વીક એન્ડ

કેરોલિના રીપર પ્રકરણ-૪૮

ભાવિ વેવાઈના ઘરમાં દીકરા વિશે મૌનની વ્યવસ્થા થઈ ગઈ?

પ્રફુલ શાહ

બત્રાએ ગોડબોલેને કહ્યું, “આપણે બન્ને વર્દીમાં છીએ, ઑફિસમાં છીએ તો બૉમ્બ બ્લાસ્ટસની વાત કરીએ

દિલ્હીની બહાર આવેલા વિશાળ ફાર્મ હાઉસના ગાર્ડનમાં જાણીતા સ્થાનિક સાંસદ રાજકિશોરનો દરબાર જામ્યો હતો. બધા ચમચા દિલ્હીના મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્માની ખોટી ટીકા કરતા હતા. જે સાંસદજીને બહુ ગમતું હતું. અચાનક એમનું ધ્યાન ગયું કે સામેથી પોતાના મેઈન ફાયનાન્સર જ્યોતિસ્વરૂપ રૂઈયા અને એનો દીકરો અજય રૂઈયા આવી રહ્યા હતા. રાજકિશોરે પોતાના ખાસ માણસ વિનોદકુમારના કાનમાં ફૂંક મારી. વિનોદે દોડીને જ્યોતિસ્વરૂપ અને અજયને આવકાર્યા. બન્નેને એક રૂમમાં બેસાડીને ચા-કૉફી મંગાવ્યા. “સર, પાંચ-દશ મિનિટમાં આવશે, એમ કહીને એ હસતો – હસતો બાર નીકળી ગયો.

બરાબર સાત મિનિટ બાદ રાજકિશોર આવીને એમની સામે સોફામાં ફસડાયા. “જો જનતાની બધી વાતો સાંભળીએ અને એમના જ કામ કરતા રહીએ તો દેશનો વિકાસ કેવી રીતે કરવો? ખરેખર તો બે સાંસદ હોવા જોઈએ. એક માત્ર પ્રજાને સાંભળે ને બીજો કામ કરતો રહે.

જ્યોતિસ્વરૂપ રૂઈયા હસીને બોલ્યા, “આપના વિચાર કાયમ અલગ અને ક્રાંતિકારી હોય છે. અજયને મનોમન ગુસ્સો આવ્યો, “તો ખાયકી બેમાંથી કોણ કરશે?

રાજકિશોરે અચાનક અજય સામે જોયું. “બેટા, તને કંઈ અલગ વિચાર આવતા લાગે છે?

“નો, નો અંકલ. આઈ મીન સર હું તો આપની વાતોથી ઈમ્પ્રેસ થઈને વિચારમાં પડી ગયો.

“ઓકે, ઓકે. રૂઈયાજી આપનું નામ મેં રાજ્યસભા માટે સૂચવી દીધું છે. લોબીઈંગ પણ શરૂ કરી દીધી છે. મોવડીઓને આપની ઉપયોગિતા ગળે ઊતરી ગઈ હોય એવું લાગે છે. પણ નામની સત્તાવાર ઘોષણા ન થાય અને ચૂંટણી પતે નહિ ત્યાં સુધી કોઈ વિવાદમાં નામ ન આવે એનું ધ્યાન રાખજો.

રૂઈયા એકદમ જોશમાં આવી ગયા. “સ્યૉર, રાજકિશોરજી. આમેય હું વિવાદથી દૂર રહેવામાં માનું છું એ આપ ક્યાં નથી જાણતા?

“અને હા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રણજીત સાળવીનું રાજકીય વજન વધી ગયું છે. તેઓ એક પછી એક હરીફોનો ખાત્મો કરી રહ્યા છે. એનાથી મોવડી મંડળ ખૂબ પ્રભાવિત છે. સાંભળ્યું છે કે કેન્દ્રમાં મોટા રોલ માટે એમના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. પક્ષના સર્વોચ્ચ નેતાની કિચન કેબિનેટમાં તેમની ગણના થવા માંડી છે. એટલે આપના કેસમાં તેમનો મત મહત્ત્વનો બની શકે.

અજયે હળવેકથી ટાપસી પુરાવી, “સાળવી સરને મળવાની જરૂર હોય તો આપ કહેજો.

“ના, ના. એ હું સંભાળી લઈશ. સીધા મળીશું તો લોકોની નજરે ચડી જઈશું… અને હા, થનારા વેવાઈના ઘરમાં દીકરા વિશે મૌનવ્રતની ગોઠવણ થઈ ગઈ ને?

“જી હા, જી હા. આપ ફિકર ન કરો. રૂઈયા તરત બોલ્યા.

“સર એમના ધંધામાં ય આડકતરો પગપેસારો કરીશું બહુ જલદી, અજયે પોરસાઈને બોલ્યો.

“છોકરો બહુ સ્માર્ટ અને ફાસ્ટ છે. કંઈ મદદ જોઈએ તો કહેજો.

“થેન્ક યુ સર. મહાજનના મેઈન કૉમ્પિટીટર કરણ રસ્તોગીનો ઉપયોગ કરીને ત્યાં પહોંચી જઈશું.

“રસ્તોગી મસાલાવાળો? અરે વિનોદ એને ફોન લગાવ તો…

વિનોદે ફોન લગાવીને રાજકિશોરને આપ્યો. “કિરણજી આ મહાજન મસાલામાં અજય રૂઈયાનું કામ અટકવું ન જોઈએ હો.


પ્રશાંત ગોડબોલે અને પરમવીર બત્રા વચ્ચે લાંબો સમય મૌન બોલતું હતું. અંતે બત્રાએ શરૂઆત કરી, “મારા નસીબમાં ચંદ્રા નહોતી. વૃંદા નથી. કદાચ પ્રેમ જ નથી.

ગોડબોલે પરાણે બોલ્યા, “સર, એવું શું કામ માનો છો? કદાચ….

એમની વાત કાપીને બત્રા એકમદમ ટટ્ટાર બેઠા. “આપણે બન્ને વર્દીમાં છીએ અને ઑફિસમાં પ્રેમ પ્રકરણને બદલે મરુડ બૉમ્બ બ્લાસ્ટ્સની વાત કરીએ, પ્રસાદ રાવની ચર્ચા કરીએ.

“યસ, સર મેં આર્ટીસ્ટ પાસે કસ્ટડીમાં કવર આપવા આવેલા શખસનો સ્કેચ બનાવડાવ્યો છે, પરંતુ ધોળેદિવસે ગોગલ્સ, માથા પર ટોપી અને ગળામાં મફલરને લીધે ઝાઝું કંઈ સ્પષ્ટ થતું નથી.
છતાં એક પ્રયાસ કરી જોઈએ. મેં શંભુભાઉ પાસેથી પ્રસાદ રાવનો ફોટો મેળવી લીધો છે. એને સમગ્ર અલીબાગમાં વાયરલ કરી દેવાનો વિચાર છે. કદાચ આ બેની તપાસમાં મહત્ત્વની કડી મળી જાય.

“ગુડ આઈડિયા. બને એટલું જલદી કરો એ કામ. અને એક વાત આપણા સંબંધમાં જરાય ફરક ન પડવો જોઈએ. સમજ્યા ગોડબોલેજી?

“યસ સર, અને આપણે વૃંદાને સાચો પ્રેમ કરીએ છીએ એ પોતાની જાત સમક્ષ સાબિત કરવા માટે એના પ્રેમી પ્રસાદ રાવને શોધી કાઢીએ. જો એ નિર્દોષ હશે તો બન્નેના સુખની કામના સાથે મળીને કરીશું.


