કેરોલિના રીપર પ્રકરણ-૫૮
કેરોલિના રિપર ભલે બધાને તીખું તમતમતું લાગે, મને મીઠું-ઠંડું લાગ્યું
પ્રફુલ શાહ
કિરણ બોલી કે હીરાનો ધંધો હોય અને કોહિનૂર સ્ટૉકમાં હોય એવું મરચાના વેપારમાં કેરોલિના રિપરનું છે
ઈન્ટરનેટ પર કેરોલિના રિપર પર સર્ચ વધવા માંડી. રાજાબાબુ મહાજનને બધી આગોતરી ખબર હતી. માલતીને બહુ સમજાયું નહિ પણ મમતા તો દોડીને એકદમ કિરણને વળગી પડી.
“ભાભી, તમે તો કમાલ કરી નાખી. તમે બેસો. આજે હું તમને ચા, નાસ્તો પીરસવાની છું.
“પહેલા પપ્પા – મમ્મીને નાસ્તો આપો મમતાબહેન!
રાજાબાબુએ ખોંખારો ખાધો. “મમતા તારી વાત સાચી છે. આજે તો આ વિજેતા દીકરીને માથા પર બેસાડીએ.
એ જ સમયે ડાઈનિંગ ટેબલ ભણી આવતા દીપક અને રોમાએ રાજાબાબુની આ વાત સાંભળી. ઈર્ષાથી સળગતી રોમાથી રહેવાયું નહિ.
“સૉરી પપ્પા પણ કેરોલિના રિપર નામની પ્રોડક્ટ માર્કેટમાં વેચાવાની નથી તો પછી જાહેરખબરનો અધધ ખર્ચ શા માટે? ઉપરથી આટલી બધી પ્રશંસા?
રાજાબાબુ કંઈ કહે એ અગાઉ કિરણ માલતીબહેનનો હાથ પકડીને બોલી, “મમ્મી, આપણે નંબર વન કંપની છીએ. ક્યારેક લોકજીભે ચડવા માટે ય વિચારવું પડે. અને સાચું કહું તો મમ્મી મને આ એડવર્ટાઈઝમેન્ટથી પર્સનલી ખૂબ સંતોષ અને આનંદ થયો છે. આ કેરોલિના રિપર ભલે દુનિયાને તીખું તમતમતું લાગે પણ મને મીઠું, ઠંડું અને શાતાદાયક લાગ્યું છે.
વચ્ચે મમતા ટહુકી પડી. “વાહ ક્યાં બાત હૈ? પણ એ કેવી રીતે ભાભી?
“ઘણાં પીઠ પાછળ મારી મજાક ઉડાડતા હતા કે હું તો કેપ્સીકમ છું. ફિક્કી, સ્વાદ અને તાકાત વગરની. હા, હું છું કેપ્સીકમ, મને એ ગમે પણ છે, પરંતુ જરૂર પડે કેરોલિના રિપર બનવાની મારામાં તાકાત છે એ દુનિયાને છાપાને પાને ખુલ્લેઆમ બતાડી દેવું હતું મારે.
ડૉ. સલીમ મુઝફફર ઈતિહાસના પાનાં ઉલટાવતા આગળ વધવા માંડ્યા.
શિવાજી મહારાજના સમયમાં મુરુડ ઝંઝીરા જીતી શકાયું નહોતું. એના મુખ્ય કારણો હતા મુરુડ ઝંઝીરા કિલ્લાની વિશિષ્ટતા, યુદ્ધ માટેની કાયમી સતર્કતા, ભૌગોલિક વ્યૂહાત્મક સર્વોપરિતા, આદિલ શાહ અને મોગલોનો સિદ્દીઓને સાથ. પરંતુ આ મંડળીના અથાગ પ્રયાસોને લીધે સિદ્દીઓની સત્તા માત્ર મુરુડ ઝંઝીરા પૂરતી સીમિત થઈ ગઈ હતી.
૧૬ જાન્યુઆરી, ૧૬૮૧ થી ૧૧ માર્ચ ૧૬૮૯ વચ્ચે મરાઠા સામ્રાજયની ધૂરા સંભાળનારા છત્રપતિ સંભાજીએ મુરુડ ઝંઝીરા કિલ્લો લગભગ લગભગ જીતી લીધો હતો.
ઈ.સ. ૧૬૮૨ના આરંભે મરાઠા લશ્કરે મુરુડ ઝંઝીરા કિલ્લા પર હુમલો કર્યો, જેમાં પાછળથી ખુદ સંભાજી મહારાજ પણ જોડાયા હતા. ૩૦-૩૦ દિવસના જોરદાર હુમલા છતાં કિલ્લાનું પતન થતું નહોતું. છત્રપતિ સંભાજીએ બળને બદલે કળથી કામ લેવાનું વિચાર્યું.
વ્યૂહ મુજબ મરાઠા લશ્કરના અમુક આગેવાનો અને સ્ત્રી-પુરુષ સૈનિકો ‘ભાગેડુ’ બનીને સિદ્દી પાસે આશ્રય લેવા પહોંચી ગયાં. મરાઠા સેનાની જાણકારી મેળવવાના ઈરાદાથી સિદ્દીઓએ ત્રીસ મરાઠા ‘ભાગેડુ’ના જૂથને આશ્રય આપ્યો, પરંતુ સંભાજી મહારાજનો ગુપ્ત પ્લાન એવો હતો કે મરાઠા સેનાના આક્રમણ વખતે આ ‘ભાગેડુ’ સિદ્દી છાવણીમાં દારૂગોળો ફોડવા માંડે. સામેથી અને અંદરથી એવા બેવડા આક્રમણ વચ્ચે દુશ્મનો હાંફી જશે, હારી જશે એવી ગણતરી તર્કની દૃષ્ટિએ ખોટી નહોતી જ.
પરંતુ નિયતિના ભાથામાં કંઈક અલગ જ હતું. ‘ભાગેડુ’ ટીમની મહિલા એક કદાવર સિદ્દીને દિલ દઈ બેઠી. તેણે આખો પ્લાન પ્રેમી સમક્ષ ઉઘાડો પાડી દીધો. આમાં બધેબધા ‘ભાગેડુ’એ જીવ ગુમાવવાનો વારો આવ્યો. સૌને અત્યંત ક્રુર મોત મળ્યા.
ત્યાર બાદ સંભાજીની સેનાએ હુમલો કર્યો ત્યાં વાવડ આવ્યા કે ઔરંગઝેબની સેનાએ અન્ય મોરચે પોતાના પર આક્રમણ કરી દીધું છે. એટલે છત્રપતિ સંભાજી મહારાજે મુરુડ ઝંઝીરા પરનું આક્રમણ સમેટીને પાછા વળવું પડ્યું હતું.
પછી ઘણાં પાના પર ઉપરછલ્લી નજર નાખીને ડૉ. સલીમ મુઝફફર આગળ વધતા ગયા. અચાનક એમની નજર અટકી ગઈ.
“ઈ.સ. ૧૭૩૬માં મુરુડના સિદ્દીઓ અને પેશવા બાજીરાવના લશ્કર વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ૧૯મી એપ્રિલે નાનાજી સુર્વે અને ચીમાજી અપ્પાની બહાદુરીને પ્રતાપે રેવા પાસે સિદ્દીઓના નેતા સહિત ૧૫૦૦ જણા હણાયા. સપ્ટેમ્બરમાં સમાધાન થયું. પછી સિદ્દીઓની સત્તા માત્ર ઝંઝીરા, ગોવાલ કોટ અને અંજનવેલ પૂરતી જ મર્યાદિત થઈ ગઈ.
જો કે ખરા અર્થમાં તો મુરુડ ઝંઝીરા કિલ્લો અજેય રહ્યો, છેક ૧૯૪૭ સુધી. એ સમયે બ્રિટિશરોના કબજામાંથી છૂટીને એ સ્વતંત્ર ભારતનો વિસ્તાર ગણાયો.
ઈતિ મુરુડ ઝંઝીરા કિલ્લા પુરાણ. હાશકારા સાથે ડૉ. સલીમ મુઝફફરે મહત્ત્વની નોંધ લખવાની શરૂઆત કરી. તેઓ તો ઠીક પણ કોઈ જાણતું નહોતું કે આ સમય સંદૂકમાં તોપચી અબ્દુલ્લ હમીદુલ્લા ‘ગુલાબ’નું અસ્તિત્વ અને વર્તમાન મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સના મૂળિયા હતા!
આગોતરા આયોજન મુજબ કેરોલિના રિપરવાળી જાહેરખબર પ્રગટ થયાની સાંજે જ ‘મહાજન મસાલા’ વતી પ્રેસ કોન્ફરેન્સ રખાઈ. રાજાબાબુએ માત્ર પ્રતીકાત્મક હાજરી આપી. એ કંઈ બોલ્યા નહિ. બોલવાનું કામ પૂરી તૈયારી સાથે આવેલી કિરણ મહાજને જ કરવાનું હતું.
“જેન્ટલમેન, મરચાના વૈશ્ર્વિક ઉત્પાદનમાં ભારતનો ફાળો ૩૬ ટકા છે. આપણા દેશમાં સૌથી મોટું મરચા ઉત્પાદક આંધ્ર પ્રદેશ છે, જે દેશના કુલ ઉત્પાદનમાં ૫૭ ટકાનો હિસ્સો ધરાવે છે. ભારતમાં સૌથી તીખા તીખા મરચામાં આસામ – નાગાલેન્ડને ભૂત ઝોલકિયા, આંધ પ્રદેશના ગુંટુર મરચા, કેરળના કાંઠારી મરચા, ગુજરાતના જવાળા મરચા અને કર્ણાટકના વ્યાડગી મરચાના નામ આવે.
વિશ્ર્વમાં સૌથી તીખું મરચું એટલે કેરોલિના રિપર. આની તીખાશ કેટલી ભયંકર છે. એ હકીકત એક દાખલાથી સમજીએ. ગ્રેગરી ફોસ્ટર નામના એક સજજને ૩૩ સેક્ધડમાં દશ કેરોલિના રિપર મરચા ખાધા, તો વિશ્ર્વ વિક્રમ બની ગયો. હૉટ સોસ બનાવનારી કંપનીના આ માલિકે ૨૦૦૭માં આ સિદ્ધિ મેળવી હતી. સૌથી તીખા મરચાનું બિરૂદ મેળવનારા કેરોલિના રિપર મરચાની તીખાશ માપવા માટે સ્કૉવિલ સ્કેલ નામનું મશીન આવે છે. આ મશીન મરચામાં ગરમી ઉત્પન્ન કરતા કેપ્સાઈસિન રાસાયણિક મિશ્રણની માત્રા માપે છે.
“મેડમ, કેરોલિન રિપર જેવા અન્ય નામચીન મરચા કયાં?
“કેરોલિના રિપર બાદ આવે ટ્રિનીદાદ મોરુગા, નાગા મોરિચ ઊર્ફે સ્નેક ચિલી, ભૂત ઝોલકિયા, હેબાનરી રેડ સાવિના, હેબાનેરો, રેડ હૉટ ચિલી, સ્કૉચ બોનર, મેનજાનો અને કેયન્ની.
“આપે કીધું એમ કેરોલિના રિપર સામાન્ય માનવીઓના ઉપયોગની ચીજ નથી, તો મહાજન મસાલા શા માટે એને માર્કેટમાં લાવવા માગે છે?
“હીરાનો ધંધો હોય તો કોહિનૂર સ્ટૉકમાં હોય એ ગમે ને? કબૂલ કે કેરોલિના રિપરની માર્કેટ નથી પણ જરૂર પડે તો મહાજન મસાલા પાસે એ છે. સાથોસાથ મારે અમુક લોકોને મેસેજ આપવો છે કે અમે શાંતિથી ધંધો કરીએ છીએ એટલે અમને કેપ્સીકમ ન સમજતા. અમારામાં કેરોલિના રિપર જેટલી તીખાશ છે, તાકાત છે. તો પ્લીઝ પોતાની સલામતી માટે મર્યાદા ઓળંગતા નહિ.
તાળીઓના ગડગડાટ વધવા માંડ્યા અને મોહક સ્મિત સાથે કિરણ મહાજને ઊભા થઈને હાથ જોડ્યા.
એટીએસની ગુપ્ત કસ્ટડીમાં રખાયેલા આસિફ પટેલનું રેકોર્ડેડ સ્ટેટમેન્ટ પરમવીર બત્રાએ ચોથીવાર જોયું. એ માણસના ચહેરાના હાવભાવ, બોલવાની શૈલી અને બોડી લેન્ગવેજ પરથી લાગતું નહોતું કે એનો મુરુડ બૉમ્બ બ્લાસ્ટમાં હાથ હોઈ શકે. હા, એના ધંધા ઘણાં દેશમાં ફેલાયેલા હતા. મૂળે એ વરસોથી ભારતીય રહ્યો નહોતો. એના માટે દરેક દેશ ગ્રાહક હતો, નફો આપનારો હતો. સરેરાશ ભારતીય જેવો દેશપ્રેમ કદાચ એનામાં નહોતો. વળી, ધડાકામાં કોઈ પોતાની હૉટલ શા માટે ફૂંકાવી મારે? એક તો ભારે નુકસાન, ને પાછું ગામ આખાની નજરે ચડી જવાય અને ભારે બદનામી છોગામાં.
બત્રા જાણતા હતા કે આ બધા પોતાના વિચારો માત્ર હતા, તર્ક હતા અને કદાચ શકયતા. એટલે આવા મોટા કેસમાં તરત આસિફ પટેલને નિર્દોષતાનું પ્રમાણપત્ર ન અપાય. અત્યાર સુધી તો આસિફ પટેલે પોતાને જે કહેવું હતું એ કીધું, પોતાના બચાવ માટે.
એને છોડતા અગાઉ હજી ઘણું ઓકાવવું પડશે. બત્રાએ ફોન જોડયો. “આ આસિફ પટેલને ખોટો ટોર્ચર કરતા નહિ, પરંતુ ફેરવી ફેરવીને એને મુરુડ હૉટલ, બાદશાહ, એનડી અને એના સાથીદારો, કર્મચારીઓ વિશે પૂછતા રહો. એ પણ પૂછો કે કોઈ સાથેની અંગત અદાવતથી મુરુડની હૉટલ પ્યૉર લવમાં ધડાકો થયો હોય એવું લાગે છે? એના ખાસ દોસ્તો અને જાની દુશ્મનોની યાદી પણ કઢાવો. નાની-નાની, સાવ નકામી વાતો કરીને વધુ ઉપયોગી માહિતી મેળવવાના પ્રયાસ રાખો. આપણી પાસે એક-બે દિવસથી વધુ સમય નથી.
પણ આ એક-બે દિવસમાં શું થઈ જવાનું હતું, એની બત્રાને તો ઠીક કોઈને જાણ નહોતી.
(ક્રમશ:)