વીક એન્ડ

પિંજરનું પંખી….

ટૂંકી વાર્તા – અવંતિકા ગુણવંત

મોટલની બારીમાંથી હું વ્હાઈટ માઉન્ટન જોઈ રહી હતી. બરફાચ્છાદિત એ પહાડ. ધીમી ધીમી હિમવર્ષા થતી હતી. અમદાવાદમાં જન્મેલી અને અમદાવાદમાં સ્થાયી થયેલી મેં જલવર્ષા જોયેલી, માણેલી, પણ હિમવર્ષા કદી નહોતી જોઈ. હિમવર્ષા માટે હું ઝંખતી હતી. તેથી જ પ્રથમ વાર હું અમેરિકા આવવા નીકળી ત્યારે નવેમ્બર મહિનો હતો ને લોગાન એરપોર્ટ પર ઊતરી ત્યારે હિમવર્ષા જોઈ ખુશીથી નાચી ઊઠી હતી. થયું માણસ જે ઝંખે એ ઈશ્ર્વર એને આપે જ છે, પ્રભુની કૃપાનો અહેસાસ થાય ત્યારે આપણું મને કેવું પ્રફુલ્લિત થઈ જાય છે!

ત્રણ દિવસની રજા હતી તેથી અમે ફરવા નીકળી પડ્યાં હતાં. બારીમાંથી હું કુદરતની રમણીયતા જોતી હતી ને બહાર જવાનું વિચારતી હતી. ત્યાં મને અવાજ સંભળાયો, ‘મમ્મી.’ કરુણ આર્દ્ર અવાજ. આ અવાજ મારી દીકરીનો નથી. તો અહીં બીજું કોણ મને મમ્મી કહે? મેં પાછળ વળીને જોયું તો લગભગ ચાળીસેક વરસની એ યુવતી ધીમા પગલે મારી પાસે આવીને મારા ખભે માથું મૂકીને રડવા માંડી.

કોણ હશે આ યુવતી? હું તો એને ઓળખતી નથી. આ પહેલાં મેં કદી એને જોઈ નથી. પણ એણે મમ્મી કહીને મને બોલાવી, એનો દર્દભર્યો અવાજ મને સ્પર્શી ગયો. એને પંપાળતાં પંપાળતાં હું મૂંઝાઈ-કોણ હશે આ યુવતી? એને શું દુ:ખ હશે? કેવી રીતે એને પૂછું?

થોડી વારે એનાં ડૂસકાં શાંત પડ્યાં. મેં એને પલંગ પર બેસાડી. એણે વેસ્ટર્ન સ્ટાઈલનાં કપડાં પહેર્યાં હતાં, બોયકટ વાળ, પણ એ ગુજરાતી છે એની મને ખાતરી થઈ હતી તેથી મેં ગુજરાતીમાં જ વાત શરૂ કરી. એ બોલી, ‘મારું હૈયું ‘મમ્મી’ સંબોધન કરવા એટલું આતુર થઈ ઊઠ્યું હતું, પણ અહીં હું કોને મમ્મી કહું? કોની પર એવો ઉમળકો આવે? અહીં ટૂરિસ્ટ તો ઘણા આવે છે, પણ તમને જોયાં, સાડી, અંબોડો, બંગડી, ચાંલ્લો કે મને તમારામાં મારી મમ્મી દેખાઈ અને હું ચાલી આવી.’

