વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ : ગાયલેન-કિલ્લા, કાફે ને બેન્ચ પર કવિતાઓની મજા…

પ્રતીક્ષા થાનકી

હજી માંડ પંદર-વીસ વર્ષ પહેલાં પ્રિન્ટ કરેલા નકશા લઈને જુનવાણી રીતે ટિકિટો બુક કરીને ટ્રાવેલ કર્યા પછી આજે જ્યારે સાવ દુનિયાથી કટ-ઑફ લાગતા ટાપુ પરથી પણ મમ્મીને વ્યુવાળા ઑપન ઍર સમર કાફેમાં મળેલી દાળનું ખોખું બતાવવા વીડિયો કોલ કરી શકાય ત્યારે કેટલા ઓછા સમયમાં દુનિયાએ ટેક્નૉલૉજીને કેવી રીતે પચાવી લીધી છે તેની કોઈ નવાઈ નથી લાગતી.

કેરેરા ટાપુ પર ક્યાંય નેટવર્કનો અભાવ ન હતો. બધે સોશિયલ મીડિયા અને ફોન કોલ્સ સાથે આવતાં હતાં. અમે પહેલાં એક ટેકરી પરથી સામેની ટેકરી પર દેખાતો ગાયલેન કિલ્લો જોવા ઊભાં રહૃાાં ત્યાં અમારી આગળ રીલ્સ અને ટિક-ટોક બનાવી રહેલા યંગ મુલાકાતીઓ આગળ વધે તેની રાહ જોવી પડી. ખરેખર આ ટાપુ પર સમય થંભી ગયેલો પણ લાગતો હતો અને વધુપડતો ભાગતો જતો પણ લાગતો હતો.
ગાયલેન કિલ્લા સુધી પહોંચવામાં આ સ્પોટ પહેલાંનો મોટા ભાગનો રસ્તો અમે એકલાં જ કાપેલો. ભાગ્યે જ કોઈ સામે આવતું અને એક-બે ગ્રુપ અમને ક્રોસ કરતાં ગયાં હતાં.

એવામાં દર થોડા થોડા અંતરે કોઈ બેન્ચ આવતી. અને અહીં બેન્ચ બંધાવનારાઓએ તેના પર કોઈ ને કોઈ અંગત મિત્ર કે પરિવારજનને શ્રદ્ધાંજલિ આપવામાં કોઈ વાક્ય કે કવિતાની પંક્તિ જડી હતી. એટલું જ નહીં, એક બેન્ચ પરનું વાક્ય તો એવું ગમી ગયું કે અમે ત્યાં થોડી વાર વધારે બેસી ગયેલાં. ટાપુ પરનું વેજિટેશન પણ એવું હતું કે એક તરફ કુદરતી રીતે ઊગી નીકળેલું અને છતાંય કોઈએ જાણે લૅન્ડસ્કેપ ડિઝાઇનિંગ કરી હોય તેવું લાગતું હતું.

ટેકરી પર ચઢવાનું જરા અઘરું બની રહ્યુ એક નાનકડું ગોથીકલું પણ ખવાઈ ગયું. અંતે ગાયલેન નજીક પહોંચ્યાં પછી ખંડેરમાં કંઈ નવું ન લાગ્યું. ત્યાંનો ઇતિહાસ આ ટાપુને ‘લૅન્ડ ઑફ ફાયર ઍન્ડ આઈસ’ કહીને બોલાવતો હતો. જીઆરઆર માર્ટીને સ્કૉટલૅન્ડની માયથૉલૉજી અને હિસ્ટ્રીથી પ્રભાવિત થઈને પોતાની ફેન્ટસી નોવેલ સીરિઝ ‘ધ સૉન્ગ ઑફ આઇસ અને ફાયર’ લખી હતી, પણ તેમાં આ કિલ્લા અને ટાપુનો કોઈ હાથ છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

જોકે વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં, માસ ટૂરિઝમ શરૂ થયાં પહેલાં અહીં નક્કી આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ નહોતા આવતા. ત્યારે માર્ટિન માટે અહીં રોકાઈન્ો કલ્પનાના ઘોડા દોડાવવાનું વધુ સરળ બની રહ્યું હોય તોપણ નવાઈ નહીં. અમે કિલ્લાના દરેક પ્રકારના ફોટા પાડીને વળતો રસ્તો લીધો.
આ આરગાયલ રિજનના સ્ટોટિશ ક્લાન મેકડુગલે જ આ કિલ્લો પણ છેક પંદરમી સદીમાં બંધાવેલો. કિલ્લાથી ફરી પાછી ટાપુની રાઉન્ડ સર્કિટ પર પાછાં આવતાંની સાથે જ કાફેનો ધુમાડો દેખાયો. એક તરફ એક ટેકરી પર થોડી બેન્ચ ગોઠવેલી અને એક લાકડાની ઝૂંપડી હતી. બાજુમાં જ નીચે એક આકર્ષક બંગલો હતો.

