વીક એન્ડ

ચહેરા મોહરા – પ્રકરણ: 22

આ બાપુ તેનો સંપૂર્ણ ભૂતકાળ જાણવા માગતા હશે? હા, દરેક માણસનો એક અતીત હોય છે જે હંમેશાં તેનો પડછાયો બનીને તેની સાથે જ રહેતો હોય છે! પ્રફુલ્લ કાનાબાર ઊંડો શ્વાસ લઈ બાપુએ સોહમની ધારણા બહારની વાત કરી : વત્સ, હું તારો સંપૂર્ણ ભૂતકાળ જાણવા માંગું છું.'મારો ભૂતકાળ ?’ હા..વત્સ હું તારો ભૂતકાળ જાણવા માગું છું ..પણ અત્યારે નહીં. પહેલાં તું ફ્રેશ થઇ જા..’બાપુ, હું સમજ્યો નહી.’ વત્સ, તારા માટે રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે' ત્યાં જઈને મુસાફરીનો થાક ઉતારી લે. લગભગ કલાક પછી ભોજન તારા રૂમ પર જ આવી જશે. આજે રાત્રે બાર વાગે મારો પટ્ટ શિષ્ય વિષ્ણુ તારા ઉતારે આવશે. એ તને મારા ખંડ સુધી પહોંચાડશે. બાપુએ વિગતે જણાવ્યું.રાત્રે બાર વાગે?’ સોહમને નવાઈ લાગી. `હા વત્સ, બાર વાગે એટલા માટે કે આશ્રમમાં તમામ લોકો નિંદ્રાધીન થઇ ગયા હોય. આપણે વહેલી સવાર સુધી જાગવાનું થશે. અત્યારે બરોબર આરામ કરી લેજે.’

બાપુએ સાઈડમાં રાખેલી કોર્ડલેસ સ્વીચ દબાવી. બહાર બેલ વાગી. એક યુવાન લગભગ દોડીને અંદર આવ્યો. આ વિષ્ણુ છે.’ બાપુએ પરિચય કરાવ્યો. સોહમે જોયું કે એ દેખાવડો યુવાન માંડ ચોવીસેક વર્ષનો હતો. વિષ્ણુ સામે જોઇને સોહમે સ્મિત કર્યું. વિષ્ણુના નિર્દોષ ચહેરા પર બાપુ પ્રત્યેનો અહોભાવ છલકાતો હતો. બાપુ આગળ શું કહે છે તે સાંભળવા માટે આજ્ઞાંકિત શિષ્યની જેમ જ તે ઊભો હતો:વિષ્ણુ, મહેમાનને તેમના ઉતારે લઈ જા.’

સોહમે નોંધ્યું કે બાપુએ તેનું નામ લેવાનું ટાળ્યું હતું. આમ પણ બાપુએ સોહમ આવ્યો ત્યારથી તેને વત્સ કહીને જ સંબોધન કર્યું હતું. દાદરો ઉતરીને નીચે આવ્યા બાદ વિષ્ણુએ સૌથી પહેલું કામ પ્રભાસ પાસેથી ચાવી લઈને પેલા ખાનામાંથી સોહમની બેગ બહાર કાઢવાનું કર્યું. ચાલો..’ બોલીને વિષ્ણુ બેગ પોતાના હાથમાં જ રાખીને બિલ્ડિંગના પાછળના ભાગ તરફ ચાલવા માંડયો. સોહમ તેની પાછળ દોરવાયો. આશ્રમના સંકુલમાં જ પાછળના ભાગમાં બે માળનું એક બીજું બિલ્ડિંગ હતું. બંને ચાલતા ચાલતા એ બિલ્ડિંગમાં ઉપરના માળે એક બંધ રૂમ પાસે આવીને અટક્યા. વિષ્ણુએ બેગ નીચે મૂકીને બીજા હાથમાં રાખેલી ચાવી વડે રૂમ ખોલ્યો. અંદરની બારી પણ ખોલી જે પાછળના ખુલ્લા મેદાન તરફ પડતી હતી. બહારથી આવતા ઠંડા પવનની લહેરખી સોહમને સ્પર્શી ગઈ. સોહમથી અનાયાસે જ બોલાઈ ગયું વાહ.. વિષ્ણુ બોલ્યોઆ આખા બિલ્ડિંગમાં આ રૂમ સૌથી સારા લોકેશન વાળો છે. એ ગેસ્ટ માટે જ રાખવામાં આવ્યો છે. બાપુ કાયમ કહે છે.. અતિથી દેવો ભવ.’ અતિથી તો ભગવાનનું સ્વરૂપ કહેવાય તેમની આગતા સ્વાગતા હંમેશાં ઉત્તમ રીતે જ થવી જોઈએ.’ વિષ્ણુ ગયો એટલે સોહમે રૂમનો દરવાજો બંધ કરી દીધો. એટેચ્ડ બાથરૂમમાં ગિઝરની સગવડ પણ હતી. સોહમે પહેલું કામ હુંફાળા પાણીથી સ્નાન કરવાનું કર્યું. ન્હાઈને બહાર નીકળ્યો ત્યાં જ વિષ્ણુ હાથમાં ચાના કપ સાથે હાજર હતો.તમે ચા પી લો..જમવાને હજૂ કલાકની વાર છે.’ સોહમ રકાબીમાં ચા કાઢીને અડધી ચા વિષ્ણુને આપતાં બોલ્યો..વિષ્ણુ, મને કંપની આપ.’ વિષ્ણુએ નમ્રતાપૂર્વક કહ્યુંહું તો નીચે ચા પી ને જ આવ્યો છું. આ તમારા માટે જ છે.’

સોહમના મનમાં આશ્રમ વિશેના અનેક સવાલો હતા. તે ચા પીતાં પીતાં વિષ્ણુને પૂછવા માગતો હતો પણ જે રીતે વિષ્ણુ તેનાથી અતડો રહેતો હતો એ જોઇને સોહમને તેની સાથે એ બાબતે વાત કરવાની ઉતાવળ કરવાનું મુનાસિબ ન લાગ્યું. સોહમના મનમાં હવે એક જ મુખ્ય પ્રશ્ન ઘુમરાતો હતો..`શા માટે તુલસીદાસ બાપુ તેનો સંપૂર્ણ ભૂતકાળ જાણવા માંગતા હશે? દરેક માણસનો એક અતીત હોય છે જે હંમેશાં તેનો પડછાયો બનીને તેની સાથે જ રહેતો હોય છે!’ સોહમ પણ મનથી ભલે નિર્ધાર કરી ચૂક્યો હતો કે હવે ભૂતકાળ ભૂલીને નવેસરથી જિંદગી શરૂ કરવી છે..પણ એમ ભૂતકાળ ભૂલવો તેના માટે ક્યાં સહેલો હતો? સોહમે મનોમન પોતાના વિશેની તમામ વાત બાપુને સાવ સાચી જ કહી દેવાનું નક્કી કરી નાખ્યું. સાંજે સાડા સાત વાગે વિષ્ણુ રૂમ પર જમવાનું મૂકી ગયો. સોહમે ભરપેટ જમીને બેડ પર લંબાવ્યું. સોહમને ક્યારે ઊંઘ ચડી ગઈ તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. મોડી રાત્રે સોહમના રૂમનો દરવાજો ખખડયો. સોહમે નાઈટ લેમ્પના આછા અજવાળામાં ઓશીકાની બાજૂમાં રાખેલા સેલફોનમાં સમય જોયો. બરોબર બાર વાગ્યા હતા. સોહમે દરવાજો ખોલ્યો. સામે વિષ્ણુ ઉભો હતો. સોહમ મોઢું ધોઇને બહાર આવ્યો એટલે વિષ્ણુએ રૂમના દરવાજાને લોક કરી દીધું.

વિષ્ણુ અને સોહમ અવાજ ન થાય તે રીતે પગથીયા ઉતરીને આગળના બિલ્ડિંગ તરફ ચાલવા લાગ્યા. શુક્લ પક્ષના ચન્દ્રમાનું અજવાળું રેલાઈ રહ્યું હતું. વિષ્ણુના હાથમાં ટોર્ચ હતી પણ તેનો ઉપયોગ કરવાની જરૂર તેને લાગી નહીં. તમરાંનો અવાજ રાત્રિની નીરવ શાંતિનો ભંગ કરી રહ્યા હતા. દૂર દૂર ખેતરમાંથી શિયાળ રડતું હોય તેવો અવાજ સંભળાઈ રહ્યો હતો. વિષ્ણુની પાછળ દોરવાતો સોહમ તુલસીદાસ બાપુના ખંડમાં પ્રવેશ્યો. સાંજે સભાખંડમાં એર ફ્રેશનરના ગુલાબના સ્પ્રેની જે સુવાસ આવતી હતી એ જ સુવાસ બાપુના ખંડમાં પણ અત્યારે પ્રસરી રહી હતી. તુલસીદાસ બાપુનો ખંડ ખાસ્સો મોટો હતો. તેમાં દસ બાય દસનો નાનકડો બીજો રૂમ પણ એટેચ્ડ હતો. સોહમને આંખ વડે જ આવકાર આપીને બાપુ પલંગ પરથી ઊભા થઈને સોફા પર બેઠા. સામેની નેતરની ખુરશી પર સોહમ બેઠો. વિષ્ણુ બાજૂના રૂમમાં જઈને ગેસ પર ચા બનાવવા લાગ્યો. પાંચ મીનીટમાં જ વિષ્ણુ ચાના બે કપ ટેબલ પર મૂકી ગયો.

વિષ્ણુ હવે તું આરામ કર.’ બાપુના સૂરમાં આદેશ હતો. વિષ્ણુ ખંડનો દરવાજો ધીમેથી બંધ કરીને બહાર નીકળી ગયો. બાપુએ ઊભા થઈને ખંડનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. હવે ખંડમાં બાપુ અને સોહમ એકલા જ હતા. બાપુએ ઈશારા વડે જ સોહમને ચા પીવાનું કહ્યું. સોહમની સાથે બાપુએ પણ ચાની પહેલી ચૂસકી લીધી.સોહમ, આપણે આગળ કોઈ પણ પગલું ભરીએ તે પહેલાં મેં અગાઉ કહ્યું તેમ હું તારો સંપૂર્ણ ભૂતકાળ જાણવા માંગું છું.’ સોહમે નોંધ્યું કે તુલસીરામ બાપુએ પહેલી વાર અત્યારે તેને નામથી બોલાવ્યો હતો.

જી બાપુ.’ સોહમ હાથમાં ગરમ ચા ના કપ સાથે અતીતમાં ખોવાઈ ગયો. ચાના કપમાંથી નીકળી રહેલી વરાળમાંથી જાણે કે સોહમની જિંદગીના જિવાઈ ગયેલા અતીતના એ વર્ષો ધૂમાડો બનીને નજર સમક્ષ તરી રહ્યા હતા. અમદાવાદના નરોડા વિસ્તારની લોઅર મિડલ ક્લાસની ચાલી..ભારે ગરીબીમાં વીતેલું બાળપણ.. બારમા ધોરણ સુધીનો સરકારી સ્કૂલમાં કરેલો અભ્યાસ..પિતાની નોકરી છૂટી જવાથી દારૂની લતે ચડી જવું.. માનો પારકા કામ કરીને ઘર ચલાવવાનો આકરો સંઘર્ષ..દારૂ માટે જ મા પાસેથી પૈસા પડાવવાના પિતાના રોજબરોજના ઝઘડા…વિગેરે વિગેરે સોહમ બોલતો રહ્યો અને તેના વાણી પ્રવાહમાં તુલસીરામ બાપુ તણાતા રહ્યા. ઉત્તમ વક્તા કહેવાતા તુલસીરામ બાપુ આજે ખુદ ઉત્તમ શ્રોતા બની ગયા હતા! તુલસીરામ બાપુએ સોહમના અવાજમાં સચ્ચાઈનો રણકાર અનુભવ્યો. જોકે તમામ બાબત સાવ સાચી બોલનાર સોહમે કિશોરાવસ્થામાં તેના પ્રથમ પ્રેમ શિવાની વિષેનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. સોહમ અટક્યો એટલે બાપુ બોલ્યાહવે મુખ્ય વાત માંડીને કર.’ મુખ્ય વાત? કઈ વાત?'તેં કરેલા ખૂનની વાત જેની તેં સજા ભોગવી.’

હા એક દિવસ હું બહારથી ઘરે આવ્યો અને મેં જોયું કે મારો બાપ પૈસા માટે મારી માને મારી રહ્યો હતો. એ જ સમયે આવેશમાં આવી જઈને મેં તેને પતાવી દીધો.’ સોહમે ધડાકો કર્યો. તુલસી રામ બાપુ ચમક્યા.ઓહ તેં તારા બાપને જ મારી નાખ્યો હતો?’ એ ક્યાં મારો સગો બાપ હતો?’ સોહમ બોલવા ગયો પણ એ વાક્ય તરત જ મનમાં ગળી ગયો. તુલસીરામ બાપુને એ વાત કરવાની સોહમને જરૂર જણાઈ નહીં. સોહમને મૌન થઇ ગયેલો જોઇને બાપુએ હવે વાતનો દોર પોતાના હાથમાં લેતા કહ્યુંહું તને એવી જગ્યાએ મોકલવા માગું છું, જ્યાં તું ઓછામાં ઓછા ત્રણ હજાર કરોડ રૂપિયાની સંપતિનો માલિક બની જઈશ.’ સોહમની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.

(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button