અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરા ફ્રિન્જ – દુનિયાના સૌથી મોટા કોમેડી ફેસ્ટિવલમાં…
પ્રતીક્ષા થાનકી
ફ્રિન્જ માટે એકદમ ઉત્સાહમાં ત્યાંની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે તેના વિષે જેટલી પણ માહિતી મળી શકે તે અમે ભેગી કરતાં હતાં. ફ્રિન્જની મુલાકાત ખાસ એક અલગ પ્રકારનો અનુભવ બની રહેવાનો હતો.
રોજના કમસેકમ પાંચ શો તો જોવાના જ હતા.
એકસાથે એટલું બધું જોવાનું હતું કે અમે પહેલાં તો એક મોટી સ્પ્રેડશીટમાં કયા દિવસે અમને રસ પડે તેવા કેટલા શો છે તે તૈયાર કર્યું હતું. આ પહેલી એવી ટ્રિપ હતી જેમાં હળવું બેકગ્રાઉન્ડ રિસર્ચ અને જગ્યાઓનું લિસ્ટ બનાવવાના બદલે આ વખતે પરીક્ષાની તૈયારી માટે હોમવર્ક કરવાનું હોય એટલી શોધખોળ કરવી પડી હતી. તે પંદર દિવસમાં બધા મળીને બે હજાર જેટલા શોઝ ચાલતા હતા.
એ હોમવર્ક દરમિયાન ત્યાંની અનોખી હિસ્ટ્રી પણ જાણવા મળી તે સ્વાભાવિક છે. મજાની વાત એ છે કે જે વર્ષે ભારત આઝાદ થયું તે જ વર્ષે આ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. 1947માં બીજા વિશ્વયુદ્ધના અંતે લોકોને મજા કરાવવા સ્કોટલેન્ડમાં એડિનબરા ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ યોજાયો હતો.
તે સમયે આ ફેસ્ટિવલનો ઓફિશિયલ પ્રોગ્રામ મર્યાદિત હતો અને ત્યાં ભાગ લેવા આવેલાં પાંચ-છ પરફોર્મિંગ ગ્રૂપે બળવા રૂપે શહેરમાં જ રહીને ત્યાં `ફ્રિન્જ’ એેટલે કે મુખ્ય ઇવેન્ટની લિમિટની બહાર પોતાનાં પરફોર્મન્સ ચાલુ રાખેલાં. પેલો મૂળ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ તો ફરી થયો કે નહીં તેની કોઈ ખબર નથી પણ આ ફ્રિન્જ ઇવેન્ટ સમય જતાં માત્ર સ્કોટલેન્ડમાં નહીં, દુનિયાભરનો સૌથી મોટો કોમેડી ફેસ્ટિવલ બની ગયો.
તે પછી દર વર્ષે વધુ ને વધુ કલાકારો જોડાવા લાગ્યાં અને 1958માં ફ્રિન્જ સોસાયટીની સ્થાપના થઈ અને ધીમે ધીમે તેનું ફોરમેટ અલગ જ લોકપ્રિયતાના સ્તરે પહોંચી ગયું. આમ તો ફ્રિન્જમાં નાટકો, મ્યુઝિકલ, માધ્યમથી માંડીને એક્રોબેટિક રૂટિન જેવા દરેક પ્રકારના મનોરંજક પ્રોગ્રામ સામેલ હોય છે, પણ તેનું મુખ્ય ફોકસ સ્ટેન્ડ અપ કોમેડી છે.
ફ્રિન્જના કારણે જમા થયેલી ભીડમાં એક હિસ્સો ખુદ કલાકારોનો પણ હોય છે. ઘણાં પોતે જ પોતાના શોનાં ફલાયર લઈને રસ્તામાં ઊભાં દેખાય છે. મોટાભાગનાં પરફોર્મન્સ આર્ટમાં જોડાયેલાં કલાકારો અહીં પોતાના ક્રાફટની પ્રેક્ટિસ કરવા આવે છે. નવું મટિરિયલ ટ્રાય કરવા, નાના ઓડિટોરિયમમાં ઓછાં લોકો સામે ટ્રાયલ શોઝ કરવાનું ઘણાં જાણીતા કલાકારો પણ પસંદ કરે છે.
અહીં બીજું કંઇ નહીં તો પ્રેરણા મેળવવા માટે પણ ખ્યાતનામ કલાકારો આંટા માર્યા કરે છે. મોટાભાગના શોઝની પંદર પાઉન્ડ જેટલી ટિકિટ હોય છે. કેટલાક શો ટિકિટ વિના પણ હોય છે, જેમાં અંતે કલાકાર ટોપી લઈને ઓડિટોરિયમની બહાર ઊભા રહે છે. ફ્રિન્જ સોસાયટીના થોડા નિયમો તો છે, પણ એક વાત નક્કી છે, દુનિયામાં કોઈ પણ કલાકાર પોતાના ખર્ચે અથવા કોઈ સ્પોન્સર સાથે અહીં આવીને પરફોર્મ કરવા તૈયાર હોય તો તેને ત્યાં સ્થાન જરૂર મળે છે. તે પછી ઓડિયન્સ કઇ રીતે ખેંચીને લાવવું તે કલાકારની જવાબદારી બની રહે છે.
