વીક એન્ડ

ચુનિયાની અળવીતરી માસ્ટરી…

ડિગ્રીની કોઈ જરૂર નથી, કયારેક કોઈને પણ ગાળિયો પહેરાવતા આવડે એ જ મોટી આવડત !

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

તાજેતરમાં સંસદની ઘટના પછી એક વાત નક્કી છે કે નેતા તરીકે ઉમેદવારી નોંધાવવી હોય તો બાયોડેટામાં લખવું પડશે કે મને ઢીકા-પાટુ મારતા ને ફિલ્મી અંદાજમાં ‘ઢિશુમ…ઢિશુમ ’ કરતાંય આવડે છે…

લગ્ન કરવા હોય તો મુરતિયાએ લખવું પડશે કે રસોઈ કરતા આવડે છે…

સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ ચલાવવા હોય તો લખવું પડશે કે પેપર ફોડતા આવડે છે….!

તમારામાં શું આવડત છે અને તે દેખાડવા માટે જે વિગત થાય તેને ‘બાયોડેટા’ કહેવાય…

સાચુ કહું તો મને એક ઉંમર સુધી ખબર જ નહોતી કે બાયોડેટાનો અર્થ શું થાય! કેમ કે ‘બાયો’ શબ્દ મેં જ્યાં જ્યાં સાંભળ્યો છે ત્યાં ત્યાં કાં તો બાયો ડીઝલ- બાયો વેસ્ટ કે પછી બાયો કેમિકલ જ કાને પડ્યો છે. હવે જ્યાં ભાઇઓ અને બાઇઓ વચ્ચે પણ ક્ધફ્યૂઝન હોય ત્યાં બાયો’ એટલે શું એ પ્રશ્ર્ન રહેતો હોય ત્યાં એની સાથે ડેટા ઉમેરાય તો શું કરવું?

એવામાં જ્યારે નેટ-યુગ શરૂ થયો ત્યારે આ ડેટાની ખબર પડી.. બાકી તો ડેટનું બહુવચન ડેટા હશે એવી માન્યતા ઘણા સમય સુધી રહી!.

આવી બધી ગેરસમજણ કરવામાં હું એક જ નથી. ચૂનિયાના ભત્રીજા પાસે કોઈ છોકરીએ બાયોડેટા માંગ્યો તો એણે છોકરીના નંબર પર રીચાર્જ કરાવીને ડેટા નંખાવી આપ્યો! સદ્નસીબે છોકરીને જે ડેટામાં રસ હતો એ જ મળી ગયો અને ‘રીચાર્જવાલે ભૈયા’ નામે છોકરીના કોલ લિસ્ટમાં એ છોકરાનું નામ સામેલ પણ થઈ ગયું..!

બાકી બાયોડેટા શેના માટે તૈયાર કર્યો છે એ મહત્ત્વનું છે. જો લગ્નનો હોય તો તેમાં ગૌત્રની જરૂર પડે, પણ જો નોકરીનો હોય તો તમારી મજૂરી કરવાની ક્ષમતા કેટલી છે એ પરથી જ તમને જોબ માટે તમારી પસંદગી કરવામાં આવે છે. ‘બોસની નવી ક્રેટા’ ગાડી જોઈને જો કોઈ એમ કહે કે ‘કોન્ગ્રેચ્યૂલેશન બોસ’ તો બોસ એમ જ જવાબ આપવાનો કે જો, તું આમ જ મહેનત કરતો રહીશ અને ટારગેટ એચીવ કરતો રહીશ તો આવતા વર્ષે હું મર્સિડિસ ખરીદીને તને વાહ બોલવાનો મોકો ફરી આપીશ! ’

