ચહેરા મોહરા – પ્રકરણ: 4
પ્રફુલ્લ કાનાબાર
સોહમ, કદાચ તને ખ્યાલ નથી કે ડૂબતો સૂરજ એકલા જોઈએ તો ઉદાસી છે, પણ સાથે જોઈએ તો તેમાં રોમાન્સ છે…! `સોહમ, ચાલને આપણે સરખે ભાગે તારા જીવનનું અંધારું વહેંચી લઈએ..’ શિવાનીએ તેની નાજુક આંગળીઓ સોહમના હાથના પંજામાં ભેરાવતાં કહ્યું હતું. શિવાનીએ કોઈ પણ જાતની પૂર્વભૂમિકા વગર એકદમ જ પ્રપોઝ કર્યું તેથી સોહમ ચમકી ગયો હતો. `શિવાની, શા માટે સામે ચાલીને કૂવામાં પડવાનું વિચારે છે? મારું ભવિષ્ય હું જાણતો નથી. વળી તું એ પણ જાણે છે કે આ કંગાળ સોહમ પાસે જીવનની સામે ફરિયાદો સિવાય કાંઈ જ નથી.’
`જિંદગી સામે ફરિયાદો કરવા માટે પણ એક લાયક હમસફરની જરૂર પડતી હોય છે.’ સોહમની ઉદાસ આંખોમાં જોઈને શિવાનીએ ત્યારે કહ્યું હતું. સોહમ એની સામે તાકી રહ્યો. સોહમને લાગી રહ્યું હતું કે આજે તેનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે એટલે શિવાની તેને રાજી કરવા પ્રપોઝ કરી રહી છે, બાકી જેનું કોઈ ભવિષ્ય જ નથી તેવા ગરીબ છોકરાને શિવાની જેવી છોકરી શા માટે પ્રેમનો એકરાર કરે કે પ્રપોઝ કરે? વળી છેલ્લા દસકામાં શિવાનીના પિતા ધંધામાં ઠીક ઠીક કમાયા હતા. ચાલી છોડીને સરકારે આપેલા `ઔડા’ના ફ્લૅટમાં શિફ્ટ પણ થયા હતા. જ્યારે સોહમનો પરિવાર તો હજુ એ જ જગ્યાએ ચાલીમાં જ હતો માત્ર એટલું જ નહી ફૅમિલી બેકગ્રાઉન્ડ પણ એનું એ જ હતું… દારૂડિયો બાપ અને પારકાં કામ કરતી ચીંથરેહાલ મા.
હજુ સોહમનો હાથ શિવાનીના નાજુક હાથમાં જ હતો. સોહમે ધીમેથી પોતાનો હાથ સરકાવી લેતાં કહ્યું હતું: શિવાની, મને મારા હાલ પર છોડી દે. મને મારી ઉદાસી સાથે જ રહેવા દે.'
સોહમ, કદાચ તને ખ્યાલ નથી કે ડૂબતો સૂરજ એકલા જોઈએ તો ઉદાસી છે, પણ સાથે જોઈએ તો તેમાં રોમાન્સ છે!’ શિવાનીએ થોડે દૂર થઈ રહેલા સૂર્યાસ્તને જોઈને કહ્યું હતું. અરે યાર, આજે તો તું કવિઓ જેવી વાતો કરવા લાગી છે. સોહમના ઉદાસ ચહેરા પર પહેલી વાર સ્મિત ફરક્યું હતું.
દોસ્ત, થોડું આ રીતે સ્માઈલ કરવાનું પણ રાખ. તારો હસતો ચહેરો કેટલો સુંદર લાગે છે!’ `શિવાની, સ્માઈલ હંમેશાં અંદરથી આવવું જોઈએ. મારા જીવનમાં સમસ્યાઓ જ એટલી વિકરાળ છે કે અંદરથી સ્માઈલ આવવાની કોઈ શક્યતા જ નથી.’
અરે, સમસ્યા કોના જીવનમાં નથી? સમસ્યાને સ્વીકારીને જ માણસે હસતા ચહેરે જીવન જીવવું જોઈએ.'
શિવાની, આવી સલાહ તું એટલે આપી શકે છે કારણકે તું તારાં મમ્મી-પપ્પાની એકની એક લાડકી દીકરી છો. તારાં પેરન્ટસ વચ્ચે કોઈ ખટરાગ નથી.’ હા, દીકરી ખરી પણ લાડકી નથી.'
મતલબ?’ મતલબ એમ કે તને આજ સુધી મેં નથી કહ્યું, પણ આજે કહું છું.. મારી મા તો મને જન્મ આપીને જ મરી ગઈ હતી. પપ્પાએ બીજાં લગ્ન કર્યાં હતાં. અત્યારે તું મારી જે માને ઓળખે છે તે મારી અપર મા છે.'
ઓહ’ સોહમને આંચકો લાગ્યો હતો.
નવાઈ લાગી ને? સોહમ, મારી એ અપર માએ મને ક્યારેય દીકરી માની જ નથી. મારા પપ્પાને પણ સતત દબાવતી ફરે છે. ઘરનું તમામ કામ સમજણી થઈ ત્યારથી મેં જ કર્યું છે, પણ મેં મારી હેરાનગતિ વિષે પપ્પાને પણ ક્યારેય ફરિયાદ નથી કરી કારણ કે પપ્પાને હું દુ:ખી કરવા માગતી નથી.'
આ પરિસ્થિતિમાં તું આટલા સારા માર્કસે પાસ થઈ તે ઘણું સારું કહેવાય.’ જીવનમાં ક્યારેય પરિસ્થિતિને મારા મન પર હાવી થવા દીધી નથી. હું ભણીગણીને સારી નોકરી કરું એ તો મારી અપર મા પણ ઇચ્છે છે, કારણ કે એમાં એનો પણ સ્વાર્થ સમાયેલો છે.' સોહમે આશ્ચર્યથી શિવાની સામે જોયું.
મારા પગારની બચતમાંથી મારાં લગ્નનો ખર્ચ હું જ કાઢું, જેથી ઘરમાંથી પૈસા વપરાય નહી… વળી હું ખુદ પણ મા-બાપ પર બોજ બનવાને બદલે પગભર થઈને મારો ખર્ચ ઉપાડવા માગું જ છું.’ શિવાનીના ચહેરા પર પથરાયેલી મક્કમતાથી સોહમ પ્રભાવિત થઈ ગયો.
શિવાની, સારું થયું આજે આપણે આમ એકાંતમાં મળ્યાં. આજે મને તારું નવું જ રૂપ જોવા મળ્યું. ખાસ તો મને પણ પ્રેરણા મળી.'
શેની?’ જીવનમાં મળેલી ભારે એકલતા વચ્ચે પણ હિંમતપૂર્વક જીવવાની.'
સોહમ, બસ એટલી જ પ્રેરણા મળી? પ્રેમ કરવાની પ્રેરણા ન મળી?’ શિવાનીએ શરારતભરી નજરે સોહમ સામે જોઈને પૂછયું. `પ્રેમ કરવાની પ્રેરણા નથી મળી તેનાં બે કારણ છે એક તો આપણે બંને હજુ સગીર છીએ. બીજું કે પ્રેમ કરવા માટે માઈન્ડ ફ્રેશ હોવું જોઈએ.’ ડફોળ, સત્તર વર્ષ જ પ્રેમ કરવાની સાચી ઉંમર છે. પ્રેમમાં પડીશ એટલે માઈન્ડ પણ ફ્રેશ રહેવા લાગશે.' શિવાનીએ નટખટ સ્વરે એ કહીને ફરીથી સોહમનો હાથ પકડી લીધો.
મન પર સતત ઘરની જવાબદારી ઉપાડવાનો બોજ છે. આ પરિસ્થિતિમાં પ્રેમ કરવો પોષાય તેવો નથી. બીજું.. ‘ સોહમ બોલતાં બોલતાં અટકી ગયો. `બોલ.. કેમ અટકી ગયો? હું તને પસંદ નથી?’
ના, એવી વાત નથી, પણ ખબર નહી કેમ, આજે હું નપાસ થયો છું તેથી તારી વાતમાં મને મારા પ્રત્યેના તારા પ્રેમ કરતાં સહાનુભૂતિ વધારે દેખાય છે!'
ઓહ, નો…એ જ તો મારી તારા પ્રત્યેની સાચી લાગણી છે. સમજણી થઈ ત્યારથી મેં તારા સિવાય બીજા કોઈ છોકરાનો વિચાર જ નથી કર્યો.’ `ખરેખર?’ સોહમના ઉદાસ ચહેરા પર આનંદની લહેર દોડી ગઈ. સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. શિવાની તેનો ચહેરો સોહમના ચહેરાની નજીક લઈ ગઈ. સોહમે આજુબાજુ જોયું. કોઈ જ નહોતું. તેણે હિંમત કરીને શિવાનીને આશ્લેષમાં લીધી પછી એના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. યુવાનીના ઉંબરે પગ મૂકી રહેલાં બંને પ્રેમીનું એ પ્રથમ ચુંબન હતું!
બંને સિટી બસમાં બેસીને ઘરે ગયાં ત્યારે આખા રસ્તે સોહમે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું: `શિવાની, તું કૉલેજનાં ત્રણ વર્ષ ભણીશ ત્યાં સુધીમાં હું ઘણા પૈસા કમાઈ લઈશ.’ સોહમ સારી રીતે સમજતો હતો કે બે પાંદડે થવા માટે ધંધો કરવો જરૂરી છે..જેના માટે મૂડી જોઈએ જે સોહમ પાસે નહોતી. શિવાનીએ પણ નોંધ્યું કે આજની તેની સોહમ સાથેની લાંબી મુલાકાતને કારણે સોહમમાં ઉત્સાહનું એક નવું જ જોમ આવ્યું છે. થોડા દિવસોમાં જ શિવાનીને કૉલેજમાં એડમિશન મળી ગયું હતું. શિવાની કૉલેજ જવા નીકળતી ત્યારે સોહમ પણ સિટી બસમાં તેની સાથે જ જતો. બંને લાલ દરવાજા બસ સ્ટેન્ડે છૂટાં પડતાં. સોહમ નોકરીની તલાશમાં અલગ અલગ જગ્યાએ ફરતો.
યુવાનીમાં ખાલી ખિસ્સું હંમેશા ંજીવનના શ્રેષ્ઠ પાઠ ભણાવતું હોય છે. સોહમને પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ ગઢવી સાહેબે આપેલા મજૂરીના થોડાક રૂપિયા વોલેટમાં મૂકતી વખતે એ દિવસો યાદ આવી ગયા જયારે ખિસ્સામાં પરચૂરણ જ રહેતું. બસની ટિકિટ પણ કાયમ શિવાની જ લેતી.એ દિવસોમાં જ રતનપોળમાં એક કુરિયરની ઑફિસમાં કુરિયર બોયની જરૂર હતી. અખબારની જાહેરાત પરથી સોહમ એ ઑફિસે પહોંચી ગયો હતો. સોહમ જેવા તો કેટલાય જરૂરિયાતવાળા છોકરાઓની ત્યાં લાઈન લાગી હતી.
પચાસ આસપાસના શેઠે સોહમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. શેઠે પૂછ્યું હતું: તમારી પાસે સાઈકલ છે?'
ના, સર.’ સોહમે નમ્રતાપૂર્વક ના પાડી હતી. ભાઈ, અમારે તો એવો જ છોકરો નોકરીમાં રાખવાનો છે જેની પાસે પોતાની સાઈકલ હોય.' સોહમ ભીની આંખે બહાર નીકળી ગયો હતો. બીજે દિવસે સોહમે બસમાં શિવાનીને કહ્યું હતું:
જો મારી પાસે સાઈકલ હોત તો કાલે મને ચોક્કસ નોકરી મળી ગઈ હોત.’
સોહમ, જે થયું તે સારું જ થયું. ડિલિવરી બોય કરતાં તને ઑફિસમાં બેસીને કામ કરવાની નોકરી મળે તો વધારે સારું. ત્યાં વધુ શીખવા મળે અને તારું દુબળું શરીર વધારે પડતો શ્રમ કરીને સાઈકલ ખેંચવાનું કષ્ટ સહન કરે એ મને તો જરા પણ ના ગમે.' સોહમ વિચારમાં પડી ગયો હતો.
શું વિચારે છે?’ આજે મને પહેલી વાર અહેસાસ થયો કે મા સિવાય મારી ચિંતા કરવાવાળું બીજું કોઈક પણ છે, બાકી મારા બાપે તો ક્યારેય મારી ચિંતા કરી જ નથી.' સોહમના ચહેરા પર માને હંમેશાં હેરાન કરતા પિતા પ્રત્યેની નફરત છવાઈ ગઈ હતી. ગુસ્સાથી તેનો ગોરો ચહેરો લાલ થઈ ગયો હતો:
શિવાની, કાયદો જો એક ખૂન માફ કરતો હોય તો હું સૌથી પહેલું ખૂન મારા આ નાલાયક બાપનું જ કરું!’
(ક્રમશ:)