કેરોલિના રીપર પ્રકરણ-૩૦
હા, કારણકે મુરુડમાં મારો બાદશાહ ક્યાંક ખોવાઇ ગયો છે
પ્રફુલ શાહ
આસિફ શેઠ બાદશાહ પર તાડુક્યો: પોલીસ હોટેલ, બ્લાસ્ટસ, જમીન એ બધું તું ભૂલી જા
આઇ.સી.યુ.માં રાજાબાબુ મહાજનની તબિયત સતત સુધરી રહી હતી, પરંતુ અચાનક એકદમ નબળાઇ વધવા માંડી. ડૉક્ટર વિવિધ શક્યતા વિચરવામાં અને ટેસ્ટ કરવામાં જોતરાઇ ગયા. રાજાબાબુ અર્ધ તદ્રાવસ્થામાં કિરણ સાથેની ગઇકાલની મુલાકાત વિશે વિચારતા હતા.
“પપ્પા, મારે આપની પાસે બેસવું છે. મમ્મી સાથે રહેવું છે. માટે ઓફિસમાં જવું નથી. ત્યાં હું શું કરીશ?
“બેટા, તું મને મળ, તારી મમ્મીને મળ પણ ઓફિસમાં એકાદ કલાક જરૂર જવાનું રાખ.
“પણ પપ્પા…
“બેટા, આ મારા પિતાની અને મારી વરસોની મહેનતથી ઊભું થયેલું સામ્રાજ્ય છે.
“તો છે ને આપનો દીકરો દીપકભાઇ સંભાળવા માટે… સાથે રોમા પણ છે.
“બેટા, એ બન્ને ઉત્સાહી છે. કાબેલ નથી. કાર્યક્ષમતા ઓછી ચાલે પણ મને એમની દાનત પર વિશ્ર્વાસ નથી. પ્લીઝ સમજ મારી વાત…
“પપ્પા, મને આપની અને મમ્મીની ચિંતા થાય છે. સાથોસાથ આકાશ…
“બેટા, અત્યારે સૌથી વધુ દુ:ખી તું છો. સૌથી વધુ ટેન્શન તને છે છતાં તને રાહત કે હિમ્મત આપવાને બદલે હું વધારે બોજ લાદી રહ્યો છું તારે માથે.
“પપ્પા, મને બોજની ફિકર નથી. પણ રામારાવ અંધારેનું શું કરવાનું છે? એ ક્યારના કહે છે કે…
“હા, બેટા. એકવાર મુરુડ જવું પડશે. હકકીતમાં તો મારે જવું જોઇએ. મેં ખાટલો પકડી લીધો. તારી મમ્મીય જઇ શકે એમ નથી, અને દીપકને મારે મોકલવો નથી.
“એમાં શું વાંધો છે? બધી બોડી જોઇ લેવાની. એમાં ક્યાં આકાશ હોવાનો… બસ, ના પાડીને પાછા આવી જવાનું. દીપકભાઇ જઇ આવે તો હું આપના બન્નેની સાથે રહી શકું. આપનું ધ્યાન રાખી શકું.
“બેટા, હું તારી લાગણી સમજું છું તારે આવા કામ માટે જવું એ હૈયા પર પહાડ મૂકવા જેવું છે, પરંતુ આ કસોટીમાંથી પસાર થયા વગર તારી પાસે કોઇ છૂટકો નથી.
“એવું કેમ, પપ્પા?
“બેટા, મુરુડ બૉમ્બ બ્લાસ્ટસનો કેસ દિવસેને દિવસે વધુ પેચીદો બની રહ્યો છે. એના પર ઘણા પોતાના સ્વાર્થના રોટલા શેકવા માંડ્યા છે આ કેસ હવે ગંદા રાજકારણનો ફૂટબોલ બની જાય એવી શંકા છે. આવી હાલતમાં દીપકને ત્યાં મોકલીએ અને એ કોઇ ભાંગરો વાટી આવે તો આપણને ભારે પડી જાય.
“પણ પપ્પા, આ બધામાં મને શી ખબર-સમજ પડવાની?