મહાજન મસાલાના કોન્ફરન્સ રૂમમાં મહત્ત્વના ઑફિસરને દીપક મહાજનને મળવા બોલાવ્યા. કિરણ ઑફિસે મોડી આવી એનો લાભ લઈને ઓચિંતી મીટિંગ ગોઠવી દીધી. પારિવારિક કારણોસર મોહનકાકુએ એ દિવસે રજા લીધી હતી એનો ય લાભ ઉઠાવાયો.

દિપકે થોડા અભિમાન સાથે સૌ તરફ જોયું. બધા ધ્યાનથી સાંભળજો. દુનિયાભરમાં મસાલાની માર્કેટ બહુ મોટી છે. ભારત સૌથી મોટું મસાલા ઉત્પાદક છે. દિલ્હીની ખારી બાવલી ભારતની જ નહિ પણ એશિયાની સૌથી મોટી મસાલા બજાર તરીકે જાણીતી છે. આપણે નંબર વન મસાલા બ્રાંડ હોવા છતાં ભારતની કે વિશ્ર્વની મસાલા માર્કેટમાં આપણી કેટલી ટકાવારી છે? અત્યાર સુધી આપણે જે રીતે કામકાજ ચલાવ્યું એમાં હવે ફેરફાર કરવાનો સમય આવી પહોંચ્યો છે. એક નવા પડકાર માટે તમારે સૌએ કમર કસી લેવાની છે.

સૌના મનમાં કુતૂહલ સાથે ફફડાટ પેઠો કે નાના શેઠ કરવા શું માગે છે? દીપકે હાથમાંની ફાઈલ નીચે મૂકીને પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને રોમાને ઈશારો કર્યો.

રોમાએ બધા સામે જોયું. ખોંખારો ખાઈને શરૂઆત કરી “હું મુદ્દાસર વાત કરીશ. આપણે ઓન લાઈન સેલ શરૂ કરીએ છીએ. આમાં જેને રસ હોય એ કાલ સવાર સુધીમાં પોતાના નામ લખાવી દે. ધેટ્સ ઑલ.
બધા વિખેરાયા એવા તરત જ મોહનકાકુને પાંચ અને કિરણને બે મેસેજ ગયા.


સબ-ઈન્સ્પેકટર વૃંદા સ્વામી ઘરે જતી વખતે બજારમાં શાક લેવા રોકાઈ. અચાનક સામેની ભીંત પર નજર પડતા એ સ્તબ્ધ થઈ ગઈ. એક નાના પૉસ્ટરમાં પ્રસાદ રાવના ફોટા સાથે એ લાપતા હોવાનું અને એના વિશે જાણકારી આપનારને યોગ્ય ઈનામ આપવાની જાહેરાત કરાઈ હતી. સાથે મુરુડ પોલીસ સ્ટેશનનો લેન્ડ લાઈન નંબર અને મોબાઈલ ફોનનો નંબર અપાયો હતો. મોબાઈલ ફોન નંબર પ્રશાંત ગોડબોલેનો હોવાનું એ સમજી ગઈ.

વૃંદાનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. ‘શું ગોડબોલે અને બત્રાએ મળીને આ નિર્ણય લીધો?’ એને થયું કે પોલીસ સ્ટેશન પાછી જઈને ગોડબોલેનો કોલર પકડીને પૂછે કે એક દોષિત સાબિત ન થયેલા અને કદાચ મુશ્કેલીમાં ફસાયેલા યુવાન સાથે તમે આવું શા માટે કર્યું? તે એક પોસ્ટરનો ફોટો પાડવા ગઈ, ત્યાં ત્રણ જણ વચ્ચે આવી ગયા. વૃંદા ચાલવા માંડી. કાશ, એ ત્રણ જણની વાત તે સાંભળી શકી હોત.

એક બોલ્યો, “પ્રસાદ રાવ બરાબરનો ભેરવાયો છે. એનું બચવું મુશ્કેલ લાગે છે.

બીજાએ સૂર પુરાવ્યો, “હા, ટાઈગરભાઉની બધી શેખી નીકળી ગઈ.

ત્રીજાએ કોઈને એસએમએસ કર્યો. “ટાઈગર આપણું ભક્ષણ કરી જશે કદાચ. તો શું કરવું?


મુરુડ તાલુકાના નાનકડા ગામ ભોઈઘર તરફ બાદશાહ આગળ વધી રહ્યો હતો. મુરુડથી માત્ર ૨૬ કિલોમીટરનું અંતર કાપવા માટે તેણે બસ, રિક્ષા મળીને પાંચ વાહન બદલ્યા હતા. કે જેથી કોઈ ઓળખી ન શકે. આંખ પર ચશ્મા, માથા પર રૂમાલ અને મોઢા પર માસ્ક પહેર્યો હતો. સાવચેતીપૂર્વક આગળ પાછળ નજર કરતા તેણે ભોઈઘર છોડ્યું. ગામથી થોડે દૂર જૂના કબ્રસ્તાન પાસે પહોંચીને તેણે આસપાસ જોયું.

આસપાસ કોઈ ન દેખાતા લોખંડના કટાયેલા અને તૂટું તૂટું થતા દરવાજાને હળવેકથી ખોલીને અંદર પ્રવેશ કર્યો.

અંદરની મોટાભાગની કબર ખરાબ હાલતમાં હતી. એ બધામાંથી રસ્તો કરતો બાદશાહ આગળ વધતો રહ્યો. પ્રમાણમાં થોડી વ્યવસ્થિત લાગતી કબર પાસે એ ઊભો રહ્યો. બન્ને હાથથી કબરની આસપાસનો કચરો સાફ કર્યો. કબરની વચ્ચોવચ ઊભા કરાયેલા આરસપહાણના સ્મારક પર ખૂબ પ્રેમથી હાથ ફેરવ્યો. ગજવામાંથી રૂમાલ કાઢીને એના પરનો મેલ ઘસી ઘસીને સાફ કર્યો. હાથમાંની પ્લાસ્ટિકની થેલીમાંથી પાણીની બોટલ કાઢીને એને ધોવા માંડ્યો. સફાઈ અને ધુલાઈ બાદ આરસપહાણ પર ઊર્દૂમાં થયેલું કોતરકામ સ્પષ્ટરૂપે દેખાવા માંડ્યું. ઉપર મોટા અક્ષરે લખ્યું હતુ ‘તોપચી ઈકબાલ હમીદુલ્લા – ગુલાબ’. નીચે લખાયેલી તારીખના અક્ષર બટકી પડ્યા હતા.

બાદશાહે પોતાનાં વસ્ત્રોની પરવા કર્યા વગર કબરની આસપાસ ઊગી નીકળેલું જંગલી ઘાસ ખેંચી કાઢ્યું. પછી ગુલાબમાંથી બનેલા અત્તરની મોટી શીશી આખેઆખી કબર પર છાંટી દીધી. પછી એકદમ ગળગળા થઈને થેલીમાંથી ગુલાબના ફૂલની પંખડીઓ કાઢીને કબર પર વરસાવવા માંડ્યો. એ પતી ગયા બાદ થેલીમાંથી ગુલાબની અગરબત્તીનું મોટું પેકેટ કાઢ્યું. આખેઆખું બંડલ પેટાવીને કબરની માટીમાં જોશપૂર્વક ખોંસી દીધું.

બાદશાહ એકીટસે કબરને જોઈ રહ્યો. પછી ઉપર જોયું. બન્ને હાથની હથેળીમાં જોઈને કંઈક બોલ્યો. પછી ઘૂંટણીયે પડીને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા માંડ્યો. એ માંડ માંડ બોલી શક્યો, “મુઝે માફ કર દો.. માફ કર દો.. મુઝે માફ…

બહુ દૂરથી સ્કૂટર પરથી કોઈક એને જોઈ રહ્યું હતું.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button