વીક એન્ડ

શંખધ્વનિ

ટૂંકી વાર્તા -રેખા સરવૈયા

ખુલ્લી અગાશીમાંથી એ જ્યારે જ્યારે દરિયાને જોતો ત્યારે એ હૃદયના ઊંડાણથી મહેસૂસ કરતો કે પોતાના સિવાય પણ આ દરિયાને અત્યારે બીજી બે આંખે જુએ છે અને ત્યારે એ ટગર-ટગર થતી નજરની એક અલગ જ સુગંધથી એ પોતાને સભર કરી લેતો. આ એવી સુગંધ હતી જે દરિયાની ભીનાશ બનીને અંશુમાનના દિલના એકાંતને ભરી દેતી. અંશુમાન દૃઢપણે માનતો કે… દરિયાને અને પોતાના ખાલીપાને ગાઢ સંબંધ છે. દરિયાના મિજાજને એ પોતાની પ્રકૃતિને જોડતો. પોતાના મનની ઉદાસી-ખુશી, મહેફિલ-એકલતાને એ દરિયાની ભરતી-ઓટ સાથે સરખાવતા. પોતાના જીવનની દરેક બાબતને એ દરિયા સામે ખુલ્લી કરતો. દરિયો એની દોસ્તીને બરાબર સમજી શકે છે એવું અંશુમાને આ ક્ષણે પણ અનુભવ્યું અને થયું કે કિનારા તોડીને દરિયાએ મને ભીંજવી દેવો જોઈએ. પરંતુ મન મૂકીને દરિયો પણ ક્યાં કદીય ખુશી દેખાડી શક્યો છે. અદલ અંશુમાનના મનની જેમ.

સંગીતની દુનિયામાં પિસ્તાળીસમા વરસે અંશુમાનને મળેલું “શંખધ્વનિ સન્માન આજ લગીમાં સૌથી નાની વયે મેળવેલું અજોડ સન્માન હતું. જ્યારથી અંશુમાનને આ સમાચાર મળ્યા ત્યારથી રાજી થવાને બદલે ઉદાસ હતો. આ સન્માન એ ખરેખર તો અંશુમાનની કલાસાધનની મંજિલ હતી, પરંતુ મુકામ પર પહોંચ્યા પછી એકલતા ઘેરી વળે એવી સ્થિતિ અંશુમાન અનુભવી રહ્યો હતો. ટોચ ઉપરની એકલતાએ એને ભરડો લીધો હતો. એમ તો આ સન્માનની જાહેરાત થતાંની સાથે જ પ્રચાર-પ્રસાર માધ્યમોએ અંશુમાનની અનુભૂતિ જાણવા ઘણી કોશિશ કરી હતી. પરંતુ અંશુમાનની અંદર ઉછળતો દરિયો તો મૌનના ખડક પર માથું પટકીને કશીક નિરાંત ઝંખતો હતો.

આ સમયે ઉપર અને નીચે બેય જગ્યાના ટેલિફોનના પ્લગ કાઢવાનું એણે મા સમાન મીઠીકાકીને કહી દીધું હતું પરંતુ… ન જાણે કેમ તોય એના કાનને એકાદ ફોનનો ઈતજાર હતો. એ ઈતેજારને એક ઘટ્ટ ઉદાસી ઘેરી વળી હતી. ઢળતી સાંજના અંધકારની કાળાશની જેમ…!

કેટલીય સાંજ અંશુમાને અગાશીની પાળીએ હાથ ટેકવીને દરિયામાં ડૂબતા સૂરજની સાક્ષીએ ગુજારી હતી. આ પણ એવી જ સાંજ હતી પરંતુ અતિશય ગમતા ડોલરના ફૂલોની સુગંધ આજે અંશુમાનની છાતીમાં શ્ર્વાસ રુંધતી હતી. અંશુમાનનો આ અજંપો મીઠીકાકાથી છાનો કયાં હતો? નિ:શ્ર્વાસ પર નિ:શ્ર્વાસ નાખતા અંશુમાન બહુ વાર લગી ઊભો પણ ન રહી શક્યો અને ઢગલો થઈને એણે પોતાના શરીરને નજીકમાં જ રહેલા હિંચકા પર ફંગોળ્યું. હિંચકાના હાલવાથી થતો કિચુડાટ મીઠીકાકીના દિલમાં એક શેરડો પાડતો ગયો. અંશુમાનના ચહેરાને એણે આછા અંધકારમાં પણ ધ્યાનથી જોયો અને એની પાંપણ થરથરી ગઈ. આ દુનિયાના માણસ જેવું એનું નૂર જાણે કે ઝાંખા દીવા જેવું કેમ લાગ્યું?