એ યુવતી તૂટક તૂટક બોલે જતી હતી. મને ખ્યાલ આવ્યો કે એના હૃદયમાં જે ઘોળાય છે એ ખુલ્લંખુલ્લા જીભ પર નથી લાવી શકતી. બુદ્ધિમાન વ્યક્તિ પોતાના હૈયાની વાત ઝટ દઈને કોઈને ન કહી શકે એ સ્વાભાવિક છે. હું મૂંઝાઈ કે એનો સંકોચ શી રીતે દૂર કરાય? કદાચ એવું પણ બને કે એના હૃદયમાં ઘોળાતા ભાવ એનાં આંસુમાં વહી ગયા હોય અને હવે વધારે કંઈ કહેવા એ ઉત્સુક ન હોય. ત્યાં તો એ બોલી, ‘વીસ વર્ષ થયાં મને અમેરિકા આવે. એ પછી એકપણ વાર હું ઈન્ડિયા ગઈ નથી. મારાં મમ્મી, પપ્પા, ભાઈને જોયે વીસ વીસ વર્ષ થઈ ગયાં. તેઓ પણ એકે વાર અહીં આવ્યાં નથી. ફોનમાં કોઈ વાર અલપઝલપ વાત થાય, પણ એનાથી સંતોષ થાય? પિયરમાં બધા સમજે છે કે હું અહીં ખૂબ સુખી છું. સુખમાં ઘર, વતન, માબાપ બધાને ભૂલી ગઈ છું. દીકરી તરીકે હું એમને સ્વાર્થી, નગુણી, લાગણી વગરની લાગું છું. હું એમને એમની ભ્રમણામાં જીવવા દઉં છું. કેવી રીતે એમને કહું કે અહીં આવી એ કદાચ મારી મોટી ભૂલ છે.’ મારી એ મુગ્ધાવસ્થા, અમેરિકાથી ભારત પરણવા આવેલા એમનો સ્ટાઈલિશ લુક જોયો, પૈસા ફેંકી દેતા જોયા અને હું મોહી પડી. મારાથી એ દસ વર્ષ માટે, ઉંમરનો ફરકે મને નડ્યો નહીં. ત્યારે તો થયું કે કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે. ભરત સાથેના સંબંધમાં હું ગુમાવીશ એના કરતાં મેળવીશ વધારે.

હું બહુ મહત્ત્વાકાંક્ષી હતી. રાજરાણીનાં સુખોની મને આરત હતી. મેં વિચાર્યું મને સોનેરી તક મળી છે. અમેરિકાની રોકટોક વગરની સમૃદ્ધ જિંદગીથી હું ધારીશ એટલો વિકાસ કરી શકીશ. દુનિયા આખી હું ઘૂમી વળીશ. મારી સ્વતંત્ર ઓળખ હશે. મારો આગવો પ્રભાવ હશે. નહીં ધારેલાં સુખ મને મળશે. અને જો ઈન્ડિયામાં રહીશ તો મિડલ ક્લાસની છોકરી, મિડલ ક્લાસ મેન્ટાલિટી ધરાવતો કોઈ લલ્લુ ભટકાઈ જશે તો એનો સંસાર નિભાવવામાં મારી જિંદગી રગશિયા ગાડા જેવી થઈ જશે. દેશમાં પ્રવાસ કરવાનાંય ફાંફાં પડી જશે તો પરદેશની તો વાત જ ક્યાં કરવાની? આમ ઈન્ડિયા છોડી દેવા હું બહુ ઉત્સુક હતી. દુનિયાના સર્વશ્રેષ્ઠ સંપત્તિવાન દેશમાં લઈ જનાર ભરતને ઈશ્ર્વરે જ મોકલ્યો હતો. તેથી ભરત સાથે ચોરીમાં ફેરા ફરતાં, મને થાય કે મારું મિડલ ક્લાસપણું છૂટતું જાય છે અને સુખસમૃદ્ધિ મારી નજીક આવતાં જાય છે. હું મારા ભાઈને કહેતી, આપણા આખા કુટુંબનો દિવસ ફરી જશે. તમે કલ્પનાય નહીં કરી હોય એવી વૈભવી જિંદગી તમારી થઈ જશે.

કંઈ કેટલાંય રંગીન સપનાં સાથે મેં આ ધરતી પર પગ મૂક્યો. ભરત જોબ કરતા હતા, મારા માટેય એમણે જોબ શોધી કાઢી. મેં કહ્યું, મારે કોઈ સામાન્ય જોબ નથી કરવી. મારે ભણવું છે. તો ભરત કહે, તું અહીંના વાતાવરણ, રીતરિવાજથી પરિચિત થા, અમેરિકન અંગ્રેજી બોલતાં, સમજતાં શીખ, પછી ભણવા જા. આપણે તો બધી રીતે પ્રગતિ સાધવાની છે, પાક્કા અમેરિકન બની જવાનું છે. મેં જોબ કરવા માંડી. શનિ-રવિ પણ જોબ કરતી. હરવાફરવાનાં મારાં સ્વપ્નમાં ક્યાંય ઊડી ગયાં. ધીરે ધીરે મને ખ્યાલ આવતો જતો હતો કે ભરત કંજૂસ છે, મહા કંજૂસ. ત્રણેક વરસ મેં રીતસરની વેઠ જ કરી. મારી જિંદગી જ હું ભૂલી ગઈ હતી. ત્યારે ભરત કહેતા હતા આપણે એક સરસ હાઉસ લઈશું. હાઉસમાં શું શું હશે અને શી રીતે એને શણગારીશું એની મધુર કલ્પનામાં હું ડૂબેલી રહેતી. સાચું કહું તો ભરતે મને હિપ્નોટાઈઝ કરી હતી. એ એક પછી એક એની યોજનાઓ રજૂ કરતો જાય અને અવશપણે હું એની સાથે ઘસડાયા કરું. અમેરિકા આવ્યા પછી મારો બાહ્ય દેખાવ પાશ્ર્ચાત્ય ઢંગનો થયો, મને અમેરિકન અંગ્રેજી બોલતાં આવડ્યું, કાર ચલાવતાં આવડ્યું, બીજાં ભૌતિક પરિવર્તનો આવ્યાં, પણ સાચું કહું, મારાં સપનાં તો જાણે સાકાર થતાં જ ન હતાં. મેં શું આવી જિંદગી ઈચ્છી હતી?

હા, આવી ભૌતિક સંપત્તિ, બાહ્ય પરિવર્તન મારે જોઈતું હતું પણ માત્ર એટલું નહીં, એનાથી ઘણું બધું વધારે મારે જોઈતું હતું. મારે ભણવું હતું. કોઈ મોટી કંપનીમાં ઊંચી પોસ્ટ જોઈતી હતી. દુનિયા આખી જોવી હતી. એ કશું મળ્યું નહીં ને મારી નિરાશાની શરૂઆત થઈ ગઈ. ત્યાં ભરતે આ મોટલ લીધી. એ તો શહેરમાં જોબ કરે છે, શનિ-રવિ અહીં આવે. બધો હિસાબ લઈ જાય, બાકી રોજેરોજની સંભાળ મારે લેવાની. ટૂરિસ્ટોને સંભાળવાના મારે. આવા રૂટિન કામનો મને થાક લાગ્યો છે. ગામ-શહેરથી દૂર, માઈલોના માઈલો સુધી વાત કરનાર અહીં કોઈ મિત્ર નથી. આપણા ઈન્ડિયન લોકો કહે છે, આટલી બધી સંપત્તિની માલિકણ તું છે, પછી નિસાસા શું કામ નાખે છે? હું એમને શી રીતે સમજાવું કે મેં આવી જિંદગી પ્રભુ પાસે નહોતી માગી. અહીંની જિંદગી કેટલી એકાકી છે, રંગ નહીં, રસ નહીં, કોઈ સાથી નહીં, દિવસ જેવો ઊગે છે, એવો આથમે છે. ભરતને હું કહું છું પણ એ મને સમજી શકતો નથી, અને મારામાં ખામી જુએ છે. કહે છે, સોનેરી સવાર અને કિલ્લોલતી સાંજ જોઈતી હતી તો તારા ગામડામાં પડી રહેવું હતુંને! અહીં તો ડૉલર ગણવાની મજા છે, એ માણ.

મમ્મી, સંજોગો સામે લડી શકાય, પણ ઘરના માણસ સામે શું લડું? બહારથી પડકાર ઊભો થયો હોય તો એને પહોંચી વળાય, પણ ભરત તો મારી જિંદગીમાં મોટો પથરો છે. મેં જ એને આમંત્રેલો. ત્યારે હું એના સ્વભાવ, કુળ કે કુટુંબ વિશે જાણતી ન હતી. કહે છે કે મારા સસરાય આવા લાગણીહીન, સંવેદનારહિત હતા. મારે એક દિયર હતો, દસેક વર્ષનો થયો ને અચાનક એ અવસાન પામ્યો. મારાં સાસુ એકલાં. મારા સસરા સ્ટોરમાં હતા એમને કહેવડાવ્યું તો કહે અત્યારે ઘરાકી છે, મારાથી નહીં આવી શકાય. મારા સસરા ચૌદ કલાક પછી ઘરે આવ્યા. દીકરો ગયાનો કોઈ શાક નહીં. મારાં રડતાં સાસુને કહે, જે જન્મે એણે જવાનું જ છે, કોઈ વહેલું, કોઈ મોડું. જનારની પાછળ હું ધંધો બગાડું તો એ પાછો આવવાનો હતો? મારી સાસુને પ્રેમથી આશ્ર્વાસનના બે શબ્દોય ન કહ્યા. બાર મહિનામાં સાસુ પણ મનમાં ને મનમાં કકળીને અવસાન પામ્યાં.

હુંય આવી ગૂંગળામણમાં મરી જઈશ એવું મને થતું હતું. મને લાગે છે કે હું પાંજરામાં પુરાયેલું પંખી છું. મને કદી મુક્ત રીતે, મારી મરજી મુજબ જીવવા નહીં મળે. સાહિત્ય, સંગીત, કલા માટે મારી પાસે સમય નથી. મારાં હૃદય-મન મરતાં જાય છે. હું રોબોટ બનતી જાઉં છું. પણ ત્યાં એક કવિતા મારા વાંચવામાં આવી, માયા એન્જેલુની એ કવિતા ‘આઈ નો વ્હાય ધ કેઈજ્ડ બર્ડ સિંગ્સ.’ સાંકડા પાંજરામાં પુરાયેલું પંખી એની પાંખો કપાયેલી છે અને પગ બંધાયેલા અને તેથી જ બુલંદ અવાજે એ ગાય છે.

મેં સંકલ્પ કર્યો. હું પણ મારું ગીત ગાઈશ. ને મારી નિરાશા ઓસરવા માંડી. જોકે મારી નિર્બળતા સાવ ખંખેરાઈ નથી ગઈ. જુઓને તમને જોયાં ને હું કેવી ઢીલી થઈ ગઈ. લાગે છે મારી ભીતરમાં હજી મારી જૂની આશા-અભિલાષાઓ જીવંત છે. તીવ્ર લાગણીઓ ખળભળે છે, પણ તમે મારી ચિંતા ન કરતાં. હું મારી જિંદગી મારી રીતે જીવીશ. હા, એ માટે શ્રદ્ધાપૂર્વક પ્રતીક્ષા કરવી પડશે. મારા જીવનમાં મારે કશું ભાંગવું-તોડવું નથી. મને જે જીવન મળ્યું છે એને જ મારી રીતે ગોઠવવું છે.’

સ્વાભાવિક રીતે એ એની વાત કહ્યે જતી હતી. હું ખૂબ સહાનુભૂતિ પૂર્વક એની જીવનકથા, લાગણીના ઉતારચઢાવ સાંભળતી હતી. હવે જાણે એ ફિલોસોફર થઈ ગઈ હતી. એ બોલી, ‘જિંદગી આ ‘ગમતું’ અને આ ‘અણગમતું’ના આધારે નથી જીવાતી. અણગમતામાંય કંઈક તો સારું હોય છે, એ સારાપણાને પકડી લેવાનું અને પછી જે ઉચિત લાગે એ પ્રમાણે ગોઠવી લેવાનું.’

આપણા અંતરતમ પર તો આપણો જ અધિકાર છેને! એનો પરિચય કરવાનો, એની મીઠાશ માણવાની. ભરત મારી જિંદગી સુંદર, મધુર બનાવે એવી અપેક્ષા રાખવી એ મારી ભૂલ છે. મારાં સુખનાં સૂત્રો મારા હાથમાં જ છે, એ સરકી ન જાય એનો ખ્યાલ રાખવાનો. દરેકે પોતાના બળ પર જ પોતાની જિંદગી જીવવાની હોય છે.

હવે એ સંપૂર્ણ સ્વસ્થ બની ગઈ હતી. એ બોલી ‘ઈફ વિન્ટર કમ્સ, કેન સ્પ્રિંગ બી ફાર અવે?’ શિયાળો આવે પછી વસંત દૂર રહી શકે? એના મોં પર હાસ્ય હતું, આંખો ચમકતી હતી, ચહેરા પર શ્રદ્ધાનું તેજ હતું. એની આસપાસ ક્યાંય અંધકાર નથી, ઉદાસી નથી. એનું જીવન નવેસરથી આકાર પામી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર