વીક એન્ડ

ડબ્બા ગ્રુપ જલસા હી જલસા!

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

‘તું ડબ્બામાં છો કે નહીં? તને ડબ્બામાં લેવો પડશે, ડબ્બામાં જલસા જ જલ્સા! ’

એલા, ડબ્બામાં શેના જલ્સા?

હા ભાઈ, આ વોટ્સઅપ ગ્રુપ છે ‘ડબ્બા ગ્રુપ’ લંગોટિયા મિત્રોનું, લેન્ડલાઇન ફોન જ્યારે લક્ઝરી ગણાતો, ટ્રાંજિસ્ટર પણ એરિયલ વાળો આવતો, વોકમેન ફેશન ગણાતો, શેરી રમતોની ચેમ્પિયનશીપ ગોઠવાતી, રોજ ઓટલા પરિષદ ભરાતી અને અલક મલકની વાતો કરતા એ સમયનાં સુપર ચેમ્પ બાળકોનું સુપર ગ્રુપ એટલે ડબ્બા ગ્રુપ.

ગ્રુપનું નામ સાંભળતા જ સ્વાભાવિક છે તમને એવું થાય કે આમાં બધા બુદ્ધિના બારદાન ભર્યા હશે, કારણ કે આપણે ઉપલો માળ ખાલી હોય એને એમ કહીએ કે ‘સાવ ડબ્બા જેવો છે’, પરંતુ આ ગ્રુપમાં ૫૦+ જુવાનિયાઓ સાવ ડબા જેવા જ છે, પણ સોનાના ડબ્બા.

સાસણનો પ્રવાસ નક્કી થયો અને ડબ્બાઓ મંડ્યા ખખડવા. સામાન્ય રીતે જ્યાં પ્રવાસ થાય ત્યાં ઘરેથી જમવાના પોતપોતાના ડબ્બા લઇ અને સૌ જાય અને ત્યાં ભેગા થઈ ભેગું કરી સાથે જલસા કરે. એટલે હવે ખબર પડી ને કે ગ્રુપનું નામ ‘ડબ્બા ગ્રુપ’ શું કામ પડ્યું ? આમ તો દરેક બહેનો પોતાના ડબ્બાને સાથે લઈને જ જાય છે.

