સ્થાપત્ય – પ્રતિકૃતિ – શિલ્પ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
ત્રિપરિમાણીય રચનાઓ ત્રણ પ્રકારની હોય છે, શિલ્પ અર્થાત મૂર્તિ, પ્રતિકૃતિ અર્થાત મોડેલ કે નમૂનો અને સ્થાપત્ય અર્થાત મકાન કે ઇમારત. આ ત્રણ વચ્ચે ક્યાંક સમાનતા છે તો ક્યાંક વિશેષ તફાવત આ તફાવત ક્યારેક બહુ પાતળી રેખાથી અંકિત થયેલ હોવાથી ક્યાંક સમજ ફેર થવાની શક્યતા હોય છે. એક વિશાળ શિલ્પની નીચે ઊભેલી વ્યક્તિને તડકા વરસાદથી રક્ષણ મળે તો તે શિલ્પ મકાન નથી બની જતું. વાપરી શકાય તેવા તમંચા ને જો ટેબલ પર કાગળ ઊડી ન જાય તે માટે કાગળની થપ્પી પર મૂકવામાં આવે તો તે તમંચો પેપર-વેઇટ નથી બની જતો. જોવામાં ખૂબ આકર્ષક મકાન શિલ્પ નથી બની જતું. શિલ્પ – સ્થાપત્ય – પ્રતિકૃતિને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવાની જરૂર છે.
શિલ્પ મૂળભૂત રીતે દૃશ્ય અનુભૂતિ માટે કરાતી રચના છે. સ્થાપત્યમાં માનવીના કાર્યહેતુની સગવડતા – ઉપયોગિતા માટે સ્થાન નિર્ધારણ કરાતું હોય છે. પ્રતિકૃતિ એ જે તે હયાત કે કાલ્પનિક વસ્તુને જેમની તેમ રજૂ કરવા માટેની રચના છે. શિલ્પમાં દેખાવ, સ્થાપત્યમાં ઉપયોગિતા અને પ્રતિકૃતિમાં વસ્તુના ચોક્કસ પાસાને ઉજાગર કરવામાં રખાયેલી સચોટતા મહત્ત્વના ગણાય. આ ત્રણે ત્રિપરિમાણીય રચના હોવા છતાં તેમના મુખ્ય ઉદ્દેશ્ય ભિન્ન ભિન્ન છે. શિલ્પ લલિતકળાનું ક્ષેત્ર છે જેમાં લાલિત્ય – સુંદરતા મહત્ત્વની હોય, સ્થાપત્ય પ્રાયોજિત કળામાં આવે તર્કબદ્ધ અભિગમ જરૂરી છે જયારે પ્રતિકૃતિ એ ચોક્કસ સમજ માટેનું પ્રત્યુપાદન કહેવાય જેમાં નિરુપણ અગત્યનું ગણાય.
શિલ્પ જોવા માટે છે. તેનો દેખાવ અગત્યનો છે. તેમાં દ્રશ્ય વિચારને ભૌતિક આકાર આપવામાં આવે છે. શિલ્પકારના મનમાં તે વિચાર સૌપ્રથમ ઉદ્ભવે છે અને બાદમાં તે ભૌતિક સ્વરૂપ પામે. શિલ્પકાર પોતાના વિચારો તથા સંવેદનશીલતા સર્જનાત્મક રીતે પૂર્ણ મુક્તતાથી વ્યક્ત કરી શકે. વ્યક્ત કરે છે. શિલ્પમાં આકાર તથા તેમની પરસ્પરની ગોઠવણ ઉપરાંત નાનું નાનું વિગતિકરણ મહત્ત્વના ગણાય, જેના નિર્ધારણમાં શિલ્પની સામગ્રી મહત્ત્વની ગણાય. શિલ્પ કાષ્ટ, પથથર, ધાતુ, હાથીદાંત, માટી જેવી વિવિધ સામગ્રીમાંથી જુદા જુદા માપનું બનાવી શકાય.
શિલ્પ એક ચોખાના દાણા જેટલું નાનું પણ હોઈ શકે અને મકાન કરતાં વિશાળ પણ. શિલ્પને હાથમાં ઊંચકીને માણી શકાય અને તેની અંદરથી પસાર પણ થઈ શકાય. શિલ્પ સ્થિર પણ હોય અને ચલિત પણ, તે અલાયદું પણ હોય અને જે તે સ્થાન સાથે જોડાયેલું પણ. કલાકાર માટે આવી મુક્તતા હોવાને કારણે શિલ્પમાં અભિવ્યક્તિમાં સરળતા તેમ જ સચોટતા શક્ય બની શકે.
