શું રોબો માણસ જેવા ભાવુક થઇ શકે?
વિશેષ -સંજય શ્રીવાસ્તવ
રોબો ફેશિયલ રિકગ્નીશન, સેન્સર્સ તેમ જ આર્ટિફિશિયલ ઇમોશન, ઇન્ટેલિજન્સ વગેરેના સહયોગથી માનવીય ભાવનાઓને પીછાણી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે પરંતુ શું આ યંત્રમાનવો માનવીય ભાવનાઓની વાસ્તવમાં અનુભૂતિ કરી શકશે અને તે અનુસાર પ્રતિભાવ આપી શકશે? જો આવું થાય તો શું થશે? આવા અનેક પ્રશ્ર્નો રોબોની આત્મહત્યાથી ઊભર્યા છે. સંતોષજનક જવાબ ભલે ન મળે, પરંતુ પ્રશ્ર્નોનો મારો વધતો જાય છે. ગયા મહિને દક્ષિણ કોરિયાની ગુમી સિટી કાઉન્સિલમાં કાર્યરત ત્યાંના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીએ વધુ પડતા કામકાજના બોજાને લીધે ટેન્શનમાં આત્મહત્યા કરી લીધી. ઑગસ્ટ ૨૦૨૩માં સેવા શરૂ કરનાર આ અધિકારી વાસ્તવમાં તો એક રોબો અર્થાત્ યંત્રમાનવ હતો. કામના વધુ પડતા બોજને કારણે ઊપજેલા દબાણ, તણાવ અને નિરાશાને કારણે લાખો લોકો આત્મહત્યા કરી રહ્યા છે. એવું મનાતું હતું કે મશીનો આવ્યા બાદ માણસો પરથી કામનો બોજો ઓછો થશે. રૂટિન કાર્યોથી છુટકારો મળશે, પણ ખુદ યંત્ર જ ભાર હેઠળ દબાઇને આપઘાત કરવા મજબૂર થઇ ગયું. એ પણ વર્ષનો ઓછો કાર્યકાળ અને માત્ર ૯ થી ૬ની બાંધેલી ડ્યૂટી છતાંય. હાલમાં તો રોબોની આત્મહત્યાનો આ પહેલો જ મામલો બહાર આવ્યો છે. પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે આ ઘટના એક પડકાર બની ગઇ છે. આ ક્ષેત્રે તો અનેક પ્રશ્ર્નો ઉઠ્યા છે સાથે સાથે સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે પણ સવાલો ઉત્પન્ન થઇ રહ્યા છે. આજે પણ નિષ્ણાતોને આ મામલે કોઇ સંતોષકારક જવાબ નથી મળી રહ્યો.
આ આત્મઘાતી રોબોના નિર્માતા કેલિફોર્નિયા સ્થિત બેયર રોબોટિક્સના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે કમાન્ડ દેવામાં ઘણી ભૂલો કરી હતી તેના પરિણામે આ આપઘાત થયો. આ કારણે જ તે માનસિકરૂપે ત્રસ્ત થયો અને આખરે છ ફૂચ ઊંચી સીડીથી પોતાની જાતને ધકેલી કામ તમામ કરી લીધુ. હવે સવાલ એ ઊભો થાય છે કે શું રોબો આવી માનવીય પ્રવૃત્તિઓ વિકસાવી શકે? પોતાના જીવનને લગતા સ્વતંત્ર નિર્ણય લેવાને લાયક બની શકે. પોતાનો નિર્ણય લઇ શકે તો શું બીજા લોકો વિશે આવું ન કરી શકે? શું આ યંત્રમાનવોમાં પણ મનુષ્યોની જેમ પ્રેમ,ઘૃણા કે ધૂર્તતા જેવી ભાવનાઓ અને ગુણ-અવગુણ વિકસિત થઇ શકે છે? શું તેમનામાં માનવીય ચેતનાનો સંચાર સંભવ છે? શું તેઓ તર્કશક્તિ વિકસાવી પોતાના જ નિર્માતા માલિકને હણશે કે પછી સ્વામીભક્ત સહાયક બની રહેશે?
કારોબારીઓને શંકા એ છે કે જો આપણે કાર્યક્ષેત્રના દરેક સ્તર પર ખુદ નિર્ણય લઇ શકે એવા રોબો નિયુક્ત કરીએ તો એ બીજા રોબોકર્મીઓને પણ ભડકાવી શકે છે. સામૂહિક હત્યા કે પછી કામ બંધ. જો આવું થાય તો પછી હડતાળ, કર્મચારીઓના નેતા દ્વારા બ્લેકમેઇલ તથા ઉત્પાદનને અસર થાય એવા ખરાબ દોરમાં પાછા પહોંચી જશું. આવા સમયથી બચવા કોઇ ટેકનિકલ સમાધાન મળી રહેશે? જો યંત્રમાનવો પોતાની રીતે નિર્ણય લેવા સક્ષમ બને અને તેના પર માણસનું નિયંત્રણ ન રહે તો ઘણો અનર્થ સર્જાઇ શકે છે. પોતાનાથી બૌદ્ધિક અને શારીરિકરૂપે કમજોર માણસો પર અત્યાચાર પણ કરી શકે છે. જો નિર્ણય પોતે કરી શકે તો માણસોની વાત માનવાનો ઇન્કાર પણ કરી શકે છે. મનુષ્યો પર પોતાનું નિયંત્રણ સ્થાપવાનો પ્રયત્ન પણ કરી શકે છે. કોઇ અમાનવીય રોબો મોટા પાયે નરસંહાર પણ કરી શકે છે.
જે ઝડપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ક્ષેત્રે વિકાસ થાય છે એ ઝડપે ઉપરોક્ત પ્રશ્ર્નોના ઉત્તર પણ ખોળવા પડશે જેથી એ સુનિશ્ર્ચિત કરી શકાય કે યંત્રમાનવ માણસના સહાયક બની રહે, સંહારક નહીં.
હવે એક મોટો સવાલ એ ઊભો થયો છે કે આર્ટિફિશિયલ ઇમોશન ઇન્ટેલિજન્સ દ્વારા માનવ જેવી ભાવનાઓ વિકસિત કરી શકાય કે નહીં? હાલ તો પ્રશ્ર્નનો ઉત્તર ના આવી રહ્યો છે કારણ કે મશીન આખરે મશીન છે. તેનામાં ન તો કોઇ જીવશાસ્ત્રીય ઉત્પાદનો છે કે ન તેમાં કોઇ મનોવૈજ્ઞાનિક ભાવનાઓ કે અંત: ચેતના વિકસિત થઇ શકે છે. એ મનુષ્યોની જેમ પીડાનો અનુભવ નથી કરી શકતા. તેમનામાં દર્દને અનુભવવા કોઇ ભૌતિક અવયવ પણ નથી હોતા. પરંતુ હા, ભવિષ્યમાં મશીનો માનવભાવનાઓથી ભર્યા હોઇ શકે તેની શક્યતાઓ નકારી નથી શકાતી. આ ક્ષેત્રે પણ વિકાસ તો થઇ જ રહ્યો છે. રોબો માનવીય ભાવનાઓને ઓળખવા અને તેમની નકલ કરવા માટે પ્રોગ્રામ થઇ ચૂક્યા છે. અતિસક્ષમ સેન્સર્સ દ્વારા માનવીય ભાવનાઓને ભવિષ્યમાં જડબેસલાક ઓળખી શકવાને રોબો સમર્થ પણ બની શકે છે. મનુષ્યોની જેમ તર્કસંબંધી કે ભાવનાત્મક દિશામાં વિચારી શકે તેવા સોફ્ટવેર પણ વિકસી શકે.
જોકે, એવા રોબોટ જે લાગણીઓને વાસ્તવિક રીતે સમજી શકે, અનુભવી શકે , સ્પર્શ સંબંધિત સેન્સર કે માણસના મગજને ખાસ કરીને તેના જમણા ભાગની નકલ કરવાવાળા ન્યૂરલ નેટવર્ક અને તેની સાથે સંવેદનશીલ અનુભવોને સહયોગ આપતા અનેક અંગોની જરૂર પડશે. હાલ તો આ બધા કામ અત્યંત જટિલ લાગે છે. રોબોમાં વાસ્તવિક ચેતનાઓ ભરવી અત્યારે તો પહોંચની બહાર લાગે છે, પણ સવાલ એ છે કે રોબોમાં ભાવનાઓ ભરવાનો પ્રયાસ કેટલો ઉચિત છે? રોબો જો માનવની સમકક્ષ બની જાય તો તેમને પણ મનુષ્યો જેવા સમાન અધિકાર મળશે? શું એવા મશીન બનાવવા જે દર્દને અનુભવી શકે કે તેના સ્પેરપાર્ટ્સ સાથે રમવું નૈતિકતાપૂર્ણ કહેવાશે? જોકે, વિજ્ઞાનનું તો કામ જ છે લગાતાર શોધખોળ અને વિકાસ ચાલુ રાખવા. આવા સંજોગોમાં નીતિ અને અનીતિ વચ્ચે ગજગ્રાહ થવો પણ શક્ય તો છે જ. ઘણી એવી શોધો અનૈતિક રસ્તે આગળ વધતી હોય તો પડતી પણ મૂકવામાં આવી છે.
દેખતે હૈં આગે આગે હોતા હૈ ક્યા?