વીક એન્ડ

વસ્ત્ર તથા આવાસ

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

માનવી સમાન છે, તેની અપેક્ષાઓ સમાન છે. પ્રાણી માત્ર માટે જે આહાર-નિદ્રા-ભય-મૈથુનની વાત થાય છે, તે ઉપરાંત માનવીમાં વિચારશીલતાનો પણ સમાવેશ થયો છે. માનવી એ વિચારશીલ પ્રાણી છે, તે ભૂતકાળ પાસેથી શીખીને, ભવિષ્યના સપનાની દિશામાં, વર્તમાનની પરિસ્થિતિ પ્રમાણે ડગલા ભરે છે. માનવી બુદ્ધિમાન હોવા સાથે તે સામાજિક પ્રાણી પણ છે. સામાજિકતાના આવા એક આયામ મુજબ શરીરને ઢાંકવાની તેને જરૂર પડે છે. માનવી પોતાના અસ્તિત્વની આસપાસ ચોક્કસ પ્રકારનાં આવરણો ઊભાં કરતો રહ્યો છે. આમાંનું સૌથી પહેલું ભૌતિક આવરણ વસ્ત્ર ગણી શકાય, જ્યારે અંતિમ ભૌતિક આવરણ આવાસ કહી શકાય. વ્યક્તિ કોઈપણ દેશમાં રહેતો હોય – કોઈપણ સંસ્કૃતિને અનુસરતો હોય પણ આ બંને આવરણની તેને જરૂર રહે છે. માનવીની મૂળભૂત બાબતો સમાન હોવાથી જુદી જુદી સંસ્કૃતિમાં પણ આ આવરણની મુખ્ય ભૂમિકા સમાન રહે છે.

માનવી માનવીમાં જે ફેરફાર છે તે સમય અને સંજોગોને આધીન પરિબળો અને પ્રાપ્ય સંસાધનોને કારણે છે. ક્યાંક ગરમી છે તો ક્યાંક ઠંડી છે, ક્યાંક વાપરીને ફેંકી દેવાનું ચલણ છે તો ક્યાંક આવનારી પેઢીને પણ જે તે વસ્તુની ઉપયોગિતામાં સરળતા રહે તે પ્રકારનો વપરાશ છે. ક્યાંક સમય ઝડપથી બદલાતો લાગે છે અને ક્યાંક સમય થંભી ગયાની પ્રતીતિ થાય છે – તેથી યુવાનો ઝડપથી બદલાવ ઇચ્છે છે તો વૃદ્ધો માટે પરિસ્થિતિ ભિન્ન છે. છતાં પણ માનવીની મૂળ ભાવના તો જેમની તેમ જ રહે છે – અનુકૂળ પરિસ્થિતિને જાળવી રાખવી, ક્યાંક જિંદગીના નવીન પ્રકારના રંગ માટે બદલાવની અપેક્ષા રાખવી, ભવિષ્યના સપનાનો ભોગ લીધા વગર જે છે તેનો કરકસરયુક્ત ઉપયોગ કરવો અને જિંદગીને માણવાનો નિષ્ઠાથી પ્રયત્ન કરવો. આ ભાવ અમેરિકનોમાં પણ છે અને ગુજરાતી સમાજમાં પણ.

આવરણ મૂળભૂત રીતે રક્ષા માટે હોય છે. આ રક્ષણ હથિયારથી પણ હોઈ શકે, આબોહવાના વિપરીત પરિબળો સામે પણ હોઈ શકે, કે અકસ્માતે સર્જાતા નાના મોટા ઘસરકા સામે પણ હોઈ શકે. આવરણનો મૂળ હેતુ સિદ્ધ થયા પછી તેમાં જરૂરિયાત, અનુકૂળતા અને સંભાવના અનુસાર જે તે વસ્તુની સાચવણી માટે પણ ગોઠવણ કરાય છે. વળી અમુક વસ્તુઓ હાથવેગી રહે તે માટે પણ વિશેષ પ્રાવધાન કરવામાં આવે છે. વસ્ત્ર હોય કે આવાસ, આ બધા સાથે વ્યક્તિની વિચારસરણી પણ પ્રતિબિંત થતી જોવા મળે છે.

વસ્ત્રની વાત કરીએ તો રક્ષા માટે તેની મજબૂતાઈ તથા જાડાઈ અગત્યની ગણાય. આબોહવાના વિપરીત પરિબળો સામે તેનું જળ અવરોધકપણું અને ગરમી-ઠંડી સામે રક્ષણ માટે તેની સામગ્રી તથા બનાવટ પર ધ્યાન અપાય છે. સાથે સાથે વસ્તુઓને રાખવા ખિસ્સા પ્રયોજાય છે અને વસ્ત્રના ઉપયોગમાં સગવડતા રહે તે રીતે તેની ડિઝાઇન પસંદ કરાય છે. વસ્ત્રની ડિઝાઇનમાં વ્યક્તિની સંસ્કૃતિ, પસંદગી, મૂલ્ય તથા અગ્રતાક્રમ પણ પ્રતિબિંબિત થતા હોય છે. આવાસમાં પણ લગભગ આવી જ બાબતો છે. અહીં રક્ષા માટે બાંધકામની સામગ્રી તથા માળખાકીય રચનાની મજબૂતાઈ મહત્ત્વની ગણાય છે. આબોહવાના વિપરીત પરિબળો સામે રક્ષણ મળે તે માટે બારી-બારણાની વ્યૂહાત્મક રચના થાય છે અને સાથે સાથે અને ઇન્સુલેટેડ સામગ્રી વપરાય છે. અહીં પણ જે તે વસ્તુના સંગ્રહ માટે અલમારી, છાજલી કે ભંડાર સ્થાન બનાવાય છે. આવાસની રચનામાં પણ વ્યક્તિનું વ્યક્તિત્વ છતું થતું જોવા મળે છે. આવું દરેક દેશમાં થાય છે. પ્રશ્ર્ન સાંજોગીક પરિસ્થિતિમાં રહેલી ભિન્નતાનો છે.

આબોહવાને કારણે અમેરિકામાં પ્રમાણમાં ચુસ્ત કપડા પહેરાય છે, જ્યારે ગુજરાતમાં ઢીલા કપડાનું ચલણ છે. અમેરિકાની સંસ્કૃતિ યુરોપના પ્રભાવ હેઠળ હોવાથી અહીં પણ કોટ-પેન્ટ-ટાઈ દેખાયા કરે છે તો ગુજરાતમાં ઝભ્ભો-લેંઘો પ્રચલિત છે. જાત જાતની વસ્તુઓ સાથે રાખવા માટે અમેરિકામાં બેગી – બેગ જેવા પેન્ટ માટે ક્રેજ છે તો ગુજરાતમાં પૈસા, પેન અને રૂમાલ મૂકવાની જ વ્યવસ્થા કરાય છે. અમેરિકામાં વારંવાર ન ધોવું પડે તેવા કાપડનો ઉપયોગ વધુ થતો જોવા મળે છે. જ્યારે અહીં તેમ નથી. ગુજરાતના વસ્ત્રોની બનાવટમાં, પરંપરાગત રીતે, એવું કાપડ પસંદ કરાતું કે જેમાંથી હવાની અવરજવર સહેલાઈથી થઈ શકે, આ પ્રકારની વ્યવસ્થા અમેરિકાના વસ્ત્રમાં જોવા ઓછી મળે છે. બંને દેશોના વસ્ત્રની કલર સ્કીમ પણ આબોહવા અને હલનચલનની રીત ભાત અનુસારની છે. વસ્ત્ર મૂળમાં તો વસ્ત્ર જ છે, પણ જે રીતે તેની માટેની સામગ્રી નક્કી થાય છે, જે રીતે તેની રચના નિર્ધારિત થાય છે અને જે રીતે એનું વિગતિકરણ થાય છે; તે બાબત સાંજોગિક અને સાંસ્કૃતિક ભિન્નતાનું પરિણામ છે.

આવું જ આવાસમાં જોવા મળે છે. દીવાલ-છત-ફરસ-બારી-બારણા તો બધે જ છે. બધા જ આવાસ બાહ્ય પરિસ્થિતિ અને આબોહવાના વિપરીત પરિબળો સામે રક્ષણ આપે છે. બધા જ આવાસ ચોક્કસ પ્રકારનું વ્યક્તિત્વ રજૂ કરે છે. દરેક આવાસની રચનામાં સામાજિક રીતે સ્થાપિત અગ્રતાક્રમ પ્રતીત થતો હોય છે. દરેક આવાસમાં દિવાન ખંડ કે શયનખંડ કે રસોઈ કે અન્ય એવા જરૂરી સ્થાન સમાવતા હોય છે. દરેક દેશમાં પ્રાપ્ય સંસાધનો અને જરૂરિયાત વચ્ચે સંતુલન સ્થાપી આવાસનું ક્ષેત્રફળ નક્કી કરાતું હોય છે. આવાસની રચનામાં જે કંઈ બદલાવ છે તે સાંજોગિક અને સાંસ્કૃતિક ભિન્નતાનું પરિણામ છે. ક્યાંક દિવાનખંડને પ્રાધાન્ય મળે છે તો ક્યાંક વ્યક્તિગત કક્ષને. ક્યાંક બહિમૂર્ખતા જરૂરી ગણાય છે તો ક્યાંક આંતર્ભીમુખ રચના વધુ યોગ્ય જણાતી હોય છે. ક્યાંક બહારના વાતાવરણ સાથે જોડાવાનો પ્રયત્ન થાય છે તો ક્યાંક આંતરિક સંકલનને વધુ મહત્ત્વ અપાય છે. ક્યાંક આવાસને મંદિર સમાન ગણવામાં આવે છે તો ક્યાંક આવાસ ઉપયોગીતા માટેનું સાધન માત્ર છે.

જોકે સાંપ્રત સમયમાં ક્યાંક આ ભેદ ઓછો થતો લાગે છે, છતાં પણ સમાજનો મોટો વર્ગ આ ભેદ પ્રમાણે જ પસંદગી કરે છે. છતાં પણ એક પરિપ્રેક્ષ્યમાં માનવીની જરૂરિયાતો તથા સંજોગો પ્રમાણે વિવિધ બાબતો પ્રત્યેનો પ્રતિભાવ લગભગ એક સમાન રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button