બ્રહ્મ એ ચિંતનનો વિષય છે
વિશેષ -હેમુ ભીખુ
…તેઓ બ્રહ્મસમાન નિર્દોષ છે એમ જણાવી અહીં બ્રહ્મ માટેની સમજ વિકસાવવાનો પ્રયત્ન થયો છે. બ્રહ્મ માટે કોઈપણ પ્રકારનું વિશેષણ વાપરવું એ એક અસંભવ ઘટના છે. એને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. બ્રહ્મ એ ચિંતનનો વિષય છે, ઓળખનો નહીં. બ્રહ્મને સમજવાની જરૂર છે, માણવાની નહીં. બ્રહ્મપણું એ અનુભૂતિની વાત છે, પૂજવાની નહીં. બ્રહ્મને વર્ણવવાની કે સાબિત કરવાની ચેષ્ટા ના થવી જોઈએ, માત્ર તેનું હોવાપણું સ્વીકારી લેવું જોઈએ. બ્રહ્મ એ તર્કબદ્ધ – બુદ્ધિસંગત બાબત નથી, તે તો કારણભૂત અસ્તિત્વ છે. બ્રહ્મના ગુણધર્મો ક્યારે વ્યાખ્યાયિત ન થઈ શકે.
માતા ઘઉં સાફ કરતી હોય ત્યારે નાનું બાળક મુઠ્ઠી ભરી ઘઉં લઈ જઈ બહાર આંગણામાં નાખે ત્યારે તે બાળક કંઈ ઘઉં ઉગાડવાનો પ્રયત્ન નથી કરતું કે પક્ષીને ચણ આપવાનું પણ તેનું આયોજન નથી હોતું. માતાને ગુસ્સે કરવા માટે પણ આ ચેષ્ટા નથી થતી કે ઘઉંનો બગાડ થાય તેવી પણ તેની ઈચ્છા નથી હોતી. માતાને ઘઉંનો જથ્થો ઓછો કરી મદદ કરવાનો પણ તેનો ભાવ નથી હોતો. આ તો માત્ર બાળ સહજ નિર્દોષતાની લીલા માત્ર છે. બ્રહ્મ દ્વારા કરાયેલા સર્જન પાછળ પણ કંઈક આવી જ નિર્દોષતા જણાય છે. બાળક બ્રહ્મસમાન નિર્દોષ છે. સંત મહાત્મા પણ આવા જ છે.
જો બ્રહ્મની વિભાવના એક ગુણધર્મ પ્રત્યે સ્થાપવામાં આવે તો તેનાથી વિપરીત બ્રહ્મથી ભિન્ન કંઈક છે તેવું સ્થાપિત થાય. બ્રહ્મ દરેક પ્રકારના ગુણધર્મથી પર છે. પૂર્ણતામાં વિચારતા એમ પણ જણાશે કે બ્રહ્મનું નિરાકાર તરીકેનું આલેખન પણ એક રીતે બ્રહ્મને બાધિત કરવાનો પ્રયાસ છે. છતાં પણ આ પ્રયાસ સ્વીકાર્ય છે. કોઈક તો સંપર્ક સ્થાન હોવું જોઈએ – કોઈક તો પ્રારંભિક તબક્કાનું સૂચન હોવું જોઈએ – ક્યાંક તો સંભાવનાની શક્યતાઓ દેખાવી જોઈએ : આશાનું કિરણ જરૂરી છે. ભિન્ન ભિન્ન વ્યક્તિઓને ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાંથી આશાનું કિરણ દેખાય છે. અવ્યક્તની – બ્રહ્મની ઉપાસના કરનાર માટે આવા કઇંક પ્રતીક – ઉદાહરણ – સંભવિત સામ્યતાથી આશાનું કિરણ બંધાતું જણાય છે.
અહીં બ્રહ્મને વિશેષણ આપવાને બદલે જેમને વિશેષણ આપી શકાય તેવા છે, તેમને બ્રહ્મસમાન કહ્યા છે. આમ વિશેષણ તો આપી દેવાયું છે પણ પરોક્ષ રીતે. સાકર મીઠાશ યુક્ત છે એમ કહેવાને બદલે મીઠાશ યુક્ત તત્ત્વ સાકર જેવું છે તેમ કહેવાયું છે. બ્રહ્મ પ્રકાશ સ્વરૂપ છે તેમ કહેવાને બદલે દૈદીપ્યમાન અસ્તિત્વ બ્રહ્મસમાન છે તેમ જણાવ્યું છે. બ્રહ્મ નિર્દોષ છે તેવું સ્થાપિત નથી કરાયું પણ જેવો નિર્દોષ છે તે બ્રહ્મ સમાન છે, તેમ જણાવ્યું છે. આધ્યાત્મની આ એક અનેરી ઘટના છે. જેનું નિરુપણ ન થઈ શકે તેનું સામાન્ય જન સમાજ માટે નિરુપણ કરવાનો આ પ્રયાસ છે. જેને બાધિત ન કરી શકાય તેની વ્યાખ્યા કરવાનો આ પ્રયત્ન છે. જે નિરાકાર છે તેની માટે કઈ સમજ બંધાય તેવો આશય અહીં દેખાય છે.
