વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

સ્પિનર્સનો રાફડો ફાટ્યો, પણ પેસ પાવરનું શું?

અજય મોતીવાલા

રવિચન્દ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, શમ્સ મુલાની, ભાર્ગવ ભટ્ટ, તનુષ કોટિયન, અર્ઝાન નાગવાસવાલા, માનવ સુથાર, હિતેશ વાલુંજ વગેરે સ્પિનર્સ હાલમાં આંતરરાષ્ટ્રીય અથવા ડોમેસ્ટિક ક્રિકેટમાં છવાઈ ગયા છે.

| Also Read: ક્લોઝ અપ: સર્વોચ્ચ નોબેલ પારિતોષિક મેળવવું કેટલું કઠિન છે?

આઇપીએલ પણ તેમના ચમકવા માટે બહુ સારું માધ્યમ છે. ભારત પાસે સ્પિન બોલિંગની દાયકાઓથી કોઈ ખોટ નથી, પરંતુ પેસ બોલિંગથી હરીફ ટીમ પર અસરદાર છાપ પાડી શકે અને સતતપણે ટીમમાં સ્થાન ટકાવી રાખે એવા લાઇનબંધ ફાસ્ટ બોલરની ભારત પાસે વર્ષોથી અછત રહી છે. પરિણામ એ આવે છે કે ટીમમાં મુખ્ય હરોળના ફાસ્ટ બોલર પર કે સ્પિનર્સ પર બધો બોજ આવી પડતો હોય છે.

આવતા મહિને આપણી ટીમ ઑસ્ટ્રેલિયાના સૌથી કઠિન પ્રવાસે જવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં પહોંચવા માટે પૂરતી મૅચો જીતવાની ચિંતા તો ટીમ ઇન્ડિયાને રહેશે જ, કાંગારૂઓની ધરતી પર સિરીઝ-વિજયની હૅટ-ટ્રિક નોંધાવવાની સુવર્ણ તક હાથમાંથી જતી ન રહે એની તકેદારી પણ આપણા ખેલાડીઓએ રાખવી પડશે.

૨૦૧૯માં ભારતે ઑસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર ૨-૧થી અને ૨૦૨૧માં પણ ૨-૧થી હરાવ્યું હતું.
જો ફરી એકવાર ભારતે ઑસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસકર ટ્રોફી જીતવી હોય તો ફાસ્ટ બોલરની મજબૂત ફોજ તૈયાર રાખવી પડશે. હાલમાં તો ઘરઆંગણે સ્પિનર્સ (વૉશિંગ્ટન સુંદર, રવિચન્દ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા વગેરે) ધમાલ મચાવી રહ્યા છે, જ્યારે જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ બૅક સીટ પર છે. આ સંજોગોમાં આપણા ફાસ્ટ બોલર્સ ઑસ્ટ્રેલિયાની ટૂરમાં કેવું પર્ફોર્મ કરશે એ અત્યારથી કહેવું મુશ્કેલ છે.

અરે…મોહમ્મદ શમી પર ચર્ચા કરવાનું તો ભૂલી જ ગયા! આ ભાઈ અગિયાર મહિનાથી (પૂરા ૩૩૪ દિવસથી) મેદાન પર નથી જોવા મળ્યો. છેલ્લે નવેમ્બર ૨૦૨૩માં અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો ત્યાર બાદ ફિટનેસની સમસ્યાને લીધે તેને મેદાન પર ઉતરવા નથી મળ્યું.

વધુ ચર્ચા કરતા પહેલાં આપણી પાસે હાલમાં પેસ બોલિંગના કાફલામાં કોણ-કોણ છે એના પર એક નજર કરી લઈએ: જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, અર્શદીપ સિંહ, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર, ઉમેશ યાદવ, ભુવનેશ્ર્વર કુમાર, ખલીલ અહમદ, મયંક યાદવ, યશ દયાલ, હાર્દિક પંડ્યા, જયદેવ ઉનડકટ, મોહિત અવસ્થી, ચિંતન ગજા વગેરે.

| Also Read:માઇન્ડ ડિટોક્સ માટે કારગાર છે જાપાનની આવી કેટલીક પદ્ધતિ…

આમાં મોટા ભાગના બોલર ટીમ ઇન્ડિયા વતી ત્રણેય ફૉર્મેટમાં અથવા ત્રણમાંથી કોઈ એક કે બે ફૉર્મેટમાં રમતા જોવા મળે છે. ભુવી અને ઉમેશ યાદવ જેવા અમુક બોલર તો એક સમયે ક્રિકેટજગત પર છવાઈ ગયા બાદ હવે ફક્ત આઇપીએલમાં જ જોવા મળે છે.

