જાતિ આધારિત ગણના કામ નહીં આવે !
સર્વસંમતિની સાથે સર્વાનુમતિવાળુ રામરાજ્ય જોઇતું હોય તો…
કવર સ્ટોરી -મુકેશ પંડ્યા
રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને આડે ગણતરીના દિવસો બાકી હતા ત્યારે ઉત્તર પ્રદેશના સન્યાસી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આપેલા પ્રવચનની કેટલીક લાઇન યાદ આવે છે….
એમણે કહ્યું હતું કે રામમંદિરનું ઉદ્ઘાટન એટલે એવા રામરાજ્યની શરૂઆત જ્યાં ધર્મ અને જાતિ આધારિત કોઇ ભેદભાવ જ નહીં હોય. રાજ્યની યોજનાઓ ગરીબ અને છેવાડેના માણસ સુધી પહોંચતી હશે.’
એક બાજુ યોગી-મોદી સહિત અનેક ભાજપના શાસકો ભેદભાવ વિહિન સમાજની સ્થાપના કરવા માગે છે તો બીજી બાજુ, વિપક્ષો જાતિ આધારિત ગણનાની પાછળ પડ્યા છે. કર્ણાટકમાં જાતિ આધારિત ગણના થઇ અને તેનો અહેવાલ જાહેર કર્યો ત્યારે તેના સમર્થનમાં અને વિરોધમાં ઘણા હાથ ઊંચા થયા છે. ગણતરીની કાર્યશૈલી પર પણ ઘણા પ્રશ્ર્નો ઊભા થયા છે. આ સંઘ ક્યારે કાશીએ પહોંચશે તેની પણ ચર્ચા થઇ રહી છે. આજે કોઇ પણ પ્રાઇવેટ ઓફિસમાં કેબિનમાં શાહ અને સોલંકી નામના અટકધારી બે ઓફિસ કર્મચારી સાથે મળીને કંપનીને નંબર -વન તરફ કઇ રીતે લઇ જવી તેની ચર્ચા કરી રહ્યા હોય, સાથે ચ્હા પી રહ્યા હોય ત્યારે જાતિના આધારે થતી ગણતરી દેશ માટે વિલન બનશે કે હીરો એ ચર્ચા જરૂરી છે. રામ રાજ્યમાં નિષાદ હોય કે શબરી બેઉ રામનો એક સરખો પ્રેમ પામ્યા હતા, જેટલો એમણે પોતાના ભાઇ ભરત કે માતા કૈકેયીને કર્યો હતો. આ સંજોગોમાં જાતિ આધારિત ગણતરી કરીને આપણે જાતિવાદને ફરી વકરાવી તો નથી રહ્યા ને એ શંકા વાજબી છે.
હાલ પ્રખર રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મની એકતા પર ભાર મૂકાય છે. દેશ પહેલા (નેશન ફર્સ્ટ) અને ધર્મ કે જાતિ પછી એ થિયરી અમલમાં મૂકવાના દિવસો છે ત્યારે મનમાં પ્રશ્ર્ન થાય કે રામે પોતાના કર્મ અને પોતાના આદર્શ દ્વારા જે સર્વસમંતિનો પ્રયોગ કર્યો હતો એમાં એમાં આ જાતિ આધારિત ગણના સહાયક બનશે કે બાધાકારી?
આજે ભારતના ઘણા રાજ્યોમાં પછી એ ઉત્તરના હોય કે દક્ષિણના, સેંકડો જાતિ અને ઉપજાતિઓ વિદ્યમાન છે. આ જાતિઓની ગણતરી અને તેમની બહુમતિ કે લઘુમતિ કોઇ પણ પક્ષ માટે રાજકારણ ખેલવાનો એક મોટો મુદ્દો બની જશે એમાં સંશય નથી. આજે માણસ ન્યાત જાતના ભેદભાવ વગર એક કોલેજમાં ભણે છે, એક ઓફિસમાં સાથે બેસીને સાથે જમે છે. એક કેન્ટિનમાં સાથે બેસીને ખાય છે, ચ્હા પીએ છે ત્યારે રામરાજ્ય જેવો સર્વાનુમતિ તરફ જઇ રહેલો દેશ વળી પાછો બહુમતિ અને લઘુમતિ તરફ ધકેલાઇ જશે કે કેમ એવો ભય અનેક રાજકીય નિષ્ણાતો સેવી રહ્યા છે.
ભૂતકાળમાં ધર્મ આધારિત ગણતરી થઇ છે જેમાં હિન્દુ, મુસ્લિમ,ખ્રિસ્તી, પારસી આ બધી કોમની જનસંખ્યાની ગણતરી થઇ હતી, પણ એનું કારણ હતું. આઝાદી સમયે આપણા દેશના ધર્મ આધારિત ભાગલા પડ્યા હતા. ભારત અને પાકિસ્તાન એમ બે દેશ બન્યા હતા જેમાં અસંખ્ય હિન્દુ-મુસ્લિમોએ હિજરત કરી હતી એટલે એ જાતનું રજિસ્ટર રાખવું જરૂરી હતું. જ્યારે આજે જાતિ આધારિત ગણના સનાતન હિન્દુ ધર્મમાં આંતર વિગ્રહ, અદેખાઇ અને મનભેદ ઊભા કરે તો આપણે સર્વસંમતિ તો દૂર વળી પાછા બહુમતી-લઘુમતિ જેવા વમળમાં ફસાઇ શકીએ એમ છીએ.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા મતમાં ન ફેરવાય જાય એ માટે કોંગ્રેસીઓએ જૈનોને લઘુમતિનો દરજ્જો આપીને એ પ્રમાણે એમને બેનિફિટ આપવા-અપાવવાની વાત કરી હતી, પરંતુ જૈન જેવી શાંતિપ્રિય, શિક્ષિત કોમે એ મુદ્દાને બહુ ભાવ આપ્યો ન હતો. મોટા ભાગના જૈન ફિરકાઓએ સીધી કે આડકતરી રીતે સ્પષ્ટ કરી દીધું હતું કે અમે પ્રથમ ભારતીય છીએ, હિન્દુ છીએ અને પછી જૈન છીએ. એમની આ અગમચેતી અને એમની હૈયાં સૂઝને સલામ કરવી પડે.
જો કે, છેવાડેના ગામડાઓમાં રહેતી અનેક અશિક્ષિત કોમો આજે પણ ઉગ્ર જાતિવાદના ભરડામાં છે. ચૂંટણી સમયે સવર્ણ અને દલિત મતદારોની ગણતરી દરેક
રાજકીય પક્ષોએ આજે પણ કરવી પડે છે ત્યારે સવર્ણ-દલિતોની અનેક નાની- મોટી ઉપજાતિઓની સંખ્યાની ગણતરી ઉપકારક બનશે કે ઉપદ્રવી બનશે તે મુદ્દો લઈને પાકો વિચાર- વિમર્શ થવા જોઇએ. લોકસભા, રાજ્યસભા અને ચોરેચૌટે આ વાત ચર્ચાવી જોઇએ. દરેક પક્ષોની વહેલી તકે સર્વસંમતિ સધાવી જોઇએ. વિકાસના આ યુગમાં જાતિવાદનો ગાળિયો ન ભરાઇ જાય તેની તમામ પ્રજાએ તકેદારી રાખવી પડેશે.
આપણે ત્યાં સંસદમાં કે રાજ્યસભામાં કોઇ ભૂતપૂર્વ સાંસદનું અવસાન થયું હોય ત્યારે એમને શ્રદ્દાંજલિ આપવાની હોય એ ખરડો જ સર્વાનુમતિએ પસાર થાય છે. બાકીના બધા ખરડાઓમાં શોરબકોર અને મારામારી સુધી પણ આપણે પહોંચી જઇએ છીએ. આવા માહોલમાં પક્ષની પરવટ જઇ દેશને લાભકારી હોય તેવા ખરડાઓ માટે સર્વાનુમત ક્યારે સધાશે?
આ લેખના આરંભમાં વર્ણવાયેલું યોગી આદિત્યનાથનું રામરાજ્ય અંગેનું સપનું ક્યારે સાચું થશે? વર્ગવિહિન સમાજની રચના ક્યારે થશે એ તો રામ જાણે.