સ્થાપત્યનું વાઈ-ફાઈઃ પર્વતના શિખર પર બેસવા ઈચ્છતા માણસને પણ હોટેલ તો જોઈએ

હેમંત વાળા
માનવી કુદરત સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતો જ રહે છે. તેને કુદરત સાથે સંવાદ સ્થાપવો, કુદરતના ખોળામાં રહેવું, કુદરતને જોયા કરવી, કુદરતી માહોલમાં ટહેલવું, કુદરતના સૌંદર્યને માણવું તથા કુદરતના ગૌરવને સ્વીકારવું ગમે છે. આ માટે તે નિતનવા પ્રયત્ન કરતો રહે છે. ફ્રેન્ચ ડિઝાઈનર પિયર સ્ટેફ દ્વારા નિર્ધારિત કરાયેલ આશરે 15000 ચોરસ મીટર ક્ષેત્રમાં ફેલાયેલ પાઇનના ઝાડના જંગલમાં ઊભી કરાયેલ અસામાન્ય વ્યવસ્થા છે, જેને લોકોએ ઉમળકાથી વધાવી લીધી છે.
મજાની વાત એ છે કે માનવીને કુદરત ગમે પણ છે અને નથી પણ ગમતી. માનવીને જંગલ વચ્ચે જઈને રહેવું ગમે પણ જીવજંતુને તે સ્વીકારી ન શકે. તેને સમુદ્ર કિનારે રહેવું ગમે પણ ત્યાંનો ખારો ભેજ તેને માન્ય ન હોય. સરોવર કે નદી વચ્ચે તરાપામાં દિવસો પસાર કરવાનું તે પસંદ કરે પણ સાથે સાથે બાકીની દુનિયા સાથેનો સંપર્ક પણ તેણે જાળવી રાખવો હોય. પર્વતના શિખર પર ખુરશી મૂકીને તેને બેસવું હોય પણ ત્યાં પણ તેને હોટેલ જેવી સગવડતા જોઈએ. માનવીને આપણે જોઈએ અને તે પણ જોઈએ. આ એક વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા સ્વીકારીને જ ફ્રાન્સના એલાઉચના જંગલ જેવા વિસ્તારમાં પ્લાસ્ટિકના બબલ – પરપોટા જેવી હોટલ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: સ્થાપત્યમાં એક મૂંઝવણ ભરેલી સ્થિતિ
તેમનું માર્કેટિગ સૂત્ર રાત્રી માટે આબોહવા નિયંત્રિત પ્લાસ્ટિકના બબલમાં સૂઈ જાઓ છે. આ સૂત્ર જ ઘણી બધી બાબતો સ્પષ્ટ કરી દે છે. મહદઅંશે આનો ઉપયોગ રાત્રિના સમયે થશે, જ્યારે અન્ય કોઈ પ્રવૃત્તિમાં લગાવ ન હોય, જ્યારે મનને પ્રવૃત્ત રાખવા અન્ય કોઈ ઉપકરણની જરૂર ન હોય. બસ, માત્ર આરામની સ્થિતિ માટે આ બબલ છે. અહીંની આબોહવા નિયંત્રિત હશે. ગરમીમાં અહીં ઠંડક મળી રહેશે અને ઠંડી ઋતુમાં ગરમી મળી રહે તે રીતની ગોઠવણ હશે. આ બબલની અંદરની આબોહવા તે બબલના ગ્રાહક દ્વારા નક્કી થશે. આ બબલ પ્લાસ્ટિકનું હશે, થોડુંક પારદર્શક તો થોડુંક અપારદર્શક. તેથી જરૂરી ગોપનીતા મળી રહે અને બહારની પરિસ્થિતિ સાથે દૃશ્ય સંપર્ક પણ જળવાઈ રહે. આ હોટલની આ ખાસિયત છે. સ્થાનિક કાયદા અનુસાર આ સમગ્ર રચનામાં અપંગ લોકોને સગવડતા રહે તેનું પણ ધ્યાન રખાયું છે.
