‘કોમેડી કારનામાં’: તમે વિચાર્યું ય નહિ હોય કે યુદ્ધ ‘આ રીતે’ પણ લડી શકાય!
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
વિશ્ર્વયુદ્ધમાં મિત્રદેશોની સેનાએ નાઝીઓને હંફાવવા માટે કરેલા કેટલાક ગતકડાની કથા
સપ્ટેમ્બર મહિનો બીજા વિશ્ર્વયુદ્ધની યાદો લઈને આવે છે. માનવજાતના ઈતિહાસની વિભીષિકા ગણાતું આ યુદ્ધ ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ને દિવસે શરૂ થયેલું અને ૨ સપ્ટેમ્બર, ૧૯૪૫ને દિવસે પૂરું થયું. આમ, આ યુદ્ધ બરાબર ૬ વર્ષ અને ૧ દિવસ ચાલ્યું. આ દરમિયાન હિટલર-મુસોલીનીની સેનાઓ અને બ્રિટન-અમેરિકા સહિતના મિત્ર દેશો વચ્ચે સીધા યુદ્ધ સિવાયના પણ કેટલાય કાવાદાવા ચાલતા રહ્યા. એમાંય મિત્ર દેશોની સેનાએ નાઝી સેનાની હેરાનગતિ માટે કરેલા કેટલાક ગતકડા યાદગાર છે. આ પૈકી કેટલાક રમૂજપ્રેરક છે, તો કેટલાક વળી જુગુપ્સાપ્રેરક પણ ખરા.
બ્રિટને નાઝીઓના વિશિષ્ટ ‘પ્રતિકાર’ માટે એક ખાસ સંગઠનની રચના કરેલી, જેનું નામ હતું ‘સ્પેશિયલ ઓપરેશન્સ એક્ઝિક્યુટીવ્સ’-જઘઊ. આ સંગઠનના અફસરો બડા ખેપાની! સીધા યુદ્ધને બદલે બીજી-ત્રીજી યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા નાઝી સૈનિકોને હેરાન કરવાનું અને એમનું મનોબળ તોડવાનું કામ જઘઊવાળા પૂરજોશમાં કરતા. આ માટે જઘઊ ઘણીવાર હાઈસ્કૂલના તોફાની બારકસો કરે, એવા ટીખળ કરતા.
એક વાર જઘઊવાળાએ ‘ઇચિંગ પાઉડર’, એટલે કે ચામડી ઉપર ભારે ખંજવાળ પેદા કરે એવા પાઉડરનું મોટે પાયે ઉત્પાદન કરવાનો ઓર્ડર આપ્યો. ઇચિંગ પાઉડરને સરસ મજાના ડબ્બાઓમાં એવી રીતે પેક કરવામાં આવ્યો કે શરીરે ચોપડવાના સુગંધિત ટેલ્કમ પાઉડર જેવો દેખાય. ઇચિંગ પાઉડરના આવા હજારો ડબ્બાઓ દાણચોરી કરીને જર્મન કબજા હેઠળના પ્રદેશોમાં ઘુસાડવામાં આવ્યા. જર્મનોએ જીતેલા આ પ્રદેશોની પ્રજાનો મોટા ભાગનો હિસ્સો સ્વાભાવિક રીતે જ નાઝી સેનાનો વિરોધી હતો. આવા વિરોધીઓમાં અનેક લોન્ડ્રીવાળાઓ પણ સામેલ હતા, જે નાઝી સેનાના યુનિફોર્મ્સ ધોઈને ઈ ટાઈટ કરવાનું કામ કરતા હોય. જઘઊએ પોતાના નેટવર્કનો ઉપયોગ કરીને પેલો ટેલ્કમ પાઉડર’ આ લોન્ડ્રીવાળાઓ સુધી પહોંચાડી દીધો. આ પાઉડરનું શું કરવાનું હતું, એ તો પેલા નાઝી વિરોધી ધોબીઓ જાતે જ સમજી’ ગયા! ખૂબીની વાત એ હતી કે આવો પાઉડર બહુ મોટા પાયે જર્મન કબજા હેઠળના પ્રદેશોમાં ઘુસાડવામાં આવેલો. જઘઊના રિપોર્ટ્સ મુજબ યુ-બોટ તરીકે ઓળખાતી જર્મન સબમરીન્સમાં ફરજ બજાવતા ૨૫,૦૦૦ જેટલા સૈનિકો આ ઇચિંગ પાઉડરનો ભોગ બન્યા. બિચારા સૈનિકો દરિયાની સપાટી નીચે ડૂબેલી સબમરીન્સમાં બેસીને યુદ્ધની રણનીતિ પર અમલ કરે, કે એકબીજાનું શરીર વલૂરી આપે! આમ જુઓ તો ઇચિંગ પાઉડર કંઈ ‘ઘાતક’ હથિયારની શ્રેણીમાં ન આવે, પણ યુદ્ધના તણાવ વચ્ચે જર્મન નેવીને હરાન-પરેશાન કરવામાં આ ઇચિંગ પાઉડરે નોંધપાત્ર ભૂમિકા ભજવી.
