વાંસના આવાસ – વિયેટનામ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
વિશ્વના નકશામાં કેટલાક દેશો એવા છે કે જ્યાં લોકોને કુદરત તથા અન્ય માનવ સમુદાયે જાતજાતની થાપટ આપી છે. વિયેટનામ એક એવો જ દેશ છે. અહીંના સમાજે અન્ય માનવસમુદાયે આપેલી થાપટને જીરવી તેનો પ્રતિકાર કર્યો છે. સાથે સાથે આ દેશના નાગરિકોએ અહીં આવતી કુદરતી આફતોનો પણ મક્કમતાથી સામનો કર્યો છે. આવી આફતો સામે ટકી રહેવા તેમણે ચોક્કસ સામાજિક, આર્થિક અને તકનીકી પદ્ધતિ વિકસાવી છે. આવો જ એક પ્રયત્ન એટલે પોસાય તેવાં કુદરતનાં વિનાશક પરિબળો સામે ટકી રહેવા સક્ષમ વાંસના આધુનિક આવાસ. અહીંના એચએન્ડપી આર્કિટેકસ દ્વારા સૂચિત કરાયેલ આ આવાસોએ વિશ્વનાં સંવેદનશીલ સ્થાપત્યોનું ધ્યાન ખેંચ્યું છે.
આ એ પ્રકારનો સ્થાપત્ય-વિચાર છે જેમાં વિવિધ પ્રમાણ-માપવાળી રચનાઓ કરી શકાય છે. આ શૈલી મુજબ માત્ર એક જ રૂમનું આવાસ બનાવી શકાય અને વિસ્તૃત આવાસ પણ. આ પ્રકારની રચના વડે શાળાના ઓરડા બનાવી શકાય અને સામાજિક મેળાવડાનું સ્થાન પણ. આ એક “માળખું” છે જેમાં જરૂરિયાત પ્રમાણે નાના ફેરફાર કરી તેને વિવિધ ઉપયોગ માટે પ્રયોજી શકાય. આ “ન્યૂનતમ” સ્થાપત્યનું ઉદાહરણ છે જેને જરૂરિયાત પ્રમાણે ઢાળી શકાય.
બાંધકામની પ્રાપ્ય સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને, સ્થાનિક આબોહવા-કુદરતનાં વિપરીત પરિબળો સામે રક્ષણ આપે એવી આ રચના છે. સાથે સાથે તેનું સ્થાનિક પરંપરા સાથેનું જોડાણ પણ ઉલ્લેખનીય છે. આ વાંસના આવાસની બનાવટનો પહેલો તબક્કો જ્યારે સન 2011માં પૂરો થયો ત્યારે સ્થાપત્યના ઇતિહાસમાં જાણે નાનકડી કવિતા – હાઇકુ લખાઈ ગયું. મૂળમાં આ રચના ઉપર અને નીચેની ચાર-ચાર ધાર કપાયેલા ઘનાકાર ચોસલા જેવી છે. આ કાપથી ઉપર અને નીચેના ભાગમાં વચ્ચેનો ચોરસ છોડીને ઢાળ બને છે. પછી આ વચમાંની ઊભી દીવાલવાળો ભાગ મકાનના મુખ્ય સ્થાનને નિર્ધારિત કરે છે જેમાં ઉપરનો ભાગ છાપરું તથા નીચેનો ભાગ ફરસ તરીકે વાપરી શકાય તેવો માળખાકીય મંચ બને છે. આ મંચ ટેકા પર ટેકવાયેલો હોવાથી નીચેના ખુલ્લા ભાગમાંથી, પાણીનો ભરાવો થાય તો, પાણી નીચેથી વહી જાય. તેના આકાર અને તેની બનાવટમાં વપરાયેલ વાંસને કારણે પવનની થાપટ તેને ઓછી લાગે છે.
