વીક એન્ડ

રચનાની જટિલ સમજ

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

ઇલોરાના કૈલાસ મંદિરની રચના પાછળ ભક્તિ-આધ્યાત્મિકતાને ભવ્યતા આપવાનો હેતુ મહત્ત્વનો હોય તો અમદાવાદના સાબરમતી આશ્રમમાં ગાંધીજી માટે બનાવાયેલ આવાસમાં તેમના વ્યક્તિત્વની સાદગી તથા પારદર્શિતાની અભિવ્યક્તિ કેન્દ્રસ્થાને રહી હોય. પેરિસ મધ્યેના સેન્ટર પોમ્પિડુની રચના થકી મકાનના તકનિકી પાસાનું પોતાનું સૌંદર્ય સ્થાપિત કરવાની ચેષ્ટા હોય તો સામે જાપાનનાં ઐતિહાસિક મંદિરોમાં લાકડાની રચના વડે સ્થાપત્યમાં લાલિત્ય ઉભારવાનો પ્રયત્ન દેખાય. રચનાની જુદી જુદી બાબતો જુદા જુદા સમયે અગત્યની ગણાય.

ઉંમર તથા સામાજિક પૂર્વભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં, બાળકના રમકડાની ડિઝાઇનમાં ક્યારેક ચલિતતાને મહત્ત્વ અપાય છે તો ક્યારેક બુદ્ધિમતાને વિકસાવવાનો પ્રયત્ન થયેલો જોવા મળે છે. કેટલાંક રમકડાં માત્ર પ્રવૃત્ત રાખવા માટે હોય છે તો કેટલાંક રમકડાં સાંસ્કૃતિક પરંપરાની અભિવ્યક્તિ માટે નિર્ધારિત કરાય છે. પ્રિન્ટ મીડિયામાં જે જાહેરાત જોવા મળે છે તેની ડિઝાઇન પાછળ પણ માત્ર વ્યાપારી હેતુ નથી હોતો. અમુક રચનામાં તકનિકી ખૂબીઓને વધારે સ્પષ્ટતાથી જણાવવાનો પ્રયત્ન કરાય છે તો અમુકમાં જે તે વસ્તુની સુંદરતાને ઉજાગર કરાય છે. લગ્ન જેવા પ્રસંગમાં વસ્ત્ર- પરિધાન સમૃદ્ધ લાગે તે પ્રમાણે બનાવાય છે તો પર્વતારોહણ માટે જતી વ્યક્તિના પરિધાનમાં ઉપયોગિતા અને અનુકૂળતા કેન્દ્રસ્થાને રહે છે. રચના અર્થાત્‌‍ ડિઝાઇનના ક્ષેત્રમાં જુદા જુદા સંજોગોમાં, જુદી જુદી રચનાઓ દ્વારા જુદા જુદા પ્રશ્નોનો ઉકેલ શોધવા પ્રયત્ન થતો રહ્યો છે.

રચનામાં ક્યારેક મજબૂતાઈને વધારે મહત્ત્વ અપાય છે તો ક્યારેક લાલિત્યને. રચનામાં ક્યારેક કિમતનું વધારે ધ્યાન રખાય છે તો ક્યારેક પરંપરાનું. રચના પાછળ ક્યારેક પ્રવર્તમાન શૈલી હાવી થાય છે તો ક્યારેક વ્યક્તિગત પસંદ-નાપસંદ અગત્યની બની રહે છે, પણ આ દરેક પરિસ્થિતિમાં કોઈ એક ચોક્કસ પ્રશ્નને અગત્યનો ગણી રચનાનાં મહત્ત્વનાં પાસાં તેને આધારિત નક્કી કરાય છે.