બીજી તરફ, જઘઊના ક્રિએટીવ અધિકારીઓએ ઇચિંગ પાઉડરનો ઉપયોગ માત્ર યુનિફોર્મ્સ પૂરતો જ સીમિત રાખવાને બદલે બીજા વિકલ્પો તરફ પણ નજર દોડાવી. જર્મન ઓફિસર્સને પોસ્ટમાં એન્વેલપ્સ મોકલવામાં આવતા, જેમાં ઇચિંગ પાઉડર ભરેલો રહેતો. જેવો જર્મન ઓફિસર કોઈ મહત્ત્વનો સંદેશ સમજીને પરબીડિયું ખોલે, કે બિચારાનો બાકીનો આખો દિવસ વલૂરવામાં જ પૂરો થાય! આવા ‘ઇચિંગ એટેક’ની ખરી ચરમસીમા તો નોર્વેમાં જોવા મળી. અહીં કોઈ ખુરાફાતીએ જર્મન સૈનિકોના વપરાશ માટે બનાવાયેલ કોન્ડોમ્સમાં ઇચિંગ પાઉડર છાંટવાનો ઉપાય અજમાવ્યો. પછી તો જો થઇ છે…! ટ્રોન્ધેમ (ઝજ્ઞિક્ષમવયશળ) નામના જે વિસ્તારમાં આ વિશિષ્ટ ‘ટ્રીટમેન્ટ’ પામેલા કોન્ડોમ્સ ડિલિવર થયા, ત્યાંની લોકલ હૉસ્પિટલ્સમાં ‘કહેવાય પણ નહિ, સહેવાય પણ નહિ’ જેવી પરિસ્થિતિમાં લવાયેલા નાઝી સૈનિકોની ભીડ દેખાવા માંડી.
…અને માણસ ખંજવાળથી જ હેરાન થાય એવું થોડું છે?! ઘણીવાર કાતિલ દુર્ગંધ પણ તમારા બાર વગાડી દેતી હોય છે. બ્રિટિશરોએ એટલા માટે જ ખાસ પ્રકારના ‘સ્ટિન્ક (દુર્ગંધ) બોમ્બ’ બનાવ્યા! એમ તો એ ખાલી કહેવા ખાતરના બોમ્બ હતા, હકીકતે એમનું કદ નાનકડી કેપ્સ્યુલ જેટલું જ રહેતું. આવી કેપ્સ્યુલને જ-કેપ્સ્યુલ કહેતા. એ ફૂટે ત્યારે કોઈ ધમાકો નહતો થતો, બલકે માથું ફાડી નાખે એવી ભયંકર દુર્ગંધ ફેલાતી! યુદ્ધ સમયે સૈનિકો રોજબરોજના મજૂરીનાં કામો મોટે ભાગે જીતી લીધેલા પ્રદેશના સ્થાનિક લોકો પાસે કરાવતા હોય છે. પરિણામે આવા સ્થાનિકોને સાફસફાઈ-મેઇન્ટેનન્સને બહાને ઘણી વાર સૈનિકો અને અફસરોની પર્સનલ વસ્તુઓ અને કપડા સુધીની પહોંચ મળી જતી હોય છે. જઘઊના આવા જ સ્થાનિક મદદગારો કોઈક રીતે જર્મન સૈનિકોના ઓવરકોટના ગજવામાં આવી કેપ્સ્યુલ સેરવી દેતા. કાતિલ ઠંડીમાં ઠુંઠવાતા સૈનિકોને ઓવરકોટ પહેર્યા વિના ચાલે જ નહિ, અને ઓવરકોટ પહેરે એટલે થોડી જ વારમાં