વીક એન્ડ

કેરોલિના રીપર પ્રકરણ-૧૩

પ્રફુલ શાહ

ખૂબ વિશ્ર્વાસુ લાગતો હતો બાદશાહ

વિશ્ર્વનાથ આચરેકરજીએ બ્લાસ્ટ્સમાં માર્યા ગયેલા બધા આતંકવાદીઓના પરિવાર માટે દિલસોજી વ્યક્ત કરી અને વળતર પણ જાહેર કર્યું

સોનગિરવાડીમાં ‘પ્રોડ્યુસર મોહન’ અને સાથીઓ સોલોમનના એડ્રેસ પર પહોંચી ગયા, તો દરવાજા પર મોટા તાળાએ એમને આવકાર્યા. આસપાસ પૂછપરછ કરતાં ખબર પડી કે એ તો પાંચ-છ દિવસથી ઘરે જ નથી આવ્યો. ‘પ્રોડ્યુસર મોહન’ના દિમાગમાં વીજળી થઈ કે હોટેલ ‘પ્યૉર લવ’માં શ્રેણીબદ્ધ ધડાકાની આસપાસથી જ સોલોમન દેખાયો નથી. કુછ તો ગરબડ હૈ.
ખૂબ પૂછપરછમાં સેલ્ફી પડાવવાના શોખીન સોલોમનનો ફોટો મળી ગયો. એક પાડોશીએ ‘પ્રોડ્યુસર મોહન’ના કાનમાં ફૂંક મારી કે ઘણીવાર એ પોતાની લવરને ઘરે પડ્યો પાથર્યો રહે છે. એની પ્રેમિકા શકીના ગામને બીજે છેડે રહેતી હતી.
આ બધી વાતચીત દરમિયાન ટીમનો એક જણ સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચી ગયો. પોતાની ઓળખાણ આપી, આઈડી બતાવ્યું અને પછી મદદ માગી. તરત સ્થાનિક ટીમના બે જણે આવીને સોલોમનના ઘરના દરવાજાનું તાળું તોડી નાખ્યું. અંદર બીજું કઈ ખાસ ન મળ્યું પણ બે સસ્તા મોબાઈલ ફોન મળ્યા જે ‘પ્રોડ્યુસર મોહન’ની ટીમે તાબામાં લઈ લીધા.


આસિફ પટેલ શેઠ ક્યારના એટીએસના પરમજીત બત્રાની ઑફિસ બહારના બાંકડા પર બેઠા હતા. રાહ જોવાનું સહન ન થવાથી તેમના બન્ને પગ ઊંચાનીચા થતા હતા, બન્ને હાથના ટચાક્યા ફોડાતા હતા અને આંખમાં રોષ વધી રહ્યો હતો. થોડીવારમાં અંદરથી બેલ વાગી એટલે એક કૉન્સ્ટેબલ અંદર ગયો. તેણે બહાર આવીને આસિફ પટેલને કીધું કે આપ કો અંદર બુલાયા હૈ.
આસિફ પટેલ સાથે બાદશાહ ઊભો થયો એટલે કૉન્સ્ટેબલે એને ટોક્યો, “ઈન કો અકેલે કો બુલાયા હૈ.
આસિફ પટેલ અને બાદશાહે એકમેક સામે જોયું. પછી આસિફ કેબિન તરફ ચાલવા માંડ્યો. બાદશાહ બબડયો, “ક્યાંક પટેલ શેઠ ગભરાઈ ન જાય, નહીંતર મુસીબત ઊભી થશે.
અંદર પરમવીર બત્રા ફાઈલમાં ખૂંપેલા હતા. એમનું ધ્યાન આસિફ પટેલ તરફ ન ગયું. અંતે અકળાઈને આસિફ પટેલે પૂછયું, “બોલો, ફરી કેમ બોલાવ્યો છે મને?. “બત્રાએ ઉપર જોયું. “સવાલો મારે પૂછવાના છે આસિફ પટેલ. બેસો.
આસિફ પટેલને ન જવાબ ગમ્યો કે ન બેસવું ગમ્યું. પણ કરે શું? છતાં હૈયાવરાળ નીકળી જ ગઈ. “કામ ધંધો છોડીને, બગડતી તબિયત છતાં મારે ક્યાં સુધી રોકાવાનું છે મુરુડમાં?
“મને લાગે છે કે તમે સ્થિતિની ગંભીરતા સમજતા નથી. તમારી હોટેલમાં ધડાકાભડાકા થયા છે. કેટલાં માણસો મર્યા એનો આંકડો હજી સામે આવ્યો નથી. ધડાકા કોણે કર્યા એ શોધવાનું બાકી છે.
“પણ એમાં મારો શું વાંક?
“એ તો તમે જાણો, મિસ્ટર પટેલ, એક વાત સમજી લો કે હું આપને પૂછપરછ માટે તાબામાં લઈને અત્યારે જ કસ્ટડીમાં ધકેલી શકું એમ છું. બીજી વાત, તમારી હેલ્થની. તો લોકલ હૉસ્પિટલમાં ચેપઅપની વ્યવસ્થા કરાવી આપું? રહી વાત કામધંધાની, તો કેટલાંયના જીવ કરતાં એ બાબતનું જરાય મહત્ત્વ નથી. સમજ ગયે જી?
આસિફ પટેલ સમજી ગયો કે આને વધુ વતાવવામાં માલ નથી. “સર, હું તો કો-ઓપરેટ કરી જ રહ્યો છું.
“તો એ ચાલુ રાખો. મને તમારા બધા ધંધા, ભાગીદાર, મિત્રો અને દુશ્મનો વિશે વિગતવાર જાણવું છે. “બધેબધું કંઈ રહી ન જાય હો. આસિફ પટેલને ગમ્યું નહીં પણ શરૂઆત કરી, જેનું રેકોર્ડિંગ ટેબલ પર પડેલા ફ્લાવરવાઝમાં રખાયેલા ટેપ રેકોર્ડરમાં થતું હતું. બત્રાએ નોંધ્યું કે આસિફ પટેલના દર ત્રણ-ચાર વાક્યમાં બાદશાહનો ઉલ્લેખ આવતો હતો. ખૂબ વિશ્ર્વાસુ લાગતો હતો બાદશાહ.


પોલીસ અને ‘પ્રોડ્યુસર મોહન’ની ટીમને શકીના પણ ન મળી. એક તરફ નિરાશા થઇ ને બીજી બાજું બધું તર્કબદ્ધ રીતે સાબિત થતું હોવાનો સંતોષ થયો. શકીના પણ બ્લાસ્ટના દિવસ પછી દેખાઈ નહોતી. એનો રૂમ ખોલીને અંદર ગયા તો ટેબલ પરની ફ્રેમમાં સોલોમન દેખાયો, સાથેની યુવતી શકીના હોવાનું ક્ધફર્મ થઈ ગયું. અંદર તપાસ ચાલતી હતી ત્યાં બહાર ભીડ વધી ગઈ.
એક-બે આગેવાન મુસલમાનો અંદર ધસી આવ્યા. એમાંથી અતાઉલ્લા ખાન એકદમ વિફર્યો. “એક એકલી રહેતી છોકરીના ઘરમાં આમ ઘૂસી થોડું જવાય? સર્ચ વૉરન્ટ છે?
“પ્રોડ્યુસર મોહન’ની નજર સવાલકર્તા તરફ ગઈ. સ્થાનિક પોલીસે કીધું કે આ અતાઉલ્લા ખાન મહોલ્લાના લીડર છે, સોશ્યલ વર્કર છે.
“બહુ સરસ. એમને ખૂણામાં લઈ જઈને ચૂપચાપ અમારી ઓળખ આપી દો.
અતાઉલ્લા ખાનને દૂર લઈને સમજાવાયું કે આ એટીએસના છે. એ જરાક ખંચકાયો પણ પછી સ્વસ્થતા કેળવી લીધી. “એ જે હોય એ અમારા હ્યુમન રાઈટ્સ અને ફન્ડામેન્ટલ રાઈટ્સનું શું? કંઈ પણ થાય એટલે અમારી વસતિ પર જ તૂટી પડવાનું?
‘પ્રોડ્યુસર મોહન’ હળવે પગલે અતાઉલ્લા ખાન પાસે ગયો. “તું ચાલ સાથે. અમારા સર છે ને બધા રાઈટ્સ વિશે સમજાવશે. રોંગ્સ વિશે પણ જાણકારી આપશે. ને પાછી લસ્સી ય પીવડાવશે. આવે છે ને?
કંઈ બોલ્યા વગર અતાઉલ્લા ખાન ચૂપચાપ બહાર નીકળી ગયો.


પહેલા દિવસના સ્કુપની જોરદાર સફળતા બાદ ‘મહારાષ્ટ્ર આજ’ની અનિતા દેશમુખ બીજા દિવસે વધુ મેકઅપના થપેડા અને જોશ સાથે ત્રાટકી. “એક તરફ મુરુડની હોટેલ પ્યૉર લવમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટનો કેસ વધુ ગૂંચવાઈ રહ્યો છે. સ્થાનિક પોલીસ નિષ્ફળ રહી તો તપાસ એટીએસ સોંપાઈ પણ હજી ખાસ સફળતા મળ્યાના અણસાર નથી. આ બધા વચ્ચે સ્થાનિક નેતા વિશ્ર્વનાથ આચરેકર સામે પ્રજામાં રોષ વધી રહ્યો છે. અગાઉ તેઓ આ વિસ્તારનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. પછી વિધાન પરિષદના સભ્ય થયા અને અત્યારે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન. ઉપરાંત રાયગઢ જિલ્લાના પાલક પ્રધાનની જવાબદારી પણ સંભાળે છે. પરંતુ આ નેતાજીએ તો હોટેલ બ્લાસ્ટ્સમાં માર્યા ગયેલા બધા આતંકવાદીઓના પરિવાર માટે દિલસોજી વ્યક્ત કરી અને વળતરની પણ જાહેરાત કરી છે. આનાથી તેમના ટેકેદારોમાં પણ ઉશ્કેરાટ વધતો હોવાનું જાણવા મળે છે. આવો બૉમ્બ બ્લાસ્ટ્સના ઘટનાક્રમ બાદ આચરેકરજીએ શું કર્યું, ક્યારે કર્યું અને શું ન કર્યું એ જાણીએ વિગતવાર.


