વીક એન્ડ

કેરોલિના રીપર પ્રકરણ-૪૨

મુખ્ય પ્રધાન સાળવીની ધૂઆંધાર ફટકાબાજીએ સૌને સ્તબ્ધ કરી દીધા

પ્રફુલ શાહ

રાજાબાબુએ ફિકર વ્યક્ત કરી: ઑફિસમાં કિરણ સામે કોઇ નારાજગી નથી ને?

મુખ્ય પ્રધાન રણજિત સાળવી પૂરેપૂરી ચોકસાઇ અને સફાઇથી ઓપરેશન કરવામાં માનતા હતા. એક સમયની ડૉક્ટર બનવાની ઇચ્છા માંડ કમ્પાઉંડર બનવા સુધી સીમિત રહી ગઇ હતી. વિશ્ર્વનાથ આચરેકરના તેર વિધાનસભ્યોને પોતાના પક્ષમાં ખેંચી લીધા અને ચાર અપક્ષોનેય આકર્ષી લીધા. નાના-નાના પક્ષના છ વિધાનસભ્યોએ સાળવીના નેતૃત્વમાં માત્ર વિશ્ર્વાસ જ વ્યક્ત ન કર્યો પણ તેમના પક્ષમાં જોડાઇ ગયા.

રણજિત સાળવીનું સંખ્યા બળ અને રાજકીય તાકાત વધવા સાથે તેમણે પત્રકાર પરિષદમાં નાટ્યાત્મક જાહેરાતો કરી. વિશ્ર્વનાથ આચરેકરને પ્રધાનપદેથી હટાવવાની જાહેરાત કરી. આ ઉપરાંત અલીબાગમાં સંપૂર્ણપણે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી પેટા-ચૂંટણી મુલત્વી રાખવાની રાજ્ય ચૂંટણીપંચને અપીલ કરી. આટલું પૂરતું ન હોય એમ અપ્પાભાઉ હત્યાની તપાસ સી.આઇ.ડી.ને સોંપી દીધી. આના કલાકોમાં જ નિશીથ કરંદીકરની બદલી મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં થયાની જાહેરાત મંત્રાલયમાંથી કરી દેવાઇ. મુખ્ય પ્રધાન સાળવીની ધૂઆંધાર ફટકાબાજીએ સૌને સ્તબ્ધ કરી દીધા.


બે દિવસમાં માત્ર મુરુડમાં નહીં, આખા અલીબાગમાં ફરી શાંતિ સ્થપાવા માંડી. જાણે તોફાન ધમાલની સ્વીચ કોઇકે ઑફ કરી દીધી, પરંતુ મુરુડ પોલીસ સ્ટેશનમાં કંઇક અલગ જ માહોલ હતો. પિંટ્યાભાઉ સ્થાનિક માણસ હતો. એના કસ્ટડીમાં થયેલા મોતને સ્થાનિક મીડિયા બરાબરનું ચગાવવા માંડ્યું. બૉમ્બ બ્લાસ્ટ્સ બાદ અપ્પાભાઉના મર્ડર અને હવે કસ્ટોડિયલ ડેથ. અપરાધ જગતમાં ઓચિંતા અને અનપેક્ષિત તેજી આવી હતી.

પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં સ્પષ્ટ થઇ ગયું કે પિંટ્યાનું મોત ઝેરથી થયું હતું. સવાલ હતો કે ઝેર તેણે પોતે લીધું? જો આપઘાત હોય તો કસ્ટડીમાં ઝેર એણે મેળવ્યું કેવી રીતે? જો બીજો કોઇએ ઝેર આપ્યું હોય તો કોણે આપ્યું? ક્યારે આપ્યું? શા માટે? અને કેવી રીતે?

હવાલદારના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજ પ્રમાણે પિંટ્યાને એક જ વ્યક્તિ મળવા આવી હતી. વાંરવાર સીસીટીવી ફૂટેજ જોતા ગોડબોલેને લાગ્યું કે દાઢી, મૂછ ગોગલ્સ અને ટોપી… આ બધું સાચું અને નોર્મલ હતું કે ઓળખ છુપાવવાનો પ્રયાસ? એમાંય દરવાજાની બહાર નીકળતી વખતે ગજવામાંથી મોબાઇલ ફોન બહાર કાઢીને નંબર ડાયલ કરતો સીસીટીવીમાં ઝડપાયો હતો. સૂરદાસ હતો તો નંબર કેવી રીતે શોધીને કર્યો? અને વૃંદાના કહેવા મુજબ મૂંગો હતો તો ફોન પર વાત કેવી રીતે કરી શકે? કંઇક શંકાસ્પદ જરૂર હતું. આ માણસમાં?

વૃંદાને પૂછયું તો તેણે ફ્રેન્ડ પ્રસાદવાળી વાત કરી. એટલે એ ભેદી માણસ કંઇક ચિઠ્ઠી આપી ગયો હતો. કસ્ટડી કે એના કપડામાંથી કંઇ મળ્યું નથી. તો શું એ ચિઠ્ઠી પાછી આપી દીધી કે ચાવી ગયો? શું એમાં ઝેર હશે?
ગોડબોલેએ તરત પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટર ફોન કરીને શંકા વ્યક્ત કરી. કાગળ ઝેરમાં બોળીને વ્યક્તિને મારી શકાય એ વાતને સમર્થન આપતા ડૉકટરે કીધું કે વધુ તપાસ બાદ ફોન કરું આપને.
ગોડબોલેએ તરત વૃંદા સ્વામીને બોલાવવાની હવાલદારને સૂચના આપી, પણ વૃંદા પોતે એકદમ ટેન્શનમાં હતી એ પ્રશાંતને ખબર નહોતી. એ ટેન્શન એકદમ અલગ હતું.


વિકાસે આપેલું કવર ખોલીને કિરણ નિરાંતે વાચવા માંડી. ઝાઝું વાંચવાનું નહોતું. જે વિગતો હતી એ ચોંકાવનારી હતી, પરંતુ એ સાચી હતી? એના પુરાવા શું?
કિરણે તરત વિકાસને ફોન કર્યો. “આ કાગળમાં લખેલી વાતોની સચ્ચાઇ કેવી રીતે સાબિત થાય?


ડૉક્ટરે સલાહ આપી એટલે રાજાબાબુ મહાજને ઘરે આરામ કરવા સિવાય છૂટકો નહોતો. ચોમેર, ફેલાયેલા ધંધાની માથાકૂટની તબિયત પર અસર ન થાય એટલે દોઢ-બે મહિના ઘરે આરામ કરવો એવો નિર્ણય માલતી,મમતા, અને કિરણે લીધો. દીપક અને રોમાએ પણ એમની સાથે સંમતિનો સૂર વ્યક્ત કર્યો. બન્નેએ ડોળ એવો કર્યો કે જાણે પપ્પાની તબિયતની ખૂબ ફિકર હોય. બાકી, દીપક-રોમાના પપ્પાને ઘરે રહેવામાં વધુ ફાયદો દેખાતો હતો.

આ નક્કી થયા બાદ રાજાબાબુએ મોહનકાકુને મેસેજ કર્યો કે ઘરે આવો, સાથે જમીએ. મેં બોલાવ્યા છે એવું ન કહેતા. તમે જ ખબર પૂછવા આવ્યા છો એવું રાખજો. મોહનકાકુ આવ્યા અને શેઠે-દોસ્તે કીધું હતું. એમ જ કર્યું. માલતી અને મમતાએ બન્નેને તાકીદ કરી કે ધંધાની કોઇ વાતચીત ન થવી જોઇએ, બાળપણના અને યુવાનીના કિસ્સા સંભારતા બેસજો.

બન્ને એકલા પડ્યા એવો રાજાબાબુએ મોહનકાકુનો હાથ લીધો. “તમે ઑફિસમાં છો એટલે મને ધરપત છે. નહીંતર વેપારની ફિકરમાં વધુ બીમાર પડી ગયો હોત.

‘તમે ફિકર ન કરો શેઠ. બધુ બરાબર છે. સૌ રાહ જુએ છે કે આપ ક્યારે ઑફિસ આવવાનું શરૂ કરો છો.’
‘કિરણ સામે કોઇ નારાજગી કે વિરોધ નથી ને?’

“ના. ચિંતા કરવા જેવું કંઇ નથી. આમેય કિરણ વહુ ખૂબ ઠરેલ અને ઠાવકા છે. મને લાગે છે કે એમને સુકાન સોંપીને આપે યોગ્ય જ કર્યું છે.

“એ દીપક-રોમાનું વલણ કેવુંક છે?

“ઠીક છે. બહુ બોલતા નથી. પોતાની રીતે કંઇકને કંઇક કર્યા કરે છે.

મોહનકાકુ ઇરાદાપૂર્વક ન બોલ્યા કે કિરણે બધાને કોન્ફ્ેરન્સરૂમમાં ભેગા કરીને ટાસ્ક આપ્યા એનાથી દીપક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો. “અમને જણાવ્યા કે સાથે રાખ્યા વગર ઑફિસના નિર્ણય કેવી રીતે લઇ શકાય?

રોમા એ તો એક ડગલું આગળનું વિચારી લીધું. અમને બન્નેને સૌની નજરમાં નાના-નકામા સાબિત કરવા માટે જ દૂર રખાયા હતા.

પણ, મોહનકાકુ ઇચ્છતા નહોતા કે આ બધું રાજાબાબુને કહીને એમની તકલીફમાં વધારો કરવો. હકીકતમાં દીપક અને રોમા જે કરવા જવાના હતા એની ખબર હોત તો કદાચ મોહનકાકુ ચૂપ ન રહી શક્યા હોત.


એટીએસના પરમવીર બત્રાને ગુજરાત એટીએસના મિત્ર દિવ્યકુમાર રાજપૂતનો મેઇલ આવ્યો, જેનો સાર ચોંકાવનારો હતો.

એનડી ઉર્ફે અનેક નામધારી અને સોલોમન ઊર્ફે સલમાન વચ્ચે કંઇક કડી હોવાનો આછોપાતળો અણસાર સોશિયલ મીડિયા પાસેથી મળેલી દુર્લભ ફૂટ પ્રિન્ટસથી આવે છે.