ઑસ્ટ્રેલિયામાં પર્થ સહિતનાં મેદાનો પરની પિચ ફાસ્ટ બોલરને વધુ ફાયદારૂપ હોય છે. ત્યાં આપણા સ્પિનર્સને બહુ ઓછી મદદ મળશે. યાદ રહે, આગામી બાવીસમી નવેમ્બરથી ભારત-ઑસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ પર્થમાં જ રમાવાની છે. ત્યાર બાદ બાકીની ચાર ટેસ્ટ પહેલાં ભારતીયો માટે એક જ વૉર્મ-અપ મૅચ રાખવામાં આવી છે એટલે ઍડિલેઇડ, બ્રિસ્બેન, મેલબર્ન અને સિડનીમાં ભારતીય બૅટર્સની કાંગારૂ ફાસ્ટ બોલર્સ સામે આકરી કસોટી થયા વિના નહીં રહે.
ભારતમાં આપણા બૅટર્સ સ્પિન-ફ્રેન્ડ્લી પિચો પર સારું નથી રમી શક્તા તો ઑસ્ટ્રેલિયાની પિચો પર શું કરશે એ માત્ર વિચાર જ ચિંતા કરાવે છે.

ફરી ફાસ્ટ બોલર્સના વિષય પર આવીએ તો જસપ્રીત બુમરાહ હાલમાં ટેસ્ટ-જગતનો નંબર-વન બોલર છે એટલે આપણે ઑસ્ટ્રેલિયામાં તેની પાસે સૌથી વધુ અપેક્ષા રાખીશું એ વાત સાચી, પણ તેના મન પર કેટલો પ્રચંડ બોજ આવી પડશે એનો અંદાજ પણ રાખવો પડશે.

મોહમ્મદ શમીનો કોઈ ભરોસો નથી. તે ૧૦૦ ટકા ફિટ થયા પછી પણ સતત સારું રમશે કે કેમ અને બુમરાહ પરનો ભાર હળવો કરી શકશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. સિરાજ, આકાશ દીપ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શાર્દુલ, ખલીલ તેમ જ ફાસ્ટેસ્ટ ભારતીય બોલર મયંક યાદવ સતતપણે ઇલેવનમાં સ્થાન જાળવી શકશે કે કેમ એમાં પણ શંકા છે.

યાદ રહે, ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયામાં ભારતને ખાસ કરીને સ્પેશિયાલિસ્ટ બૅટર ચેતેશ્ર્વર પુજારા (૫૨૧ રન)એ સિરીઝ જિતાડી હતી, જ્યારે ૨૦૨૧માં ખાસ કરીને ત્રણ બોલર સિરાજ (૧૩ વિકેટ), અશ્ર્વિન (૧૨ વિકેટ) અને બુમરાહ (૧૧ વિકેટ) ભારતની સિરીઝ-જીતના મુખ્ય ત્રણ બોલર હતા.

| Also Read:ભાત ભાત કે લોગ ઃ ઈશ્વર આવું જીવન કોઈ દુશ્મનને ય ન આપે!

જો ભારતીય ટીમ આ વખતે ફાસ્ટ બોલર્સની દમદાર-ફોજ સાથે ઑસ્ટ્રેલિયા નહીં જાય તો ૨૦૧૯માં વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં અને ૨૦૨૧માં અજિંક્ય રહાણેના સુકાનમાં ભારતે છેલ્લે બૅક-ટૂ-બૅક ૨-૧ની જીત સાથે મેળવેલી સિરીઝની વિજયકૂચ અટકી જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button