આ બંગલાના ઝાંપા પર કાફેનો ઑર્ડર લેવા એક માણસ ઊભો હતો. બે નાનકડાં પોર્ટેબલ બ્લેકબોર્ડ પર મેનુ લખેલું હતું. તે દિવસે લેન્ટિલ સૂપ, ટોમેટો સૂપ અને બે પ્રકારની સેન્ડવિચ અને ત્રણ પ્રકારની તાજી કેક સિવાય બીજું કશું ન હતું. સાથે થોડાં ડ્રિંક્સ અને માહિતી હતી કે આ કાફે માત્ર વર્ષમાં બે મહિના માટે જ ખૂલે છે.

અમે લેન્ટિલ સૂપ અને બ્રેડ લીધાં, સાથે એક ગરમ કૉફી અને એક લેમન ડ્રિઝલ કેક સાથે ત્યાં લંચ, પિકનિક, સાઇટસીઈંગ અને કોઈ અનોખી જગ્યાએ અલગ દુનિયાની ફીલિંગ હેવી થઈ ગઈ હતી.
હજી બધું ખાવા-પીવામાં માંડ અડધે પહોંચેલાં ત્યાં તો અચાનક જ ઝાપટું આવ્યું અને ત્યાં હાજર બધાંને પેલી લાકડાની ઝૂંપડીમાં જઈને બેસવું પડ્યું. થોડા પરિવારો પહેલેથી જ ત્યાં બેઠેલા. જેવો વરસાદ અટક્યો કે અમે બાકીનો રસ્તો કાપવા નીકળી પડ્યાં. ત્યાં ઝૂંપડીમાં ખાલી ગિરદી કરવાનો કોઈ અર્થ ન હતો. એક ઑપ્શન હતો, અહીંથી જે રસ્તે આવેલાં એ જ રસ્તે પાછાં જવાનો.

અમે જરા મુશ્કેલ અને ઢોળાવોવાળો આગળનો રસ્તો પસંદ કર્યો. ત્યાં એક સમયે અમારા અને ઘેટાઓ સિવાય કોઈ ન હતું. વચ્ચે થોડા છાંટા આવી જતા હતા, પણ અમારો જુસ્સો અમને આગળ ધપાવ્યે જતો હતો. એવામાં મેં મનગમતાં જૂનાં હિંદી ફિલ્મોનાં ગીતો ગાવાનાં ચાલુ કર્યાં અને ઘેટાં પણ જાણે લાઇવ કોન્સર્ટ એન્જોય કરી રહૃાાં હોય તેવું લાગતું હતું.
છેલ્લાં સ્ટ્રેચ પર બે-ત્રણ ઘર આવ્યાં. તેમાંનું એક સુવિનિયર શૉપમાં પલટવામાં આવ્યું હતું. ટાપુ પર રહેતા રડ્યાખડ્યા લોકોની જિંદગી અત્યંત મજેદાર બની રહેતી હશે તેમાં કોઈ શંકા ન હતી. તે બધાં હોલીડે હોમ્સ હતાં તે પણ સ્પષ્ટ લાગતું હતું. અહીં કાયમ માટે વસવાનું, બધી ટેકનૉલૉજી હોવા છતાં, જરા અઘરું બની રહેતું હશે તેમાં કોઈ શંકા નથી.

ટાપુ પર એક નાનકડું ટી પ્લાન્ટેશન પણ છે. તે સમયે તો પ્લાન્ટેશન પણ વાઇલ્ડ બની ગયું હોય તેવું લાગતું હતું. ટાપુ પર દેખાયેલાં છૂટાંછવાયાં ઘરોમાં રાત્રે રોકાવાનું પણ શક્ય છે. ક્યારેક આ ટાપુ પર જ રહીને ચાલવા, ખાવા-પીવા અને લખવા-વાંચવા માટે આવીને રહેવાનું કરવું જોઈએ એવી ચર્ચા થઈ.

સાથે એ પણ ચર્ચા થઈ કે એવું કરવાની મજા પડે તેવા મેઇનલૅન્ડ યુરોપમાં અને બાકીની દુનિયામાં અહીંથી વધુ સારા વેધરવાળાં બીજાં ઘણાં સ્થળો છે જ્યાં એ જ બધું થઈ શકે તેમ છે. જોકે તે સમયે તો અમે આ ટાપુના પ્રેમમાં પડેલાં હતાં. ત્યાં રખડવાની એટલી મજા પડેલી કે વધુપડતું ચાલવાનું અને ઢાળ ચઢવાનું થઈ ગયું તે ધ્યાનમાં પણ ન રહ્યું.
ફેરી સુધી પાછાં પહોંચ્યાં પછી ઊભાં રહેવું પણ મુશ્કેલ લાગતું હતું.

માંડ માંડ કાર સુધી પાછાં ચાલી શકાયું. ક્યારેક ઉત્સાહમાં ચાલી નાખેલાં પચ્ચીસ-ત્રીસ હજાર સ્ટેપ્સ પાછળથી ભારે પડવા લાગતા હોય છે. જોકે ટાપુનો દરેક ખૂણો પોતાની અલગ છાપ છોડી ગયો હતો. કેરેરા તેના પાડોશી ટાપુ મુલ કરતાં થોડો ઓછો લોકપ્રિય માનવામાં આવે છે. અમે ત્યાં એટલી મજા કરી હતી કે ખરેખર મુલમાં એવું તે શું છે તે બીજા દિવસે જાતે જોવું જ રહ્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button