સંજુ સમાચારે આ પ્રવાસની તમામ વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી લીધી હતી. ચિન્ટુ, પીન્ટુ, રાકલો, જલો, પોલિયોના ટીપાં પીવડાવવા નીકળેલા માસ્તર જેમ ઘરે ઘરે યાદી લઈ જાય અને પાય તેનું નામ ટિક કરે એમ સંજુએ ગ્રુપમાં ખર્ચનું ગણિત મુકતા અંગૂઠા માંડ્યા આવવા. અમુક લોકોએ તો સાથે સાથે ફરમાઈશો પણ મૂકી. ખાવામાં ફલાણી વસ્તુ જોઈશે નાહવા માટે ડૂબી ન જવાય એવડી ઊંડાઈનો સ્વિમિંગ પૂલ જોઈશે. જલુએ તરત જ પોતાની સાઇઝ પ્રમાણે કહી દીધું કે પાંચ ફૂટ થી વધારે ઊંડો હશે તો હું મારા ભાગે આવતા સ્વિમિંગ પૂલના રૂપિયા કાપીને બાકીના રૂપિયા ભરીશ. ૬ ફૂટ સુધી પહોંચવામાં થોડાક છેટા રહેલા પીન્ટુ,ચિન્ટુ,રાકલા,ચકુ,… વિગેરેના ગઠબંધને તરત જ આ પૈસા ન ભરવાની વાતને ગ્રુપમાં સખત શબ્દોમાં, બોલ્ડ લેટર કરી વખોડી કાઢી. લાલ ચોળ મોઢવાળા ઈમોજી મૂક્યા. જો કે જલુના સાથીઓ તરીકે પંડિત,પલો,સંજુ અને હું ઊભા રહ્યા, કારણ કે જલુની વાતમાં દમ ન હતો , પણ સામા પક્ષે હાઈટનો રોફ અમને નડતો હતો. એ પછી અમે બધાએ નક્કી કર્યું કે જેના પગ તળિયે ન અડે તે ચિલ્ડ્રન પુલમાં નાહવા પડે. તેમાં જો નાનપ લાગતી હોય તો ડોલ લઈ અને કાંઠે બેસીને ન્હાય, પરંતુ પૈસા તો પૂરા ભરવા પડશે. જલુ પગલાં પાછળ હટી ગયો અને ત્યારે તો હા માં હા મિલાવી. બધા ઉત્સાહમાં હતા કે ચાલો, ઘણા વખતે બે દિવસ સાથે રહી અને જલસા કરશું. સંજુએ રિસોર્ટના માલિક સાથે સીધી વાટાઘાટો શરૂ કરી અને વાતચીતમાં એવો લપેટિયો કે માલિકને પણ ખબર ન રહી કે હવે ખાલી દસ્તાવેજમાં સહી કરવાની રહી છે. જો ૧૦ મિનિટ વધારે વાત કરી હોત તો રિસોર્ટ ડબ્બા ગ્રુપના નામે થઈ ગયો હતો અને માલિક બે દિવસનું પેકેજ માગતો હોત. સવારે કેટલાં વાગે પહોંચીશું અને શું કરીશું તેનું માઈક્રો પ્લાનિંગ સાથે ઓડિયો મેસેજ મુકાઈ ગયો હતો. સવારનો નાસ્તો એટલે સૌરાષ્ટ્રની શાન ગણાતા ગાંઠિયા, ફાફડા,જલેબી અને ચિપ્સ. જૂનાગઢથી મિસાઈલની જેમ છૂટેલી ૫ ગાડી ટારગેટેડ ગાંઠિયાની દુકાન પર એક સાથે ત્રાટકી. મેનુમાં ગાંઠિયા અને ચિપ્સ ફિક્સ જ હતાં છતાં અલગ અલગ બે ચાર ફરસાણ ચાખી અને ગાંઠિયા ઉપર પસંદગી ઉતારી.હજુ તો દુકાનવાળો તાવડો ચડાવે,લોટ મસળે એ પહેલા એણે કેવા ગાંઠિયા બનાવવા તેની સૂચનાઓ દેવાવા માંડી:’ ‘આખા મરી નાખજો, અજમો નાખજો,હિંગ નાખજો…’ ત્યારે ગાંઠિયા- વાળાના હાવભાવ જોવા જેવા હતા. એકવાર તો એણે પૂછી જ લીધું કે આ બધું નાખવું પણ ચણાનો લોટ નાખું કે નહીં? વાત વાતમાં એણે કહી પણ દીધું કે બે પેઢીથી ગાંઠિયાનો ધંધો કરું છું. પછી એના અંતરાત્માનો અવાજ પણ મેં સાંભળ્યો તે કહેવા માગતો હતો કે આવા ગરાગ આવવાના છે તેવી ખબર હોત તો ખરેખર મેં ધંધો મૂકી અને કરિયાણાની દુકાન શરૂ કરી દીધી હોત, પરંતુ એક સાથે ૩૫ જણા ગાંઠિયા ચિપ્સ ખાવાના હોય ધંધો પણ જતો કરાય નહીં અને અમને બધાને આ વાતની ખબર હતી એટલે સજેશન કરતા જ રહ્યા અને ગાંઠિયાવાળો એની રીતે બનાવતો રહ્યો. ગાંઠિયા અને ચિપ્સ સાથે સંભારો મરચા ચટણી આવતા હોય છે , પરંતુ અમે નાસ્તો કરીને ઊભા થયા ત્યારે આજુબાજુવાળાને એવું લાગ્યું કે આ લોકોએ સંભારો ચટણી મરચા મંગાવ્યા હશે અને દુકાનવાળાએ સાથે થોડા ગાંઠિયા પણ આપ્યા હશે.

બરાબર દસ સાડા દસ વાગે રિસોર્ટ ઉપર પહોંચી ગયા અને અર્જુનને જેમ માછલીની આંખ દેખાઈ હતી તેમ સામાન મૂકી અને તમામ લોકોને સ્વિમિંગ પૂલ દેખાયો. ડબા ગ્રુપમાં આ વખતે નક્કી થયું હતું કે પેટ ભરી અને ખાવું ને તન થાકે ત્યાં સુધી નાહવું.