ચોક્કસપણે આ બન્ને વાંધાજનક પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા. આ બેઉ અલગ અલગ સમયે ઇ-વોલેટ્સનો ઉપયોગ કરતા હતા. આ ડિજિટલ વોલેટ્સથી લેવડદેવડ આસાન બની રહે છે. અને ક્રિપ્ટોકરન્સીમાં પણ સરળતાથી ફેરવીને ટ્રાન્સફર કરી શકાય. આ પ્રવૃત્તિમાં ઇરાદાપૂર્વક ઇ-વોલેટ્સમાં નાની-નાની રકમમાં રૂપિયા મેળવાય કે જેથી કોઇની નજરે ન ચડી જવાય.

ભૂતકાળમાં અમુક કિસ્સામાં ભારતમાં ઇ-વોલેટ્સથી થકી જમા કરાયેલી નાની-નાની રકમમાંથી ભંડોળ ભેગું કરીને દેશની અંદર અને વિદેશમાં મોકલાયું હતું. આમાં અગણિત ખાતામાં રકમ ટ્રાન્સફર થાય. આ બધા ટ્રાન્ઝેકશન્સ પર ચાંપતી નજર રાખવાનું શક્ય નથી. થોડા સમય અગાઉ કોઇમ્બતુર બ્લાસ્ટસ કેસમાં ઇ-વોલેટસના ઉપયોગ થકી રકમ ભેગી કરીને વિસ્ફોટ સામગ્રી બનાવવા માટેની વસ્તુઓ ખરીદાયાનું પોલીસે શોધી કાઢ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં પણ ઇ-વોલેટ્સ દ્વારા અનેક જણ આતંકવાદ માટે ભંડોળ ભેગું કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

એનડી અને સોલોમન કદાચ ઇ-વોલેટ્સના ઉપયોગ વિશે સાથીઓને સમજાવવા કે બીજા કોઇ ધ્યેય માટે ગુજરાત આવ્યા હોઇ શકે. આની વધુ તપાસ ચાલુ રહી છે અને ઝડપભેર કંઇક નક્કર મળવાની આશા જ નહીં વિશ્ર્વાસ દિવ્યકુમાર રાજપૂતે વ્યક્ત કર્યો.

પરમવીર બત્રાને થયું કે મામલો ધારણાથી ગંભીર, મોટો અને ભયંકર છે. એમાય પિંટ્યાના મર્ડરથી વધુ સાવધાન થઇ જવાની જરૂર છે.


રાજ્ય કક્ષાના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન વિશ્ર્વનાથ આચરેકર લગભગ એકલા પડી ગયા. તેરમાંથી એકેય વિધાનસભ્ય સાથે ન રહ્યો. મોટાભાગના રાજકીય અનુયાયીઓ અને કાર્યકરો પણ ઝાકળના બિંદુની જેમ અદૃશ્ય થઇ ગયા.

આચરેકર સમજી ગયા કે મુખ્ય પ્રધાન સાળવી બરાબરની રમત રમી ગયા. અગાઉ ચૂંટણી માટે ભંડોળ આપનારા ય હવે તકાજો કરવા માંડ્યા કે અમારી રકમ પાછી આપી દો. મીડિયાવાળા ય અણિયાળા સવાલોથી ઘાયલ કરવા માટે ધમપછાડા કરતા હતા. આચરેકરને થયું કે મોબાઇલ ફોન ન ઉપાડવો, જ સારું.

આ નિર્ણય એમને ભારે પડી ગયો. તેમણે મોબાઇલ ફોન વાઇબ્રેશન પર મૂકી દીધો અને ઇન્ટરનેટ ડેટા ઑફ કરી નાખ્યા. આ ન કર્યું હતું તો જે થવાનું હતું. એની ખબર કદાચ અડધો કલાક વહેલી પડી ગઇ હોત.

સી.આઇ.ડી. ની ટીમે અપ્પાભાઉની હત્યા અંગે બહાર આવેલા વીડિયો વિશે આચરેકરને પોતાની સાથે લઇ ગયા. આ સાથે જ ધમાલ મચી ગઇ કોઇ રાજ્યના ગૃહ પ્રધાનની પહેલીવાર ધરપકડ. હકીકતમાં એ ધરપકડ નહોતી અટકાયત હતી. અને મહારાષ્ટ્રમાં કે રાજ્યમાં પોલીસે પકડ્યા હોય એવા એ પહેલા ગૃહ પ્રધાન પણ નહોતા. વિશ્ર્વનાથ આચરેકરને સમજાઇ ગયું કે વધુ પડતા મહત્ત્વાકાંક્ષી હોવામાં જરાય ખોટું નહોતું, પણ એનું જયાં ત્યાં પ્રદર્શન કરીને પોતે જીવનની બહુ મોટી ભૂલ કરી બેઠા. આ ભૂલ સુધારવી કેમ એના વિચારોમાં આ પીઢ રાજકારણી ખોવાઇ ગયા.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…