વીક એન્ડ

આલીશાન હોટેલ્સમાં છુપાયેલા ડાર્ક સિક્રેટ્સ!

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

દિવાળી વેકેશનમાં ઘણાએ ઠેકઠેકાણે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હશે, ને મોટા ભાગનાએ ક્યારનું ય બુકિંગ પણ કરાવી દીધું હશે. તમારા પ્રવાસનો સૌથી મહત્ત્વનો હિસ્સો ગણાય એવું કોઈ સ્થળ હોય, તો એ છે હોટેલ. ગમે ત્યાં પ્રવાસે જાવ, અને રખડવાના ગમે એટલા શોખીન હોવ, તો પણ રાત્રિ રોકાણ/આરામ માટે તેમજ દેહધાર્મિક ક્રિયાઓ માટે તમને કોઈ એક આશરાની જરૂર પડે જ! જે લોકો પોતાનો તંબુ સાથે લઈને રખડપટ્ટી કરવાવાળા છે, એમની વાત જુદી છે, બાકીના બધાએ રૈનબસેરાની જરૂરિયાતો સંતોષવા માટે હોટેલ્સ પર જ નિર્ભર રહેવું પડે છે, પણ હોટેલ ઉદ્યોગની કેટલીક કાળી બાજુઓ પણ છે. આમ તો આ બધું ‘ઓપન સિક્રેટ’ જેવું છે, તેમ છતાં આપણે એને હોટેલ ઉદ્યોગના ‘ડાર્ક સિક્રેટ્સ’ તરીકે ઓળખીશું.

બાય એન્ડ લાર્જ જોઈએ તો ત્રણ પ્રકારના ડાર્ક સિક્રેટ્સ હોઈ શકે છે. પહેલું ડાર્ક સિક્રેટ એટલે હોટેલ્સમાં ચાલતા ગોરખધંધા. એમાં દાણચોરીથી માંડીને દેહવ્યાપાર સુધીના તમામ ગુનાઓ આવી ગયા. કેટલીક વાર હોટેલ્સનો ઉપયોગ માનવ તસ્કરી જેવા અત્યંત હીન કક્ષાના ગુનાઓ આચરવાના પ્લેટફોર્મ તરીકે પણ થાય છે. પણ આપણું ફોકસ આ નહિ, પણ બાકીના બે ડાર્ક સિક્રેટ્સ પર રહેશે. આ સિક્રેટ્સ એટલે હોટેલમાં આવેલા ખુફિયા કમરાઓ અને ભૂતિયા નિવાસીઓ!

સિક્રેટ રૂમ્સ: …જ્યારે ‘છીંડું શોધતા લાધી પોળ’!

શું તમને ખબર છે, મોટા ભાગની હોટેલ્સમાં ‘સિક્રેટ રૂમ્સ’ હોય છે? આમ તો ફિલ્મોમાં આપણે આવી અનેક હોટેલ્સ જોઈ ચૂક્યા છીએ જેના ખાસ રૂમ્સમાં અન્ડરવર્લ્ડ ડોનનો દરબાર ભરાતો હોય, પણ મોટા ભાગની હોટેલ્સમાં નાના-મોટા સિક્રેટ રૂમ્સ હોવાની વાત વાસ્તવિક છે. હા, એ ખરું કે આ રૂમ્સ હંમેશાં ઊંધા-ચત્તા ધંધા માટે જ વપરાતા હોય, એ જરૂરી નથી. ક્યારેક સ્ટાફની અવરજવર માટે, મહેમાનો ડિસ્ટર્બ ન થાય એવા હેતુસર સિક્રેટ પેસેજીસ બનાવવામાં આવે છે. તો ક્યારેક વળી સ્ટોર રૂમ તરીકે વાપરવા માટે એક એવો રૂમ બનાવવામાં આવે છે, જે ઝટ મહેમાનોની નજરે ન ચડે એ રીતે પ્લાન થયો હોય. અમુક હોટેલ્સમાં કેટલાક માનવંતા મહેમાનો નિયમિત રીતે આવતા હોય છે. આવા મહેમાનોની સગવડ સચવાઈ રહે, અને વીઆઈપી મહેમાનોની પ્રાઈવસી પણ જળવાઈ રહે એટલા માટે થઈને હોટેલ્સ કેટલાક અલાયદા રૂમ્સ ફાળવી રાખે છે. આ રૂમ પણ બીજા સામાન્ય વિઝીટર્સની પહોંચ બહાર હોય છે.

