અવાજ જ મેં રહેવા ન દીધો. ને તમે મને બહાર શોધવા ફાંફાં મારતા રહ્યા… હું તો તમારા અંતરતમમાં વ્યાપી ગઈ હતી, હા જયકર…’
‘હા જયકર, બસ, એક અજાણ્યા અપરાધભાવે મને ભીંસી દીધી હતી, એવો અપરાધભાવ – જેને હું દૂર કરી શકતી નહોતી. તમારા જેવા નખશિખ ઉમદા અને પ્રેમાળ માણસને અન્યાય કર્યાનો અપરાધભાવ… એવો તીવ્ર એ ભાવ કે, એની સભાનતાથી પણ ડરતી, એને દૂર રાખવા મથતી… જયકર, બની શકે તો મને માફ…’
‘સરોજ…’ જયકરે સરોજની હથેળીમાં પોતાનો ચહેરો સમાવી દીધો.
‘જયકર, મારા હૃદયના પૂજાઘરમાં એકમાત્ર તમારી છબીની જ મેં…’
‘પણ સરોજ, તમે મને થોડો થોડો માણસ બની રહેવા દીધો હોત તો…’
‘હું શું કરું એમાં? તમે મારી સામે એટલા તો મહાન સાબિત થતા રહ્યા કે… માણસે આટલા સારા પણ ન બનવું જોઈએ કે…’
‘સરોજ, જો તો, મારી સામે જો તો જરા…’ એણે સરોજનો ચહેરો ઊંચો કર્યો, જોયું તો અશ્રુધારાઓ ચહેરા પર વહેતી બે નદીના પ્રવાહની જેમ અજવાળામાં ચમકતી હતી.
‘દુર્ઘટનાઓ તો ભૂલી જવા માટે જ હોય છે જયકર. કદીયે વ્યક્ત નહોતી કરવી એ દુર્ઘટના, એ દુ:સ્વપ્ન આજ ફરી યાદ કરાવીને તમે… કદાચ, સારું જ થયું.’
‘હા સરોજ, નહીં તો હું હજુય મને છેતર્યા જ કરત. સરોજ, સાચે જ હું મારા અભાવોની આળપંપાળમાં સાચું સુખ અનુભવવાનું પણ ભૂલી ગયો હતો. મારા પરનો એ ઝળૂંબતો ઓછાયો આજે દૂર હટી ગયો છે… નહીં તો… સરોજ…’
સરોજના ખોળામાં માથું રાખી એ પડી રહ્યો. સરોજ એના માથે હાથ ફેરવતી રહી. બંને એકબીજાના ચહેરાની પહેલી વખત જોતા હોય એમ જોઈ રહ્યા.
એમની ભીની આંખોમાં સ્વચ્છ આકાશ વચ્ચેનો પૂર્ણ પ્રકાશિત ધવલ ચંદ્ર પ્રતિબિંબિત થતો હતો…
વાદળદળો વિખરાઈ ગયાં હતાં!