રાજકારણ, ચૂંટણી અને ક્લાયમેટ ચેન્જ: આ વર્ષ રસપ્રદ રહેશે
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
રાજકારણ એ ક્રૂર વાસ્તવિકતાનું બીજું નામ છે. આ એક શબ્દમાં શંકાથી માંડીને સંભાવના સિવાયનું બધું જ સમાવિષ્ટ છે. જો કશુંક નથી, તો એ છે આદર્શવાદ. અને જોવાની ખૂબી એ છે કે દુનિયાનો દરેક રાજકારણી સિદ્ધાંતો અને આદર્શવાદની વાતો કરતા થાકતો નથી! કદાચ રાજકારણીઓનો ય આપણે ધારીએ છીએ એટલો વાંક નથી. કરોડો લોકોનું હિત, ઇચ્છાઓ, લાગણીઓ અને મહત્ત્વાકાંક્ષાઓ જ્યાં સંકળાયેલા હોય, ત્યાં આદર્શવાદી થવું લગભગ અશક્ય છે. પર્યાવરણ બાબતે આ વાત સુપેરે સમજાશે.
અહીં રાજકારણ અને પર્યાવરણને સાંકળવાનું કારણ છે નજીકના ભવિષ્યમાં તોળાઈ રહેલી ચૂંટણીઓ. આગામી સમયમાં વિશ્વની ત્રીજા ભાગની વસ્તી પોતાના નેતાઓ ચૂંટવા જઈ રહી છે. આગામી સમયમાં જે દેશોમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે એમાં ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા અને રશિયાનો સમાવેશ થાય છે. આંકડાઓ તપાસતા ખ્યાલ આવશે કે આ પાંચે પાંચ દેશો-રાષ્ટ્રસમૂહ કાર્બન ઉત્સર્જન મામલે ટોચના દેશો ગણાય છે! યુનાઈટેડ નેશન્સના આંકડાઓ મુજબ અશ્મિભૂત ઈંધણનાં વપરાશ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કારણે વાતાવરણમાં ફેલાતા કાર્બન વાયુના પ્રમાણ બાબતે અમેરિકા (5.06 બિલિયન) ટોચના સ્થાને છે. એ પછી અનુક્રમે ભારત (2.83 બિલિયન), યુરોપિયન યુનિયન (2.76 બિલિયન), રશિયા (1.65 બિલિયન) અને ઇન્ડોનેશિયાનો (729 મિલિયન)નો નંબર આવે છે. વૈજ્ઞાનિકોની આગાહી છે કે કાર્બન ઉત્સર્જનને કારણે પૃથ્વી પર ગરમી ઉત્તરોત્તર વધી રહી છે, જે હિમખંડોને પીગળાવી નાખશે, અને મોટા ભાગની દુનિયા ડૂબી મરશે!
હવે આ પરિસ્થિતિમાં વિશ્વની ત્રીજા ભાગની વસ્તીને આવરી લેતી ચૂંટણીઓ યોજાવાની હોય, તો એમાં પર્યાવરણ (ક્લાયમેટ ચેન્જ)નો મુદ્દો પ્રભાવી હોવો જોઈએ ને! પણ એવું જરાય નથી! ચૂંટણીના વચનોમાં ક્યાંય ક્લાયમેટ ચેન્જ અંગે ઝાઝી ચર્ચા જ નથી. ચાલો જોઈએ, કાર્બન ઉત્સર્જનના મહારથી ગણાતા આ પાંચ દેશોના ઇલેક્શન્સ અને કાર્બન સમસ્યા કઈ રીતે સંકળાયેલા છે!
અમેરિકાની વાત કરીએ તો ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન પ્રમુખ જો બાઈડેનની નીતિઓમાં આસમાન-જમીનનો તફાવત છે. નિષ્ણાતો માને છે કે બાઈડેન સરકારે જે પોલિસીઝ (ઈંક્ષરહફશિંજ્ઞક્ષ છયમીભશિંજ્ઞક્ષ અભિં જ્ઞર 2022) અપનાવી છે, એને કારણે 2035 સુધીમાં અમેરિકા ઇસ 2005ના કાર્બન ઉત્સર્જનની સરખામણીએ 43 થી 48%નો ઘટાડો કરી શકશે. ઇન શોર્ટ, ત્રણ દાયકામાં કાર્બન ઉત્સર્જન ખાસ્સું ઘટશે. વાત ભલે ત્રણ દાયકાની થતી હોય, પણ આ એક્ટ હજી બે વર્ષ પહેલા જ અસ્તિત્વમાં આવ્યો છે. અને આવનારા દસ-બાર વર્ષમાં ખરેખર કેટલો ફરક પડશે, એ તો આવનારો સમય જ કહેશે. બીજી તરફ, જો ટ્રમ્પ ફરી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવશે, તો નીતિઓ પર જમણેરી મૂડીવાદની અસર જોવા મળી શકે છે. `અમેરિકા ફર્સ્ટ’ની નીતિ હેઠળ ટ્રમ્પ સરકાર અમેરિકી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા જશે, તો પ્રદૂષણની ચિંતા અભરાઈ પર ચડાવવી પડશે. હકીકતે અમેરિકા દોરાહા પર ઊભું છે. એક તરફ ચાઈનાનો ડર છે, બીજી તરફ પ્રદૂષણની ચિંતા. ટ્રમ્પ પોતાની પાછલી ટર્મમાં વટ કે સાથે ક્લાયમેટ એગ્રિમેન્ટમાંથી એક્ઝિટ કરી ગયેલા.
ભારત કાર્બન ઉત્સર્જન મામલે અમેરિકાથી ખાસ્સું પાછળ છે, છતાં લીસ્ટમાં બીજા નંબરે છે. કમનસીબે આપણો એક્કેય રાજકીય પક્ષ પોતાના ચૂંટણી એજન્ડામાં પ્રદૂષણ કે કાર્બન ઉત્સર્જનના મુદ્દાને સમાવિષ્ટ કરે, એવી શક્યતા દૂર દૂર સુધી નથી જણાતી. છતાં પ્રતિષ્ઠિત નેચર ડોટ કોમ વેબસાઈટનાં અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓ એમને ક્લાયમેટ ચેન્જ બાબતે નક્કર પગલાં ભરવાની પ્રેરણા આપશે. મોદી જો પોતાના વિઝન મુજબ ભારતને વૈશ્વિક નકશા પર મૂકવા માંગતા હશે, તો આતંકવાદ, વિદેશ નીતિ સહિત ક્લાયમેટ ચેન્જ બાબતે પણ કશુંક નક્કર કર્યા વિના છૂટકો નથી. ગ્લોબલ લીડર બનવા માટે ઇતના તો કરના પડેગા! યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પોલિટિકલ સાયન્ટિસ્ટ અસીમ પ્રકાશનાં મતે મોદી ત્રીજી વખત ચૂંટાશે, તો ગ્લોબલ ક્લાયમેટ લીડર તરીકેની ઈમેજ જમાવવા માટે બનતા પ્રયત્નો કરશે. 2021માં ગ્લાસગો ખાતે યોજાયેલી ગ્લોબલ ક્લાયમેટ કોન્ફરન્સમાં મોદી 2070 સુધીમાં ભારતને ઝીરો કાર્બન એમિશન ક્નટ્રી બનાવવાનું વચન આપી ચૂક્યા છે. આ સમયગાળો લાંબો છે, પણ એના દેખીતા પ્રયત્નો અત્યારથી શરૂ થશે તો જ અસર જોવા મળશે. આપણી મુખ્ય સમસ્યા છે
વસ્તીવિસ્ફોટ! બાકી જો ગ્રીન હાઉસ વાયુઓના માથાદીઠ ઉત્સર્જનની સરખામણી કરીએ, તો અમેરિકા કરતા આપણું માથાદીઠ ઉત્સર્જન સાતમા ભાગનું જ છે. નિષ્ણાતોનું માનવું છે કે મોદીને ત્રીજી ટર્મ મળશે, તો તેઓ ક્લાયમેટ પોલિસીઝ લાગુ કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે.
નિકલ અને કોલસાની મોટા પાયે નિકાસ કરતું ઇન્ડોનેશિયા 2060 સુધીમાં ઝીરો એમિશન ક્નટ્રી બનવાનું ધ્યેય રાખે છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ નીતિ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘડવામાં નથી આવ્યા. ફેબ્રુઆરીની 14 તારીખે અહીં ચૂંટણીઓ યોજાઈ અને રિઝલ્ટ્સ આવવાના બાકી છે. ગમે એ પાર્ટીની સરકાર ચૂંટાય, એનાથી ઇન્ડોનેશિયાની ક્લાયમેટ પોલિસીઝમાં ખાસ કોઈ ફરક પડવાનો નથી. મજાની વાત એ છે કે ઇલેક્ટ્રિક વેહિકલમાં વપરાતું નિકલ એકસપોર્ટ કરતા ઇન્ડોનેશિયા પાસે ઊર્જાના બિનપરંપરાગત સ્રોતોનો વપરાશ વધારવા અંગેનું કોઈ ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ મામલે તે ભારત અને ચીન કરતા ઘણુ પાછળ છે. રાહતની વાત એટલી જ કે ઇન્ડોનેશિયામાં જંગલોનું નિકંદન નીકળવાની પ્રક્રિયા છેલ્લા પાંચ વર્ષો દરમિયાન થોડી ધીમી પડી છે.