એવું સાંભળ્યું છે કે બોલીવૂડના એક અત્યંત મોટા ગજાના કલાકાર પોતાની ખાસ મીટિંગ્સ માટે એક મોટી-આલીશાન હોટેલનો સ્યૂટ કાયમ બુકડ રાખે છે! જેમ બિઝનેસમેન
મીટિંગ માટે કોર્પોરેટ ઓફિસમાં ભેગા થાય, એમ આ મેગાસ્ટાર પોતાના મુલાકાતીઓને હોટેલના રૂમ પર બોલાવી લે છે.

બની શકે કે બીજા સેલિબ્રિટીઝ અને દિગ્ગજો પણ આવું કરતા હોય. ખાસ કરીને જ્યારે દુનિયાની કે પાપારાઝીઓની
નજરથી બચીને સેલીબ્રીટીઝ કોઈ મહત્ત્વની મીટિંગ કરવા માગતા હોય, ત્યારે આવા કાયમી બુકડ રૂમ્સમાં મીટિંગ ગોઠવાઈ જતી હોય છે. જરૂરી નથી કે આવી મીટિંગ્સ કાયમ ‘ડાર્ક સિક્રેટ’ ધરાવતી હોય.
કોઈ હોટેલમાં આ પ્રકારના રૂમ્સ હોય, તો એ નોર્મલ બાબત ગણાય. કેમકે એનાથી બાકીના મુસાફરોને કોઈ જોખમ હોતું નથી, પણ ક્યારેક હોટેલ્સમાં આવેલી આવી ખુફિયા જગ્યાઓ તમારી કરોડરજ્જુમાંથી ભયનું લખલખું પસાર કરાવી દે એવી હોય છે! એક કિસ્સો જાણવા જેવો છે.

૨૬ જૂન, ૨૦૨૩ના રોજ ન્યૂયોર્ક પોસ્ટ પર પબ્લિશ થયેલા ન્યૂઝ આવી જ ડાર્ક સાઈડનો ઉલ્લેખ કરે છે. થયું એવું કે ડાયેના અલ્વારેઝ નામની યુવતી મુસાફર તરીકે કોઈ એક હોટેલમાં રોકાઈ. એ જે રૂમમાં રોકાયેલી, એમાં ખાંખાખોળા કરતા ડાયેનાને ખ્યાલ આવ્યો કે બાથરૂમમાં જે વોર્ડરોબ મૂકવામાં આવ્યું છે, એના પાર્ટિશનમાં પોલાણ છે. મોટી મોટી હોટેલ્સમાં રૂમ કી તરીકે ચાવીને બદલે કાર્ડ હોય છે, જેને દરવાજાના લોકમાં સ્વાઈપ કરીને ડોર ખોલી શકાય છે. ડાયેનાએ પાર્ટિશનની તિરાડમાં પોતાની રૂમ-કીનું કાર્ડ સ્વાઈપ કરીને પાટિયું સહેજ ઊંચકવાની કોશિશ કરી જોઈ. એ પછી જે જોવા મળ્યું એ કોઈ થ્રિલર કે હોરર ફિલ્મના દ્રશ્ય જેવું હતું! પાર્ટિશન આસાનીથી ખૂલી ગયું અને પાછળથી એક ગુપ્ત પેસેજ મળી આવ્યો! હકીકતે ડાયેના માટે તો અહીં ‘છીંડું શોધતા લાધી પોળ’ જેવો ઘાટ થયો, કેમકે વોર્ડરોબના પાર્ટિશન પાછળના પેસેજની સાથે જોડાયેલો એક મોટો-અંધારિયો રૂમ પણ દેખાયો! ડાયેનાએ આ આખા ઘટનાક્રમનો વિડીયો ઉતારીને ટિકટોક પર અપલોડ ન કર્યો હોત, તો આ વાત કોઈ માનવા તૈયાર ન થાત!