કિરણ ક્યારની આકાશના ફોટા સામે જોઈ રહી હતી. પછી આલ્બમ કાઢયું. એમાં આકાશનો હસતો ચહેરો અને ફર્સ્ટ નાઇટ માટે શણગારેલો રૂમ જોઈને એ વિચારોમાં ખોવાઈ ગઈ.
મમ્મી, પપ્પા અને મમતાબહેને બીજીવાર રૂમ શણગારાવ્યો હતો બે વર્ષ પહેલાં. ત્રણેય ઇચ્છતા હતા કે બંને નવેસરથી જીવનની શરૂઆત કરે. ત્રણેય ઘરમાં નાના બાળકની પગલી જોવા તરફડતા હતા. પપ્પાએ આકાશને ઓર્ડર આપ્યો કે તારી મમ્મી કહે એટલું કરવાનું જ છે. મમ્મીએ ઓર્ડર આપ્યો કે તું અને કિરણ પહેલા લોંગ ડ્રાઈવ પર નીકળો. રાતે તારી ફેવરિટ ફાઈવ સ્ટાર હોટેલમાં મમતાએ ડિનર ટેબલ બુક કરાવ્યું છે. હા, ડિનર પહેલા હૉલીવૂડની રોમેન્ટિક ફિલ્મ જોવા જવાનું છે. મમતાએ તરત ટિકિટ આકાશના હાથમાં આપી દીધી. આકાશ કંઈ ન બોલ્યો, માત્ર કિરણ સામે જોયું. “હું આવી દશ મિનિટમાં રેડી થઈને.
આકાશ ચાલવા માંડ્યો, ત્યાં મમ્મીએ છેલ્લો ઓર્ડર છોડ્યો. “લોંગ ડ્રાઈવ, મુવી અને ડિનર પતી ગયા બાદ મારી વહુને આ રૂમમાં લઈને આવજે અને બંને નિરાંતે આરામ કરજો. સમજ્યો બરાબર?
આકાશ એક શબ્દ ન બોલ્યો. ન લોંગ ડ્રાઈવમાં, ન મુવીમાં, ન ડિનરમાં કે ન બેડરૂમમાં. એ પડખું ફરીને સૂઇ ગયો. પણ કિરણને આકાશ સાથે લાંબો સમય વીતાવવાનું ખૂબ ગમ્યું. “થેન્ક યુ ગૉડ ઍન્ડ માય ફેમિલી, એ બબડી. થોડીવારમાં એને ઊંઘ આવી ગઇ. પણ ત્યારે આકાશ જે વિચારતો હતો એ સાંભળ્યું હોત તો કાયમ માટે ઊંઘ ઊડી ગઈ હોત. એ કિરણથી છુટકારાની શક્યતાઓ વિશે વિચારતો હતો!


વિકાસે ખાસ્સી માથાકૂટ બાદ એક સચ્ચાઈ જાણી લીધી કે મોના દીદીને ફાસ્ટફૂટ જોઈન્ટમાં મળનારી વ્યક્તિ કોણ હતી જે એને મુરુડની હોટેલ સુધી લઈ ગઈ. એ વ્યક્તિનો નંબર મળી ગયો. એ રાજાબાબુ મહાજન ઈન્ટરનેટ પર ખાખાંખોળામાં આકાશ મહાજન વિશે ઘણું જાણવા મળ્યું. મસાલા કિંગ રાજાબાબુ મહાજનનો મોટો દીકરો, મહાજન મસાલાનો ડિરેક્ટર અને બીજા ય થોડા ધંધા હતા એના પણ એ મોના દીદી સાથે શું કરતો હતો. શા માટે વાશી મળ્યો અને પછી મુરુડ લઈ ગયો?
તેણે મોના અને આકાશના નંબર વચ્ચેની વાતચીતનો રેકોર્ડ પર ધ્યાન આપ્યું. કોલ રેકોર્ડસ જોઈને આશ્ર્ચર્યચકિત થઈ ગયો. બંને લગભગ રોજ વાત કરતા હતા, ક્યારેક તો કલાકોના કલાકો સુધી. બંનેના નંબર એકમેકની પાસે હોય એવું ય ઘણીવાર દેખાતું હતું. આ નબીરાએ મોના દીદીને પોતાની દૌલતના જોરે ફસાવી હશે કે પછી એને બ્લેકમેલ કરતો હશે?
મોના દીદીની જેમ આકાશના મોબાઈલ ફોનનું ય લાસ્ટ લોકેશન હોટેલ પ્યૉર લવ હતું. તો શું એ પણ બ્લાસ્ટ્સમાં પતી ગયો? કે સ્માર્ટનેસ વાપરીને હોટેલમાં ફોન મૂકીને ક્યાંક પલાયન થઈ ગયો. તેણે આકાશ મહાજનના નેટ પર ઉપલબ્ધ ફોટા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આકાશની પત્ની કિરણના ફોટા પર કર્શર મૂકીને સવાલ કર્યો. “મેડમ તમે કેટલું જાણો છો આપના પતિદેવ વિશે? કે બધું મારે જણાવવું પડશે?…
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button