વીક એન્ડ

માનવીના માળા: ફ્રી સ્પિરિટ ગોળા – કેનેડા

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

માનવીને બદલાવ જોઈએ છે. એકની એક પરિસ્થિતિથી, તે ગમે તેવી સગવડતા જનક હોય તો પણ, અમુક સમયગાળા પછી વ્યક્તિ કંટાળી જાય છે. ઘણીવાર તેની પસંદગી સગવડતા કે યોગ્યતાને આધારિત નથી હોતી પણ માત્ર બદલાવને આધારિત હોય છે. અને આ બદલાવ જો રસપ્રદ વિચારધારાને અનુરૂપ હોય તો તેને જલદી સ્વીકૃતિ મળી જાય.

માનવી પોતાની રોજિંદી જિંદગીથી કેટલો કંટાળી ગયો છે તે આ રચના દ્વારા સમજી શકાય. તેને રહેવા માટે નવું સ્થાન જોઈએ છે. પક્ષીની જેમ ઝાડની ડાળી પર લટકતા માળા જેવી રચના તેને ક્યારેક વધારે પસંદ પડી જાય છે. આજુબાજુ કોઈ પાડોશીની જરૂર નથી. જમીનનો સંપર્ક પણ જરૂરી નથી. સગવડતા સાથે થોડી બાંધછોડ કરવાની પણ તૈયારી છે. “આવું જ હોવું જોઈએ અને આ જ યોગ્ય છે તેવી ધારણામાંથી મુક્તિ જોઈએ છે. આધુનિક યુગની દરેક પરિસ્થિતિથી મુક્ત થવાની ભાવના આ રચનામાં જણાય છે. યોગ્ય ઋતુમાં, અનુકૂળ પરિસ્થિતિ વચ્ચે વર્ષાના જંગલને માણવું હોય તો આ એક પસંદગીનું સ્થાન બની શકે.

કેનેડાના વેનકુવર વર્ષા જંગલમાં બનાવાયેલ આ પક્ષીના માળા જેવી નાનકડી હોટલ છે. અહીં દરેક ઓરડા અલગ, ગોળાકાર, સ્વતંત્ર તથા ભિન્ન ભિન્ન માપના છે. આ રચના હોટલ જેવી સગવડતા માટે નથી, પણ એક નવા જ પ્રકારના અનુભવ માટે છે. અહીં વ્યક્તિ કુદરતની “સાવ નજીક પહોંચી જાય છે. આ જ આની મજા છે.

અહીં પણ સવલતો તો છે જ પણ કેટલીક સવલતો સાથે પ્રતિકૂળતા પણ વણાયેલી છે. અહીં સૂવા માટે પલંગની વ્યવસ્થા છે, બેસવા માટે સોફા છે, બારીઓ છે, વાતાવરણને ગરમ રાખવા માટે યાંત્રિક વ્યવસ્થા છે, નાનકડું સીંક છે, કબાટ છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, મનોરંજનનાં પ્રાથમિક સાધનો છે અને એ સિવાય પણ જરૂરિયાતની નાની મોટી સગવડતા અહીં છે. પણ અહીં રસોડું નથી. અહીં સંડાસ-બાથરૂમ નથી. તેના માટે નીચે સામાન્ય વ્યવસ્થાના ક્ષેત્રમાં જવું પડે. અગવડતા તો પડે, પણ ચોક્કસ સમયગાળા માટે તે અગવડતા સ્વીકાર્ય છે. એ વાત સાચી છે કે આવી રચના કાયમ માટેનું રહેણાંક ન બની શકે. આ અમુક સમયગાળાની મજા માટે છે – અમુક સમય ગાળામાં સ્વીકાર્ય બદલાવ માટે છે. પણ આ બદલાવ એવો છે કે જે પરંપરાને મૂળથી ઉખાડી ફેંકી દે છે.

