વીક એન્ડ

સખણા રહેવું તે પણ એક કળા છે…

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

કળા અને કલામાં ઘણો ફરક છે. જેટલો ફર્ક કળાકાર અને કલાકારમાં હોય એટલો છે. એકટીવામાં બુલેટનું સાઇલેન્સર નાખવાથી તે બુલેટ નથી થઈ જતું. તે જ રીતે લાંબા ઝબ્ભા પહેરી અને સ્ટેજ પર બોલવાથી કળાકાર કલાકાર નથી થઈ જતો.

વાહ વાહ વાહ વાહ… આવા બધા ગતકડાં હાલ ચૂંટણીના માહોલમાં ઉમેદવારો- એના ટેકેદારો અને વજનદાર નેતાઓ બોલે છે અને સામે બેઠેલા અભિભૂત શ્રોતાઓ તાળીઓ સાથે ‘વાહ..વાહ’ કરે છે.

શું બોલવું,ક્યાં બોલવું,કેટલું બોલવું એનું આ નવજાત ગોળાકાર કે નવજાત કલાકારને ભાન રહેતું નથી. માનસિક તકલીફવાળાઓ બોલી જાય પછી એને ઈલેક્ટ્રીક શોક દેવાતા હોય છે, પરંતુ અમુક લોકોએ તો બોલતા પહેલાં ઈલેક્ટ્રીક શોક લઈ લેવા જોઈએ.

બોલ્યા પછી વીડિયો વાયરલ થાય એટલે ખબર પડે કે ભાઈની જીભ લપસી ગઈ તો પછી નાસ્તામાં કેળા ખવાય નહીં ને?!

એક ગલીથી લઈ અને દેશભરમાં હાહાકાર મચાવી દે તેવા કળાકારો ચૂંટણીના મેદાનમાં અચૂક જોવા મળે છે,પણ મારે તો કેટલાક નવજાત કલાકારોની વાત કરવી છે. કહે છે ને કે એક કલાનો સંગ થાય તો આજીવન આર્થિક ઉપાર્જન માટે ચિંતા ન રહે.

અમારા એક મિત્ર ચુનીલાલ સવારના પોરમાં આવી અને મને કહે કે મારે હાર્મોનિયમ શીખવું છે, જેથી કરી આર્થિક ઉપાર્જન ચાલુ થાય. મેં એને સમજાવ્યું કે ભાઈ, અઘરું છે અને બે વર્ષ તું પ્રેક્ટિસ કરીશ પછી આજીવિકાનું વિચાર જે…. પરંતુ ત્રીજા દિવસે આવીને મને કહે કે આવક ચાલુ થઈ ગઈ….! એટલે મેં એને તરત જ કહ્યું કે મારા માન્યામાં નથી આવતું તો એ મને કહે માન્યામાં તો મને પણ નહોતું આવતું , પરંતુ બે દિવસ પ્રેક્ટિસ કરી તો આજુબાજુવાળા પાડોશીઓએ આવીને કહ્યું કે આજથી પ્રેક્ટિસ ન કરો તો રોજ ૫૦૦ રૂપિયા અમે આપી જશું…!

હમણાં કાર્યક્રમ પૂરો થયો ત્યારે એક ગાયક કલાકારને એક ભાઈ મળવા આવ્યા ને પૂછયું કે હું કહું તો તમે કાર્યક્રમ કરો કે નહીં ?કલાકાર ખુશ થઈ ગયો : હા , તારીખ આપો એટલે હું આવી જાઉં….તો પેલો કહે કે ચાલો ઘરે… રાતના ૧:૦૦ વાગે ઘરે લઈ ગયો. પૂરું પેમેન્ટ આપ્યું પછી બારી ખોલી સોફા પર ઊંધો બેસાડીને કહ્યું કે ‘માંડો ગાવા….’ પેલો કલાકાર કહે : આ કેવું ? આવી રીતે કેમ કાર્યક્રમ થાય…? તો પેલા ભાઈ કહે : ગઈકાલે બાજુવાળા ના કુતરાએ આખી રાત ભસી ભસીને મને સૂવા દીધો ન હતો…હવે એને પણ ખબર પડે કે રાતની ઊંઘ બગડે એટલે શું થાય ? તમે ચાલુ કરી દો….!

