વીક એન્ડ

‘મુંબઈ સમાચાર’ની દસ્તાવેજી ફિલ્મના અનાવરણ પ્રસંગે સહારા સ્ટારમાં વાચકોએ માણ્યો ડાયરાનો રંગ

‘મુંબઈ સમાચાર’ની દસ્તાવેજી ફિલ્મના અનાવરણ નિમિત્તે મુંબઈની પંચતારાંકિત હોટેલ સહારા સ્ટારમાં આ અખબારના નિષ્ઠાવંત વાચકોએ ડાયરાનો રંગ માણ્યો હતો. સામાન્ય રીતે ડાયરામાં આરાધના, સંગીત, સાહિત્યની વાતો અને પાછા સંગીતની મહેફિલ જામતી હોય છે અને આ જ ડાયરાનો સંપૂર્ણ આનંદ મુંબઈ સમાચારના હજારો વાચકોએ સહારા સ્ટાર હોટેલમાં માણ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ગણેશવંદનાથી કરવામાં આવી હતી, ત્યાર બાદ દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવી હતી. માતાજીની આરાધના કરવામાં આવી હતી અને રામ લલ્લાને પણ યાદ કરવામાં આવ્યા હતા.

લોક-કલાકાર સાંઈરામ દવેએ કહ્યું હતું કે એક ગુજરાતી અખબાર મુંબઈ સમાચારે પ્રકાશનની દ્વિશતાબ્દી નોંધાવી એ સાંભળીને એક ગુજરાતી તરીકે મારી છાતી ગજ ગજ ફૂલે છે. હિમાંશુ ચૌહાણે પોતાના રણકાભેર અવાજમાં કેટલાંક જાણીતાં ગુજરાતી ગીતો ગાઈને વાતાવરણ જમાવ્યું હતું. જ્યારે તેમણે મન મોર બની થનગાટ કરે… જમાવ્યું ત્યારે ઓડિયન્સ એટલું ઝૂમી ઊઠ્યું હતું કે તાળીઓના કડકડાટથી આખો હોલ ગુંજી ઊઠ્યો હતો.

મસ્ત મિલન તરીકે સાહિત્યની દુનિયામાં જાણીતા મિલન ત્રિવેદીએ મુંબઈ સમાચાર માટે ગૌરવોદ્ગાર કાઢતાં કહ્યું હતું કે ઐતિહાસિક સિદ્ધિ મેળવનારા અખબારનો હિસ્સો હોવા અંગે મને ગર્વ છે. સાંઈરામ દવેએ જણાવ્યું હતું કે ગુજરાતીઓનો એક જાણીતો ગરબો છે, જેમાં આપણે કહીએ છીએ કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી… એમાં આપણા ગુજરાતી ભાયડા કહે છે કે ..નહીં તો મારી પાવલી પાછી દે. આવી રીતે માતાજી પાસેથી પોતાની પાવલી પાછી માગનારા ગુજરાતીઓ સત્તાના ટોચના સ્થાને બેઠા છે ત્યારે આપણો પાડોશી દેશ (પાકિસ્તાન) આપણી પાસે કાશ્મીર માગી રહ્યો છે. તેમની આ વાત પર ઑડિયન્સે ઊભા થઈને દાદ આપી હતી.
મુંબઈ સમાચારના ૨૦૦ વર્ષના ઈતિહાસની આછીપાતળી રૂપરેખા આપતાં કાર્યક્રમના સંચાલક શોભિત દેસાઈએ વિખ્યાત ગુજરાતી શાયર અને મુંબઈ સમાચારના ભૂતપૂર્વ પત્રકાર શૂન્ય પાલનપુરી (અલી ખાન ઉસ્માન ખાન બલોચ)નો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે મુંબઈ સમાચારની જેમ જ શૂન્ય પાલનપુરીએ ગુજરાતીની ઘણી સેવા કરી હતી, તેમણે રૂબાઈઓનો ગુજરાતી અનુવાદ કર્યો હતો અને તે એટલો સજ્જડ હતો કે ઉમર ખૈયામ પણ સાંભળે તો નવી (ઓરિજિનલ) કૃતિ સમજીને દાદ આપી દેત.

મુંબઈ સમાચારના મેનેજિંગ ડિરેક્ટર હોરમસજી કામા અને મહેરવાનજી કામાના હસ્તે અમિતભાઈ શાહનું સ્વાગત સ્મરણિકા આપીને કર્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું મેનેજિંગ ડિરેક્ટર હોરમસજી કામા અને ડિરેક્ટર મહેરવાનજી કામાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મુંબઈ સમાચાર દ્વિ-શતાબ્દી ઉજવણી સમિતિના પ્રકાશ મહેતા, જિતુ મહેતા, દિલીપ જોશી, યોગેશ લાખાણી અને જેઠાલાલ દેઢિયાના હસ્તે અમિતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટરી ફિલ્મની નિર્માણ અને પ્રચાર સમિતિના સભ્યો તથા ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે, ડિરેક્ટર રજની આચાર્ય, દુષ્યંત સોની, અમિત સોની, સોનલ પંચોલી અને અર્જુન ધાનક દ્વારા અમિતભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

બિલ્ડર ઓફ મોડર્ન ઈન્ડિયા અમિતભાઈ: હોરમસજી કામા

મુંબઈ સમાચારના મેનેજિંશગ ડિરેક્ટર હોરમસજી કામાએ મરાઠી ભાષામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું સ્વાગત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે મુંબઈ સમાચારને ૨૦૦ વર્ષ પૂરાં થયાં ત્યારે તે નિમિત્તે સ્ટેમ્પ રિલીઝ કરવાના સમારંભમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે તમારી પાસે ૨૦૦ વર્ષનો ઈતિહાસ છે તો આ યાત્રાને ડોક્યુમેન્ટ કરવી જોઈએ. વડા પ્રધાનનું આ સપનું હતું એટલે મેં મારા તંત્રી નીલેશ દવેને બોલાવીને કહ્યું હતું કે નરેન્દ્રભાઈની આ ઈચ્છા છે તો આપણે તેને પૂરી કરવી છે અને આમાંથી દસ્તાવેજી ફિલ્મનો વિચાર આવ્યો હતો અને આજે તે પૂરી થઈ છે ત્યારે તેનું વિમોચન કરવા માટે દેશના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ આવ્યા છે. ૨૦૦ વર્ષમાં મુંબઈએ ઘણું જોયું છે અને મુંબઈ સમાચારે પણ ઘણું જોયું છે. હું આ પ્રસંગે કહેવા માગું છું કે અમિતભાઈ ફક્ત દેશના ગૃહ પ્રધાન નથી તેઓ બિલ્ડર ઓફ મોડર્ન ઈન્ડિયા છે. તેમણે અમિતભાઈના ધન્યવાદ કર્યા હતા.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