કોઈ પણ ડિઝાઇન-રચના એવી નથી કે જે બધા જ પ્રશ્નોનો જવાબ આપી શકે. દરેક રચના ચોક્કસ પ્રશ્નોના જવાબ તરીકે અસ્તિત્વમાં આવે છે, પણ સાથે સાથે તે કેટલાક નવા પ્રશ્નો પણ ઊભા કરે. રચનાની સમજ માટે એ જાણવું જરૂરી બને કે તે કયા પ્રશ્નોના જવાબ આપે છે અને જે નવા પ્રશ્નો ઊભા થાય છે તે કેટલી હદે માન્ય રહેશે. રચના પાછળ રચનાકારની સંવેદનશીલતા, સર્જનાત્મકતા અને નિરાકરણશક્તિ કાર્યરત હોય છે. આની સામે ઉપયોગકર્તા માટે ક્રિટિકલ વિચારશીલતા અને નિર્ધારિત માળખા મુજબનું મૂલ્યાંકન જરૂરી છે. આમાં પણ જો રચનાકારનો અભિગમ-ઝુકાવ એક તરફનો હોય તો તે રીતની રચના પરિણમે છે. આ તો એવી વાત થઈ કે જે વ્યક્તિને માવાની મીઠાઈ ભાવતી હોય તે વ્યક્તિ દ્વારા નક્કી કરાયેલ પ્રસંગના મેનુમાં આવી મીઠાઈનો સમાવેશ થવાની સંભાવના વધુ રહે.

સ્થાપત્યમાં ઉપયોગિતા માટેના મકાનનાં આંતરિક સ્થાન નિર્ધારણ થતાં હોય છે. જે તે કાર્ય હેતુ માટે નિર્ધારિત થયેલા આવા સ્થાનની કાર્યક્ષમતા તો હોવી જ જોઈએ, પણ સાથે સાથે ભાવાત્મક સંબંધ પણ બંધાવવો જોઈએ. પહેરવેશની ઉપયોગિતા તો પૂર્ણ થવી જ જોઈએ, પણ સાથે સાથે, જે તે પ્રસંગ માટે નિર્ધારિત થયેલ પરિધાન- પહેરવેશમાં વ્યક્તિત્વ નીખરવું જોઈએ.

રાચરચીલાની બનાવટમાં પરંપરા તથા જીવનશૈલી પ્રમાણેની અનુકૂળતા સ્થાપિત થવી જોઈએ. પ્રોડક્ટ ડિઝાઇન અર્થાત્‌‍ વસ્તુ-રચનામાં વર્તમાનની જરૂરિયાતો સાથે ભવિષ્યની સંભાવનાઓ પણ વણાઈ જવી જોઈએ. ગ્રાફિક ડિઝાઇન અર્થાત્‌‍ ચિત્રણ-રચનામાં સંદેશો સ્પષ્ટ અને સરળ રીતે પકડાવો જોઈએ. રચનાનાં આ બધાં ક્ષેત્રમાં લાલિત્ય તો જરૂરી છે જ. સાથે સાથે નિર્ધારિત સમયગાળા માટે તેની યથાર્થતા પણ ટકી રહેવી જોઈએ. આ બધામાં સાંસ્કૃતિક ઇતિહાસ, વર્તમાન પરિસ્થિતિ તથા ભવિષ્ય માટેની સંભાવનાઓ પણ જડાઈ જવી જોઈએ. પ્રત્યેક ડિઝાઇન ભૂત-વર્તમાન-ભવિષ્યના સમન્વય જેવી હોય છે. પ્રત્યેક ડિઝાઇન હકીકત-આકાંક્ષા-લાલિત્ય વચ્ચે સંતુલન સમાન હોય છે. ડિઝાઇન જે રીતના સમજવામાં આવે છે – ડિઝાઇન જે રીતના લેવામાં આવે છે તેના કરતાં ઘણા ઊંડાણ સાથે તેની રચના સાથે જોડાયેલા હોય છે.

વ્યક્તિ પાસેની સંપન્નતા એક બાબત છે, તેની સામે તેનાં સપનાં પણ એક હકીકત છે. જે તે સમયે લાગુ પડતાં સામાજિક તેમ જ રાજકીય બંધનો પણ એક સત્ય છે. સમયાંતરે બદલાતાં રહેતાં મૂલ્યનિષ્ઠા કે અગ્રતાક્રમ કે બંધન કે પસંદગીનાં ધોરણો પણ એટલાં જ અગત્યનાં છે. કઈ બાબત ક્યારે મહત્ત્વની બની રહે તે પરિસ્થિતિને આધારિત રહે છે. એક પરિસ્થિતિમાં એક પ્રકારની રચના યોગ્ય જણાય તો અન્ય પરિસ્થિતિમાં યોગ્યતાની પરિભાષા જ બદલાઈ જાય. જે આજે સ્વીકૃત છે તે કાલે સંપૂર્ણ અસ્વીકૃત પણ બની રહે. રચનાના મૂલ્યાંકનમાં પરિસ્થિતિની સમજ બહુ જરૂરી છે.

રોજિંદા જીવનમાં સામાન્ય પહેરવેશનું મહત્ત્વ છે. લગ્ન પ્રસંગે ખાસ ચમકદમકવાળા પહેરવેશની ઇચ્છા હોય. અન્ય શુભ પ્રસંગો માટે સામાન્ય કરતાં થોડાક કીમતી પહેરવેશની ઇચ્છા હોય. મૃત્યુ પ્રસંગે પહેરવેશમાં સાદગી અને શુદ્ધતા વ્યક્ત થાય તે યોગ્ય ગણાય. પ્રસંગ અનુસાર, ક્ષમતા અનુસાર અને વ્યક્તિગત પસંદગી અનુસાર જે તે રચના સ્વીકૃત બનતી હોય છે. આ વાત પહેરવેશ માટે જેટલી સત્ય છે તેટલી જ સ્થાપત્ય અને ડિઝાઇનના અન્ય ક્ષેત્ર માટે પણ છે. રચનાનું નિર્ધારણ વિવિધ બાબતો પર આધાર રાખે છે. જ્યાં સુધી આવી બાબતોની જાણકારી ન હોય ત્યાં સુધી રચના વિશે નિર્ણય ન કરી શકાય. આ સિવાય પહેરવેશ પર આબોહવાનાં વિવિધ પરિબળો પણ અસર કરતાં રહે છે. પહેરવેશની પસંદગીમાં વ્યક્તિ નિર્ધારિત કે પસંદગીના જે તે વ્યક્તિ-સમૂહ સાથે પોતાને સાંકળવા માગતી હોય છે. આવાં જ કારણોસર સેલ્સમેન કોર્ટ-પેન્ટ-ટાઈમાં જોવા મળશે તો હિપ્પી લોકો ઢંગધડા વગરની વેશભૂષા સાથે પોતાની વિચારસરણીને સરખાવશે. કેવા પ્રકારના પરિધાનની રચના કરવી તે ઘણી વાર વિચિત્ર બાબત પર આધાર રાખે છે.

ડિઝાઇન અથવા રચના-નિર્ધારણ એ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. અહીં ક્યારેક તર્કબદ્ધ વિચાર કામ કરી જાય તો ક્યાંક સૌંદર્યની સમજ અગત્યનો ભાગ ભજવે. અહીં ક્યારેક ઉપયોગિતાને પ્રાધાન્ય અપાય તો ક્યારેક સામગ્રી અને તેના વપરાશની તકનીક મેદાન મારી જાય. રચનામાં ક્યારેક વ્યક્તિગત માન્યતાને વધુ મહત્ત્વ મળે તો ક્યારેક પ્રવર્તમાન શૈલીનું અનુકરણ ઇચ્છનીય ગણાય. પરિબળો ઘણાં છે અને તેમનું પરસ્પરનું સમીકરણ પણ જટિલ છે. કયા પરિબળને, કયા કારણસર, કેટલું મહત્ત્વ અપાયું છે તે જાણ્યા વગર કોઈ પણ રચના બાબતે નિર્ણય ન બાંધી શકાય.

એક માપદંડ નથી. એક સિદ્ધાંત નથી. એક ફૉર્મ્યુલા નથી. જરૂરિયાતો પણ વિવિધ પ્રકારની છે. રચના માન્ય રાખનાર કે રચનાનો ઉપયોગ કરનાર વ્યક્તિ-સમૂહની માનસિકતા પણ ભિન્ન ભિન્ન હોય છે. ઘણી વાર નિર્ણયો તત્કાળના ધોરણે લેવાય છે તો કેટલીક વાર નિર્ણય પાછળ ગહન ચિંતન કરાતું હોય છે. રચના પાછળ સ્થાપિત થયેલા હેતુ સાથે કેટલાક બીટ્વિન ધ લાઈન્સ જેવા ઉદ્દેશ પણ હોય છે. એકંદરે એમ કહી શકાય કે ડિઝાઇન અર્થાત્‌‍ રચનાની યથાર્થ સમજ માટે યોગ્ય માળખાયુક્ત મનન-ચિંતનની જરૂર રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button