ચમન મેં અબ કે યે કૈસી બહાર આઈ હૈ? કિ ખુદ ગુલોં ને ભી ખુશ્બૂ કા ઈન્તેઝાર કિયા
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
‘સાગર’ ઈસે ઝમાને સે રખના સંભાલ કર,
દિલ હૈ ખુદા કી આખિરી સૌગાત કી તરહ.
દુશ્મનોં કી ભીડ કો જબ મૈંને દેખા ગૌર સે,
ઉસ મેં મુઝ કો ચંદ ચેહરે જાને-પહચાને મિલે.
આઈનોં સે દુશ્મની કરને કા યે અન્જામ હૈ,
અપને હી ચેહરે સે અબ હોને લગી વહશત મુઝે. ઝુલ્મો-સિતમ સે મુલ્ક યે હોતા ન ક્યૂં તબાહ, લોગોં ને ઝાલિમોં કો મસીહા સમજ લિયા.
- કિશોર ‘સાગર
કવિ, ગાયક અને સ્વર-નિયોજકનો ત્રિવેણી સંગમ ધરાવતા કિશોરકુમાર નાનાલાલ તૈલીનો જન્મ ૧૯૬૧ની સાલમાં જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના નાનકડા ગામમાં થયેલો. આ શાયરે ‘કાશિફ’ જંબુસરી અને આર. કે. રોશન (ગિરગિટ અહમદાબાદી) પાસેથી શાયરી લેખનનું માર્ગદર્શન લીધું હતું. વલ્લભ વિદ્યાનગરમાં બી.એ., બી.એડ. કર્યા પછી ભરૂચ જિલ્લાની એક શાળામાં તેઓ શિક્ષક તરીકે જોડાયા હતા. ઈ. સ. ૨૦૦૭માં તેમના પર પેરેલિસિસનો હુમલો થયેલો. પરિણામે આ શાયર ૧૧ વર્ષ સુધી પથારીવશ થયા હતા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ તેમનું અવસાન થયું હતું.
તેમણે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ ભાષામાં ગઝલો લખી હતી. ‘વલખાનો વિસ્તાર’ તેમનો ગુજરાતી ગઝલસંગ્રહ છે. કવિ-સંપાદક ડૉ. સુરેશ દલાલ દ્વારા સંપાદિત કાવ્યગ્રંથ ‘બૃહત્ કાવ્ય-સમૃદ્ધિ’ નામનો ઉર્દૂ ગઝલ સંગ્રહ દેવનાગરી લિપિમાં ઈ. સ. ૧૯૯૭માં તથા ‘રોશન હુઈ હૈ રાહ’ ઈ. સ. ૨૦૦૩માં પ્રગટ થયો હતો. ગુજરાત ઉપરાંત મુંબઈ, જયપુર, લખનઊમાં યોજાયેલા અનેક મુશાયરા-કવિ સંમેલનમાં તેમને આમંત્રણ મળ્યું હતું અને શ્રોતાઓ દ્વારા આવકાર મળ્યો હતો. તેમની ગાયિકીના પણ અનેક કાર્યક્રમો થયા હતા.
તેમનો ઉછેર સંગીતના માહૌલ વચ્ચે થયો હતો. ભરૂચના મશહૂર સંગીતકાર શ્રી નીતિનભાઈ પટેલ પાસેથી તાલીમ લઈ ૧૯૯૩માં તેમણે સંગીત-વિશારદની ઉપાધિ મેળવી હતી. ‘લફ્ઝોં કી મહક’ અને ‘મૌસમ કી ખુશ્બૂ’ નામની તેમની ઉર્દૂ ગઝલોની કેસેટ અને સી.ડી. તૈયાર થયેલ છે. આ શાયર-ગાયકને ઈ. સ. ૧૯૯૭માં ‘આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સન ઓફ ભરૂચ’ થી સન્માવામાં આવ્યા હતા.
‘સાગર’ની શાયરીની સૃષ્ટિમાંથી હવે કેટલાક શે’રનો રસાસ્વાદ કરીએ.
- યૂં તો હર સિમ્ત ભટકને કા હુનર રખતે હૈ,
ફિર ભી હર હાલ મેં મંઝિલ પે નઝર રખતે હૈં.
અમારામાં બધી દિશામાં ભટકવાની કળા ભલે હસ્તગત હોય પરંતુ દરેક સ્થિતિમાં અમારી નજર તો મંઝિલ તરફ જ હોય છે.
- યા ખુદા મુઝ કો બના દે ઈસ કદર ગુલશન-પરસ્ત,
છૂ લે જબ ખુશ્બૂ મુઝે ઉસ કા ભરમ હોને લગે.
એ ખુદા! તું મને બગીચાનો એવો ચાહક બનાવી દે કે જ્યારે મને ખુશ્બૂનો સ્પર્શ થાય તો મને એવો ભ્રમ થાય કે જાણે કે તેં (ખુદાએ અથવા પ્રિયતમાએ) મને સ્પર્શ કર્યો છે.
- બેરૂખી સે આપ કી બસ ઈસ લિય ડરતા હૂં મૈં,
મયકદે તક ખેંચ લે જાયેગી યે નફરત મુઝે.
મને તમારી ઉપેક્ષાનો એટલા માટે ભય લાગે છે કે તમારી આ નફરત (વિમુખતા) ક્યાંક મને સુરાલયના રસ્તે (ફરી પાછી) ખેંચી ન જાય તો સારું.
- મૈં વો ચિરાગ હૂં જો આંધિયોં કી ઝદ મેં જલા,
અંધેરે અબ ભી મેરા એહતેરામ કરતે હૈં.
હું એવો દીપક છું કે જે ઝંઝાવાતની ચપેટમાં ય પ્રજવળી રહ્યો છું. તેથી તો અંધકાર પણ હવે મારું સન્માન કરે છે.
- ‘સાગર’ તમામ ઉમ્ર કિયા નેકિયોં પે નાઝ,
જબ વક્તને હિસાબ લગાયા તો રો દિયે.
અરે ‘સાગર’! મેં તો આખી જિંદગી મારાં કર્મો પર ગર્વ કર્યો, પરંતુ સમયે જ્યારે હિસાબ કર્યો ત્યારે મને રડવું આવી ગયું.
- ‘સાગર’ ઈસે ઝમાને સે રખના સંભાલ કર,
દિલ હૈ ખુદા કી આખિરી સૌગાત કી તરહ.
એ ‘સાગર’! આ જમાનામાં તું તારા દિલને સાચવીને રાખજે. કેમ કે આ હૃદય તો ખુદાએ બક્ષેલી ભેટ-સોગાત જેવું હોય છે.
- હસતે – ખેલતે બચ્ચે, બૂઢી અમ્મા ઔર ઈક પેડ ઘના,
હમને ઐસે આંગન મેં જન્નત કા મંઝર દેખા હૈ.
હસતાં-રમતાં, બાળકો, ઘરડી માતા અને એક ઘટાદાર વૃક્ષ- આ બધું આંગણામાં હોય તો મને તેમાં સ્વર્ગનું દૃશ્ય નજરે પડે છે.
- ઈબાદત હો ગઈ હૈ આજકલ ઈક રસ્મ કે જૈસી,
પતા ખુદ કા નહીં હૈ ઔર ખુદા કો ખોજને નિકલા.
આજકાલ તો બંદગી (પ્રાર્થના) પણ એક રિવાજ જેવી બાબત બની ગઈ છે. જ્યાં માણસનું પોતાનું ય ઠેકાણું હોતું નથી તેવા સંજોગમાં તે ખુદાને શોધવા નીકળી પડ્યો છે.
- આંખો કી મીઝાન મેં ‘સાગર’,
કૌન મેરે આંસૂ કો તોલે?
એ ‘સાગર’! આંખોનાં ત્રાજવામાં મારા આંસુને કોણ જોખે? (આ સમસ્યા મને સતાવી રહી છે.)
- અપની આંખોં સે દેખા તો સારે મન્ઝર ધુંધલે સે થે,
તેરી આંખો સે દેખા હૈ હર નઝઝારા રોશન-રોશન.
મેં મારી આંખો વડે જોયા તો બધાં જ દૃશ્યો મને ઝાંખાપાંખાં લાગ્યાં, પરંતુ હું તારી આંખોથી જોઉં છું તો દરેક દૃશ્ય મને અજવાસથી સભર લાગે છે.
- કદમ-કદમ પે જહાં હાદ સોં કે પરબત હૈં,
હમારી બેખુદી ઉન રાસ્તોં પે ચલતી હૈ.
જ્યાં ડગલે ને પગલે દુર્ઘટનાઓના પર્વતો ઊભા છે એ જ રસ્તાઓ પર મારી વ્યાકુળતા પગલાં માંડી રહી છે.
- ઈશ્ક મેં બારહા કુછ પલ કે લિયે,
મુઝ કો ઈન્સાં ભી ખુદા લગતા હૈ.
પ્રેમમાં મને ઘણી વખત કેટલીક ક્ષણો એવી લાગે છે કે જ્યારે મને (સામાન્ય) માનવી પણ ખુદા લાગવા માંડે છે. પ્રેમનો દરજ્જો કેવો ઊંચો છે તેની વાત અત્રે કરાયેલી છે.
- યે કૈસા ગુલશન હૈ? જિસ મેં-
સુર્ખ હૈ કાંટે, ફૂલ હૈ કાલે.
આ કેવો બગીચો છે તે મને સમજાતું નથી. જુઓ તો ખરા! આ બાગમાં કંટકો લાલ રંગના છે અને ફૂલો કાળા છે.
- મુફલિસોં કા યહી હોતા હૈ મઝહબ ‘સાગર’,
સિર્ફ દો વક્ત કી રોટી કો સલામત કરના.
આ નિર્ધનોનો માત્ર એક જ ધર્મ હોય છે. આ નિર્ધનો માત્ર બે ટંકનું ભોજન મળે તેવી સલામતી ઈચ્છતા હોય છે. (તો પછી આ પણ એક ધર્મ થયો ને?)
- મેરે એબોં સે મુઝે બેદાર રકખા હર ઘડી,
આઈના દિખલાને વાલે દુશ્મનોં કા શુક્રિયા.
મને અરીસો બતાવીને મારા દુર્ગુણોથી મને હંમેશાં જાગૃત રાખનાર શત્રુઓનો હું આભાર માનું છું.
- અબ હવા લાતી નહીં ઉસ કી ખબર,
ફૂલ સે ખુશ્બૂ કા રિશ્તા ખો ગયા.
હવે આ પવન તેની (પ્રિયતમાની) ખબર આપતો નથી. ફૂલ સાથેનો સુગંધનો નાતો જાણે ખોવાઈ ગયો હોય તેવું લાગે છે.
- અરમાં કે, આરઝૂ કે, તમન્ના કે મકબરે,
આકર કભી હમારે મકાનોં મેં દેખિયે.
અરમાન, આરઝૂ અને તમન્નાની કબરોના તમારે દર્શન કરવા હોય તો અમારા મકાનમાં પધારો. આ બધું તમને એક જ સ્થળે જોવા મળી જશે.
- આરઝૂ, રિશ્તે, અકીદે, દોસ્તી, રસ્મો-રિવાજ,
સબ બદલતે હી રહેંગે ઝિન્દગી સે પૂછ લો.
ઈચ્છા, સંબંધો, આસ્થા, મૈત્રી તેમજ રસમ અને રિવાજ- આ બધું (સમય જતા) બદલાતું રહે છે. આ વિશે તમે જિંદગીને જ પૂછી લો.
- ઝિસ્ત કી રાહોં મેં ચેહરા ખો ગયા હૈ ક્યા મેરા?
અપને હી ઘર મેં મુઝે પહચાનતા કોઈ નહીં.
જીવનના માર્ગો પર મારો ચહેરો ખોવાઈ ગયો છે કે શું? મારા પોતાના ઘરમાં જ મને કોઈ ઓળખતું નથી.
- બંદગી કા શૌક હૈ ‘સાગર’ તો પૈદા કર યકી,
સર ઝુકાઓગે તો પત્થર ભી ખુદા હો જાયેગા.
એ ‘સાગર’! તને બંદગી કરવાનો શોખ હોય તો પ્રથમ તું તારામાં આસ્થા પેદા કર. તું માથું ઝુકાવીશ તો પથ્થર પણ ખુદા થઈ જશે.
- ખુદનુમાઈ કી તમન્ના જોશ પર અબ આયેગી,
મંઝિલે કરને લગેંગી ખુદ હી રાહી કી તલાશ.
આત્મ-પ્રદર્શનની ઈચ્છા હવે રંગ લાવશે એવું લાગે છે. તમે જોઈ લેજો કે હવે મંઝિલો જ રાહીને શોધવા નીકળી પડશે.
- અજનબી હો ગયા હૈ સાયા ભી,
મુફલિસી ભી અજીબ હૈ ‘સાગર’!
આ દરિદ્રતા પણ કેવી વિચિત્ર વસ્તુ છે! હવે તો મારો પોતાનો પડછાયો પણ મારાથી અજાણ હોય તેમ વર્તે છે.