દરિયાની લહેરો ઉપર તરતું-તરતું એક નામ હવાના ઝોંકાની જેમ અગાશીમાંના હિંચકા પરની ઘૂઘરીઓને રણઝણાવી ગયું. એ ઘૂઘરીઓના મધુર રણકારથી સ્પંદિત થયેલું અંશુમાનનું મન ખુદ એક દરિયો બની ગયું. ભૂતકાળનો સમય જીવંત બનીને સ્મૃતિઓના મોજાં બનીને તોફાને ચડી ગયો. વિચારોના તુમુલ આક્રમણથી બચવા અંશુમાને તીવ્રતમપણે ઈચ્છયું કે… આજના દિવસે આ ક્ષણે ફકત અને માત્ર એક જ વ્યક્તિ અહીં હોય કાશ! કે આ ખુશીની-ઉદાસીની વહેંચણીમાં આસ્થા હાજર હોય!
આસ્થા!

અંશુમાનના જીવનને એક અલગ જ અર્થ આપનારી છોકરી એટલે આસ્થા!

આથમતી સાંજે દરિયાની ભીની રેતમાં ઘર બનાવીને અંશુમાનની આંખોમાં એક અનોખું સપનું વાવનારી એ છોકરી. સંગીતની દુનિયાનું સર્વોચ્ચ સન્માન “શંખધ્વનિ અંશુમાનને મળે એની કેટલી પ્રબળ ઝંખના હતી આસ્થાના હૃદયની! એ કેસરી સાંજે અંશુમાને ડગુમગુ આત્મવિશ્ર્વાસ સાથે આસ્થાને કહેલું:

‘આસ્થા, આટલું મોટું સપનું મારી આંખને નહીં પોસાય… અને તું તો મને એટલી શ્રદ્ધાથી કહે છે જાણે કે હું સંગીતની દુનિયાના…, – ત્યારે અડધેથી અંશુમાનની વાતને કાપતાં દૃઢ અને મક્કમ સ્વરે આસ્થાએ અધવચ્ચેથી જ કહ્યું હતું:’

‘અંશુ…! તું કેમ ભૂલે છે કે… આસ્થા એટલે શ્રદ્ધા…!! અને તું પણ તો સૂર્યનું રૂપ છે… મારી શ્રદ્ધા કહે છે કે સંગીતના આકાશમાં તું સૂરજની જેમ ઝળહળીશ! તારા ઉપર ‘શંખધ્વનિ’નું સન્માન તાજ બનીને ચમકતું મને દેખાય છે અંશુ!’
કેટલી બધી શ્રદ્ધાથી આ છોકરી પોતાને મૂલવતી હતી!?

ઢળતી સાંજનો આછો સોનેરી તડકો ઝીલતી આસ્થાની આંખોમાં ઝળહળતી જ્યોતને અંશુમાન વંદન કરી રહ્યો. મોટી લાંબી પાંપણોને ધીરેથી પલકાવી દઈને જ્યારે પણ આસ્થા ઓછું સ્મિત કરીને ગરદન ઝુકાવી દેતી ત્યારે અંશુમાનને થતું કે મારામાં આટલી શ્રદ્ધા રાખનારી આ છોકરી માટે પણ મારે સંગીતના ક્ષેત્રમાં કમર કસવી જ રહી અને એ સાંજે અંશુમાને દરિયાના મોજાની જેમ જ આવેગપૂર્વક પ્રથમ જ વાર આ રીતે આસ્થાને વ્હાલથી ભેટી પડીને એના લાંબા-કાળા-લહેરાતા વાળને ગૂંચવી નાખ્યા. એ ક્ષણે સ્ત્રીસહજ લજ્જાથી લાલચોળ થઈ ગયેલી આસ્થા પાંપણો ઢળેલી રાખીને જ અસ્તવ્યસ્ત વાળને સંભાળવાની વ્યર્થ કોશિશ કરી રહી… અને નાનકડાં બાળકને જોતો હોય એમ વ્હાલ નિતરતી નજરે આસ્થાને નિરખી રહ્યો.
દરિયાની છાતીમાં મોં છુપાવતી કેસરી સાંજ!