ગીતાના બારમા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે અવ્યક્તની આરાધના દેહધારી માટે મુશ્કેલ છે. કદાચ અહીં આ મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન છે. અવ્યક્તની આરાધના થઈ તો શકે જ, તે અસંભવ નથી, પરંતુ પ્રાથમિક તબક્કામાં માનવીને કોઈક અવલંબનની જરૂર રહે છે. આગળ જતા આ અવલંબન છૂટી જાય, પણ તેનું મહત્ત્વ તો છે. તેટલા જ માટે આપણાં શાસ્ત્રોમાં વચગાળાનું અવલંબન સ્થાપવાનો પ્રયત્ન સતત દેખાય છે.
બ્રહ્મ અવ્યક્ત હોવાથી તેનું ચિંતન થઈ શકે. કોઈ ચોક્કસ પ્રકારની પરિકલ્પના દ્વારા તેને સમજવાનો પ્રયત્ન થઈ શકે. તે નિરાકાર છે તેમ જાણ્યા પછી પ્રત્યેક આકારની બાદબાકી કરવાની પ્રક્રિયા શરૂ થાય, પણ આ માટે પ્રત્યેક આકારની પ્રતીતિ હોવી જરૂરી છે. જેનું વર્ણન ન થઈ શકે તેની માટે તેની પરિકલ્પના એક વચગાળાનું સાધન બની શકે. જ્યાં મન અને ઇન્દ્રિયો પહોંચી ન શકે ત્યાં – તે દિશાનું પહેલું પગલું મન અને ઇન્દ્રિયો દ્વારા જ ભરાતું જોવા મળે છે. ડગલું જરૂરી છે, પણ દિશા ખબર નથી. આકાર ખબર નથી પણ નિરાકારતા માટે શ્રદ્ધા છે. ત્યાં શબ્દ પહોંચી નથી શકતો પણ પ્રતીકાત્મક ૐ કારની શક્તિની આપણને જાણ છે.
ઇશ ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે તે સ્થિર હોવા છતાં તેની ગતિ સૌથી વધુ છે. મજાની વાત એ છે કે સ્થિરતા સમજવા માટે ગતિનું જ્ઞાન હોવું જોઈએ. પ્રકાશને સમજવા માટે જિંદગીના કોઈક તબક્કે અંધકારની પ્રતીતિ થયેલી હોવી જોઈએ. સત્યનું મૂલ્ય ત્યારે જ સમજાય જ્યારે અસત્યથી વ્યક્તિ ત્રસ્ત હોય. માયા અને અવિદ્યાના પ્રપંચથી ઘેરાયા પછી જ મુક્તિનું મહત્ત્વ સમજાય. એમ જણાય છે કે અહીં બ્રહ્મની સમજ માટે અ-બ્રહ્મનો સહારો લેવાયો છે. જોકે વાસ્તવમાં અબ્રહ્મ જેવું અસ્તિત્વ જ નથી, જે છે તે બધું બ્રહ્મ છે અને બ્રહ્મમય છે .
પંડિતો, જ્ઞાની, ભક્તજનો, યોગી – આ બધા સમદ્રષ્ટા છે. તેઓને બ્રાહ્મણ, ગાય, હાથી, શ્ર્વાન કે શ્ર્વપાકમાં કોઈ ભેદ વર્તાતો નથી. તેમને તો નિરાકાર અને આકારમાં પણ ભેદ વર્તાતો નથી. તેમની માટે અંધકાર પણ તેટલો જ પ્રકાશમય છે અને પ્રકાશ પણ અંધકારનો પર્યાય છે. જીવન અને મૃત્યુના સમીકરણથી તેઓ પર તો છે જ પણ સાથે સાથે મોક્ષ અને બંધનની ધારણાઓથી પણ તેઓ મુક્ત છે. છે અને નથીનો દ્વંદ્વ પણ તેમને અસર નથી કરતો. એવી વ્યક્તિઓને બ્રહ્મની ઓળખ માટે નિર્દોષતા નામના ગુણની જરૂર નથી. છતાં પણ તેમનું ઉદાહરણ લઈને આવી ધારણા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરાય છે – આવો પ્રયત્ન સામાન્ય જનસમુદાય માટેનો છે. એક વિશેષ સ્તરે પહોંચ્યા પછી કોઈપણ પ્રકારનું સમીકરણ કે સંબોધન કે સરખામણી અસ્થાને બની રહે છે. સાંદર્ભિક રીતે સમજીએ તો બ્રહ્મ તટસ્થ છે. તેમને કશાની અપેક્ષા કે ખેવના નથી.
બ્રહ્મ એમ પણ નથી ઈચ્છતા કે લોકો ભક્તિ કરે કે યોગ માર્ગમાં આગળ વધે કે જ્ઞાની બને. કોઈપણ બાબત કે કોઈપણ પરિસ્થિતિ હોવા કે ન હોવા માટે તેમનો કોઈ અભિપ્રાય નથી. હોવું અને ન હોવું તે બંને બાબતો તેમની માટે સમાન છે. તેમની સંલગ્નતા કે તેમનો લગાવ કશા માટે નથી. તે માત્ર છે અને તેના હોવાપણા માટેની સમજ જ પૂરતી છે. બ્રહ્મને કોઈપણ પ્રકારના વિશેષણ વડે બાધિત ન કરી શકાય.