નોકરીનો હોય કે લગ્નનો હોય કોઈ પણ બાયોડેટા બનાવવો હોય તો અમારો ચૂનિયો એક્સ્પર્ટ તરીકે સામે ઊભો જ હોય. આખી જિંદગી ચૂનિયાએ નોકરી તો ન કરી પણ ઇન્ટરવ્યૂ એટલાં બધાં આપ્યા કે તેના અનુભવે એટલું કહી શકે કે ક્યા શેઠને ક્યા ધંધા માટે કેવો માણસ જોઈએ અને કેટલો અનુભવ જોઇએ તેવું બધું એ બખૂબી જાણી ગયો છે એટલે કોઈ પણ નોકરી વાંચ્છૂક એની પાસે બાયોડેટા બનાવવા આવે એટલે ચૂનિયો પ્રાથમિક વિગતો લઈ ટનાટન બાયોડેટા બનાવી દે. એક અઠવાડિયું પોતાની પાસે ફ્રીમાં નોકરીએ રાખે અને સવારે દૂધ લેવાથી માંડી, રાત્રે ઘેર ચાલતા જવા સુધીની ટ્રેનિંગ સુધ્ધાં પણ એ હોંશે હોંશે આપે. ઉમેદવારને સામે બેસાડીને મિની ઇન્ટરવ્યૂ પણ ચૂનિયો લઈ લે! હમણાં એક ઉમેદવારનો બાયોડેટા બનાવવા બોલાવ્યો હતો અને હું પહોંચી ગયો હોઉં એવો માહોલ એણે પોતાની ઓસરીમાં ઊભો કરેલો! આંખોના ઇશારાથી મને બેસવાનું કહ્યું અને મેનેજરના ઇન્ટરવ્યૂની તૈયારી કરવા આવેલા ઉમેદવારને મારા માટે પાણી લેવા મોકલ્યો. ઉપદ્દેશાત્મક વાતો પછી બાયોડેટા બનાવવાની શરૂઆત થઈ. સૌપ્રથમ ઉમેદવારનું નામઠાંમ ને જન્મતારીખ આટલું તો ઠપકારી જ દીધું પછી ચૂનિયાની કલાકારીગીરી ચાલુ થઈ, પરંતુ જેમ ચૂનિયાને દોઢ પાંસળી હોય તેમ ઉમેદવાર તરીકે આવેલાને પણ અદક પાંસળી હોય એટલે મૃદુ અવાજે બોલ્યો : સર, ‘મારુ મોસાળ?’

પેલો આગળ કંઈ બોલે એ પહેલાં ચૂનિયાનો પિત્તો છટક્યો. ફાઇલનો ઘા કરીને ખખડાવ્યો: તારા સસરાને મળવા જાય છે. નોકરીના ઠેકાણા નથી અને છોકરી મેળવવાના બાયોડેટા સુધી પહોંચી ગયો?’

ગુસ્સો એકવાર કરતા કરાઇ ગયો પણ ચૂનિયાને યાદ આવ્યું કે હજુ ફી લેવાની બાકી છે એટલે જાતે ફાઇલના કાગળિયાં વીણી ઊભા થઈ અને ઉમેદવારને માથે હાથ ફેરવી શર્ટના ખીસ્સા સુધી હાથ લઈ ગયો. અંદરનું વજન જોઈ વાતને સરસ પલટાવી ‘જો ભાઈ, હું ગુસ્સે એટલાં માટે થયો કે કાલ સવારે તને નોકરી મળી જાય અને તારા બોસ પાસે તું કોઈ ટ્રેક બહારની વાત કરે તો તે કેવો ગુસ્સે થાય તેનું આ મેં ઉત્તમ ઉદાહરણ આપ્યું બાકી તું ચિંતા કરતો નહીં પૂછું એનો જવાબ દે એટલે એવો બાયોડેટા બનાવી દઉં કે બોસ ઘેર આવી બાયોડેટા લઈ જશે, નોકરીનો કોલ પણ દઈ જશે અને મારી દરેક સૂચનાનું અમલ કરીશ તો બોસ ઘેર આવી પગાર પણ આપી જશે…!’

ચૂનિયાની આ પલ્ટી મારવાની કલા પર મને માન થઈ ગયું. એક ઉત્તમ રાજકારણીના ગુણ એનામાં દેખાયા. બાયોડેટા બનાવવાનું કામ આગળ ચાલ્યું. અનુભવની કોલમ આવી એટલે ચૂનિયાએ પોતાની કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી મેનેજર તરીકે આખી કંપનીનો ભાર વહન કરે છે તેવું એક્સપીરીયન્સ સર્ટિફેકેટનું પરફોર્મા કાઢી ફાઇલમાં એટેચ કરાવ્યું. પગારધોરણની કોલમ આવતા જ હાલનો પગાર ૫૦૦૦૦/- લખ્યો અને ઉમેદવારને સમજાવ્યું કે હવે આનાથી ઉપર તને પગાર મળે તેવું આયોજન મેં તને ગોઠવી દીધું છે ’

આ ૫૦૦૦૦/-ની કોલમ એણે જે કોન્ફિડન્સથી લખી એ જોઈને મને થયું: જો વર્ષના ૫૦ પણ જો આ ચૂનિયો કમાતો હોત તો મારે થોડી રાહત રહે! ઘરમાં પાંચ માણસોને હેન્ડલ કરવાની કેપેસીટી ન ધરાવનાર માણસ અત્યારે ૫૦ માણસો હેન્ડલ કરે છે એવી વાત પણ ચૂનિયાએ લખી દીધી!

