વીક એન્ડ

ક્રિસમસ- સાંતા ને રેન્ડિયર… હો હો હો… મેરી ક્રિસમસ…

આવો, જાણી લઈએ સાંતાક્લોઝની ગિફટ ભરેલી ગાડી બરફાચ્છાદિત પ્રદેશમાં દોડાવતાં રેન્ડિયર – હરણાંની અવનવી વાત…

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

૩૧ ડિસેમ્બર ખ્રિસ્તી કેલેન્ડરના સન ૨૦૨૩નો એ છેલ્લો દિવસ. પછીની સવારે નવા વર્ષની ઉષાનો સૂર્ય જોવા મળશે. ક્રિસમસ ગઈ, પરંતુ મોડી રાત્રે ઠંડીની નિંદ્રામાં બાળકોને સંભળાતો સાંતાક્લોઝનો પડકાર ‘હો હો હો… મેરી ક્રિસમસ… મેરી ક્રિસમસ’ ધીમ થતા જશે.

સાંતાનું નામ આવે એટલે લાલ ચટ્ટાક સૂટમાં મહાકાય દાઢીવાળા વૃદ્ધ, મોટા મોટા શિંગડાવાળા આઠ રેન્ડિયરથી જોડેલી ગાડી અને ગાડીમાં બચ્ચાલોગ માટે ભરેલી ગિફ્ટ્સ યાદ આવ્યા વગર ન રહે. સાંતા એ ખ્રિસ્તી સંસ્કૃતિનો એક બહુ મહત્ત્વનો અંશ છે. અમિર અને ગરીબ એમ તમામ માટે ભેટ લાવતા સાંતા અચ્છાઈ અને આશાનું પ્રતીક છે, જે ઠંડી અંધારી રાત્રીઓમાં ઉમંગનો સંદેશ લઈને ઘેર ઘેર જાય છે. આ રેન્ડિયર પ્રાણી અને સાંતાક્લોઝના અંગ્રેજી કલ્ચરની વાતો મજાની છે. અંગ્રેજીમાં સાંતા પર એક કવિતા છે, જેમાં સાંતાની ગિફ્ટ ભરેલી ગાડી ખેંચતા આઠ રેન્ડિયરના નામ છે. સન ૧૮૨૩ની કવિતામાં સાંતાના એ આઠે રેન્ડિયરના નામ આપ્યાં છે, જેમાં ડેશર, ડેન્સર, પ્રેન્સર, વિક્સન, કોમેટ, ક્યૂપીડ, ડોન્ડર અને બ્લીટ્ઝન, પરંતુ વીસમી સદીમાં ક્રિસમસ સેલિબ્રેશન માટેની માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે ૧૯૩૯માં રૂડોલ્ફ: ધ રેડ નોઝ્ડરેન્ડિયરને સાંતા સાથે સ્થાન આપવામાં આવ્યું પછી તો તે સાંતા જેટલું જ પ્રસિદ્ધ ને પ્રચલિત થઈ ગયું છે. આજે આપણે મૂળભૂત યુરોપન ડિયર એટલે કે હરણ કુળના રેન્ડિયરની જાણી-અજાણી વાતો કરવાના છીએ.

એન્ટીલોપ એટલે મૃગ અને ડિયર એટલે હરણ એમ મૂળભૂત બે કુળના તૃણાહારી જીવ છે. આ બે ભાગ સમજવા અઘરા પડી જાય છે, અને તેને બીજી રીતે ઓળખવાની રીત એકદમ સરળ છે. હરણ કુળના જીવ પોતાના એન્ટલર્સ તરીકે ઓળખાતા અનેક ફાંટાવાળા શિંગડા દર વર્ષે ખેરવી નાખે છે, જેમાં સાબર, ચિતલ અને આપણા રેન્ડિયર ઉર્ફ કેરીબુનો સમાવેશ થાય છે. જ્યારે મૃગ કુળના તમામ જાનવરને ફાંટા વગરનું એક જ શિંગડુ હોય છે જે ઊગ્યા પછી મૃત્યુપર્યંત રહે છે, જેમાં આપણે જેને સારી રીતે જાણીએ છીએ તે કૃષ્ણમૃગ અથવા તો કાળિયારનો સમાવેશ થાય છે. આ વાત પરથી સમજાશે કે સાંતાક્લોઝની ગાડી ખેંચનારા રેન્ડિયરએ ડિયર એટલે કે હરણની જાતિ છે, જેના માથે અનેક ફાંટાવાળા શિંગડાં હોય છે.

  • તો પછી તેના રેન્ડિયર અને કેરીબુ એવા બે નામ શા માટે? યુરોપમાં તેને રેન્ડિયર જ કહેવામાં આવે છે, પરંતુ અમેરિકામાં આ બે નામ વચ્ચે સ્પષ્ટ ભેદ છે. અમેરિકન પ્રજા જંગલી હોય તેવા રેન્ડિયરને કેરીબુ કહે છે અને પાલતુ હોય તો તેને રેન્ડિયર કહે છે … છે ને સિમ્પલ?

વિશ્ર્વમાં મોટા ભાગનાં હરણોની જાતિઓમાં માત્ર નર હરણને જ એન્ટલર એટલે કે શિંગડા હોય છે, પરંતુ આપણા રેન્ડિયર ભાઈ એમાં ચીલો ચાતરે છે. રેન્ડિયરમાં નર અને માદા બન્નેને એન્ટલર હોય છે.

પૃથ્વી પર વિચરતી હરણાઓની તમામ જાતિમાં રેન્ડિયરના શિંગડા તેના શરીરના પ્રમાણમાં સૌથી મોટા હોય છે. નર રેન્ડિયરના શિંગડા ૫૧ ઈંચના જેટલાં, જ્યારે માદના શિંગડા ૨૦ ઈંચ જેટલાં મોટા થઈ શકે છે. તેમની શિંગડા ખરવાની અને ફરી ઊગવાની પદ્ધતિ પણ જાણવા જેવી છે. રેન્ડિયરના શિંગડા ખરે પછી જૂના શિંગડા કરતાં પણ મોટા શિંગડા ફરી ઊગી નીકળે છે. નરના એન્ટલર ફેબ્રુઆરીમાં તો માદાના એન્ટલર મે મહિનામાં ઊગે છે.

આપણે જાણીએ છીએ કે રેન્ડિયર અત્યંત ઠંડા વિસ્તારોનો જીવ છે એટલે તેનું આખું શરીર નાકથી લઈને છેક પગની ખરી સુધી વાળથી ઢંકાયેલું હોય છે. હવે સામાન્ય રીતે કોઈ પણ તૃણાહારીનું નાક એકદમ સ્નિગ્ધ અને વાળ વગરનું હોય છે, પરંતુ આપણા રેન્ડિયરને ઈશ્ર્વર- અલ્લાહ અથવા તો જિસસે નાક ઉપર શું કરવા વાળ આપ્યા હશે? તો ઇસ કે પીછે ભી એક લોજિક હૈ બીડુ …

અત્યંત ઠંડા વિસ્તારના આ મહાકાય હરણાના શ્ર્વાસમાં ઠંડી હવા ન જાય, અને નાક પરના વાળમાંથી ગળાઈને હવા ગરમ થઈ જાય અને પછી ફેફસાં સુધી પહોંચે! એજ રીતે બરફમાં ચાલવાનું હોવાથી ચાલવામાં સરળતા રહે તે માટે તેની ખરીઓ પર વાળ હોય છે. એની ઘ્રાણેન્દ્રિય એટલી સતેજ હોય છે કે બરફમાં દટાયેલો ખોરાક પણ તે શોધી કાઢી શકે છે. આ ઘ્રાણેન્દ્રિય માત્ર ખોરાક શોધવા માટે જ નહીં, પરંતુ હવામાંથી તે જોખમ અને બીજી અનેક પ્રકારની ગંધ પણ પારખી લે છે.

આ પ્રાણી જંગલી અવસ્થામાં દસથી લઈને એક સો કે બસ્સોના જૂથમાં વિચરતા હોય છે. વસંત ઋતુમાં રેન્ડિયરના પચાસ હજારથી લઈને પાંચ લાખના ‘સુપર હર્ડ’ તરીકે ઓળખાતા ટોળા ખોરાકની શોધમાં ભટકતા જોવા મળે છે. આવા સુપર હર્ડ ખોરાક શોધવા માટે હજારો કિલોમીટર્સનો પ્રવાસ પણ કરતાં હોય છે. એનાં બચ્ચા સુપર સ્ટ્રેન્થ સાથે જન્મે છે. કહેવાય છે કે જન્મ થયા બાદ પ્રથમ વાર બચ્ચું માનું દૂધ પી લે ત્યાર બાદ ઓલમ્પિક સ્પ્રિન્ટરની ઝડપે દોડી શકે છે. માઈગ્રેશનના સમયગાળામાં રેન્ડિયરનાં બચ્ચા પોતાના ટોળાં સાથે કલાકના ૫૦ કિલોમીટરની ઝડપે સતત ૩૦ કિલોમીટર સુધી અવિરત દોડી શકે છે.

બચ્ચાંને મળતી આ સુપર સ્ટ્રેન્થનું કારણ માનું દૂધ હોય છે. વિજ્ઞાનિકોના કહેવા મુજબ માનવ દૂધમાં ૩ થી ૫ ટકા ફેટ હોય છે. ગાયના દૂધમાં ૩ થી ૪ ટકા ફેટ હોય છે, જ્યારે રેન્ડિયરના દૂધમાં ૨૨ ટકા બટરફેટ અને ૧૦ ટકા પ્રોટીન હોય છે, પરંતુ રેન્ડિયરના દૂધનો ધંધો કરતાં લોકોના જણાવ્યા મુજબ રેન્ડિયર માના આંચળમાંથી વધુમાં વધુ માત્ર બે કપ દૂધ જ મળે છે. નોર્ડિક દેશોમાં એના દૂધમાંથી મીઠું ચીઝ બનાવવામાં આવે છે.

અંતે રેન્ડિયરનો એક મજાનો સીમબાયોસિસ એટલે કે પરસ્પર અવલંબનનો એક નમૂનો જાણીએ. ‘બોટ ફલાય’ નામની એક માખીનું જીવન ચક્ર રેન્ડિયર પર આધારિત હોય છે. બી ફલાય ઈંડાં નથી મૂકતી પણ રેન્ડિયરના નાકમાં ઘૂસીને તે પોતાના લારવા સીધા ત્યાં મૂકે છે. આ લારવા રેન્ડિયરના નાકમાંથી ફેફસાં તરફ જતાં નેસલ પેસેજમાં ઉછરે છે. ઘણીવાર આ લારવાની સંખ્યા પચાસ જેટલી હોય છે અને તેના કારણે એ શ્ર્વાસ પણ લઈ શકતું નથી! આ લારવા ચોક્કસ કદના થઈ જાય ત્યારે આપોઆપ તેના નાકનાં છિદ્ર સુધી આવી જાય છે પછી રેન્ડિયર છીંકોટા મારીને તેને બહાર ફગાવી દે છે. આ લારવા પછી બાકીનો ઠંડીનો સમય જમીનમાં ઊંડે ઘૂસી જઈને વિતાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?