મહિલા મંડળ તો સજ થઈ અને સ્વિમિંગ પૂલ આજુબાજુ ગોઠવાઈ ગયું પણ જે રીતે અમારો જમાવડો થયો તે જોઈ અને બીજા ગેસ્ટ નાહતા હતા એ બધા બીકના માર્યા સ્વિમિંગ પૂલ છોડીને નીકળી ગયા. આખા રસ્તે ધીમી ચાલતી ભેંસ તળાવ જોઈ અને જે સ્પીડ પકડે તેવી સ્પીડમાં અમે સ્વિમિંગ પૂલમાં પહોંચી ગયા. એટલું નાહવું કે ગાંઠિયા અને ચિપ્સ પચી જાય અને જમવાના રૂપિયા વસૂલ થાય. સ્વિમિંગ પૂલમાં પાંચ ફૂટ પાણી ભરેલું હતું એટલે તમામ લોકો સચવાઈ રહ્યા. બપોરે જમવા માટે પાંચ વાર કહેવા આવ્યા, પરંતુ દરેક લોકોએ એમના કહેવા પર ધ્યાન ન આપ્યું, પરંતુ પોતાના પેટને પૂછી અને જ્યારે પેટે પરમિશન આપી ત્યારે જ બહાર નીકળ્યા.

ગિરનારના તમામ રિસોર્ટમાં જમવાનું બહુ સરસ હોય. દેશી ચૂલા પર રાંધેલી રસોઈ હોય
અને અત્યારે તો કેસર કેરીની સિઝન એટલે કેરીનો રસ હોય. સૂપની જગ્યાએ કેરીનો રસ જમવામાં પણ કેરીનો રસ અને ડેઝર્ટમાં પણ કેરીનો રસ પછી તો ઊંઘને આમંત્રણ થોડું દેવું પડે?
પાંચ વાગ્યા સુધી ફરી સ્વિમિંગ પૂલ તરફ ડગલા માંડ્યા. પેકેજમાં નથી છતાં બે વાર સ્વિમિંગ પૂલ માં ન્હાતાં ન્હાતાં ચાની મજા માણી. આ કામ એકલો રાકેશ જ સંભાળે , કારણ કે પેકેજ બહારનું સેટિંગ પાડી શકે તેવી કુનેહ એ ધરાવે છે. એટલું ન્હાયા એટલું ન્હાયા કે પછી ભૂખ લાગી અને રાત્રે જમી નિરાંતે કુંડાળું વળી અને બેઠા અલગ મલકની વાતો કરવા પણ અત્યાર સુધી શાંત રહેલો જલુ અચાનક ગાડી ખોલી અને કરાઓકે સ્પિકર, માઇક લઈ આવ્યો. વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ, કારણ કે આ વખતે નક્કી કર્યું હતું કે કોઈ ગાશે નહીં., પરંતુ જલુ એ પણ નક્કી કર્યું હતું કે ‘તમે સમગ્ર ડબ્બા ગ્રુપ વચ્ચે લાલ ઈમોજી મૂકી મને એકલો પાડી દીધો હતો તો હવે હું પણ બદલો લેવા માટે સજ્જ છું.’ હજુ હા ના થાય તે પહેલા તો બે ગીત ઠપકારી પણ લીધા. અને આ કરાવોકેનું ચેપી રોગ જેવું છે. દરેકના મનમાં એક કલાકાર દટાયેલો હોય છે જરાક જેટલો કોઈ આગ્રહ કરે તો તરત જ બીજમાંથી વટ વૃક્ષ બની અને એક સાથે ત્રણ ચાર ગીતો ઘા કરી દે. જેણે જેણે જલુને ઈમોજીથી હેરાન કર્યા હતા એની સામે જોઈ જોઈ અને એક એક ગીત જલુએ ગાયું.

આમ તો બહુ લાંબી વાતો લખી શકાય એવું છે, પરંતુ તમને પાછું વાંચતા વાંચતા ડબ્બા ગ્રુપમાં જલસા કરવા માટે આવવાનું મન થાય તો? પરંતુ જતા જતા એક વાત કહી દઉં કે રિસોર્ટના માલિકે ‘આવજો’ કહેતા કહેતા એટલું કહ્યું કે હવે પછી કોઈપણ પેકેજ નક્કી કરાવો ત્યારે ખુલાસો કરજો કે કરાઓકે સિસ્ટમ લઈને આવવાના છો તો ૨૦૦ રૂપિયા વધારે થશે.

વિચારવાયુ:
બુદ્ધિગમ્ય વાતો અહોભાવ આપે બાકી મોજ તો મૂર્ખામી જ આપે. ભેગા મળી અને મૂર્ખામી કરો મસ્ત રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button