રાત્રિના વિરામ માટેના બબલ ઉપરાંત અહીં સ્વાભાવિક રીતે સ્વિમિંગ પૂલ, રેસ્ટોરાં, નાનો રમત માટેનો વિસ્તાર, સામાન્ય પણ રસપ્રદ આવન-જાવન માટે પગદંડી જેવી અન્ય સામાન્ય સવલતો પણ હોય. અહીં ગ્રાહકની જરૂરિયાત મુજબ વિવિધ પ્રકારના બબલ નિર્ધારિત કરાયાં છે – જેમકે ચાઈનીઝ સિદ્ધાંત પ્રમાણેના ઝેન બબલ, કુદરત સાથે વધુ જોડાયેલા રહેતાં નેચર બબલ, ફ્રાન્સની પોતાની પરંપરા પ્રમાણેના લા બુલે કે લા બુલે ચિક બબલ અને આજુબાજુના જંગલ સાથે વધારે દ્રશ્ય સંપર્કમાં રહે તેવાં જંગલ બબલ. આ દરેક બબલની રચના એક ચોક્કસ થીમ આધારિત હોય તે સ્વાભાવિક છે. આ થીમ પ્રમાણે જે તે બબલની ગોઠવણ, તેનું માપ, તેની દિશા, તેની સપાટીઓમાં પારદર્શિતાનું પ્રમાણ તથા ત્યાં પ્રયોજવામાં આવેલ રાચરચીલાનો પ્રકાર નક્કી થયેલ છે. આ દરેક બબલનું પોતાનું બાથરૂમ હોય તે સ્વાભાવિક છે. આ બધા સાથે બહાર બેસવા માટે નાનકડી ટેરેસ પણ બનાવવામાં આવી છે. કુદરત સાથે સારી રીતે જોડાવા માટે તે જરૂરી પણ છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: પતરાં જડવાની ચેષ્ટા…
અહીંના દરેક બબલનો વ્યાસ 4.00 મીટરની આસપાસ છે અને દરેકમાં એક તારાઓને નિરખવા માટે ટેલિસ્કોપ રાખવામાં આવ્યું છે. આ એક સારી વાત છે. દિવસે જંગલ માણવાનું અને રાતે આકાશ તેના તારા સાથે. આ બધા બબલની રચના તેમજ ગોઠવણ એ રીતના કરાઈ છે કે જરૂરી ન્યુનતમ ગોપનીયતા જળવાઈ રહે. આ માટે પારદર્શક સપાટી પર ચોક્કસ પ્રકારનું રંગ રોગાન પણ કરાવ્યું છે. આનાથી ત્યાં રહેનાર વ્યક્તિને `રોમેન્ટિક’ માહોલ હોવાની અનુભૂતિ થઈ શકે છે. ક્યારેક તો એમ જણાય છે કે અહીં રહેનાર વ્યક્તિ આજુબાજુના 360 અંશના રોમાંચક દૃશ્ય માટે તેમની અંગત ગોપનીયતાનું થોડું ઘણું બલિદાન આપવા તૈયાર હોય છે.
આમ તો બબલમાં રહેવું એટલે જે તે નકારાત્મક કારણથી સમાજથી દૂર રહેવાની વાત હોય છે. કોરોના-કાળમાં બબલ વ્યવસ્થા હકારાત્મક છાપ નહતી છોડતી. આ રચનાથી એ છાપમાં ક્યાંક બદલાવ આવ્યો હશે એમ લાગે છે. બબલ એક સર્જનાત્મક વ્યવસ્થા હોઈ શકે તે આ રચના પરથી સ્થાપિત થાય છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: ઝી-લાઈન આવાસ – સેમારંગ – ઈન્ડોનેશિયા આવાસની રસપ્રદ ખાંચાખૂંચી
એક રીતે જોતા એમ કહેવાય કે શહેરીકરણની પ્રક્રિયા એ કુદરતી વિમુખ થવાની વાત છે. લોકોએ નગર એટલા માટે જ વિકસાવ્યા કે કુદરતની વિપરીત પરિસ્થિતિથી કંઈક મુક્તિ મળે. માનવી પહેલાં જે જંગલમાં વાસ કરતો હતો તેમાં અસલામતી પણ હતી, તકલીફો પણ હતી અને પરસ્પરના સહકારનો પણ અભાવ હતો. આ બધાંથી મુક્ત થવા માનવીએ એક સાથે રહેવાનું સ્વીકાર્યું અને ધીમે ધીમે નગર અસ્તિત્વમાં આવ્યું. અહીં તેની મોટાભાગની જરૂરિયાતો સંતોષાતી થઈ. પરંતુ તેનો કુદરતી માહોલ માટેનો લગાવ ઓછો ન થયો. આજે પણ જંગલ તરફ કે અન્ય કુદરતી માહોલ તરફ જવાની તક તે છોડતો નથી. તેને કુદરતી માહોલને પોતાની રીતે માણવાની ઈચ્છા થઈ આવે છે. આ સારી નિશાની છે. સ્થાપત્યમાં આ પ્રકારના પ્રયત્નો ચાલુ રહે તો એક સમયે માનવી કુદરતના સાચા મહત્ત્વને સમજી શકશે.