“બેટા, તારામાં કોઠાસૂઝ છે ચૂપ રહેવાની તાકાત છે. સાંભળવાની આદત છે, અને હવે આગળની વિગત ધ્યાનથી સાંભળ…
રાજાબાબુ જેમજેમ બોલતા ગયા એમ કિરણની આંખમાં આશ્ર્ચર્યના ભાવ આવતા ગયા. નર્સ દવા આપવા ન આવી, ત્યાં સુધી એ બોલતા રહ્યાં. રાજાબાબુને થાકેલા જોઇને નર્સે હળવી નારાજગી સાથે કિરણ સામે જોયું. ચિંતા ન કરવાની ખાતરીનો સ્પર્શ રાજાબાબુની હથેળી પર કરાવીને જ કિરણ આઇ.સી.યુ.ની બહાર ચાલવા માંડી…
આસિફ શેઠ પટેલ અને બાદશાહ બેઠા હતા. આસિફ શેઠ બે પાનાં ખોલીને અખબાર વાંચતો હતો પણ એ માત્ર ડોળ હતો. બાદશાહ એકદમ ગુમસુમ હતો કાં વિચારોમાં ખોવાયેલો હતો. થોડીથોડી વારે તે મોબાઇલ ફોનમાં જોઇ લેતો હતો. ક્યારેક ઊભો થઇને બારીની બહાર જોતો હતો.
લાંબો સમય આમ ચાલ્યું એટલે આસિફ પટેલ અકળાઇ ગયો તેણે બાદશાહને બોલાવ્યો પણ કોઇ પ્રતિસાદ ન મળ્યો. “બાદશાહ સાંભળે છે? બીજીવાર પણ એનું એ જ આસિફ શેઠ જઇને બાદશાહ પાછળ જઇને ઊભો રહી ગયો. બારી બહાર જોયું પણ કંઇ જોવા જેવું લાગ્યું નહીં. તેણે ધીરેથી બાદશાહના ખભા પર હાથ મૂક્યો જાણે માથે વીજળી પડી હોય એમ બાદશાહ ચોંકી ગયો. એ પાછળ ફર્યો, તો આસિફ પટેલને પોતાની સામે એકીટસે નિહાળતા જોયો.
આસિફ પટેલ હાથ પકડીને બાદશાહને સોફા પાસે લઇ ગયા. “તને થયું છે શું બાદશાહ?
“કંઇ નહિ. કંઇ જ થયું નથી આસિફ શેઠ?
“મને પાગલ સમજે છે? સાચું બોલ તો…
“અરે તમેે ખોટી ફિકર છોડી દો. એ તો આજે જરા માથું ભારે છે એટલે રાતે ઊંઘ નહોતી આવી એટલે…
“અચ્છા, એક કામ કર. હોટેલવાળાને કહી દે કે આપણે હમણાંને હમણાં ચેકઆઉટ કરીએ છીએ.
“પણ આમ સાવ અચાનક?
“હા, કારણ કે મુરુડમાં મારો બાદશાહ ક્યાંક ખોવાઇ રહ્યો છે. ન જાણે શી તકલીફ છે કે મનેય કહી શક્તો નથી.
“આસિફ શેઠ, કોઇ તકલીફ નથી મને. હોય તો કહેવા માટે તમારા સિવાય બીજું કોણ છે મારું?
“એ જ તો. પાંચ વર્ષથી તું ક્યારેય મારાથી દૂર થયો નથી ન તનથી, ન મનથી પણ મુરુડમાં કંઇક અલગ બાદશાહ જોવા મળ્યો. હું પોલીસ સાથે ફોડી લઇશ. તું આપણા મુંબઇ જવાની વ્યવસ્થા કર
“આસિફ શેઠ, બ્લાસ્ટસનો મામલો છે. પોલીસ અને એટીએસને પૂછ્યા વગર ન જવાય. નાહક તકલીફ ઊભી થશે.
“એ બધું હું સંભાળી લઇશ. હું કહું છું એટલું તું કર.
“આસિફ શેઠ, મને લાગે છે કે કેસ થોડો ઘણો સોલ્વ થાય એટલે હોટેલની જમીનનો સોદો પતાવી નાખીએ આવી બુંદિયાળ જમીન રાખવાનો અર્થ નથી.