આ વખતે તો ત્યાં મજેદાર ઇન્ડિયન પેવેલિયન જ કહી શકાય એટલાં ભારતીય સ્ટેન્ડ અપ આર્ટિસ્ટ ભેગાં થયેલાં. આખું શહેર ફ્રિન્જ માટે સજ્જ હતું. જે પણ સરફેસ ખાલી દેખાતી ત્યાં કોઈનાં પોસ્ટર કે ફલાયર લાગેલાં હતાં. તેમાં ભારતીય કલાકારોને જોઈને તેમનું કામ જોયા વિના પણ સારું લાગતું હતું. સાથે અહીં એ પણ ખબર પડી કે ફ્રિન્જનું ઓનલાઇન ઉપલબ્ધ શેડ્યુલ તો માત્ર મુખ્ય પ્રોગ્રામો માટે જ છે, ત્યાં તે સિવાય પણ અઢળક પ્રોગ્રામો થયા જ કરે છે. ત્યાંનાં મેઇન થિયેટરો, યુનિવર્સિટી અને સ્કૂલનાં ઓડિટોરિયમ, મોટાં ઘરોનાં ભોંયરાં, બાર, પબ, બોલિંગ એલી, જ્યાં પણ એક સ્ટેજ જેવું ઊભું કરીને સામે લોકો માટે ખુરશી મૂકવાની વ્યવસ્થા હોય ત્યાં એક કલાકાર હાજર હતો. જે લોકો ઓફિશિયલ પ્રોગ્રામનો ભાગ હતાં, તેમના માટે ફ્રિન્જ બોક્સઓફિસ પર ટિકિટ વેચાતી. અમે ઘણાંનું તો પહેલેથી જ ઓનલાઇન બુકિગ કરાવીને આવેલાં. જેમ કે ખ્યાતનામ ઇન્ડિયન સ્ટેન્ડ અપ વીર દાસની ટિકિટો પહેલેથી જ એટલી ડિમાન્ડમાં હતી કે તેણે નવા શો ઉમેરવા પડેલા. ભારતીય મૂળનાં બ્રિટિશ કોમિક નિશ કુમારની તો ત્યાં એવી લોકપ્રિયતા છે કે તેણે એક્સ્ટ્રા શો ઉમેર્યા પછી પણ અમને ટિકિટ ન મળી.
અમારું પહેલું લિસ્ટ રસ પડે, વિષય સાથે કનેક્ટ થવાય તેવું લાગે, એક્સેન્ટ સમજાય તેવી હોય, સમય માફક આવતો હોય એ બધા ક્રાઇટેરિયા પર આધારિત હતું. પણ એક વાર ત્યાં પોસ્ટરો અને વેન્યુ બહારના લિસ્ટમાં વધુ શોઝ જોયા પછી અમારે લિસ્ટ અપડેટ કરતાં રહેવું પડ્યું.
આ ખરેખર એક યુનિક મુલાકાત બનીને રહેવાની હતી. અમે પૂરતી તૈયારી સાથે પૂરતી ફલેક્સિબિલિટી લઈને આવેલાં કે ફેસ્ટિવલનો સૌથી વધુ આનંદ ઉઠાવી શકીએ. બાકી એસેમ્બલી રૂમ્સ, ગિલ્ડેડ બેલોન, ડોમ, પ્લેઝન્સ કોર્ટયાર્ડ વગેરેની વચ્ચે તે ત્રણ-ચાર દિવસમાં તો એડિનબરાનો જાણે ખૂણેખૂણો મોઢે થઈ ગયો હતો.
400થી વધુ વેન્યુઝ વચ્ચે અમે વેન્યુ 68 પર વૂડૂ રૂમ્સ નામે કાફે ટર્ન્ડ ઓડિટોરિયમમાં સ્ટેલા ગ્રેહામનો પહેલો શો જોવા પહોંચ્યાં. પહેલો કલાક બાકીના દિવસોનો મસ્ત મૂડ સેટ કરી ગયો હતો. બ્રિટિશ શ્રીલંકન મૂળની આ કલાકાર પોતાના ખર્ચે અહીં પરફોર્મ કરી રહી હતી.
આ પણ વાંચો…સોલાર પેનલ: કુદરતી વીજળી ફાયદાકારક
એક બાર રૂમમાં તેની ઓડિયન્સમાં અમે વીસેક લોકો હતાં. તે સમયે આખાય શહેરમાં આ પ્રકારનાં 200 બીજાં કલાકારો વધુ વીસ, પચાસ, એંશી લોકો વચ્ચે પોતાની કલા અજમાવી રહૃાાં હતાં. માહોલમાં ક્રિયેટિવિટી જાણે સૂઘી શકાતી હતી.
વૂડૂ રૂમ્સમાં ત્રણ બાર રૂમ્સને થિયેટર બનાવેલાં. બહાર નીકળતાં જ અત્યંત આકર્ષક ટી-રૂમ પણ હતો. બધે દરેક ઉમરનાં લોકો પોતાની મસ્તીમાં શહેરનો માહોલ માણી રહૃાાં હતાં. અમે એક વેન્યુથી બીજા વેન્યુ વચ્ચે ચાલીને પહોંચવાનો સમય પણ પ્લાનમાં રાખેલો.
અમે કમસે કમ વીસ-પચ્ચીસ શો જોવાના ટારગેટથી આવેલાં. સાથે રોજનું કમ સે કમ એક ઇન્ડિયન રેસ્ટોરાંનું ટારગેટ તો ખરું જ. કદાચ સ્ટેન્ડ અપ કોમેડીની અસર હોય કે એડિનબરાની આબોહવાની, જિંદગી મજાની લાગતી હતી.