રશિયા. આ દેશ વિષે કશું અનુમાન લગાવી શકાય એમ નથી. આખી દુનિયાને ખબર છે કે અહીં ચૂંટણી થાય તો ય શું, અને ન થાય તો ય શું! માર્ચ મહિનામાં રશિયાના રાજા પુતિન પોતાની પાંચમી ટર્મ શરૂ કરશે. યુક્રેન સાથે લગાતાર ચાલી રહેલી લડાઈ અને ઔદ્યોગિક વિકાસની દોડ વચ્ચે ક્લાયમેટની ચિંતા કરવી, એ નગારખાનામાં તતૂડી વગાડવા બરાબર છે. પુતિન ખરા દિલથી ઈચ્છે તો ય આ મામલે ખાસ કશું થઇ શકે એમ નથી. એટલિસ્ટ, નજીકના ભવિષ્યમાં. એટલે રશિયાની ચર્ચા અહીં જ અટકાવીએ.
યુરોપિયન યુનિયનના દેશોએ 2050 સુધીમાં ઝીરો એમિશન સ્ટેટ્સ બનવાનો ગોલ સેટ કર્યો છે. આ વર્ષે જૂનમાં યોજાનારી ચૂંટણીઓ દરમિયાન સંઘના 27 દેશોની પ્રજા ફુલ 720 જેટલા મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ ચૂંટી કાઢશે, જે ભવિષ્યની નીતિઓ ઘડવામાં પોતાનું યોગદાન આપશે. અત્યારે જેવું વાતાવરણ છે, એ મુજબ જમણેરી પક્ષો મેદાન મારી જશે એવું દેખાય છે. પણ આ પક્ષો ક્લાયમેટ ચેન્જ બાબતે બહુ ચિંતિત નથી. યુરોપ મંદી અને સુરક્ષા અંગેના પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાઈટ વિન્ગર્સ ક્લાયમેટ બાબતે ચિંતા કરે, એવી આશા રાખવી નકામી! બીજી તરફ, જો યુરોપિયન લીડર્સ ક્લાયમેટ ચેન્જની પોલિસી ઘડવામાં ઢીલ મૂકશે, તો દુનિયાના બાકીના નેતાઓ પણ એમને અનુસરશે! યુરોપમાં પણ ખેડૂત આંદોલનો થઇ રહ્યા છે, જેને કારણે સરકારે જમીનની બાયોડાયવર્સિટી સહિતની અમુક પોલિસીઝમાં રોલ-બેક કરવાનો વારો આવ્યો છે. વીતેલા દાયકાની સરખામણીએ યુરોપના કૃષિ ક્ષેત્રે કાર્બન એમિશનમાં થયેલો ઘટાડો બહુ સાધારણ છે. ટૂંકમાં, યુરોપની પરિસ્થિતિ પ્રમાણમાં બહેતર છે, છતાં અહીં ય નેતાઓની કસોટી તો થવાની જ છે.
અને છેલ્લે, શરૂઆતમાં જે આદર્શવાદની વાત કરી, એ વિષે થોડુંક… દુનિયાના બધા જ નેતાઓ સમજે છે કે ઔદ્યોગિકીકરણ, ખેતીની ખોટી પદ્ધતિઓ અને ખનીજો-કુદરતી સ્રોતોના આડેધડ વપરાશને કારણે આપણે કાર્બન ડાયોક્સાઈડ સહિતના ગ્રીન હાઉસ ગેસિસનું ઉત્સર્જન વધારી રહ્યા છે. જેને કારણે પૃથ્વીના જળ-વાયુમાં મોટા પાયે અનિચ્છનીય બદલાવ આવી રહ્યો છે. પરંતુ જો આ બધુ કાબૂમાં રાખવું હોય, તો ઉદ્યોગો અને ખેતીમાં અમુક પોલિસીઝ લાગુ કરવી પડે. દુનિયાની કોઈ પણ સરકાર માટે આવી આદર્શવાદી પોલિસીઝ લાગુ કરવી, એ લોઢાના ચણા ચાવવા બરાબર છે. વધતી વસ્તીને કારણે બેકારી-રોજગારીના વિકરાળ પ્રશ્નો મોં ફાડીને ઊભા હોય, ત્યાં ચાર-પાંચ દાયકા પછીની દુનિયાની ચિંતા કોણ કરે?! આ વર્ષે ટોચના કાર્બન ઉત્સર્જક દેશોમાં નવી ચૂંટાનાર સરકારો ક્લાયમેટ ચેન્જ બાબતે કેટલીક અસરકારક સાબિત થશે, એ જોવાનું રસપ્રદ રહેશે.