ડાયેનાએ એ હોટેલનું નામ જાહેર નથી કર્યું, પણ વીડિયોમાં દેખાતો લકઝુરિયસ બાથરૂમ જોઈને લાગે છે કે આ કોઈક ફાઈવ સ્ટાર હોટેલ હશે, પણ વોર્ડરોબની પાછળ જે ખુફિયા પેસેજ અને એની સાથે જોડાયેલો અંધારિયો રૂમ જોઈને કોઈ ભૂતિયા સ્થળે આવી ગયા હોવાનું લાગ્યા વિના રહેતું નથી! હવે આવો પેસેજ અને રૂમ કયા કારણોસર બનાવવામાં આવ્યા છે, એ તો હોટેલ માલિક જ જાણે!

દુનિયાની કેટલી હોટેલ્સમાં આવા સિક્રેટ રૂમ્સ હશે? અને આ દિવાળી વેકેશનમાં તમે જે હોટેલમાં જઈને રહેવાના છો, એમાં આવો સિક્રેટ રૂમ કે પેસેજ હશે કે નહિ, એ કઈ રીતે ખબર પડશે?

ડાર્ક, બટ ફ્રેન્ડલી!

અને હવે ભૂતિયા અનુભવોની વાત! www.cntraveler.com નામક વેબસાઈટ્સ વિશ્ર્વભરના પ્રવાસન સ્થળો વિશે વિગતો આપે છે, સાથે જ પ્રવાસીઓના જ્ઞાનમાં વૃદ્ધિ થાય એવી માહિતી કે જ્ઞાન પણ પીરસે છે. જેમકે હાલમાં આ વેબસાઈટે ઇઝરાયલમાંથી બહાર નીકળવા અંગેનો આર્ટિકલ પબ્લિશ કર્યો છે. સાંપ્રત સંજોગોમાં મિડલ-ઇસ્ટના તણાવને કારણે ઇઝરાયલમાં ફ્લાઈટ્સની આવન-જાવન પર પ્રતિબંધ છે, માત્ર પ્રવાસીઓના સ્થળાંતરની (evacuation) પ્રક્રિયા જ ચાલુ છે. હવે રસ પડે એવી બાબત એ છે કે આવડી આ વેબસાઈટે ૨૦૨૨માં વિશ્ર્વની એવી ૪૪ હોટેલ્સની માહિતી પબ્લિશ કરેલી, જેની છાપ ભૂતિયા હોટેલ્સ (Haunted Hotels) તરીકેની હોય! આ બધી કંઈ હાઈવે પર જોવા મળતી રોડ સાઈડ હોટેલ્સ કે સ્ટેશન વિસ્તારમાં કતારબંધ જોવા મળતી હોટેલ્સ જેવી નથી. બલકે આપણા જેવા સામાન્ય માણસોના ગજવાની સાથે સાથે ચામડી ય ચિરાઈ જાય એવું તોતિંગ ભાડું વસૂલતી ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર હોટેલ્સ છે!

