વીક એન્ડ

ફટાકડાના પેકેટ પરના ફોટાથી ઉબાઈ ગયા છો? ચાલો ફટાકડાના પેકેટના ફોટા બદલીએ!

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘ગિરધરભાઇ. તમને ફટાકડાનો કેવો શોખ છે?’ રાજુ રદ્દીએ ઓવરનો પહેલો બોલ ફેંક્યો. બોલ ગુડલેન્થ હતો. મેં માત્ર બેટથી પુશ કર્યું. તડતડીયા ફૂલઝરના તણખાની જેમ તડતડતડ થતો થતો રાજુ રદ્દી મારા ઘરે આવ્યો. માનો કે ભોંયચકરી સળગતાં સળગતાં અન્યત્ર ફંટાઇ જાય તેમ પ્રવેશ્યો!

‘રાજુ. ખાસ નહીં. રાધારાણીના ધડાકા-ભડાકા સહન કરવામાં ફટાકડા ફિક્કા લાગે છે. કેમ તે આવો સવાલ કર્યો?’ મેં પૂછયું.

‘ગિરધરલાલ. ફટાકડા ફોડી આપણે તહેવારોની ઉજવણીની અભિવ્યક્તિ કરીએ છીએ. આપણે ઘોંઘાટજીવી પ્રજા છીએ. ફટાકડામાં આપણેને ધૂમધડાકા કરતા અવાજવાળા ફટાકડા પસંદ કરીએ છીએ. પરીક્ષાર્થીઓ, પંખીઓ, રોગીઓ, વૃદ્ધો અને બાળકોને અવાજવાળા ફટાકડાથી તકલીફ થાય છે તેનો વિચાર કરતા નથી. વિદેશોમાં પ્રકાશ રેલાવતા ફટાકડા ફોડવામાં આવે છે.’ રાજુએ ફટાકડા વિરુદ્ધનો દારૂગોળો દાગ્યો!

‘રાજુ. ફટાકડાના ધુમાડાના લીધે અસ્થમાના દર્દીને શ્ર્વાસ સેવામાં તકલીફ પડે છે.’ મેં ક્હ્યું.

‘ગિરધરલાલ. તમે, ફટાકડા ખરીદ કર્યા તો માર્ક કર્યું હશે કે ફટાકડાના પેકેટ પર કોકના ફોટા લાગેલા હશે! એ કોના ફોટા હોય છે?’ રાજુએ મૂળ મુદ્દા પર આવ્યા વિના આડીઅવળી માહિતી માગવાનું શરૂ કર્યું.

‘રાજુ, હેમામાલિની, રેખા, રશ્મિકા મંદાના, તમન્ના ભાટિયા, કેટરીના કૈફ, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, શિલ્પા શેટ્ટી, જ્હાનવી કપૂર કે કોઇ હીરોઇનના ફોટા કે લક્ષ્મીદેવી કે અન્ય કોઇ માતાજીના ફોટા હોય! મારું હાળું એ સમજાતું નથી કે સર્કસના પોસ્ટરમાં હોય તેવી બિકિની ગર્લ્સના ફોટા હોય એને અને ફટાકડાને શું સંબંધ હશે? ફટાકડાના પેકેટ પર સ્વિમસુટ પહેરેલી બાળાઓનાં ફોટા કે સર્કસની જાહેરાતના પોસ્ટરમાં છપાતા બિકિની ગર્લ્સના ફોટા શું કામ છાપતા હશે? શા માટે સુરુચિભંગ થાય તેવા ફોટાથી ફટાકડાનું વેચાણ વધી જતું હશે?’ મેં રાજુને સવાલ પૂછયો.

‘ગિરધરભાઇ. ફટાકડાના પેકેટ પર માતાજીના ફોટા લગાવવાથી માતાજીનું અપમાન થતું હોય તેવું લાગ્યું છે? રાજુએ ગોદી મિડિયા જેવો વિવાદાસ્પદ સવાલ કર્યો.

‘ફટાકડાના પેકેટમાં દેવીદેવતાના સુરુચિપૂર્ણ ફોટા કે તેવા જ ફોટા આપણા મંદિરો કે પૂજા સ્થાનમાં હોય તો તેમાં આળા થવાની શું જરૂર છે? ફિલ્મવાળા લક્ષ્મી બોંબ જેવી ફિલ્મ બનાવે અને સેન્સર બોર્ડે મંજૂર કરી હોય પછી જનતા સેન્સર બોર્ડની શું જરૂર છે?’ મેં રાજુને વાસ્તવવાદી સવાલ પૂછ્યો.

‘ગિરધરભાઇ. આજકાલ થનગનભૂષણોની સંખ્યા વધતી જાય છે. એમના ડીએનએમાં લોહીની જગ્યાએ વાંધો વિરોધ ફરે છે. કોઇને કોઇ બાબતનો સાર્થક કે નિરર્થક વાંધો ન ઉઠાવે તો તેમને ભોજન પચતું નથી. વેલેન્ટાઇન ડેનો વિરોધ કરનારને બજરંગબલીના જન્મદિવસે લાડુની જગ્યાએ વિલાયતી કેક કાપવામાં વાંધો નથી આવતો. સ્વદેશીની ચળવળ કરનારને પિત્ઝા વિદેશી લાગતો નથી. સ્વદેશીના હિમાયતીને આંખ મીંચીને કે બંધ આંખે મોબાઇલ, લેપટોપ, ટીવી, રેજર, ટુથપેસ્ટ વાપરવાનો લગીરે છોછ નથી. બિસ્કિટ વિદેશી હોય તો સ્વદેશીના બની બેઠેલા બ્રાંડ એમ્બેસેડર લાલા રામદેવ પણ બિસ્કિટ, નુડલ્સ, નુટેલા બનાવે છે. અરે ભાઇ સુખડી, શીરો કે સત્તુ બનાવીને વેચોને? વિદેશી વિષને બદલે સ્વદેશી અમૃતનું ઉત્પાદન અને માર્કેટિંગ કરોને!’ રાજુ સાંપ્રત પરિસ્થિતિથી બરાબર અકળાયો હતો.