સ્થાપત્ય એ ઉપયોગિતા માટેનું સર્જન છે. તેમાં આબોહવાનાં વિપરીત પરિબળો સામે રક્ષણ મળવું જોઈએ. તેની ચોક્કસ કાર્ય-ઉપયોગિતા હોવી જોઈએ. તેની રચનામાં સમયકાળ, સંજોગો, પ્રાપ્ય સામગ્રી તથા લાગુ પડતાં કાયદા મહત્ત્વના ગણાય. તેની રચનામાં એક પ્રકારનું ઉત્તરદાયિત્વ સંકળાયેલું છે. મનસ્વી ઈચ્છા પ્રમાણે સ્થાપત્યનું સર્જન ન થઈ શકે. જરૂરિયાતની પૂર્તિતા સ્થાપત્યમાં મહત્ત્વની છે. આ જરૂરિયાત ચોક્કસ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહને આધારિત હોવી જોઈએ. સ્થાપત્યમાં હોવા ખાતર હોવુંનું મહત્ત્વ નથી. અહીં તો જે જરૂરી છે તે જ જરૂરી છે. શિલ્પની અપેક્ષાએ સ્થાપત્ય એ જવાબદારી છે. સ્થાપત્યમાં તર્કબદ્ધ આયોજન જરૂરી છે. કોઇ શિલ્પ અમાન્ય બની રહે તો સમાજને તકલીફ ન પડે, પરંતુ આવી અસ્વીકૃતિ સ્થાપત્ય માટે જોખમી ગણાય.
પ્રતિકૃતિ એ કલ્પિત કે હયાત પરિસ્થિતિની ચોક્કસ બાબતોને ઉજાગર કરવા માટે કરાયેલી રચના છે. પ્રોડક્ટ ડિઝાઈનર કે સ્થપતિ જે તે રચના વિશે અંતિમ નિર્ણયો લેતા પહેલાં પ્રતિકૃતિ બનાવી તેની કેટલીક બાબતો ચકાસતા હોય છે. ક્યારેક તે દ્રશ્ય-અનુભૂતિની ગુણવત્તા જોવા, કેટલીક તકનીકી બાબતો કઈ રીતે સંભવ બની શકે તે સમજવા તો ક્યારેક કાર્યરતતા – વર્કિંગ તપાસવા માટે બનાવાય છે. આવા સંજોગોમાં પ્રતિકૃતિ એ જે તે વિચારના અમલીકરણ પહેલા કરાતી રચના છે. પ્રતિકૃતિ હયાત પરિસ્થિતિની પણ હોઈ શકે. ઇલોરાના કૈલાસ મંદિરની વિવિધ માપની પ્રતિકૃતિ યાદગીરી તરીકે મળતી હોય છે. આમાં ચકાસણીનો નહીં પણ હયાત પરિસ્થિતિની નોંધપાત્ર ખાસિયતોને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન હોય છે. બજારમાં વાહનોના જે રમકડાં મળે છે તે પણ પ્રતિકૃતિ જ છે, તેમાં તે પ્રકારનું યંત્ર નથી હોતું પણ તેનાથી મૂળ વાહનનો ખ્યાલ આવી જતો હોય છે અને તે જ તેનો હેતુ છે.
પ્રતિકૃતિ વિચાર આધારિત કે હયાત વસ્તુ આધારિત હોય, તે બંને સ્થિતિમાં પ્રતિકૃતિના સર્જકને કોઈ સ્વતંત્રતા નથી હોતી. તેણે તો પ્રત્યેક પરિસ્થિતિને જેમની તેમ આલેખવી પડે, તેમાં ક્યાંય છૂટછાટની શક્યતા નથી. માત્ર ફેર એટલો કે પ્રતિકૃતિને જે માપની બનાવાય તે માપ પ્રમાણે અમુક બાબતો પ્રત્યે નજરઅંદાજ કરી શકાય. બે મીટર લાંબી કારની પ્રતિકૃતિને દસમા ભાગની એટલે કે વીસ સે.મી. લંબાઇવાળી બનાવાય ત્યારે સ્વાભાવિક છે કે કારની નાની નાની આંટીઘૂંટીની નોંધ ન લેવાય. ઘણીવાર પ્રતિકૃતિ તેટલા જ માપની કે મોટા માપની પણ હોઈ શકે, પ્રતિકૃતિમાં કઇ બાબતો તપાસવાની છે, રજૂ કરવાની છે, સમજવાની છે તે નક્કી કર્યા બાદ તેનું પ્રમાણ માપ નક્કી કરાતું હોય છે.
શિલ્પમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની સંભાવના સૌથી વધુ છે, તો પ્રતિકૃતિમાં સૌથી ઓછી છે એમ કહી શકાય. એમ પણ કહી શકાય કે પ્રતિકૃતિમાં ક્યારેક તો આવી સ્વતંત્રતા હોતી જ નથી. સ્થાપત્યમાં ક્યાંક આવી સ્વતંત્રતા મળી રહે છે અને ક્યાંક તે બાધિત પણ હોય છે. શિલ્પમાં સર્જનાત્મકતા તથા સંવેદનશીલતા મહત્ત્વના છે ત્યારે પ્રતિકૃતિની રચનામાં હાથનું કૌશલ્ય વધુ અગત્યનું ગણાય. સ્થાપત્ય એ કળાત્મક પણ તર્કબદ્ધ નિર્ણયોને આધારિત ગંભીર ક્ષેત્ર છે.