સરસ રીતે વહેતો ઠંડો પવન!

ક્ષિતિજ ઉપર નજર નોંધીને કોઈક બીજી જ દુનિયામાં ગુમ થઈ ગયેલી આસ્થાની સ્વપ્નિલ આંખો…!

અને એ આંખોમાં પોતાના સમગ્ર જીવનને મઢી દેતો અંશુમાન…!

આજે અચાનક જ એ ધરબાઈ ગયેલી સાંજ એના મૂળરૂપે કેમ જીવંત બની ગઈ?

શહેરની એક આર્ટગેલેરીમાં યોજાયેલા ચિત્ર પ્રદર્શનમાં અંશુમાન એકચિત્તે ચિત્રોના ભાવને પામવા મથી રહ્યો હતો. એક ચિત્રમાં તારાથી મઢેલું અંધકાર ભરેલું આકાશ હતું, પરંતુ તારાઓની ચમક અંશુમાનની આંખોમાં અંજાઈ ગઈ હતી. એ દરમિયાન જ એક પ્રતિભાવંત વ્યક્તિત્ત્વ ધરાવનાર વૃદ્ધ પુરુષ સાથે મસ્તીખોર દેખાતી યુવતીએ મોટે-મોટેથી વાતો કરીને અંશુમાનનો ધ્યાન ભંગ કર્યો. ચિત્રકળાની વિસ્તૃત ચર્ચાઓ કરીને પેલા વડીલે આનંદાશ્ર્ચર્ય સાથે અંશુમાનને જણાવ્યું કે આ ચિત્રપ્રદર્શન એનો પોતાના પાત્રોનું છે અને પછી તો એ આસ્થાએ કલાકારની હેસિયતથી અંશુમાન સામે ભાષણ શરૂ કરી દીધું.

‘તમે મારા ચિત્રોની ગંભીરતાની સરખામણી મારા આ ચંચળ સ્વભાવ સાથે ન કરશો, કારણ કે… સર્જન એ એક ક્ષણની વાત હોય છે. જરૂરી તો નથી કે દરેક ક્ષણને વેદનાનો સંઘર્ષ જ બનાવી દેવી. દરેક પરિસ્થિતિને હૃદયપૂર્વક માણી લેવી એ માણસની આવડતની વાત છે. જીવન ઉત્સવ છે. અંધકારભર્યાં આભને તારાઓથી ઝળહળાવી દેવાનો ઉત્સવ! બાય ધ વે… આ ચિત્ર મારું પ્રિય છે અને તમને ક્યારના અહીં જ ઊભેલા જોયા એટલે જ હું દાદાજીને અહીં ધરાર ખેંચી લાવી. સોરી તમને ડિસ્ટર્બ કરવા બદલ અરે હા… મેં તો ઘણું-ઘણું કહ્યું… તમે કેમ બોલ્યા જ નહીં…? તમારું નામ? નોકરી-ધંધો? વરસતા વરસાદની ધારાની જેમ આ છોકરીનું કેટલું અસ્ખલિત બોલી ગઈ…! અને પોતે…!? દરમિયાન મૌન સહન ન થતા આસ્થાએ ફરીથી પોતાની પૃચ્છાને દોહરાવી. આસ્થા વિશેના વિચારોમાંથી બહાર આવીને અંશુમાને આસ્થાને કહ્યું:

‘હું અંશુમાન… અનાથાલયમાંથી જીવન શરૂ થયું એટલે અટકની ખબર તો મને ય નથી. એ જ અનાથાલયનું ઋણ ચૂકવવા માટે જ એ આશ્રમનાં બાળકોને સંગીત શીખવું છું. રાગ-રાગિણીની દુનિયામાં જીવું છું. પરિચયમાં આવતા દરેક માણસને પણ હું સંગીતનાં સંદર્ભમાં મૂલવું છું. દરેક રાગની જેમ દરેક વસ્તુનો એક મિજાજ હોય છે જેમ કે તમારા આ ચિત્રને પણ એક ઉદાસી અને આનંદનો મિજાજ છે…’ બોલતા બોલતા અંશુમાને આસ્થાની સામે જોયું અને એ જેટલી તલ્લીન થઈને પોતાની વાત સાંભળતી હતી એ જોઈને અંશુમાનને ખુદને પણ આશ્ર્ચર્ય થયું કે પોતે શું બોલી ગયો હતો…!

આ હતી આસ્થા સાથેની અંશુમાનની પ્રથમ મુલાકાત. અને પછી કોઈ ખાસ પ્રયત્નો વગર કોઈ પ્રયોજન વગર, કોઈ દંભ વગર, કોઈ જ વાયદા કે સપનાઓ વગર એક નિખાલસ સંબંધનું શિલ્પ કોતરાતું ગયું…! અંશુમાનના અંતર્મુખી સ્વભાવવાળા એકલવાયા જીવનના આગળા ઉઘડતા ગયા હતા. આસ્થાના બહિર્મુખી સ્વભાવના બકબકિયા પ્રયાસોથી! આસ્થાની વાતોમાં ગુમ થઈ જવાનું પોતાનું એકાંગી સુખ અંશુમાન ક્યારેય આસ્થાને સમજાવી નહોતો શક્યો અને એના મૌનથી આસ્થા અકળાઈ જતી હતી.
ઓહ!

આટલી ઉંમરે અંશુમાનને આ બધું કેટલી તીવ્રતાથી યાદ આવતું હતું! જાણે કે સમય વીત્યો જ નથી. આ ફૂલોની કૉનિસમાં જાણે કે આસ્થાએ સોમનાથથી લાવેલા શંખલા-છીપલા હમણાં જ નાખ્યા હતા! અકસ્માતમાં મા-બાપને ખોઈ બેઠેલી આસ્થાએ એ ઉદાસીને અંતરની કઈ ગુફામાં ધરબી દીધી હતી? એ અંશુમાન માટે કાયમ હેરાનભરી વાત હતી. દાદાજી સાથે એ કેટલું સભર જીવન જીવતી હતી….! પરંતુ એની લાંબી પાંપણો નીચેથી દેખાતી આંખોમાં ક્યારેક ઊતરી આવતી ઘેરી ઉદાસીની રંગછટાને અંશુમાન જોઈ લેતો હતો ત્યારે એક પીડાનો સબાકો એના મનની આરપાર થઈ જતો. આસ્થાની ઉદાસીથી અંશુમાન ઉદાસ થઈ જતો અને કદાચ આસ્થા આ વાત જાણતી હતી. એટલે જ તો એ પોતે પણ આનંદનું મહોરું પહેરીને આનંદમાં રહેવાનો અને આસ્થાને આનંદમાં રાખવાનો ઢોંગ કરતો, પરંતુ એક દિવસ એ ઢોંગી ગુબારો ફૂટી જતાં ઉદાસી સામે આવી ગઈ હતી. નગ્નરૂપે!
હા…
એ દિવસોમાં અચાનક જ વારંવાર પેટમાં દુ:ખવાની ફરિયાદ કરતી આસ્થાને એક દિવસ હૉસ્પિટલાઈઝ્ડ કરવામાં આવી. આશ્રમમાં સંગીતની પરીક્ષા ચાલુ હોઈ, અંશુમાન આસ્થા પાસે જઈ ન શક્યો અને એ સાજી થઈને ઘરે આવી ત્યારે એ આસ્થા સામે બહુવાર લગી જોઈ જ ન શક્યો.

આસ્થા… આસ્થા… તો હતી… પણ હવે એની નજરમાંથી શ્રદ્ધાની દીવડી બુઝાઈ ગઈ હતી… ના… ના… એનામાં કોઈ જ દેખીતા પરિવર્તનો નહોતા થયા પરંતુ? અંશુમાને નોંધ્યું હતું… કંઈક એવું હતું જે આસ્થાની ભીતર થીજી ગયું હતું. એને એ બહુ જ સભાનતાપૂર્વક એ દર્શાવવા નહોતી માગતી. એક અદીઠ તત્ત્વ અંશુમાનને પીડા આપી રહ્યું હતું પણ શું હતું એ તત્ત્વ? એ તત્ત્વને પકડે એ પહેલા તો અંશુમાને કંઈક નવો જ આઘાત ખમવો પડ્યો હતો, જ્યારે દાદાજીના ફોરેન મિત્રના દીકરા ડૉ. અભિજિત સાથે લગ્ન કરીને આસ્થા એક દિવસ અચાનક જ સાત સમંદર પાર અમેરિકા જતી રહી!!

‘અંશુ… દીકરા… આ વહેલી સવારના ચાર વાગ્યા છે. મને ખબર છે તું સૂતો નથી પરંતુ… બેટા… દાદાજીના ઘરેથી તને તેડવા માટે માણસ આવ્યો છે. કીધું કે… રાતે ઘણાં ફોન કર્યા પરંતુ બેટા… તે પ્લગ તો કાઢવાનું કહ્યું હતું ને! મીઠીકાકીના અવાજથી અંશુમાન વર્તમાનની કેડી પર પાછો ફયો. તરત જ એ દાદાજીના ઘરે પહોંચ્યો. દાદાજીની તબિયત ઘણી ખરાબ હતી. પથારીમાં સૂતેલા આ પડછંદ પુરુષના ચહેરા પર થાક હાંફતો હતો. કરચલીયાળા ચહેરા પર કંઈક સળવળતું હતું. એમની આંખોમાં એકાદ ઝંખના હતી. તૂટતા સ્વરે એમણે કહ્યું: “બેટા… યોગાનુયોગ છે કે તને ‘શંખધ્વનિ’- સન્માન મળ્યું અને આ જ રાતે ઘણાં સમય પછી આસ્થાનો ફોન આવ્યો. મેં હરખભેર સમાચાર આપ્યા અને… તું માનશે કે… ફોન પર ધ્રૂસકે-ધ્રૂસકે આસ્થા રડી પડી. વચમાંથી જ અભિજિતે એને સંભાળી એની તબિયત ખરાબ થઈ ગઈ બેટા… અને એ જાણીને મારી પણ…., થોડીવાર દાદાજી ખમી ગયા.

અંશુમાનના ધબકારા ધીમા પડી ગયા. ગળે શોષ બાઝવા લાગ્યો.

‘બેટા…! સાસરે જતી વખતે આસ્થા મને એક અમાનત સોંપી ગઈ હતી મને લાગે છે કે… લાગે છે કે.. હવે તને સોંપી દેવી જોઈએ.’ કહી દાદાજીએ ઓશિકા નીચેથી એક શંખ કાઢીને અંશુમાનની હથેળીમાં મૂક્યો.
શંખના પોલાણામાં એક ચબરખી હતી. અંશુમાને કંપતા હાથે એ ચબરખીને આંખ નજીક લાવી વાંચવા પ્રયત્ન કર્યો. અંશુમાનનાં વિશાળ તેજસ્વી કપાળ ઉપર પરસેવાના બૂંદ ઊપસી આવ્યા. અને બે ભ્રમર વચ્ચેના વાગેલા ઘાના એક નિશાનરૂપ ખાંચામાં કરચલીઓ પડી. એની મોટી મોટી આંખોમાં ખારાં પાણી છલછલી ઊઠ્યાં. નજર ઘૂંઘળી થઈ ગઈ છતાં એણે કાગળને વાંચ્યો. આસ્થાના હંમેશાં જેવા મરોડદાર અક્ષરોની લિપિ આ કાગળમાં ધ્રૂજી ગઈ હતી એ અંશુમાને નોંધ્યું અને જેમ જેમ અક્ષરો ઉકલતા ગયા એમ એમ એમાંથી પ્રકટતા અર્થને અંશુમાન પામવા નથી રહ્યો.
‘અંશુમાન…!’