‘રાજુ, સ્વદેશીના નામે પોતાની ચીજો વેચતા લાલા રામદેવને ઝંડું, ડાબર, વૈદ્યનાથ જેવી કંપની વિદેશી લાગે છે!’ મેં રાજુને આ મુદ્દા પૂરતું સમર્થન આપ્યું.

‘ગિરધરભાઇ. અમદાવાદમાં વેરી હરખપદુડા (-વીએચપી) થનગનભૂષણો કીડીને કોશનો ડામ દે છે. ફટાકડાના પેકેટ પર દેવી-દેવતાના ફોટો હોય તો દુકાનમાં તોડફોડ કરે છે, ધમકીઓ આપે છે, સનાતન ધર્મનું અપમાન સાંખી લેવામાં આવશે નહીં તેવી ચીમકી આપે છે. બીજી બાજુ ફેશનના નામે શરીર દેખાય તેવા લેટેસ્ટ ડિઝાઇનર વેરમાં સંસ્કૃતિનું મહિમામંડન થતું હોય તેમ લાગે છે.’ રાજુએ બળાપો કાઢ્યો.

‘રાજુ. વેપારીઓ ફટાકડા બનાવતા નથી. બાજીરાવ પેશ્ર્વાના કથન મુજબ ડાળી પાંદડા નહીં પણ થડ પર લક્ષ કેન્દ્રિત કરીને ફટાકડા બનાવનાર કંપનીને દેવીદેવતાના ફોટા ન લગાડવા કહેવું જોઇએ. જો ફટાકડા પર દેવી દેવતાના ફોટા લગાડવાથી દેવીદેવતાની લાગણી ઘવાતી હોય તો તેમને કાર્યવાહી કરવા દો! તમે શું કામ શકટનો ભાર શ્ર્વાન તાણે જેવું કરો છો?’ મેં તર્ક રજૂ કર્યો.

‘ગિરધરલાલ સાહેબ, આપણે ફટાકડા પર નવા ફોટા ન લગાવી શકીએ? આપણે ફટાકડા પર ભીંડા, ગુવાર, ટામેટા, ગરીબોની કસ્તૂરી ડુંગળી, બટાટા, ફુદીનો, કોથમીર, પાલક, મોગરીના ફોટા લગાવીએ. કાં તો ક્રિકેટરો, એકટરો, વાહનોના ફોટા લગાવીએ. જો આ આઇડિયા સુરસુરિયું લાગે કે ગયા વરસના હવાઈ ગયેલ ફટાકડા જેવો નકામો લાગે તો એક ધાંસુ આઇડિયા મારી પાસે છે.
આપણે ફટાકડા પર બ. ક. ઠાકોર, દલપતરામ કવિ, મણિલાલ દ્વિવેદી, નિરંજન ભગત, અનિલ જોષી, ગોવર્ધનરામ ત્રિપાઠી, ધૂમકેતુ, કલાપી, રાવજી પટેલ, રમેશ પારેખ, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, વિવાદોના બેતાજ બાદશાહ એવા ચંદ્રકાંત બક્ષી, માધવ રામાનુજના ફોટા ફટાકડાના પેકેટ પર છાપીએ તો શું શા પૈસા ચાંપ ગુજરાતી ભાષાનું ગૌરવગાન કે મહિમામંડન કરી શકીએ. અમસ્તી પણ ગુજરાતી ભાષા સલાડ જેમ જ વપરાય છે! વળી, ગુજરાતી ભાષા વેન્ટીલેટર પર છે તેને થોડીક સંજીવની મળે! આપણે સાંસદ મોઇત્રા, મનોજ મિશ્રા, અનુરાગ ઠાકુર વગેરેના ફોટા પણ લગાવી શકીએ! આપણે જેમ કે ફૂલઝર પર માયાવતીનો ફોટો લગાડીએ. લવિંગિયા પર લાલુ પ્રસાદનો ફોટો લગાડીએ. રોકેટ પર રાહુલ બાબાનો ફોટો. બોમ્બ પર યોગીજીનો ફોટો લગાવીએ. હીરા રે કોઠી પર મમતાનો ફોટો લગાવીએ. ચાંદલિયા પર નિર્મલા સીતારામનો ફોટો લગાવીએ. ખાંસતા સુરસુરિયા પર કેજરીવાલનો ફોટો ચિપકાવો. લાર્જ સાઇઝની કોઠી પર સ્મૃતિ ઈરાની સિવાય કોઇનો ફોટો લાગી જ શકે નહીં. ક્યાંક સ્ટાલિન કે નવજોતસિંહ સિદ્ધુનો ફોટો લગાડી દો. લો ઠોકો તાલી! રાજુ રદ્દીએ ફટાકડાના પેકેટ પર કોના ફોટા છાપવા તે વિશે સમજૂતીપત્ર બહાર પાડ્યું!

‘રાજુ. સાહેબ અને દ્રૌપદી મુર્મના ફોટા કયા ફટાકડાના પેકેટ પર ચિપકાવીશું?’ મેં પોઇન્ટેડ સવાલ પૂછયો.

પાંચ હજાર ટેટાની લર સળગાવી એને ફટાકડાની ધમાચકડી થાય એક બે આડાઅવળા, ઉંધાચત્તા ત્રાંસાબાંગા ઉડાઉડ કરે તેમ રાજુ રદ્દી આડાઅવળો થઇને તેના ઘરે ભાગ્યો! ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button