વીક એન્ડ

નાની એવી ભમરીની મોટી મોટી વાતો…

એક વિચિત્ર ભમરીની જે આગળના એપિસોડમાં આપણે ટેરેન્ટુલા જાતિના ઝેરી અને ડરાવી ડે એટલા કદના કરોળિયાઓની વાત કરી, એજ ટેરેન્ટુલાને આ ભમરી કેવી રીતે પોતાની જાળમાં ફસાવીને તેનો ઉપયોગ કરી જાય છે

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

બાળપણમાં એક લગ્નમાં ગયેલા અને ટણકટોળી ઊપડી ફુવા સાહેબના ખેતરે. ખેતરે ઉધમ મચાવતા મચાવતા અમારા એક શેતાન કઝીન બંધુએ અમને સૌને કહ્યું કે એ હાલો તમને મધપૂડો દેખાડું… અને અમે સૌ ભોળા ભાવે ઝાડવા પાસે ભેગા થઈને પાંદડાઓ વચ્ચે છુપાયેલા મસમોટા મધપૂડાને જોઈ રહેલાં, અને અમારા એ નિર્દય ભાઈએ હાથમાં છુપાવેલો પથ્થર માર્યો મધપૂડામાં! શું થઈ રહ્યું છે એ સમજીએ તે પહેલાં તો મધમાખીઓ અમારા પર તૂટી પડેલી અને અમારો એ નિર્દયભાઈ સાજોનરવો ખેતરની વાડ પાર કરતો દેખાયેલો. માથા, ગળા અને કપડાં સહિત કહી ન શકાય એવી અનેક જગ્યા પર મધમાખીના ડંખ ખાઈને મધમાખી શું ચીજ છે એનું અમને પ્રાયોગિક ગીનાન મળેલું. એવી જ રીતે એકવાર ભમરો કરડી ગયા બાદ એર-ટુ-એર મિસાઈલ જેવા આ જીવો પ્રત્યે અમારા મનમાં પણ ખૌફ બેસી ગયેલો. હવામાં ઊડતા હોય ને કરડે એવા જીવડાઓમાં માણસને જો કોઈનો ડર લાગતો હોય તો સૌ પ્રથમ તો મધમાખી આવે. પછી વારો આવે ભમરાઓનો અને અંતે યાદ આવે ભમરીની. કાઠિયાવાડીઓ જેને કાંડર તરીકે ઓળખે છે એ જીવ એટલે કે ભમરીને પણ પછીથી ઓળખવાનું થયેલું. આપણે ત્યાં લાલ ભમરીઓના છત્તા દર બીજા ત્રીજા ઘરે જોવા મળશે જ.

વાત છે ભમરીની, પણ માત્ર કરડે એવી ભમરીની વાત નથી આજે. આજે વાત છે એક વિચિત્ર ભમરીની જે આગળના એપિસોડમાં આપણે ટેરેન્ટુલા જાતિના ઝેરી અને ડરાવી ડે એટલા કદના કરોળિયાઓની વાત કરી, એજ ટેરેન્ટુલાને આ ભમરી કેવી રીતે પોતાની જાળમાં ફસાવીને તેનો ઉપયોગ કરી જાય છે. ટેરેન્ટુલાના છથી બાર ઈંચના કદની સામે આ ભમરીબેનનું કદ માત્ર ત્રીજા ભાગનું જ, એટલે કે આશરે ચારેક ઈંચની હોય છે. હા આપણે ત્યાં જોવા મળતી સામાન્ય કદની ભમરીઓ કરતાં આ ભમરી ત્રણ ગણી મોટી હોય છે. આ ભમરીનું નામ છે ટેરેન્ટુલા હોક વાસ્પ. એના નામમાં ટેરેન્ટુલા આવવાનું કારણ એ છે કે આ ભમરીની પ્રજોત્પતિની પ્રક્રિયામાં ટેરેન્ટુલાની મહત્ત્વની ભૂમિકા હોય છે.

આ ભમરી એન્ટાર્કટિકા સિવાય દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળે છે. નાનકડી આ ભમરીના જીવન પર જોખમ આવી પડે ત્યારે તે ભીષણ યુદ્ધ પણ કરી લે છે. વિશ્ર્વના અવનવા અને સંશોધન કરનારા વૈજ્ઞાનિકોમાં એક વૈજ્ઞાનિકે સાવ અનોખુ સંશોધન કરેલું. જસ્ટિન ઓરેલ શ્મિટ નામના એક વૈજ્ઞાનિકે જંતુઓના ડંખથી થતી ભયાનક પીડાનું લિસ્ટિંગ કરીને તેને રેટિંગ આપેલું. આ યાદીમાં પ્રથમ સ્થાને જેના દંશથી ભયાનક પીડા થાય છે તે ‘બુલેટ એન્ટ’ નામની કીડી છે, અને બીજા સ્થાને છે આપણા ટેરેન્ટુલા હોક વાસ્પબેન . . . સાંભળીને જ થથરી જવાય કે આ ભમરીબેન એવું તે કેવું કરડતા હશે ? શ્મિટના વર્ણન મુજબ જ્યારે આ ભમરી કરડે છે ત્યારે માનવને પાંચેક મિનિટ માટે તો એટલું ભયાનક દર્દ થાય છે કે જેને ડંખ દીધો હોય એને ધોળે દિવસે તારા દેખાઈ જાય છે, જાણે વીજળીનો તાર ન પકડાઈ ગયો હોય એવી કારમી વેદના ઊપડે છે.