આસિફ શેઠ બાદશાહ પર તાડુક્યો, “પોલીસ, હોટેલ, બ્લાસ્ટ્સ, જમીન એ બધું તું હવે ભૂલી જા. એ મારું શરદર્દ છે અને એ હું ફોડી લઇશ. સમજ્યો ને તું?
બાદશાહ એકદમ ‘જોશમાં આવીને મુરુડ ન છોડવાનાં કારણો પર કારણ અને તર્ક પર તર્ક આપવા માંડ્યો આસિફ શેઠ ટસના મસ ન થયા. અંતે થોડા આકરા અવાજમાં બાદશાહ બોલ્યો, “તમારે મુંબઇ જવું હોય તો જાવ. હું હમણાં નહીં આવું.
આસિફ પટેલ સ્તબ્ધ થઇ ગયો. અચાનક બાદશાહ નરમાશથી બોલ્યો. “મેં તમને આ જમીન અપાવી, આ હોટેલ શરૂ કરાવી. એમાં આવું બધું થયું એટલે આ સ્થિતિમાં મારે મુરુડ છોડવું નથી, પ્લીઝ આસિફ શેઠ
આસિફ પટેલ પોતાના વિશ્ર્વાસુને જોઇ રહ્યો.
હૉસ્પિટલમાંથી બહાર આવીને કિરણે તરત જ મોહનકાકુને ફોન કર્યો. “કાલે સવારે નવ વાગ્યે હું ઑફિસ આવીશ. એક-એક ડિપાર્ટમેન્ટના હેડને મળીશ. કાલની કોઇને રજા હોય તો કેન્સલ કરી નાખો. બધાને સૂચના આપી દો કે કદાચ ઓવરટાઇમ પણ કરવો પડે.
મોહનકાકુએ થોડીવાર ઑફિસમાં સર્ક્યુલર ફેરવ્યો અને બધા એકદમ ગતિમાં આવી ગયા. ત્રણેક જણે આગોતરી રજા લીધી હતી એ પ્રોગ્રામ રદ કરીને સમસમીને કામે લાગી ગયા. દરેકના ડિપાર્ટમેન્ટના હેડની સહી લીધા બાદ સર્ક્યુલર દીપક અને રોમાની કેબિનના ટેબલ પર મુકાયો. દીપક સર્ક્યુલરને જોઇ જ રહ્યો. એને ખૂબ ધ્યાનથી પેપર વાંચતો જોઇને રોમા પાસે આવી. સર્ક્યુલર વાંચીને એ એકદમ ધુઆંપુઆં થઇ ગઇ. “આટલી બધી હિમ્મત કિરણભાભીની? આપણે કાલે ઘરેથી વહેલા નીકળવાના હતા, પણ હવે ઑફિસ આવવું જ નથી.
દીપક એની સામે જોઇ રહ્યો. “આર યુ કિડિંગ.? ઉલ્ટાનું કાલે નવ પહેલા ઑફિસે આવી જઇએ. મારે પૂરો તમાશો જોવો છે. એમની ચાલ સમજવી છે. એ કોને શું પૂછે છે, શું કહે છે એ જાણવું પડશે ને?
સમજી કંઇ? કાલના બધા પ્લાન અત્યારથી જ કેન્સલ
પણ દીપકે પોતાના ખાસ ગણાતા ઑફિસના ચારેક માણસોને ફોન કરીને આવતીકાલે શું કરવું? કેમ વર્તવું? અને અન્ય ડિપાર્ટમેન્ટવાળા સાથે કિરણની શી વાતચીત થઇ એ જાણી લેવાની તાકીદ કરી.
“કિરણભાભી, આ બિઝનેસ છે બિઝનેસ. એ પણ મસાલાનો મહાજન મસાલાનો મલાઇદાર બિઝનેસ એમાં તમારા જેવા કેપ્સીકમને તો અમે કાચેકાચું ચાવી જઇશું, સમજ્યા.
દીપક ખંધુ હસીને ટેબલ પર પેપરવેઇટ ફેરવવા માંડ્યો.