દૂરથી જોતા આ રચના એક વિશાળ કોળા જેવી લાગે. તેનો રંગ પણ લગભગ તે જ રીતે પસંદ કરાયો છે. સાથે સાથે તેની બહારની સપાટીને ઉપરથી પણ એ જ રીતના ઓપ અપાવવાનો પ્રયત્ન થયો છે. મુખ્યત્વે ૩.૨૦ મીટર વ્યાસના અને આશરે એક ટન વજનના આ લાકડા તથા ફાઇબર ગ્લાસમાંથી બનાવાયેલ જળ-અવરોધક ગોળાઓને પરસ્પર જોડવા માટે દોરડાથી જ ટેકવાયેલા સેતુ બનાવાયા છે. ગોળાકારની પોતાની માળખાકીય મજબૂતાઈ તો છે જ. આ ગોળાકાર રચનાથી તેની દીવાલો, છત અને ફર્શ એકાકાર થઈ જતા એક પ્રકારની અવિભાજિત પણાનો ભાવ ઊભરે. આ ગોળાને ટેકવવા માટે પણ દોરડાથી કરોળિયાના જાળા જેવી રચના કરી સ્થિરતા અપાઈ છે. અહીં પહોંચવા માટે મોટેભાગે ઝાડનો ટેકો લઇ, તેને ગોળાકાર ફરતે દાદર બનાવાયા છે. અહીંની બધી રચનામાં હાથની કારીગરી મહત્ત્વની બની છે. જમીન ઉપર લટકતા આ ગોળા પવનની થાપટથી થોડા ઝૂલે પણ ખરા. પણ આ બધું કંઈક અંશે નાટકીય લાગે છે.

અહીં આંતરિક આયોજનમાં લાકડું, પિત્તળ તથા વાંસનો મહત્તમ ઉપયોગ થયો છે. આનાથી કુદરત સાથેનો સંપર્ક એક રીતે જળવાઈ રહે છે. સાથે સાથે બારીઓમાંથી જે દ્રશ્ય માણવાની તક મળે છે તેનાથી જંગલની હાજરીની સતત પ્રતીતિ થયા કરે છે. સાથે સાથે અહીંનું રાચરચીલું આધુનિક જીવન-શરણીને અનુરૂપ પણ છે.

કેનેડાના વરસાદ જંગલમાં બનાવાયેલ આ વ્યવસ્થા કુદરત સાથે સંવાદ ફરીથી સ્થાપવાનો પ્રયત્ન છે. અહીં એક પ્રકારનો રોમાંચ છે તો સાથે સાથે જંગલની પરિસ્થિતિ સાથેનો તાલમેલ પણ છે. વૃક્ષ આવાસ જેવી રચના મજબૂત અને ટકાઉ મંચ પર બનાવાય છે. તેના આવન-જાવન તથા રહેવા માટેના દરેક સ્થાન અચલ હોય છે. તેની સરખામણીમાં આ રચના તો હીચકા જેવી છે, જોકે તેનું હલનચલન મર્યાદિત છે. એમ કહી શકાય કે જેને અહીંયા ફાવે તેને જ ફાવે. થોડું પણ હલનચલન જેને વિચલિત કરી શકે તે વ્યક્તિ માટે આ સ્થાન નથી. છતાં પણ સન ૨૦૦૬માં બનાવાયેલ આ હોટેલની માગ એટલી છે કે સન ૨૦૧૭માં તેમાં લટકતા ગોળાઓની – ઓરડાની સંખ્યામાં વધારો કરવો પડેલો.

એમ મનાય છે કે આવી રચનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ન્યૂનતમ થઈ જાય. બાયો-મિમિક્રી અર્થાત્ કુદરતની નકલને આધારિત આ રચના વ્યક્તિને જાણે એક હજાર વર્ષ પહેલાંની અનુભૂતિ કરાવવા સમર્થ છે. એક રીતે આને ન્યુનતમ વાદી રચના પણ કહી શકાય. પણ સમજવાની વાત એ છે કે અહીં માનવી પોતાની મૂળ પ્રારંભિક અવસ્થાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કરતો. તેને આધુનિકતા તો જોઈએ જ છે. આધુનિક સવલતો વગર જિંદગી પસાર કરવા તે તૈયાર તો નથી જ. આ તો એક વચગાળાની વ્યવસ્થા છે.

એમ બની શકે કે આધુનિક આવાસમાં રહેવાથી જંગલની કિંમત સમજાય તેમ આવા જંગલ મધ્યના આવાસમાં રહેવાથી આધુનિકતાની કિંમત સમજાય. પછી કદાચ માનવી ઊર્જા હોય કે પાણી, પરિસ્થિતિ હોય કે સમય, જરૂરિયાત હોય કે સાહ્યબી; બધાની કિંમત સમજતા શીખે. અભાવમાં ભાવનું મહત્ત્વ જણાય. આ મહત્ત્વ સમજાય પછી જે હાજર છે તેની કિંમત સમજાય. જ્યાં પાણી મળતું ન હોય ત્યાં જ પાણીની કિંમત સમાજને ખબર પડે. અહીં થોડા સમયગાળા માટે પણ, કુદરતી પરિસ્થિતિ વચ્ચે રહેવા જવાથી “આધુનિકતાને સમજવાનો સમગ્ર દ્રષ્ટિકોણ બદલાઈ શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button