સંબોધન વગરનો પણ એક સંબંધ હોય છે… કદાચ વધારે દૃઢ સંબંધ!

સોમનાથ અને દ્વારકાના દરિયા કિનારે ખબર નહીં કેમ પણ મને તું ખૂબ ખૂબ યાદ આવ્યો? મારી જાણ બહાર આંખમાં આંસુ આવી ગયા અને દાદાજી સામે ખોટું બોલવાનો દંભ હું ન કરી શકી. ખબર છે અંશુમાન…! દાદાજીએ કહ્યું કે… ‘એમ કર, આસ્થા… અંશુ માટે તું આખો દરિયો જ તારી સાથે લઈ લે!’
કાશ! હું તને આખો દરિયો આપી શકી હોત… અંશુ…!

સોમનાથ-દ્વારકાના દરિયા મારી બેઉં આંખોમાં ભરીને હું પાછી ફરી હતી તને આપવા પરંતુ… આ જોઈ લે…! દરિયાને બદલે તને દ્વારિકાનો આ શંખ આપી રહી છું જેના પોલાણમાંથી તું દરિયાના ઘુઘવાટને સાંભળીને મહેસૂસ કરી શકીશ. એક શંખ આપીને હું તારી પાસેથી ‘શંખધ્વનિ’ માગું છું એ વધુ પડતું તો છે જ પણ…! ખેર. મારા પ્રિય ચિત્રના અંધારા આકાશમાંથી ટમટમતા તારા અને નક્ષત્રોની જેમ હું પણ ટમટમ્યા કરીશ તને આ સન્માન મળે ત્યાં લગી જીવનાકાશમાં… મારી પાસે કદાચ બહુ વખત નહીં બચે અંશુ! લાંબો સમય હૉસ્પિટલાઈઝ્ડ રહી એ દરમિયાન તારી પ્રતિકૂળતાને લીધે આપણે મળી નહોતા શક્યાં એ ખરેખર તો સારું જ થયું કેમ કે… એ દરમિયાન જ મેં પરિસ્થિતિને સ્વીકારવાની અને એની સાથે જીવવાની હિંમત કેળવી લીધી હતી…
હા… અંશુમાન…!

હૉસ્પિટલમાં મારું ગર્ભાશય કાઢી નાખવું પડેલું… કૅન્સરની ગાંઠ એટલી વકરી ગઈ હતી કે હું કદીય મા ન બની શકું અને ડૉ. અભિજિત પણ બાપ નહીં બની શકવાનો શાપ પામેલા માણસ હતા…! અંશુ…! હું કે દાદાજી નહોતા ઈચ્છતા કે… તારી કલાનો વારસો મારાથી અટકી જાય… હું જાઉં છું… દૂર… દૂર… દૂર… તારાઓ પાસે… ટમટમવા માટે મને અંધારી રાત જોઈશે અંશુ!

કાગળના છેડે લખેલું લખાણ રેલાઈ ગયું હતું. કદાચ આસ્થાના આંસુથી…! અંશુમાનના હાથમાંથી શંખ નીચે પટકાયો. બીજા હાથમાંથી કાગળ સરકયો. સમગ્ર વિશ્ર્વ ગોળ-ગોળ ઘૂમી ગયું અને થોડીવાર પછી ઢગલો થઈને ફસડાઈ પડ્યું. અંશુમાનના પગમાં ને પછી સ્થિર થઈ ગયું એની મોટી ગોળ આંખોમાં… દાદાજીએ જોયું અંશુમાનની આંખોમાંથી નીચોવાઈને માત્ર એક જ બૂંદ આંસુનું અટકી ગયું જેમાં કોઈની પ્રતિક્ષા હીરાની જેમ ઝબકતી હતી…!

બરાબર એ જ સમયે નજીકમાં જ આવેલા મંદિરમાં પ્રાત: આરતીની શંખધ્વનિ દાદાજીના કાનમાં ગૂંજી ઊઠયો… અંશુમાનના કાનને હવે શંખધ્વનિની કોઈ રાહ નહોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button