૦ ૦ ૦
અલીબાગથી પાછા ફરીને ઇન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે થોડાઘણાં બદલાઇ ચૂક્યા હતા. પોલીસ સ્ટેશન જવાનું મન થતું નહોતું પણ નાછૂટકે ગયા. ટેબલ પર બેસીને એક જ શ્ર્વાસે પાણીનો ગ્લાસ ખાલી કરીને તેઓ કસ્ટડીમાં પહોંચ્યા. એમની પાછળ વૃંદા સ્વામી ગઇ.
અંદર બ્લેક બાઇકવાળા હતા પણ છને બદલે આઠ પોતાની જીપને ટક્કર મારનારા બાઇકવાળાની સ્લિંગ બેગ ગોળગોળ ફેરવતા ગોડબોલે એમની સામે આટા મારવા માંડયા. “ધ્યાનથી સાંભળો મને વધુ બોલવાની આદત નથી. આ સ્લિંગ બેગ કોની છે?
કોઇ કંઇ ન બોલ્યું એક સાવ સુકલકડી આગળ આવ્યો, “આ બેગ મારી નથી. એને જોઇને બીજો આગળ આવ્યો. “હું બાજુના ગામના સરપંચનો સાળો છું મને શા માટે કસ્ટડીમાં પૂર્યો છે?
ત્રીજો હાથ જોડીને રડમસ ચહેરે બોલ્યો, “હું તો લોંગ ડ્રાઇવ માટે ગર્લ-ફેન્ડને લઇ જવા માટે નીકળ્યો હતો પણ…
“વૃંદા તમે એક કામ કરો. હું બે દિવસ અલીબાગ ઑફિસના કામે જાઉં છું. આ બધાની અટકાયત પોલીસ પેપરમાં બતાવતા નહિ. કોઇને કંઇ ખાવા-પીવાનું આપતા નહિ. હા, તમારામાંથી કોઇને મન થાય તો એકએકને મેથીપાક ચખાડજો બરાબરનો. ઓકે?
વૃંદા સ્વામી જોરથી ‘યસ સર’ બોલી.
“અને હા, વાત બહાર જાય નહિ. આ સ્લિમ બેગમાં લાખો રૂપિયાનું ડ્રગ્સ છે. મને મુરુડમાં ડ્રગ્સનું નામોનિશાન ન જોઇએ. જો હેડક્વાર્ટરમાંથી પરમિશન મળે તો આ આઠેય નંગના ફોટા છાપામાં આપી દેવા છે એટલે એના કુટુંબીજનોને ય ખબર પડે કે ઘરમાં કેવો કપાતર પાક્યો છે, અને કદાચ એના સાથીદારો ય ફેમિલીવાળા પાછળ પડી જાય.
બધા પર એક કરડી નજર નાખીને ગોડબોલે ચાલવા માંડ્યા, ત્યાં પાછળથી અવાજ આવ્યો. “પ્લીઝ સર, પેપરમાં ફોટો આપતા નહિ. મારી બીમાર મા સહન નહિ કરી શકે.
“આ સ્લિમ બેગ તારી છે?
“હા, સર.
“અમારી જીપ સાથે તું અથડાયો હતો?
“હા, સર. મોટી ભૂલ થઇ ગઇ.
“વૃંદા બાકી બધાને બહાર લઇ જાઓ. એમના નામ, સરનામા એક મોબાઇલ ફોન લઇને જવા દો.
પૂછપરછમાં પોતાને રહેવા ન મળ્યું એ વૃંદા સ્વામીને ન ગમ્યું ના છૂટકે એ બધાને લઇને દરવાજા ભણી ચાલવા માંડી. “અને હા, બે વડાપાઉં અને ચા અંદર મોકલાવજો, પ્લીઝ
બધાના ગયા બાદ પ્રશાંત ગોડબોલેએ એ યુવાનને પગથી માથા સુધી જોયો. પછી અકડાઇ સાથે પૂછ્યું, “નામ?
“પિન્ટ્યા ભાઉ…
ગોડબોલેએ એક લાફો ઝીંકી દીધો.
“સાચું અને આખું નામ બોલ
“પ્રકાશ પાંડુરંગ બર્વે
આ નામ સાંભળીને પ્રશાંત ગોડબોલેને કંઇ યાદ ન આવ્યું પણ આ વ્યક્તિ અત્યંત મહત્ત્વની સાબિત થવાની હતી.
(ક્રમશ)