સિએટલની બેસ્ટ હોટેલ તરીકે હોટેલ સોરેન્ટોની ગણના તરીકે થાય છે. કોસ્ટલ ઇટાલીયન આર્કિટેક્ચર થીમવાળું ઇન્ટિરિયર ધરાવતી આ હોટેલ એક અજબ પ્રકારના ભૂતનું ‘નિવાસસ્થાન’ હોવાનું મનાય છે. એલિસ બી. ટોકલાસ નામક સજ્જન વીસમી સદીના એક કળાપ્રેમી અને સાચા કળાપારખુ વ્યક્તિ હતા, પણ એમની આ કળાપ્રીતિના ‘પરચા’ આજે પણ હોટેલ સોરેન્ટોના મુલાકાતીઓને મળતા રહે છે. જ્યારે જીવિત હતા ત્યારે ટોકલાસ સાહેબ વારંવાર હોટેલ સોરેન્ટોના રૂમ નંબર ૪૦૮માં રોકાતા. મૃત્યુ પછી પણ એમની આ આદત છૂટી નહિ. આજે પણ આ રૂમ અને એની આજુબાજુના વિસ્તારોમાં એલિસ બી. ટોકલાસની ‘હાજરી’ વર્તાતી રહે છે. જો કે કળાના આ ચાહકે ક્યારેય કોઈ મહેમાનને હેરાન નથી કર્યા. બસ, પોતે હાજર છે, એની નોંધ લેવાય એટલું જ એમના માટે પૂરતું છે!

કેનેડાના બેંફ ખાતે આવેલી હોટેલ ફેર્મોન્ટ બેંફ સ્પ્રિંગ ઇસ ૧૮૮૮માં બનાવવામાં આવેલી. આ હોટેલ પણ પોતાના ગોથિક આર્કિટેક્ચરને કારણે અત્યંત ભવ્ય દેખાવ ધરાવે છે. અધૂરામાં પૂરું આસપાસના ઊંચા બરફ આચ્છાદિત વૃક્ષો એક ગજબ ચીલ-ફીલ આપે છે, પણ તમારા ગાત્રો ઠંડા પાડી દે એવી હકીકત તો એ છે કે આ હોટેલમાં કેટલાક નિયમિત મુલાકાતીઓ એવા છે, જેમનો જમાનો અને જીવન ક્યારનાય વીતી ચૂક્યા છે! દાખલા તરીકે વિતેલી સદી દરમિયાન હોટેલમાં
યોજાયેલ કોઈક લગ્ન સમારંભ વખતે ખુદ દુલ્હનનો પગ લપસ્યો, અને બિચારી પથ્થરના પગથિયાંને કારણે થયેલી ઇજા એના મૃત્યુનું કારણ બની. કહેવાય છે કે હજી યે એ કોડભરી ક્ધયા પ્રિયતમની વાટ જોતી ‘દુલ્હન’ની માફક હોટેલ ફેર્મોન્ટમાં જ રોકાઈ છે!

સેમ નામનો એક જૂનો કર્મચારી પણ આ હોટેલનો ‘કાયમી નિવાસી’ છે. સેમ ઇસ ૧૯૭૫ સુધી અહીં બેલમેન તરીકે નોકરી કરતો હતો, પણ આજે ય કોઈક મુસાફરને ભારે સામાન લઇ જવો હોય અને નજીકમાં કોઈ કર્મચારી હાજર ન હોય ત્યારે ફરજનિષ્ઠ સેમ દાદા મુસાફરની મદદે હાજર થઇ જાય છે, અને પછી એ ક્યારે અદ્રશ્ય થઇ ગયા, એની પેલા મુસાફરને સૂધ રહેતી નથી! જો કે સેમ દ્વારા પણ કોઈ મુસાફરને હેરાન કરવામાં નથી આવ્યા.

સો ફ્રેન્ડ્સ, આ તો થઇ ડાર્ક, છતાં ફ્રેન્ડલી સિક્રેટ્સની વાત. આ તો દિવાળી વેકેશનમાં તમે કોઈક હોટેલમાં રોકાવાના હોવ, તો આ બધું યાદ કરીને ડરો નહિ એટલા માટે ફ્રેન્ડલી ઘોસ્ટ્સની જ વાત કરી. બાકી મોટી મોટી હોટેલ્સના દરેક ‘સિક્રેટ્સ’ આવા ફ્રેન્ડલી નથી હોતા, પણ એમની વાત ફરી ક્યારેક.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?