વીક એન્ડ

કેરોલિના રીપર પ્રકરણ-૭૦

આકાશ આતંકવાદી હોવાનો એકાદ પુરાવો મળે તો કિરણ ફાંસીએ લટકવા તૈયાર

પ્રફુલ શાહ

એટીએસના પરમવીર બત્રા પોતાના ડિજિટલ અને આર્ટિફિશિયલ એક્સપર્ટ સાથે બેસી ગયા

અલીબાગની શાનદાર-હોટલમાં પહેલીવાર ખૂબ બધા પત્રકારો જમા થવા માંડ્યા હતા. હોટલના મેનેજરને સમજાતું નહોતું કે અસંખ્ય ટીવી, કેમેરામેન તો આવી ગયા પણ નાનકડા કોન્ફરન્સ હોલમાં ઊભા કયાં રહેશે? માત્ર મુરુડ કે અલીબાગના નહીં, સમગ્ર રાયગઢના પત્રકારો આવી રહ્યા હતા. મહારાષ્ટ્રના ને દેશનાં આગેવાન અખબારોના પ્રતિનિધિઓ પણ દૂરદૂરથી આવી રહ્યા હતા.
આમાં કિરણ, વિકાસ અને ગૌરવે આપેલા આમંત્રણનો નહીં પણ સવારે મુંબઈના અંગ્રેજી-અખબારના પહેલે પાને આવેલા સમાચારનો સિંહફાળો હતો. સમાચાર એટલા જ હતાં કે મુરુડ હોટેલ બૉમ્બ બ્લાસ્ટ્સમાં ભયંકર મોટો ધડાકો આવતી કાલે અલીબાગમાં થશે. અત્યાર સુધીના બધા દાવાની હવા કાઢવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે. આ પત્રકાર પરિષદની દૂરગામી અસર બ્લાસ્ટ્સની તપાસ પર પડી શકે છે.

હોટેલના કોન્ફરન્સ રૂમ ખુલ્યો ત્યારે ટેકનિશિયન એક સ્કીન અને પ્રોજેક્ટનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા. પત્રકારોને માંડમાંડ સમાવી શકાયા. ઘણાંને ઊભા રહેવું પડ્યું એમનો કોલાહલ થોડો શાંત પડયો એટલે કિરણ મહાજન, ગૌરવ ભાટિયા અને વિકાસ અંદર આવ્યા. એકદમ ગંભીરતાથી સૌ સામે હાથ જોડીને ત્રણેય બેસી ગયા. વિકાસે વાત માંડી “વેલકમ ટુ એવરીવન: ગુડ મોર્નિંગ પહેલો અને પાયાનો સવાલ કે અમે અહીં શા માટે છીએ? કેમ આવ્યા છીએ? આપને કેમ બોલાવ્યા છે? એક શબ્દમાં કહી શકાય કે ન્યાય માટે એ પહેલા જાણવું પડે તે અન્યાય શું છે? કોની સાથે અન્યાય થયો છે અને કોણે કર્યો છે? આ બધુ સમજાવવા માટે હું મિસિસ કિરણ મહાજનને વિનંતી કરું છું.

પત્રકારોના ગણગણાટ વચ્ચે કિરણે માઈક હાથમાં લીધું. “અન્યાય મને થયો છે અમારા જેવા અનેકને થયો છે. ઘણાં મારા વિશે જાણતા હશે. છતાં હું પોતે કહેવા માગું છું કે મુરુડના હોટેલ બૉમ્બ બ્લાસ્ટ્સમાં મારા પતિ આકાશ મહાજન માર્યા ગયા છે. અમારી વેદનામાં સહભાગી થવાને બદલે કોઈ પુરાવા, સાક્ષી, કારણ કે આછાપાતળા તર્ક વગર આકાશને આતંકવાદી જાહેર કરી દેવાયો. આકાશની પત્ની તરીકે હું આખી દુનિયાને પડકાર ફેકું છું કે એના આતંકવાદી હોવાનો એક પણ પુરાવો આપો તો હું મારી જાતે ફાંસી પર લટકી જઈશ.

એક પત્રકાર કંઈક પૂછવા ઊભો થયો. કિરણે બેસી જવાનો ઈશારો કરતા કહ્યું. “પત્રકાર પરિષદ છે એટલે સવાલો થવાના જ અને અમે એક એક રિપોટરને જવાબ આપીશું, પરંતુ પહેલા અમે શું કહેવા માગીએ છીએ એ બરાબર સાંભળી લો, સમજી લો. હવે હું મારી બાજુમાં બેઠેલા ગૌરવ ભાટિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાનો મુદ્દો રજૂ કરે.

ગૌરવે ભાટિયાએ માઈક હાથમાં લીધો અને એના ગળામાં ડુમો ભરાઈ ગયો.


એટીએસના પરમવીર બત્રા ન જાણે કેટલાં કલાકોથી ઊંઘ્યા નહોતા. ખાવાનું પણ ભૂલાઈ ગયું હતું. મન થાય ત્યારે ચા-કોફી મંગાવે પણ ઘણીવાર કપ વણ સ્પર્શ્યા રહી જતા હતા.

પોતાના ડિજિટલ અને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ટૅકનોલૉજીના એક્સપર્ટ સાથે બેઠા હતા. આ તજજ્ઞો એક પછી એક વીડિયો દેખાડતા ગયા. માંડ ૨૫-૩૦ વીડિયો બાદ-બે વીડિયો બત્રાને ઠીક લાગ્યા. તેમણે સૂચના આપી કે આના પર કામ કરી શકાશે. મને શક્ય એટલું જલ્દી રિઝલ્ટ જોઈએ છે. ડીપફેક કેટલું અસરકારક સાબિત થાય છે એ મારે પણ ચકાસવું છે. સમજ ગયે જી?


પત્રકારો ઊંચાનીચા થતા રહ્યાં થોડું પાણી પીને સ્વસ્થ થયા બાદ પાંચેક મિનિટમાં ગૌરવ ભાટિયાએ માઈક હાથમાં લીધું.

“સૉરી ફ્રેન્ડસ મારી વાતની શરૂઆત એક તસવીર સાથે કરીએ.

પ્રોજેક્ટમાંથી પાછળના સ્ક્રીન પર એક માસૂમ બાળકીનો ફોટો આવ્યો. સૌને આશ્ર્ચર્ય થયું, જેનો જવાબ આપવાની શરૂઆત ગૌરવ ભાટિયાએ કરી.

“આ મુસ્કાન છે. મારી દીકરી. એ રડી રડીને અડધી થઈ ગઈ. શા માટે? કારણ કે એની મમ્મી અને મારી પત્ની મોના અહીંના બૉમ્બ બ્લાસ્ટ્સમાં ખતમ થઈ ગઈ. શું મુસ્કાને અકારણ કોઈ પણ વાંક ગુના વગર મમ્મી વગર રહેવાનું? એક આતંકવાદીની દીકરી તરીકે મોટા થવાનું? મોનાને આતંકવાદી ગણાવવા પાછળ શું ઈરાદો હોઈ શકે? આતંકવાદ તો ઠીક, એના નામે તો ટ્રાફિક સિગ્નલના ભંગનો સમ ખાવા પૂરતો કેસ પણ નોંધાયેલો નથી. તો એ ત્રાસવાદી કંઈ રીતે થઈ ગઈ?

ટેબલ પર હાથ પછાડીને ગૌરવ ભાટિયા મોટા અવાજે બોલ્યો છે કોઈની પાસે આનો જવાબ? ના, અને માત્ર કિરણ મહાજન કે મને જ અન્યાય નથી થયો, અનેક નિર્દોષો છે જે અકારણ કોઈકના વાંકે દંડાયા છે.


બાદશાહ બેઠો હતો ચૂપ પણ એનું દિમાગ કોમ્પ્યુટરની જેમ ચાલતું હતું. એ વિચારતો હતો કોઈ પોતાને મળવા, આ ચા-પાણી આપવા આવે તો પોતાની કમાલ અજમાવી જોવાય. એને મોટી રકમ આપીને, ગમે તેમ સાધી લઈને કે મારી નાખીને ય અહીંથી નીકળવું પડશે. એ સિવાય મારું મિશન પૂરું કેવી રીતે થશે?

પણ એને સમજાતું નહોતું કે કલાકો થયા છતાં કેમ કોઈએ ચહેરો નહોતો દેખાડ્યો? સૌથી પહેલા તો એ જાણવું પડશે કે મને પકડ્યો કોણે છે? પોલીસે કે પછી પેલા છ દેશમાંથી કોઈ એક દેશની કંપનીના માણસોએ?

ત્યાં જ હળવેકથી દરવાજો ખુલ્યો. એ સાથે રૂમમાં હતી એ લાઈટ પણ ઓછી થઈ ગઈ. ચાર જણા અંદર આવ્યા. અંધારા અને મોઢા પર અને માથા પર બાંધેલા કપડાને કારણે કોઈ ઓળખાતું નહોતું. બાદશાહને સમજાયું નહીં કે શરૂઆત કરવી કેવી રીતે? વેડફવા માટે જરાય સમય નહોતો. બાદશાહને અનુભવ હતો કે એટીટ્યુડ બતાવવાથી ઘણાં કામ આસાન થઈ જાય છે.

તેણે એકદમ આત્મ-વિશ્ર્વાસ સાથે ચારેયની સામે જોયું. “તમે જે હો તે દરેકને પાંચ-પાંચ લાખ રૂપિયા મેળવવામાં રસ છે?

“શું પાંચ લાખ? એક જણે આશ્ર્ચર્ય સાથે પૂછ્યું તેણે ત્રણ સાથીઓ સામે જોયું. કોઈએ કંઈ જવાબ ન આપ્યો.

બાદશાહને થયું કે તીર નિશાના પર લાગ્યું ખરું. તે બીજો દાવ ઉતર્યો, “હા, શરૂઆતમાં પાંચ લાખ હું છૂટી જાઉં પછી બીજા એટલા મળશે.

ચારેયે એકમેક સામે જોયું અને એકબીજાને તાળી આપવા માંડ્યા. બધા ધીમે પગલે આગળ વધવા માંડ્યા! બાદશાહને થયું કે હમણાં પોતાના હાથની રસ્સી ખુલી જશે થયું ય એવું જ એક જણે હાથ પરની રસ્સી ખોલી નાખી. બાદશાહે હાથ આગળ લીધા. બંને કાંડા પર વારાફરથી હાથ ફેરવ્યો ને પછી બન્ને હાથના આંગળા એકમેકમાં ભેરવીને ટચાકયા ફોડ્યા.

એ સમયે જ હાથમાં બાંધેલી રસ્સી અચાનક એના ગળામાં આવી ગઈ અને ખેંચાવાનું શરૂ થયું. બાદશાહ કંઈ સમજે એ અગાઉ ખેંચાવા માંડી. “હરામખોર અમને લાંચ આપે છે? એટીએસવાળાને ખરીદવા માગે છે તું?
આ શબ્દો બોલતી વખતે પ્રશાંત ગોડબોલેને વધુ ચાનક ચડી ગયું. પોતે ખરેખર એટીએસમાં હોય એવો ગર્વ અનુભવ્યો પછી થયું કે ખોટું નહોતું બોલવું જોઈતું પણ પરમવીર બત્રાના વ્યૂહના ભાગરૂપે આમ કરવું અનિવાર્ય હતું. ખેંચાતી દોરી અને એટીએસનું નામ સાંભળીને બાદશાહનાં મોતિયા મરવા માંડ્યા એને થયું કે હવે પોતે મરવાનો.


પ્રેસ કોન્ફરેન્સમાં વિકાસનો વારો આવ્યો, તો ઊભા થઈને તેણે બે હાથ જોડયા. “મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સમાં મારી બહેન મોના મરી અને આતંકવાદી પણ બની ગઈ અત્યારે આપણે એક એક મૃતક વિશે જાણીશું.

પછી પ્રોજેક્ટર થકી પડદા પર બ્લાસ્ટ્સના એક-એક મૃતકના નામ, ઉંમર, સરનામા અને ફોટા બતાવાયા સાથે કોઈના માતા, પિતા, મિત્ર, માલિક, ભાગીદાર, પત્ની કે સ્થાનિક પોલીસના નિવેદન થકી જણાવાયું કે કમનસીબ મૃતક સામે સમખાવા પૂરતો ય કોઈ ક્રિમિનલ કેસ નહોતો. સાથોસાથ એ પણ સાબિત થયું કે બધા એ જીવલેણ દિવસે શા માટે મુરુડની હોટલમાં રોકાયા હતા.

આ પ્રોજેક્શન પૂરું થયા બાદ વિકાસે ફરી માઈક હાથમાં લીધું. અત્યાર સુધી બતાવાયેલા એક-એક મૃતકની વિગતો છે, તેઓ ત્રાસવાદી નથી, બલ્કે ત્રાસવાદના શિકાર છે. એક માત્ર મૃતક એનડીની કયાંય કોઈ ઓળખ કે વિગતો મળતી નથી. એ હોટેલ પ્યોર લવનો મેનેજર હતો. એ એકમાત્ર શકમંદ હોઈ શકે. હું શક્યતા વ્યક્ત કરું છું. તપાસ એજન્સીઓએ એના વિશે શું કર્યું એ હું જાણતો નથી. પણ મને એ સમજાતું નથી કે મુખ્ય પ્રધાન જેવા રાજ્યના સર્વોચ્ય નેતાએ શા માટે પૂરતી જાણકારી પુરાવા કે સાબિત વગર બ્લાસ્ટ્સના મૃતકોને આતંકવાદી ગણાવી દીધા? અપ્પાભાઉ અને પિંટયાની હત્યાને બ્લાસ્ટ્સ સાથે કંઈ સંબંધ છે? શું કોઈ બ્લાસ્ટ્સના મૃતકોને પોતાના રાજકીય સ્વાર્થ ખાતર બદનામ કરી રહ્યું છે? કોણ છે? મને પ્રજા, તપાસ એજન્સીઓ, ન્યાયતંત્ર પર પૂરો વિશ્ર્વાસ છે. પ્રજામાં તમે સૌ પણ આવો. બોલો શું માનો છો તમે?
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button