ટેરેન્ટુલા હોક્સ વાસ્પ પોતાના શિકારને નિષ્ક્રિય કરવા માટે ઝેરનો ઉપયોગ કરે છે. તેના દંશથી શિકાર લકવાગ્રસ્ત થઈ જાય છે. તો આપણને એમ થાય કે આ ડંખ અને આટલું ભયંકર ઝેર શા માટે બનાવ્યું હશે તેણે? ક્રમિક વિકાસની વાત કરીએ કે ઉત્ક્રાંતિની . . . તો હજારો વર્ષો દરમિયાન પોતાના બચાવ અને શિકાર માટે આ એક એવી પ્રજાતિ બનીને ઊભરી જેની પાસે થાળી જેવડા કારોળિયાને પણ વશમાં કરવાની ક્ષમતા આવી ગઈ. આ જાતિમાં એક બીજી વિશેષતા એ છે કે એની ઓછી ઝેરીલી પેટા પ્રજાતિઓ પણ એકસમાન દેખાય છે. સામાન્ય રીતે જાતિ અને પેટા જાતિઓ વચ્ચે તેને જોઈને જ ઓળખી શકાય એવો દેખીતો તફાવત હોય છે, પરંતુ ટેરેન્ટુલા હોક્સ વાસ્પની તમામ જાતિ-પ્રજાતિઓ એકસમાન જ દેખાય છે. તેમનું શરીર જાંબુડિયા રંગનું અને પાંખો ઊડીને આંખે વળગે એવા તપકીરિયા રંગની હોય છે. આટલી હિંસક બની શકતી આ વાસ્પની ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે આ ભમરી સડેલા ફ્રૂટમાંથી તેનો રસ પીને પોતાનું પેટ ભરે છે મતલબ કે ફ્રૂટીવોરસ છે, અને ભૂલથી પણ જો તમે તેને છેડી બેઠાં, તો તમને ચારસો ચાલીસ વોલ્ટનો ઝટકો ડંખ મારે છે.

તો આપણને જરૂર એમ થશે કે જો આ માખી ઉકસાવ્યા વિના ડંખતી નથી તો પછી આવા ભયાનક અને પીડાદાયક ડંખની જરૂર શું પડી ? તો વાત જાણે એમ છે કે, આ ભમરી જ્યારે પ્રજોત્પતિ કરવાને લાયક થાય ત્યારે સૌ પ્રથમ તે એક જોડીદાર શોધે. તેની સાથે સમાગમ કરીને માદા થોડા જ સમયમાં જમીન પર વસતા ટેરેન્ટુલાની શોધ આદરે છે. માદાને જ્યારે કરોળિયાનું દર મળી જાય ત્યારે તે તેમાં ઘૂસીને કારોળિયાને દરમાંથી બહાર નીકળવા ઉશ્કેરે છે. ઉશ્કેરાયેલો ટેરેન્ટુલા જ્યારે બહાર આવીને બચાવની મુદ્રામાં પોતાના આગળના બન્ને પગ હવામાં ઊંચા કરીને સાથે પોતાના ઝેરીલા ડંખ ઊંચા કરે ત્યારે, આપણા ભમરીબેન તેના ખુલ્લા થયેલા પેટના ભાગે પાંચ છ ડંખ મારે છે. ટેરેન્ટુલા બેહોશ થઈ જાય પછી ભમરીબેન તેને ઢસડીને પોતે નક્કી કરેલી જગ્યા પર લઈ જાય છે.
ત્યાર બાદ આપણા ભમરીબેન તેના નિષ્ક્રિય શરીરમાં પોતાના ઈંડાં મૂકી દે છે. ટેરન્ટુલા બેહોશ હોય છે અને તેના નિષ્ક્રિય શરીરની ગરમીમાં ઈંડાં સેવાય છે. ઈંડાંમાંથી લારવા નીકળે ત્યારે ટેરેન્ટુલા જીવતો હોવાથી તેનું માંસ પણ સડેલું હોતું નથી. હવે ખેલ શરૂ થાય છે કરોળિયાના અંતિમ દિવસો. ભમરીબેનના લારવા દિવસોના દિવસો સુધી નિષ્ક્રિય પણ જીવતા ટેરેન્ટુલાને અંદરથી જ ખાધા કરે છે અને લારવામાંથી પાક્કા જવાન થઈ જાય ત્યારે જ બહાર નીકળીને પોતાનું સ્વતંત્ર જીવન શરૂ કરે છે.

મિત્રો આપણી આજની હિરોઈન ટેરેન્ટુલા હોક્સ વાસ્પ ભલે જંતુ રહી, પરંતુ એવું નથી લાગતું કે એનામાં માણસના ગુણ છે ? આપણા સમાજમાં જ આ ટેરન્ટૂલા વાસ્પનાં લક્ષણો ધરાવતા ઘણા લોકો દેખાશે જે પોતાના બચ્ચાઓને પાળવા પોષવા માટે સમાજને કારમાં ડંખ આપીને પછી સમાજનું ખૂન ચૂસવા છોડી મૂકે છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button