કેરોલિના રીપર પ્રકરણ-૬૪
પ્રફુલ શાહ
બત્રાએ એ મોબાઈલ ફોન પરથી પોતાનો નંબર ડાયલ કર્યો, કોલર્સનું નામ દેખાયું ‘પવલો’
કિરણ, વિકાસ, ગૌરવને બ્લાસ્ટ્સના મૃતકો સાંભર્યા: મોત પછી અકારણ બદનામીનું ટીલું લાગ્યું
રાજપુરીના આશા કિરણ આરોગ્ય કેન્દ્રમાં એટીએસ અને પોલીસની ટીમે એક-એક કર્મચારીની ઝીણવટભરી પૂછપરછ કરી. એમાંથી અમુક નોંધપાત્ર મુદ્દા બહાર આવ્યા. હોટલ પ્યોર લવમાં બૉમ્બ બ્લાસ્ટસ અને શકીનાના મર્ડર પછીના દિવસે સોલોમન હૉસ્પિટલમાં ભરતી થયો હતો. પોતે મુસાફર છે અને અચાનક પેટમાં ભયંકર દુ:ખાવો ઊપડતા એ હૉસ્પિટલમાં આવ્યો હતો. એ એકાદ-બે વખત બહાર નીકળ્યો હતો. એને મળવા કોઈ આવતું નહોતું એક કલાકોના કલાક એકલા રહેવાનું પસંદ કરતો હતો. એ ખાવાપીવાનો શોખીન હતો. છુટ્ટા હાથે રોકડ ભેટ આપતો હોવાથી એ મનમાની કરી શકતો હતો.
એક નાઈટડ્યૂટીનો વોર્ડબોય એના માટે વ્હીસ્કીની વ્યવસ્થા કરતો હતો. વ્હીસ્કી લાવવા માટે વધારાની રકમ લેતો હતો. સાથોસાથ એને પીવામાં કંપની પણ આપતો હતો. બે-ચાર ધોપાધલાટ બાદ તેણે કબૂલ કર્યું કે એકવાર એની અધખુલ્લી હેન્ડ બેગમાં સાત-આઠ મોબાઈલ ફોન દેખાયા હતા. એ વિશે સવાલ પૂછતા સોલોમન હસીને બોલ્યો હતો. “આ જ મારો બિઝનેસ છે એકનો બીજા સાથે કોન્ટેક્ટ કરાવવો.
રવિવારે સ્ટાફ બહુ ઓછો હોય ત્યારે મુરુડ ઝંઝિરા ફોર્ટ ફરવા જવાનો આ વૉર્ડબોયે પ્રસ્તાવ મૂકયો. ચાલો ત્યાં ડ્રિન્કસની મજા માણીશું. આ સાંભળીને સોલોમન એના પર એકદમ ઉકળી ઉઠ્યો હતો. એ વૉર્ડબોયને પોતાની ભૂલ ન સમજાઈ. પૂછપરછ કરવાવાળા પોલીસોને પણ સોલોમનના ગુસ્સા પાછળનો તર્ક સમજાયો નહીં.
એટીએસના પરમવીર બત્રા અને મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે દીવાદાંડીની પાછળના ભાગે આવેલી પગદંડી પર નીચે ઊતરી રહ્યા હતા. દૂર-દૂર દરિયો ઘુઘવાતો હતો. આસપાસ વૃક્ષોની હારમાળા હતી.
ગોડબોલે માટે આ નવો રોમાંચ હતો, અનોખો અનુભવ હતો. “સર, દરેક કેસમાં તમે સ્થાનિક પોલીસવાળાને સાથે રાખો?
” એનો, આધાર વિસ્તાર, કેસ અને સામેવાળા પોલીસના સ્વભાવ પર છે જી.
“હું સમજ્યો નહીં…
“જુઓ મુરુડ અને અલીબાગ મારા માટે નવા વિસ્તાર છે અહીંની સંસ્કૃતિ, પ્રજાને હું જલ્દી ઓળખી… સમજી ન શકું. બીજું આ બ્લાસ્ટસ કેસ ખૂબ મોટો અને ભયંકર છે. આ સિવાય તમે મને અલગ પ્રકારના ઑફિસર લાગ્યા જેથી સાથે સત્તાવાર કામકાજ ઉપરાંત દોસ્તી થઈ શકે. જી.
“અરે થેન્ક યુ તો મુજે બોલના ચાહિએ જી. આપ કે સહકાર એ કાફી હદ તક કામ આસાન હોતા ચલા ગયા…
અચાનક ગોડબોલે ઉતાવળે પગલે ડાબી બાજુ ગયા. એક ઝાડ નીચે બિસ્કીટનું ખાલી રેપર પડ્યું હતું. ઝાડની પાછળ અન્ય રેપર પડ્યું હતું. આસપાસ ફર્યો તો કેડબરી અને અન્ય ચોકલેટના રેપર દેખાયા આસપાસ થોડેદૂર આટો માર્યા તો પાણીની પ્લાસ્ટિકની ખાલી બોટલ પણ દેખાઈ.
બત્રાને ગોડબોલેની નજર પર માન ઊપજ્યું: તેઓ આસપાસ જોવા માંડ્યા. અચાનક ઉપર નજર ગઈ. એક ઝાડ પર કંઈક લટકતું દેખાયું. તેમણે ગોડબોલેને બોલાવીને ઝાડની ટોચ તરફ આંગળી ચીંધી. કંઈ બોલ્યા વગર ગોડબોલેએ બૂટ કાઢ્યા અને સડસડાટ ઝાડ પર ચડી ગયા. બત્રાનું મોઢું આશ્ર્ચર્યથી ખુલ્યું હતું. ત્યાં જ ગોડબોલે ઉપરથી એક થેલી લઈને નીચે આવ્યા.
થેલીમાં બે જૂના પેન્ટ-શર્ટ, બિસ્કીટના પાંચેક પેકેટ, થોડી ચોકલેટ-કેડબરી અને એક મોબાઈલ ફોન હતો. ફોન સાવ સાધારણ હતો, બત્રાએ રબરના હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને ફોન હાથમાં લીધો તેમાં ઈન્ટરનેટની સગવડ જ નહોતી. એ એકદમ બેઝિક મોબાઈલ ફોન હતો. તેમણે એસએમએસ ચેક કર્યા. છેલ્લા એસએમએસમાં મેસેજ હતો: ૧૨૧૨
બત્રાની આંખમાં ચમક આવી ગઈ. તેમણે મોબાઈલ ફોન પરથી પોતામાં નંબર ડાયલ કર્યો. કોલર્સના નામમાં દેખાયું: પવલો.
કિરણ, વિકાસ અને ગૌરવ ભાટિયા બરાબરના કંટાળ્યા હતા. પોતાને બોલાવનારા એટીએસના પરમવીર બત્રા હાજર નહોતા. કિરણ-વિકાસને નવાઈ લાગી કે મુરુડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે અને સબ-ઈન્સ્પેક્ટર વૃંદા સ્વામી પણ જાણે લાપતા થઈ ગયાં છે. આ ત્રણેયનું સાથે વ્યસ્ત હોવું યોગાનુયોગ હશે કે પછી કંઈક ધડાકો કરવાની તૈયારી ચાલતી હશે? શું મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસની તપાસમાં કોઈ મોટો ધડાકો થવાનો છે?
મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસની યાદ આવતા જ ત્રણેયને એમાં માર્યા ગયેલા સાંભર્યા કેટલાં બદનસીબ કે મોત પછી અકારણ બદનામીનું ટીલું લાગ્યું વિકાસે બન્નેને પોતાના લેપટોપમાં એક-એક મૃતકના ફોટા બતાવ્યા આમાંથી જે પ્રવાસી હતા. એ બધા સાવ સામાન્ય માણસો હતા. નોકરિયાત કે નાના વેપારી હતા. કોઈ ધંધાના કામે આવ્યું હતું, કોઈ ફરવા તો કોઈક હનીમૂન માટે જ્યારે આકાશ અને મોના…
આ પર્યટકો સિવાય થોડા સ્ટાફના માણસો હતા. એમના બધાના પણ ફોટા, નામ, સરનામા અને અન્ય વિગતો હતી. અત્યાર સુધીની યાદીમાં કોઈની સામે ક્રિમિનલ કેસ નહોતા.
મૃતકોમાં માત્ર એક નામનો ભૂતકાળ ક્યાંય નહોતો મળતો મેનેજર એનડીના ફોટા સોશ્યલ મીડિયા પર નહોતા. એનું સરનામું કે સગાસંબંધીના કોઈ કરતા કોઈની વિગત નહોતી. જાણે એ મેન ફ્રોમ નોવ્હેર. ત્રણેયને આ એનડી ભેદી લાગ્યો. વિકાસ તો એથીકલ હેકર હતો, પણ એના અથાગ પ્રયાસો છતાં એનડી નામનો કોયડો ઉકેલી ન શકાયો.
ગૌરવ ઉત્સાહભેર બોલ્યો કે આ એનડી વિશેની માહિતી બત્રા અને સરને આપવી જોઈએ. આ સૂચન બાદ એ એકદમ છોભીલો પછી ગયો પોતે જ બોલ્યો, “અત્યાર સુધી તેમને એનડીની રહી સહી કુંડળી કે એના ભેદી વ્યક્તિત્વની જાણકારી મળી જ ગઈ હોય.
ગૌરવ ભાટિયા સાવ સાચો હતો. વાત પર પૂર્ણવિરામ મૂકીને એ લેપટોપ પર જોશભેર કંઈક ટાઈપ કરવા માંડ્યો જેનો ધડાકો ભવિષ્યમાં ભલભલાને હચમચાવી નાખવાનો હતો.
પરમવીર બત્રા અને પ્રશાંત ગોડબોલે દીવાદાંડીની પાછળ આવેલા રસ્તા પર ચાલતાં-ચાલતાં છેક દરિયા સુધી જઈને પાછા ફર્યા. બન્ને તદુ લગાવવા માંડ્યા.
બત્રાએ ગોડબોલેને સમજાવ્યું, “હું જે બોલું એ વાક્યમાં શક્ય એટલા સવાલો તમારે પૂછવાના. ઓકે જી?
ગોડબોલેને વાતમાં ધડમાથું ન સમજાયું પણ પરાણે માથું હલાવ્યું.
“પવલો નાનવેલ આવીને સંતાઈ ગયો?
“પવલાએ સંતાવું કેમ પડ્યું? ને નાનવેલ જ શા માટે?
“પવલો ખાવા-પીવા કે સંતાવા માટે ઝાડ પર ચડતો કે રહેતો હશે.?
“ઝાડ સંતાવની જરૂર શું હતી? નાનવેલ ગામમાં ઘણી લોજ-હોટલ છે, તો ઝાડ પર રહેવાનું કારણ શું? અને નાનવેલની દીવાદાંડીની આસપાસ કે દરિયા નજીક શા માટે રહ્યો?
“પવલા તો બહુત છોટા આદમી હય.
“તો શું કોઈ અન્ય એની પાસે આ બધું કરાવતા હશે? આમ કરાવવા પાછળનું પ્રયોજન શું?
“વાહ ગોડબોલેજી, તમારા તર્ક કામ આવશે જી.
“સર, એક સ્ટેટમેન્ટ માટે કરવું છે. આપ સવાલો શોધજો.
“વાહ, વાહ. બોલિએ જી.
“આ ફોનમાં ૧૨૧૨ મળ્યું.
“મારા માટે એ એક મોટો કોયડો છે. ખૂબ ભેદી છે. એનો ઉકેલ જ આપણે શોધવાનો છે. બરાબરને?
અલીબાગના પાવરફુલ લીડર વિશ્ર્વનાથ આચરેકરની ફિનિક્સ પંખીની જેમ ફરી ઊભા થવાની શક્યતાથી મુખ્ય પ્રધાન રણજીત સાળવી મનોમન રઘવાયા થતાં હતા. એને થતું હતું કે આચરેકરની ક્ષમતા સમજવામાં પોતે કાચો પડ્યો. એટલું જ નહીં, આ મામલામાં જે થયું હતું એમાં પીછેહઠ કરવાનું હવે શકય અને આવકાર્ય લાગતું નથી.
ડેમેજ ક્ધટ્રોલનો વિચાર કરવામાં એને લાગ્યું કે પોતે નકારાત્મક શા માટે વિચારે છે? આચરેકર ભૂતપૂર્વ પ્રધાન છે, જે હવે વિધાનસભ્ય પણ નથી. ઉલ્ટાનો બદનામ છે. એનાથી ડરવા કે બચવાનો વિચાર કરવાને બદલે વધુ આક્રમક અભિગમ આપનાવવાની જરૂર છે.
મૂળમાં ભારાડી એવા સાળવીને આક્રમણનો વિચાર ગમી ગયો. આચરેકર જેવા પીઢ નેતાનાં મૂળિયાં સાવ ઉખેડી નાખવાથી પોતાની વગ વધશે, ધાકમાં વૃદ્ધિ થશે. આ વિચારો વચ્ચે તેણે એક ભયાનક પ્લાન વિચારી કાઢ્યો. પોતાના ખાસ માણસને એક સંદેશો આપ્યો: સારામાં સારા માણસને અલીબાગ મોકલ. કોઈ પણ સંજોગોમાં કામ થવું જ જોઈએ. ખર્ચાની ફિકર કરવાની લેશમાત્ર જરૂર નથી.
સામેથી દલીલ થઈ કે સર, હું તો એને આપનો માણસ સમજતો હતો. સાળવીએ અટ્ટાહાલ્ય કર્યું. “કામનો હોય ત્યાં સુધી આપણો માણસ. નકામા કે જોખમીના વજનને ઊંચકીને ફરું એવો વિક્રમ રાજા લાગું છું તને હું?
પણ આ બોજ ફગાવી દેવાની કેટલી કિંમત ચુકવવી પડશે એ સાળવી જાણતો નહોતો. (ક્રમશ:)