વળી ઓરડાઓ જમીનથી ઊંચકાયેલા રહેતા હોવાથી પાણીના ભરાવાના સમયે તકલીફ પડતી નથી. વળી જો પાણી વધારે ભરાય તો સમગ્ર આવાસ તરી પણ શકે છે. અહીંની ભેજવાળી આબોહવામાં વાંસના બાંધકામને કારણે હવાની અવરજવર સુગમ બની રહે છે જેનાથી આવાસની અંદરની પરિસ્થિતિ અનુકૂળ રહે. આ રચના કુદરતે ઊભાં કરેલા પ્રશ્નોના જવાબ સમાન છે. અસરકારક ભૌમિતિક આકાર તથા તેને કારણે બાંધકામમાં આવતી નિયમિતતા તથા એકમાપતાને કારણે આ રચના ઓછા સમયમાં તૈયાર થઈ શકે છે. ખૂલી શકે તેવું છાપરું, ભેજવાળી ગરમ આબોહવામાં પવનની આવજા માટે જાળીદાર વ્યવસ્થા, ભૌમિતિક માળખાકીય રચનાથી વધતી મકાનની મજબૂતાઈ, લોકોને પોસાય તેવું સસ્તું બાંધકામ, સ્થાનિક કારીગરો દ્વારા બનાવી શકાય તેવું માળખું, માસ-પ્રોડક્શનની રહેલી સંભાવના, જ્યાં જરૂર જણાય ત્યાં લોખંડનો માળખાગત – તેમ જ આજુબાજુથી પ્રાપ્ત લોખંડના ભંગારનો અન્ય રચનાત્મક ઉપયોગ, સ્થાનિક વાંસની સ્થાપત્ય તેમ જ રાચરચીલાની બનાવટમાં બહુમૂલ્ય કલાત્મક ખપત, વાંસ જેવી ઝૂંપડાંમાં વપરાતી બાંધકામની સામગ્રીનો સર્જનાત્મક ઉપયોગ, આર્ય ભટ્ટ ઉપગ્રહ જેવો જોવો ગમે તેવો શાસ્ત્રીય ભૌમિતિક આકાર, બાંધકામના માપમાં રહેલી મર્યાદાઓ સાથે તેની સ્વીકૃતિ, મજબૂતાઈ માટે પ્રયોજાયેલી નવીન તેમ જ ટકાઉ રીત, સરળ હોવા છતાં આકર્ષક જણાય તેવી રચના – આવી કેટલીક બાબતો સ્થાપત્યની આ રચનાને ખાસ બનાવે છે.
ગરીબ-વંચિતના આવાસ પણ સ્થાપત્યના ઇતિહાસમાં મહત્ત્વની જગ્યા રોકી શકે છે એ વાત આ પ્રોજેક્ટથી સાબિત થાય છે. સ્થાપત્યનો ઇતિહાસ જોતાં જણાશે કે આ ક્ષેત્રમાં મહેલ, કિલ્લા, મંદિરોને જ મુખ્ય ગણવામાં આવ્યાં છે. આ સાથે ક્યાંક ક્યાંક જળાશયોનો પણ ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ સામાન્ય માનવીના આવાસને યોગ્ય સ્થાન મળ્યું નથી. પછી ભલેને આ આવાસ વધુ વપરાતા હોય, ઉપયોગી વધુ હોય અને સમગ્રતામાં સ્થાપત્ય શૈલીને સ્થાપિત કરવામાં વધારે મહત્ત્વનો ફાળો આપતા હોય, પણ હવે ચલણ કંઈક બદલાય છે. સામાન્ય માનવીના આવાસ પણ સ્થાપત્યની દૃષ્ટિએ મૂલ્યવાન છે તે સ્થાપિત થતું જાય છે. આવા સંજોગોમાં આ પ્રકારની સ્થાપત્ય રચનાઓ થતી રહે તો આ સામાન્ય માનવીના આવાસનું પ્રકરણ વધુ સમૃદ્ધ થતું જાય.
કોઈ વાર્તા નહીં, કોઈ દંભ નહીં, કોઈ ગપગોળા નહીં, માત્ર જરૂરિયાત પ્રમાણે રચના નિર્ધારિત કરવાનું લક્ષ્ય. ક્યાંય આડંબર નહીં, ક્યાંય ગ્લેમર નહીં, માત્ર પ્રશ્નોના અસરકારક તેમ જ કલાત્મક જવાબ આપવાનો સ્થાપત્યકીય પ્રયાસ. ક્યાંય પૈસાનો બગાડ નહીં, બાંધકામની પ્રક્રિયામાં ક્યાંય અનિચ્છનીય સમયનો વ્યય નહીં, માત્ર પ્રાપ્ય સામગ્રી-સમયનો અસરકારક ઉપયોગ. જે છે તે, જેમ છે તેમ, તેને જ સુંદરતામાં ઢાળવાનો આ પ્રયત્ન છે. આ એક વ્યવહારુ તથા આશાસ્પદ રચના છે. બાંધકામની સ્થાનિક સામગ્રીને એ ઊંચાઈ પર લઈ જતી આ ઘટના થકી સ્થાપત્યમાં નવા પ્રકારની ગંભીરતા સ્થાપિત થઈ હોય તેમ જણાય છે.