ચૂનિયાની આવી એક એક વાત પર ઉમેદવાર ગદ્દગદ્દ થતો હતો. ત્યાર પછી તો ઓફીસનું એડ્રેસ, અપેક્ષા, શોખ, અન્ય પ્રવૃત્તિઓ એટલું બધું સરસ ચૂનિયાએ ગોઠવ્યું કે ત્રણ પાનાનો બાયોડેટા ઉમેદવારના હાથમાં આવ્યો ત્યારે ઉમેદવારની આંખમાં ઝળઝળિયા આવી ગયાં. એને લાગ્યું કે આટલું બધું હું કમાઉ છું.. આવડો મોટો સ્ટાફ છે.. આટલી સારી પ્રવૃત્તિ કરું છું. સુખ સમૃદ્ધિની છોળો ઉડે છે તો મારે આ નવી નોકરીની શું જરૂર છે? આ ખુશીઓ વચ્ચે ચૂનિયાએ ૫૦૦૦ ક્યારે સેરવી લીધાં એ
ખબર ન પડી. આવા તો કંઈક કેટલાએ ઉમેદવારોને ચૂનિયાએ આભાસી જાહોજલાલી દેખાડીને ભાવવિભોર કરી દીધા છે..!

બાયોડેટા બનાવવી એ એક કળા છે. એનો એક સર્વસામાન્ય નિયમ છે કે જે રીતે આધારકાર્ડના ફોટા જેટલાં કોઈ ખરાબ દેખાતા નથી અને ફેસબૂક પ્રોફાઇલ જેવા કોઈ સુંદર હોતા નથી એ મુજબ જ બાયોડેટામાં દેખાડવામાં આવેલ દરેક વાત સાચી નથી હોતી અને કોઈક કોલમમાં લખેલી વાતો ખોટી પણ નથી હોતી!

અમારા ચૂનિયાએ ભત્રીજાને એક માર્કેટીંગ કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે મોકલ્યો. ઓવરસ્માર્ટ બોસે પોતાનું લેપટોપ આગળ કરીને કહ્યું કે ‘આ મારુ લેપટોપ મને જ વહેંચો, ચાલો’ લુચ્ચી બુદ્ધિના ભત્રીજાએ લેપટોપ હાથમાં લઈ અને બહારથી પોતે વહેંચવા માટે આવે છે એવું જણાવી કેબિનની બહાર ચાલતી પકડી. અડધી કલાક સુધી ભત્રીજો દેખાયો નહીં એટલે બોસે બાયોડેટામાંથી ફોન નંબર કાઢી લેપટોપની ઉઘરાણી કરી. સ્માર્ટ ભત્રીજાએ કહ્યુ : રૂપિયા ૩૦૦૦૦/-માં જો લેપટોપ ખરીદવું હોય તો પોતે જ્યાં ઊભો છે ત્યાં આવી લેપટોપ લઈ જાવ..! .

બોસએ નોકરી આપી કે નહીં તેના કોઈ સમાચાર નથી. આમ જૂઓ તો આ નોન મેટ્રિક ભત્રિજાની આવડત કોઈ પ્રોડક્ટ નહીં, આખે આખી પ્રોડક્ટ ઉત્પાદક્ની કંપની વેંચી નાખવા સુધીની ગણાય…! મારુ તો એટલું જ કહેવું છે કે આજકાલ જોઈતી ડિગ્રી રાજકીય દબાણ, પૈસા કે ઓળખાણથી મળી જાય, પરંતુ આવડત આવા કોઈ બાયોડેટાના ફરફરિયામાં કે ડિગ્રીના સર્ટિફિકેટમાં કેદ હોતી નથી. ખરેખર નોકરીઓ ડિગ્રીને બદલે સ્કીલ પર મળવી જોઈએ. આમ જૂઓ તો આવડત એટલે એક રીતે ગાળિયો… કોણ કેટલી સીફતથી સામેવાળાને ખબર ન પડે કે મોડી ખબર પડે એ રીતે ગાળિયો પહેરાવી દે એ કોઈ પણ જોબમાં જબરો જામી જાય…!

વિચારવાયુ:
અમુક લોકો ‘નોકરી ખાલી છે’ તેવી જાહેરાત આપીને બાયોડેટા મંગાવે પછી એનો પર્સનલ ડેટા વેંચી- કાગળ પસ્તીમાં આપી પોતાનું ઘર ચલાવે એને કોઈ જોબની જરૂર જ નથી હોતી…! (સંપૂણ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button