મારા મિત્ર દિલાના ઘરવાળાએ જીદ પકડી કે મારે પણ કોઈ વાજિંત્ર શીખવું છે એટલે દિલાએ એને હાર્મોનિયમ અપાવ્યું. બીજા દિવસે હાર્મોનિયમ પરત આપી અને ફ્લ્યુટ લઈ આવ્યો. મેં કહ્યું કે આ તો વધારે અઘરું પડે તો મને કહે, હાર્મોનિયમ મને અઘરું પડે છે એ હાર્મોનિયમ વગાડતાની સાથે સાથે ગાવા પણ માંડે છે….ફ્લ્યુટમાં એ તો શાંતિ….!

અમારા એક ભાઈબંધે સંગીતનાં વાજિંત્રો વેચવાની દુકાન શરૂ કરી તો બાજુમાં એક બંદૂક વેચવાવાળાએ દુકાનની ખરીદી કરી એટલે હું ડાયો થયો કે જ્યાં કલાનાં સાધન વેચાતા હોય ત્યાં આવાં હિંસક સાધનોનો ધંધો ક્યારેય ચાલે નહીં….તો પેલો મને કહે આજે જે તમારી દુકાનેથી હાર્મોનિયમ લઈ જાય એ બીજા દિવસે જો એનો પડોશી મારી પાસેથી બંદૂક ન લઈ જાય તો મને કહેજો…!
હાર્મોનિયમ શબ્દ હવે મગજમાં એવો ચડી ગયો છે તો એક ઘટના મને યાદ આવે છે . એક ભાઈ સવારના પોરમાં મારી બાજુના ફ્લેટમાં આવ્યા પછી બાજુવાળા ભાઈને કહે કે ગઈકાલે હું સરસ મજાનું હાર્મોનિયમ લઈ આવ્યો છું… આખી રાત મેં પ્રેક્ટિસ કરી તો આ મીઠું મોઢું કરો… આ સાંભળીને બાજુના ફ્લેટવાલા પેલા ભાઈ ગુસ્સે થઈ ગયા. એ કહે : તમે હાર્મોનિયમ વગાડતા હતા તો મને એમ કે મારા હીંચકામાંથી અવાજ આવે છે તો હું આખી રાત એમાં તેલ પૂરતો રહ્યો…!

આ તો વાત થઈ નવજાત કલાકારોની, પરંતુ રાજકારણમાં તો જૂના પેધી ગયેલા લોકો પણ બોલીને બગાડે છે એ પણ કળાકાર કહેવાય. ૩૫ એ પહોંચેલી એક બટકબોલીની સગાઈ થતી નહોતી. ‘મૂંગા મરજો’ એવું કહી અને એક અજાણ્યા મહેમાનને ગાળિયામાં લેવા માટે એને ઘરે બોલાવ્યા. વાત ફાઇનલ લગી પહોંચી ગઈ હતી, પરંતુ ચા -પાણી – નાસ્તો કરી લીધા બાદ મહેમાનને પૂછયું : દીકરી તો બહુ ઓછું બોલે છે
નહીં? એને કહો કે કાંઈક બોલે તો તરત જ ઓલી બટકબોલી ઉછળી : નાસ્તો પાણી કરી લીધા હોય તો સૌ સૌના ઠામડા ઉટકી નાખો…! તમારી જાણ સહજ હાલ એ ૪૦ એ
પહોંચી છે…!

સખણા રહેવું તે પણ એક કલા છે, જે દરેકને હસ્તગત નથી હોતી. નિર્ણાયક ઘડીએ ભાંગરો વાટે ને આખા કુટુંબને નુકસાન કરે.

રાજકારણમાં આવા કળાકારો ખાસ કરીને ચૂંટણી વખતે પક્ષને નુકસાન કરે છે, પણ કદ મોટું હોય તો એમને કહેવું કેમ કે સખણા રહેજો, રાજ…! ’

પુત્રનાં લક્ષણ પારણામાંથી, વહુનાં લક્ષણ બારણામાંથી’ આ કહેવત કેમ પડી તે મને ખબર નથી , પરંતુ એવું બન્યું હોય કે ઘોડિયામાં હીંચકતા હીંચકતા પાટા મારી લીધાં હોય, ધાન ભરેલા કળશને એક જ ઠેબે ઉલાળી સાસુના લમણે ઝિક્યો હોય
તો પણ પહેલું વાક્ય એ જ નીકળે કે ‘હવે સખણા
રહેજો’

વિચારવાયુ
દરેક પક્ષની હાલત એવી જ છે કે કોણ કોને કહે કે
‘થોડાં સખણા રહેજો. ’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button