વીક એન્ડ

સ્થાપત્ય ને તેની સંરચના

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

સ્થાપત્ય એ સમાજ અને જીવનના ઘણા પાસાઓનો સમન્વય કરતું ક્ષેત્ર છે. તેમાં ક્યાંક કળાનું પ્રભુત્વ દેખાશે તો ક્યાંક વિજ્ઞાન- ઇજનેરી બાબતો ઊભરી આવશે. ક્યાંક માનવીની સંવેદનાઓ જીલાશે તો ક્યાંક લાગુ પડતા કાયદા હાવી થતા જણાશે. સ્થાપત્યમાં ક્યાંક સમાજ વ્યવસ્થા પ્રતિબિંબિત થતી હશે તો ક્યાંક કુદરતના પરિબળો ઝીણવટથી વણાયેલા હશે.

સ્થાપત્યમાં એક પરિસ્થિતિમાં જેટલું મહત્ત્વ એક બાબતનું હશે તેટલું જ મહત્ત્વ અન્ય પરિસ્થિતિમાં અન્ય બાબતનું જોવા મળશે. ક્યાંક પ્રતિકાત્મક રજૂઆત કામ કરી જશે તો ક્યાંક કાર્યક્ષમતા નિર્ણાયક બનશે. સ્થાપત્યમાં ક્યારેક માનવીની જરૂરિયાતો સૌથી અગત્યની બનતી જણાશે તો ક્યાંક એ જ માનવીની સંવેદનાઓ મહત્ત્વની બની જશે. પણ આ દરેક પ્રકારની પરિસ્થિતિમાં મકાનની સંરચનાનું નિર્ધારણ મકાનની ઉપયોગિતા, કાર્યક્ષમતા અને આવરદા માટે મહત્ત્વની ગણાય છે. ક્યારેક તો આ સંરચના મકાનના નિર્ધારણમાં સૌથી મહત્ત્વની બની રહેશે મકાનની ઉપયોગિતામાં કોઈપણ પ્રકારની અડચણ ન પડે તે પ્રમાણેની સંરચના પણ જરૂરી છે.

મકાનની આવી સંરચનાઓમાં તેનું માળખાગત આયોજન, તેમાં પાણીપુરવઠાની ગોઠવણ, મકાનના ઉપયોગથી સર્જાતી સંભવિત હાનિકારક વસ્તુઓનું/પદાર્થોનું નિરાકરણ, આવન-જાવનનું સ્પષ્ટ તથા સુગમ માળખું, વાહનવ્યવહાર તથા પાર્કિંગ માટેનું સ્થાન, યાંત્રિક તેમજ વિદ્યુતલક્ષી ઉપકરણોનું આયોજન, આગ કે એવા કોઈ અન્ય અકસ્માતના સમયે લોકોનું સલામત સ્થળાંતર કરવાની તથા મકાનમાં ભેજની માત્રા નિયંત્રિત રાખવાની વ્યવસ્થા – જેવી બાબતોનો સમાવેશ થાય. સામાન્ય રીતે નજરે ન ચડે એ રીતે ગોઠવાયેલી આવી સંરચનાઓ મકાનના પૂર્વ નિર્ધારિત હેતુની પૂર્તિતા માટે ખૂબ જરૂરી છે.

મકાનની માળખાકીય રચનામાં તેના ભારવાહક અંગોની ગોઠવણી અગત્યની ગણાય. મકાન પર લાગુ પડતું કાયમી કે હંગામી વજન જમીન સુધી કેવી રીતે તબદિલ થાય તેનું નિર્ધારણ આ માળખાગત રચનામાં થાય. ઘણીવાર મકાનનો આકાર આવી માળખાગત રચના થકી નિર્ધારિત થતો જોવા મળે છે. મકાનની માળખાગત રચના માટે સૌ પહેલા તો મકાન પર કેટલું બળ, કેવા પ્રકારે, ક્યાં ક્યાં લાગુ પડે તે નિશ્ર્ચિત કરવું પડે. આ માટેના ચોક્કસ ધારા ધોરણો હોય છે.

મકાનનો પાણીનો પુરવઠો અને ગંદકીનો નિકાલ અસરકારક રીતે જળવાઈ રહેવો જોઈએ. પાણીના પુરવઠાની વ્યવસ્થા પ્રમાણમાં એટલી જટિલ નથી હોતી કારણ કે પાણી શુદ્ધ હોવાથી અને તેને દબાણ હેઠળ ધકેલવામાં આવતું હોવાથી તે ક્યાંય અટકતું નથી. પણ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા વધુ પ્રશ્ર્નો ઊભા કરે. આવા સંજોગોમાં ગંદા પાણીના વ્યવસ્થાની સંરચનામાં અવલોકન તથા માવજત માટેની ખાસ વ્યવસ્થા જરૂરી છે – જ્યાં માણસ પહોંચી શકે, જોઈ શકે અને સરળતાથી સમારકામ કરી શકે. વળી આવી સંરચના, એક સમજ પ્રમાણે, મકાનનો દેખાવ ‘બગાડતી’ હોવાથી તેને ઢાંકવી પણ પડે. આ માટે મકાનની વચમાં કે બહારની તરફ ડક્ટ બનાવાય છે જેની અંદર આ પ્રકારની પાઇપો ગોઠવાય છે.

આગના સમયે, બહુમાળી કે વિસ્તૃત મકાનોમાં બહાર નીકળવાની ખાસ વ્યવસ્થા હોવી જોઈએ. આવા સંકટના સમયે ચોક્કસ સમયગાળામાં લોકો સલામત રીતે મકાનની બહાર નીકળી જવા જોઈએ. વળી, આવા સંકટના સમયે જરૂરી પાણીના અનામત જથ્થાની વ્યવસ્થા પણ હોવી જોઈએ અને અમુક પ્રકારની ઉપયોગિતાવાળા મકાનમાં જો ધુમાડાની માત્રા અમુક હદથી વધે તો આપમેળે પાણીનો છંટકાવ ચાલુ થઈ જાય તેવી વ્યવસ્થાવાળા ઉપકરણો પણ જરૂરી છે. આ માટે પાણીપુરવઠાની એક અલાયદી વ્યવસ્થા રાખવી પડે.

હૉસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો હોય કે કોઈ ખાસ પ્રકારની લેબોરેટરીમાં અન્ય કોઈ ગેસ હોય તો તેને ઇચ્છિત જગ્યાએ પહોંચાડવાની સંરચના જરૂરી બને. આનું એક માળખું તૈયાર થાય. તેવી જ રીતે ચોક્કસ ઉપયોગિતાવાળા મકાનમાં હવાના ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહે તેવી સંરચના કરવી પડે તો કેટલા પ્રકારના મકાનોમાં પાણીના વરાળની પુરવઠાની વ્યવસ્થા પણ જરૂરી હોય છે. મકાનની સંરચનાઓમાં આ બધી બાબતો વધુ જટિલ ગણાય. વાહનવ્યવહારની સવલતો તો મકાનના બહારના ભાગમાં જ હોય છે પણ જો પાર્કિંગ વ્યવસ્થા ભોયરામાં હોય તો ત્યાં સુધીનો વાહનવ્યવહાર સાવચેતીથી નિર્ધારિત કરવો પડે અને એવી જગ્યાએ આગ સામે વધારાની વ્યવસ્થા રાખવી પડે. મકાનની સંરચનાઓમાં લિફ્ટ-એસ્કેલેટર જેવી બાબતોનો પણ સમાવેશ થાય.આ અને આવી સંરચનાઓ મકાનની કાર્યક્ષમતાને અસર કરે.

વિશેષ પ્રકારના મકાનોમાં જુદા જુદા વ્યક્તિ સમૂહો માટે જુદી જુદી વ્યવસ્થાની જરૂરિયાત પણ ઊભી થાય. જેમ કે હૉસ્પિટલો માટે સામાન્ય દર્દી માટેની વ્યવસ્થા, ઇમરજન્સી માટેની વ્યવસ્થા કે તબીબો માટેની વ્યવસ્થા – આ બધાની જરૂરિયાતો ભિન્ની હોય અને સંરચનામાં તેનું ધ્યાન રાખવું પડે.

કેટલાક સ્થપતિઓ દ્વારા આ બધી સંરચનાઓને તેમની સર્જનાત્મકતા માટે બાધારૂપ ગણે છે. આ બધી સંરચનાઓનો સ્થાપત્ય રચનાના મૂળ સિદ્ધાંતો સાથે યોગ્ય તાલમેલ બેસે તે બાબત આ પ્રકારની સર્જનાત્મકતા માટે ખૂબ જરૂરી ગણાય. આ બધી સંરચનાઓને ઢાંકવાની જરૂર ત્યારે પડે કે જ્યારે તેને સ્થાપત્ય નિર્ધારણમાં નજરઅંદાજ કરાઈ હોય. આ બધી સમરચનાઓના માથાનું પણ એક વજૂદ છે જેને ક્યાંક ‘સેલિબ્રેટ’ પણ કરી શકાય. આ બધી સંરચનાઓના માળખાને જો મકાનના માળખા સાથે એકરૂપ કરી દેવાય તો તે સંરચનાઓના માળખાનું એક યાંત્રિક સૌંદર્ય ઊભરે.

મકાનની સંરચનાઓમાં દરેક પાસાને યોગ્ય ન્યાય મળે એ જરૂરી છે. આ બધી બાબતોનો એક વિજ્ઞાન છે. તેની જરૂરિયાતની માત્રા માટે ગણતરી કરવાની ચોક્કસ રીતો છે. કઈ સંરચના કેવા પ્રકારની કેવા પ્રકારના મકાનમાં હોવી જોઈએ તે પણ નિયમો દ્વારા નિર્ધારિત થયું છે. આમાં છૂટછાટ લેવાની કોઈ સંભાવના નથી. આમાં લીધેલી છૂટછાટ મકાનની કાર્યક્ષમતા પર નકારાત્મક અસર કરે અને ક્યાંક અકસ્માતનું કારણ પણ બની રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker