કેરોલિના રીપર પ્રકરણ-૫૪

પ્રફુલ શાહ
જાડા કાચના ચશ્મા અને નબળી નજર વચ્ચે આશાના આગિયા ચમકતા હતા
કિરણે દિપક-રોમાને પડકાર્યા : મને છંછેડશો તો હું શું બની જઇશ એની કલ્પના સુધ્ધાં નહીં કરી શકો
દિપક અને રોમાને નવાઇ લાગી કે પપ્પાએ અત્યાર સુધી કયારેય નહીં અને આજે બધાને બોલાવ્યા? રોમા લુચ્ચા સ્મિત સાથે બબડી કે સવારે મેં કિરણભાભી વિશે કરેલા ધડાકાની અસર થઇ લાગે છે.
બન્ને ફ્રેશ થઇને ડિનર ટેબલ પર પહોંચ્યા તો રાજાબાબુ, માલતી અને મમતા હાજર હતા. ત્રણેમાંથી કોઇએ દિપક -રોમા સામે જોયું. થોડા છોભીલા પડીને બન્ને બેસી ગયા. ત્રણ-ચાર મિનિટના મૌન પછી કિરણે દેખા દીધી.
“હાલ આપણી ફેમિલીની હાલત અને એનો લાભ લેવાના હવાતિયા વચ્ચે આ બેઠક બોલાવવા માટે મેં જ બાપુજીને વિનંતી કરી હતી. થેન્કયુ. બાપુજી કિરણે શરૂઆત કરી.
કોઇ કંઇ ન બોલ્યું એટલે કિરણ જઇને રાજાબાબુ અને માલતી વચ્ચે ઊભી રહી ગઇ. “આ હાલતમાં આપણું વર્ણન કેવું રહ્યું. એ મારો સવાલ છે? શરૂઆત મારાથી કરીએ. ઘરની નાની વહુ રોમાને શરમ આવી. બિચારીને મરવા જેવું થયું કે ભાભી કોઇ પરાયા પુરુષને મળે છે. માત્ર ગપગોળા હોય તો સમજયા… મોટી વહુના ફોટા પણ વ્હોટ્સઅપ પર ફરતા થઇ ગયા. તમારી આ સંસ્કારી વહુ વિશે લોકો એને પૂછપૂરછ કરે છે. શું જવાબ આપે એ? આપણે નસીબદાર છીએ કે ઘર, પરિવાર અને આપણી આબરૂ વિશે ફિકર કરનારી વહુ મોના મળી, હવે વાત પરાયા પુરુષને મળવાની. હા, હું વિકાસને મળું છું. શા માટે એ યોગ્ય સમયે કહીશ પણ એમાં પરિવારને જરાય લાછન નહીં લાગે. રહી વાત ફોટાની. આ ફોટા વ્હોટ્સઅપ પર ફરતા થઇ ગયા છે, પરંતુ એવું નથી જ. માત્ર એક વ્યક્તિએ આ ફોટા રોમાને મોકલ્યા. શા માટે? કારણકે રોમાએ એને મારો પીછો કરવા રોકયો હતો.
રોમાએ ગુસ્સામાં પૂછયું, “પ્લીઝ ભાભી. પોતાના પર આળ આવ્યું તો મને બદનામ ન કરો.
કિરણ હસી પડી. “તમે મારી પાછળ કોને રોકયો? એને કેટલી રકમ આપી એ બધી વિગતો મારી પાસે છે. હું ઇચ્છું તો પોલીસમાં ય જઇ શકું. પણ એવું નહીં કરું. મહાજન પરિવારની આબરૂનો સવાલ છે.
“પ્લીઝ ભાભી, ખોટા દંભ અને નાટક છોડો. તમારી સચ્ચાઇ ઉઘાડી પડી રહી છે…
“અરે હા. સચ્ચાઇ અને દંભ પરથી યાદ આવ્યું. મારા એક દોસ્તે આપ બન્નેને કફ પરેડના એક આલીશાન બિલ્ડિંગમાં આવતા જોયા હતા. અલબત્ત, એ તમારો પર્સનલ મામલો છે એટલે મારે ન પુછાય. પણ મમતા બહેન તમને ખબર છે કે અજયકુમાર મુંબઇ આવ્યા હતા? બાપુજી આપને જાણ છે કે આપણા હરીફ કરણ રસ્તોગીને કોણ મળવા ગયું હતું? અને પેલા બિઝનેસ ક્ધસલટન્ટ…. શું નામ એમનું? હા, સમીર પટેલ કેમ આપણી કંપનીમાં રસ લઇ રહ્યો છે?
દિપક અને રોમા ગુસ્સામાં ઊભા થઇ ગયા. કિરણ મોટા અવાજે બોલી, “આ રીતે ઊભા થઇને જતા રહેવા સિવાય તમારી પાસે કોઇ જવાબ કે વિકલ્પ નથી, પરંતુ એક વાત સાંભળી લો કે હું ભલે દેખાવમાં, સ્વભાવમાં કેપ્સિકમ જેવી હોઉં પણ મને છંછેડશો તો હું શું બની શકું છું. એની તમે કલ્પના ય નહીં કરી શકો.
રાતે લીંબુ-પાણી પીતી વખતે કિરણના ચહેરા પર ગજબની નિરાંત હતી. તેણે વિકાસને ફોન કર્યો. “ઊંઘી તો નથી ગયા ને?
“ના. લેપટોપ પર ટાઇમ પાસ કરી રહ્યો છું.
“તમને ખાસ થેન્કસ કહેવા ફોન કર્યો છે.
“અચ્છા, એવી ફોર્માલિટી રાખવાની છે. આપણી વચ્ચે?
“ના.ના. ભાઇ-ભાભીના મોબાઇલ ફોનની હ્યુમેન પરથી આપે જે માહિતી આપી એના ઉપયોગથી એકદમ સોંપો પડી ગયો. એમાં મેં સહેજ મસાલાનો વઘાર કર્યો તો દિપક-રોમાની બોલતી એકદમ બંધ થઇ ગઇ. આપની માહિતી વગર ઘરમાં અને ઑફિસમાં મારી હાલત ખૂબ કફોડી થઇ ગઇ હોત. થેન્ક યુ વેરી મચ.
“યુ, આર ઑલ્વેઝ વેલકમ. હવે હોટલમાં માર્યા ગયેલા મોટાભાગના નિર્દોષ હોવાનું સાબિત કરવાનો સમય આવી ગયો છે. મેં બધી તૈયારી કરી લીધી છે. એ સમજાવવી છે તો સમય છે?
“હા. બોલો… સામેથી વિકાસ બોલતો ગયો અને કિરણ વધુને વધુ પ્રભાવિત અને ખુશ થતી રહી. એને થયું કે વિકાસે ગજબનાક મહેનત કરી છે. વાત પતી એટલે એને બગાસું આવ્યું, બન્નેએ ‘ગુડ નાઇટ’ કહીને ફોન મૂકયા, ત્યાં કિરણને મોહનકાકુનો ફોન આવ્યો. “બેટા, પેલા આર્ટવર્ક તૈયાર થઇ ગયા છે. કાલે અનુકૂળ હોય ત્યારે જોવા જઇએ?
કિરણે હા પાડી એ હળવેકથી પથારીમાં આડી પડી. આજે પહેલીવાર એને આકાશના વિચાર ન આવ્યા, ને ઝડપથી ઊંઘ આવી.
ડૉ. સલીમ મુઝફફરની એક સારી કે ખરાબ આદત એ કે તેઓ કોઇ કામ ક્યારેય અધૂરું ન મૂકે. એમાં ય આ તો પરમવીર બત્રાની વિનંતી હતી. એ બત્રા કે જેણે ઇંગ્લેન્ડમાં ખોટા કેસમાં પકડાયેલા પોતાના દિકરાને મદદ કરી હતી. ને એકવાર શકમંદ આતંકવાદી તરીકે પોલીસના તાબામાં ગયેલા ખાસ દોસ્તને નિર્દોષ છોડાવ્યો હતો.
અત્યારસુધીના વાંચનનું સંશોધન અને અભ્યાસ પરથી એમને લાગ્યું કે મરાઠા સામ્રાજયના અને ખાસ તો છત્રપતિ શિવાજી મહારાજના સંઘર્ષ અને શાસનકાળમાં ઊંડા ઉતરવાથી તોપચી અબ્દુલ્લા હમીદુલ્લા ગુલાબ વિશે કદાચ માહિતી મળી શકે. આ માટે તેમણે જે લાઇબ્રેરીમાં મળે ત્યાં જઇને મરાઠા સામ્રાજય પર વધુને વધુ લખનારા જેમ્સ ગ્રાંટ ડફ, ડેનિસ કિનકેડ, સ્ટીવર્ટ એન. ગોર્ડનના પુસ્તક અને અભ્યાસ પત્રો ખંખોળવાનું શરૂ કરી દીધું. આ વિષય પર વધુ એક નામ સામે ગોવિંદ સખારામ સરદેસાઇ.
ડૉ. સલીમ મુઝફફરનો મુરુડ બ્લાસ્ટ્સ કેસ, પોલીસની ખાસ કે એટીએસની કામગીરી સાથે સંબંધ નહોતો. તેમની એક માત્ર નિસ્બત ભારતીય તરીકે સચ્ચાઇને બહાર લાવવા અને સન્મિત્ર પરમવીર બત્રાનો ઉપકાર ફેંદવા માટે શકય એટલા સંનિષ્ઠ પ્રયાસ કરી છૂટવાની હતી.
એમના આ પ્રયાસ અદ્ભુત રંગ લાવવાના હતા. પણ વિસરાયેલા અતીત થકી વર્તમાનને લોહિયાળ બનતો રોકી શકશે ખરા આ નેક બંદા? એમની ઝાંખી પડતી નજર અને જાડા કાચના ચશ્મા વચ્ચે આશા ક્યાંક આગિયાની માફક ઝબુકઝબુક થતી હતી.
મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ ઇન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે બરાબરના સોલોમન, પવલા અને પ્રસાદ રાવની શોધખોળમાં મચી પડયા બતા. નીચલા સ્તરે બધે સત્તાવાર માહિતી પહોંચાડયા બાદ તેઓ શક્ય એટલા પોલીસ સ્ટેશનમાં પોતે ફોન કરીને પૂછપરછ કરતા હતા. ખબરીઓને ઢંઢોળતા હતા, પાનો ચડાવતા રહેતા હતા.
શક્ય છે કે ત્રણેય મુરુડ તો ઠીક અલીબાગ છોડીને ય ભાગી છૂટયા હોય. કદાચ બીજા રાજ્ય કે દેશમાં પહોંચી ગયા હોય, પરંતુ મન માનતુ નહોતું, હોય ન હોય આ ત્રિપુટી બહુ દૂર નહીં ગઇ હોય. શા માટે? આ પ્રશ્ર્નનો જવાબ તેમની આંત:સ્ફૂરણા પાસે નહોતો. ગોડબોલેએ બે-ત્રણવાર પોતાના ખાસ ખબરી શંભુભાઉને ય ફોન કર્યો પણ કંઇ ઉપયોગી હાથ ન લાગ્યું.
અચાનક ગોડબોલેના ધ્યાનમાં આવ્યું કે પ્રસાદ રાવની પાછળ પડી જવાના ઝનૂનમાં પિંટયા પર વધુ ધ્યાન અપાયું નથી. ભલે એ મરી ગયો પણ એના વિશે ઊંડાણપૂર્વકની પૂછપરછમાં કદાચ ગન-સપ્લાયર કે પ્રસાદ રાવ વિશે કોઇ મહત્ત્વની જાણકારી મળી જાય.
ગોડબોલેએ પાછળના લાકડાના ઘોડામાંથી પિંટયા ઉર્ફે પ્રકાશ પાંડુરંગ બર્વેની ફાઇલ ખેંચી કાઢી. એ નજીકના રાજપુરી ગામનો વતની હતો. પ્રમાણમાં મોટું ગામ ગણાતું એ, ૮૦૦થી વધુ પરિવાર અને પાંચેક હજાર આસપાસની વસતિ. મુરુડથી ચાર કિલોમિટરનું અંતર. મહત્ત્વની બાબત એ કે ઝંઝીરા કિલ્લા પર અવરજવર બોટથી થાય અને એ માટેની નાનકડી જેટ્ટી આ રાજપુરીની વિશિષ્ટતા.
ન જાણે શું સુઝ્યું કે એક કોન્સ્ટેબલને સાથે લઇને પ્રશાંત ગોડબોલે બાઇક પર નીકળી પડયા. પાછળ બેઠેલા કોન્સ્ટેબલને કંઇ સમજાયું નહીં કે કયાં અને શા માટે જઇ રહ્યાં છીએ! ગોડબોલેના ચહેરા પરની ગંભીરતા અને મક્કમ મૌન જોઇને તેણે ન બોલવામાં નવ ગુણનો નિયમ અપનાવ્યો….
લગભગ ૪૫-૫૦ મિનિટમાં બાઇક રાજપુરીમાં પ્રવેશી. કોન્સ્ટેબલને થયું કે હવે સર લઇ જશે સીધા પોલીસ સ્ટેશન. એવું જ થયું. ગોડબોલે તો દરિયાકિનારે બાઇક ફેરવવા માંડયા. એમની નજર ચારેકોર ફરતી હતી. એક સ્થળે પાંચ-છ યુવાન બેઠા હતા કોઇકે લેંઘો પહેર્યો હતો, તો કોઇકે શોર્ટસ. ગોડબોલે સમજી ગયા કે આ લોકલ યુવાનોછે. તેણે નજીક જઇને બાઇક ઊભી રાખી, તો એક-બે જણાં બિઅરની બોટલ સંતાડવા માંડયા.
ગોડબોલે બાઇક પરથી ઉતર્યા… “અરે ભાઇ, બોટલ સતાડવાનું રહેવા દે. ચાલુ રાખો.
“તમતમારે. તેમણે કોન્સ્ટેબલને હજાર રૂપિયા અને બાઇકની ચાવી આપી. જાઓ આસપાસથી થોડી બિઅરની બોટલ લઇ આવો. સાથે કંઇક ચખના પણ.
ગોડબોલે લાકડાની બેંચ પર એમની સાથે બેઠા. “હું સમજું છું કે માણસ હળવા થવા ક્યારેક બિઅર પીવે. પણ તમારા ગામના એક ભાઇને ન્યાય આપવા હું તમારી મદદ લેવા આવ્યો છું.
આ યુવાનોમાંથી એક હિંમતવાન બોલ્યો, “બોલ સર, અમે શું મદદ કરી શકીએ?
“તમારા ગામના પ્રકાશ ઉર્ફે પિંટયાનું મર્ડર થયું છે. એના ખૂનીને પકડવા તમારી મદદ જોઇએ છે. સૌથી પહેલા થોડા ફોટા બતાવું છું. એના વિશે કંઇ જાણતા હોય તો કહેજો.
ગોડબોલેએ મોબાઇલ ફોનમાં પ્રસાદ રાવ, પવલા, એનડી, સોલોમન અને બાદશાહના ફોટા બતાવ્યા. મોબાઇલ ફોન એક એક કરતા બધા પાસે ફર્યા. અમુકના ચહેરાના હાવભાવ જોઇને ગોડબોલેને થયું કે પોતાનો ધક્કો નકામો નહીં જાય.
(ક્રમશ:)