ગજવામાં પડેલી જ-કેપ્સ્યુલ ફાટતી, અને આજુબાજુનું આખું વાતાવરણ દુર્ગંધમય બની જતું! એનાથી કોટ પહેરનાર સહિત આસપાસના તમામ સૈનિકો ત્રાહિમામ પોકારી જતા! એક તો શિયાળાની ઋતુ, એટલે ઓવરકોટ વિના ચાલે નહિ, અને યુદ્ધની પરિસ્થિતિને કારણે ઓવરકોટની ભારે તંગી ય ખરી. એટલે
સૈનિકોએ એક જ ઓવરકોટ દિવસો સુધી ધોયા વિના વાપર્યા કરવો પડે! હવે એવો ઓવરકોટ જ જો ગંધાઈ ઊઠે, તો બિચારા સૈનિક અને એની ટુકડીના બીજા સાથીદારોની હાલત શું થાય?! વળી કેપ્સ્યુલ એવી દમદાર બનાવેલી, કે ઓવરકોટ બે-ત્રણ વખત ધોવાઈ ન જાય, ત્યાં સુધી ‘મહેકતો’ રહે!
અમેરિકાના ‘ઓફિસ ઓફ સ્ટ્રેટેજિક સર્વિસીસ’-ઘજજ દ્વારા પણ ખાસ પ્રકારનો ‘સ્ટિન્કી સ્પ્રે’ વિકસાવવામાં આવેલો. આ સ્પ્રેને મજાકમાં ઠવજ્ઞ ખય? જેવું નામ આપવામાં આવેલું. સ્પ્રેની દુર્ગંધ એવી ખતરનાક, કે બિચારો ભોગ બનેલો સૈનિક પોતાના જ અસ્તિત્વને ધિક્કારતો થઇ જાય.
અહીં નાઝીઓને નાકે દમ આણવાની એક ઓર ઘટનાના ઉલ્લેખ વિના તો લેખ અધૂરો ગણાય. એક વાર એવું થયું કે જઘઊના ભેજાબાજોએ જર્મન ઓફિસર્સને નાઝી સમર્થકો સામે જ ઘર્ષણમાં ઉતારી દીધા! વાત ૧૯૪૪ની છે. એ સમયે સ્વિડનમાં ઘણા નાઝી સમર્થકો વસતા હતા. આ લોકો ખુલીને નાઝી સેના-હિટલરની પ્રશંસા કરતા. હવે એ જમાનામાં જર્મનીમાં જ્યોર્જ એલેક્ઝાન્ડર નામના અભિનેતાના કોમેડી શોઝ-નાટકો બહુ લોકપ્રિય હતા. એકવાર સ્ટોકહોમ ખાતેની જર્મન એલચી કચેરીના અધિકારીઓને થયું કે સ્વિડનમાં વસતા નાઝી સમર્થકો માટે જ્યોર્જ એલેક્ઝાન્ડરનાં નાટકનો શો ગોઠવવો જોઈએ. યુદ્ધના એ સમયગાળામાં જેમતેમ કરીને જ્યોર્જના એક નવાનક્કોર નાટકનો શો ગોઠવાયો. શો માત્ર એક જ વાર ભજવવાનો હોવાને કારણે એને ઓપન ફોર ઓલ રાખવાને બદલે જર્મન એમ્બેસી દ્વારા આમંત્રણ મળે, એ જ નાઝી સમર્થકો માટે અનામત રાખવામાં આવ્યો. અહીં જ પેલા જઘઊવાળાઓ જબરી રમત રમી ગયા!
જઘઊના માણસોએ જર્મન એમ્બેસી દ્વારા છપાવવામાં આવેલા નિમંત્રણ કાર્ડની કોપી મારીને અદ્દલ એવા જ કાર્ડસ હજારોની સંખ્યામાં છપાવી માર્યા! એટલું જ નહિ પણ આખા સ્વિડનમાં પથરાયેલા હજારો નાઝી સમર્થકોને પૂરેપૂરા ‘પ્રેમ અને આદરભાવપૂર્વક’ આ ડુપ્લિકેટ કાર્ડસ મોકલી આપવામાં આવ્યા! એક અંદાજ મુજબ, જઘઊવાળાઓએ ફક્ત એક જ વખત ભજવાનારા શો માટે ૩,૦૦૦ માણસોને નિમંત્રણકાર્ડ પાઠવી દીધેલા! લોકો ય પાછા એકદમ ઈમોશનલ, નાઝીઓ તરફની વફાદારીનો શિરપાવ મળ્યો, એવું સમજીને હોશે હોશે થિયેટર તરફ હડી કાઢી. કેટલાક તો વળી સેંકડો કિલોમીટર દૂરથી લાંબો પ્રવાસ ખેડીને જ્યોર્જનું નાટક જોવા આવી પહોંચ્યા! જઘઊવાળાએ વળી બીજી ગમ્મત એવી કરેલી કે નિમંત્રણકાર્ડમાં નાટક જોવા આવનાર દરેક નાઝી સમર્થકને મોંઘામાં મોંઘો ઇવનિંગ સ્યુટ પહેરીને આવવા માટે આગ્રહ કરવામાં આવેલો! એટલે શો ની સાંજે સ્યૂટ-બૂટ અને બ્લેક ટાઈ સહિત ભપકાદાર તૈયાર થયેલા હજારો નાઝી સમર્થકોના ટોળા થિયેટર પર ઊમટી પડ્યા! હવે આટલી મોટી સંખ્યામાં દર્શકોને સમાવવાની વ્યવસ્થા તો સ્વાભાવિક રીતે જ નહોતી! બીજી તરફ, માર્યાદિત નિમંત્રણ કાર્ડ વહેંચાયા હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દર્શકો કઈ રીતે આવી ગયા, એ બાબતે જર્મન ઓફિસર્સ મૂંઝવણમાં હતા. આખરે એમ્બેસીના અધિકારીઓએ બોગસ નિમંત્રણકાર્ડ લઈને આવેલા દર્શકોને જ્યોર્જના શોમાં દાખલ ન થવા દીધા. આ બધા પૈકી કેટલાય દર્શકો તો કલાકોનો પ્રવાસ ખેડીને આવેલા. વળી નાઝી સરકાર તરફથી પોતાને ખાસ નિમંત્રણકાર્ડ મળ્યું, એ અંગેનો હરખ ગામ આખામાં કરતા આવેલા! આ તમામ ઈમોશનલ લોકો જર્મન એમ્બેસીના અધિકારીઓ પર ભારે ખફા થયા! પછી તો પરિસ્થિતિ થાળે પડતા કલાકો લાગ્યા. શો મોડો શરૂ થયો અને બોગસ નિમંત્રણકાર્ડથી છેતરાયેલા હજારો લોકો બિચારા વિલા મોઢે ઘરે પાછા ફર્યા. જો કે એમની કમબખ્તી આટલેથી અટકવાની નહોતી. બોગસ નિમંત્રણવાળા ‘પ્રેક્ટિકલ જોક’ની વાત જેમ જેમ સ્વિડનમાં ફેલાતી ગઈ, તેમ તેમ લોકો પેલા નાઝી સમર્થકોની ખિલ્લી ઉડાવવા માંડ્યા. પરિણામે ભારે અપમાન અને ભોંઠપને કારણે ઘણા નાઝી સમર્થકો જર્મની-હિટલરના ટીકાકાર બન્યા હશે. અથવા જાહેરમાં સમર્થન આપતા બંધ થયા હશે.
રાજકારણમાં પણ આવી મનોવૈજ્ઞાનિક રમતો મોટા પાયે ચાલતી રહે છે. રાજકીય પક્ષો પોતાના વિરોધીઓના સમર્થકોને ભોંઠા પાડવાની એક પણ તક ચૂકતા હોતા નથી. આજેય તમે સોશિયલ મીડિયા પર આવું પ્રચારયુદ્ધ જુઓ જ છો. જો કે જઘઊએ એ જમાનામાં પ્રચારયુદ્ધનો જેવો ઉપયોગ કર્યો, એ પણ કાબિલ-એ-દાદ છે. આજે જે વર્ણવી, એ બધા કરતા ચડી જાય એવી મનોવૈજ્ઞાનિક રમત વિશે વાત આવતા અઠવાડિયે.