વીક એન્ડ

સ્થાપત્ય ને તેનો પ્રભાવ

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

સ્થાપત્ય એ જીવનની સાથે સૌથી ઘનિષ્ઠતાથી સંકળાયેલ કળા છે. અન્ય કળા જિંદગીના કોઈ એક કે બે પાસાં સાથે સંકળાયેલ હોય છે પરંતુ સ્થાપત્ય એ બહુઆયામી સર્જન છે. અન્ય કળાનું કેનવાસ એટલું વિશાળ નથી હોતું કે જેમાં જીવનની ઘણી સંવેદનાનો સમાવેશ થઈ શકે. સાહિત્યમાં ક્યાંક વિસ્તૃતતા આવે પણ તેમાં પણ દૃશ્ય અનુભૂતિ કાલ્પનિક રહેવાની. વળી અહીં પરિસ્થિતિની બહાર રહીને અનુભૂતિ સર્જાતી હોય છે જ્યારે સ્થાપત્યમાં વ્યક્તિ કળાની અંદર પ્રવેશે છે. અન્ય કળાઓ સાથે વ્યક્તિનો ભાવાત્મક સંબંધ સ્થપાય પણ સ્થાપત્યમાં તો વ્યક્તિ ભૌતિક રીતે પણ તેની સાથે સંકળાઈ જાય. સ્થાપત્યની રચનાની અંદર વ્યક્તિ જીવી શકે. અન્ય કોઈ કળા માટે આ સંભવ નથી; બાકીની કળા બહારથી થનારી અનુભૂતિ માટે છે.

આમ પણ સ્થાપત્યને સમાજ તથા સંસ્કૃતિનું પ્રતિબિંબ કહેવાય છે. તે એક એવું ક્ષેત્ર છે કે જેમાં કળા, વિજ્ઞાન અને સમાજના દરેક પાસાની અસર જોવા મળે છે. અહીં સમાજના અસ્તિત્વ પાછળની દરેક બાબત સુયોજિત રીતે સંકળાયેલી છે. સ્થાપત્યમાં સમાજના વર્તમાન મૂલ્યોની સાથે સાથે ભવિષ્યની સંભવિત દિશા તથા ભૂતકાળનો વારસો પણ સંકળાયેલો રહે છે. સ્થાપત્ય એ સમગ્રતામાં સાક્ષી છે.

સામાન્ય સંજોગોમાં સ્થાપત્યને ચોક્કસ પ્રશ્ર્નો કે ચોક્કસ જરૂરિયાતના ઉકેલ તરીકે લેવાય છે. પણ સાચા અર્થમાં તે તેનાથી વધુ છે. સ્થાપત્યમાં ભવિષ્યની આશા તથા તે સમયની સંભવિત સંવેદનાઓ પણ આલેખાય છે. સાંપ્રત સમયની જરૂરિયાત સંતોષવા ઉપરાંત સ્થાપત્યની રચના થકી સંતોષ તથા ખુશીની લાગણી પણ ઉદ્ભવે. ઉંદર પોતાનું દર બનાવે તેથી તેને સ્થપતિ ન કહેવાય કે તેના દરને સ્થાપત્યની રચના ન કહેવાય. દર તો માત્ર જરૂરિયાતના જવાબ સમાન છે. અહીં સંવેદનાઓ નથી જીલાતી. પ્રત્યેક દર એક સમાન બનાવટનું હોય છે. આમાં ઉંદરની ઓળખ થતી નથી થતી. સ્થાપત્ય એ વ્યક્તિના વ્યક્તિત્વના પ્રતિબિંબ સમાન છે. સ્થાપત્યનો પ્રભાવ વર્તમાનની જરૂરિયાતોની ક્ષિતિજો પાર કરી ભાવનાત્મક તથા બૌદ્ધિક સમીકરણો સ્થાપે છે.

સ્થાપત્ય એ ભવિષ્યની પેઢીની અપેક્ષા સંતોષવાનું માધ્યમ પણ છે. ભલે કાલ કોઈએ ન જોઈ હોય પણ તે કાલને ધ્યાનમાં રાખીને આજની રચના કરવામાં આવતી હોય છે. સ્થાપત્યની રચનાની દીવાલો વચ્ચે જ કાલની પેઢી પાંગરે છે અને ધીમે ધીમે તે પેઢીના દૃષ્ટિકોણમાં આ સ્થાપત્ય કંઈક ભાગ ભજવી જાય છે. એક રીતે જોતાં, જીવન તથા પસંદગીના કેટલાક પાસાં બાબતે સ્થાપત્ય ભવિષ્યની પેઢીને કેટલાક નિર્દેશ કરી શકે તેવું માધ્યમ છે. સ્થાપત્ય થકી ભવિષ્ય સાથે સંવાદ સ્થાપવાની સંભાવના વિકસે છે. સ્થાપત્ય નો પ્રભાવ ભવિષ્ય પર પણ છે.

સ્થાપત્ય જીવનશૈલી પર પણ પ્રભાવ છોડે છે. મકાનની રચના જે તે વ્યક્તિ કે વ્યક્તિ સમૂહની કાર્યશૈલી – જીવનશૈલી પ્રમાણે કરાતી હોય છે. એક વાર મકાન બની ગયા પછી તે કાર્યશૈલી – જીવનશૈલી પર પ્રભાવ છોડે છે. ઓટલો હોય તો ઓટલે બેસવાની ટેવ પડે અને ઘરની અંદર ચોક હોય તો તેની આસપાસ જે તે કાર્ય કરવાની આદત બંધાય. આ પ્રકારનો ઉપયોગ લાંબે ગાળે જીવનશૈલીનો ભાગ બની રહે અને ભવિષ્યની પેઢી – ભવિષ્યની જિંદગી તે પ્રમાણે ઘડાતી જાય. એકવાર આ પ્રકારના વપરાશની ટેવ પડે પછી તે જરૂરિયાત બની જાય, ભવિષ્ય માટે પણ. સ્થાપત્ય ભવિષ્યને ઘડનારી ઘટના પણ છે.

ખેતીવાડી તથા લશ્કરી જરૂરિયાત બાદ બાંધકામ એ વિશ્વનો સૌથી મોટો વ્યવસાય છે. આ ક્ષેત્રમાં થતી સામગ્રીની ખપતની માત્રા વિપુલ છે. આ સામગ્રીનો પ્રકાર પણ વિસ્તૃત છે. અહીં માટી તથા લાકડા જેવી મૂળભૂત કુદરતી સામગ્રીથી શરૂ કરીને હાઈ-ટેક ધાતુનો ઉપયોગ પણ જોવા મળે છે. દુનિયાની એવી કોઈ ધાતુ નહીં હોય કે એવી કોઈ પેટ્રોલિયમની આડપેદાશ નહીં હોય કે જેનો ઉપયોગ સ્થાપત્યમાં એક યા બીજા સ્વરૂપે થયો ન હોય. આ વાત જ સ્થાપત્યના ક્ષેત્રનો પ્રભાવ દર્શાવે છે. વિશ્ર્વમાં ઘણા સંશોધન પાછળ સ્થાપત્યની જરૂરિયાત રહેલી છે. પ્રાપ્ય સામગ્રી અને તેની ઉપયોગીતા બાબતે સ્થાપત્યોનો પ્રભાવ મોટો છે.

સ્થાપત્યમાં જેમ સામગ્રીની ખપત નોંધપાત્ર છે તેમ એમાં પ્રયોજાતા માનવશ્રમની માત્રા પણ ઊંચી છે. લાખો લોકો આ ક્ષેત્ર પર નભે છે, વળી અહીં જરૂરી માનવ શ્રમમાં પણ વિવિધતા છે. અહીં સામાન્ય મજૂરથી માંડીને જે તે ક્ષેત્રના શ્રેષ્ઠ તજજ્ઞ કાર્યરત હોય છે. અહીં પુરવઠા માટેની વ્યવસ્થાને સંલગ્ન માણસો પણ રોકાયેલા છે અને સામગ્રીના ઉત્પાદન માટે પણ વિશાળ પ્રમાણમાં રોજગાર ઉપલબ્ધ છે. બાંધકામ બાદ પણ મકાનના રખરખાવ માટે સફાઈ કામદારથી માંડીને વ્યવસ્થાપક ની જરૂર રહે છે. અહીં કલાકારોની પણ જરૂર રહે છે અને તજજ્ઞોની પણ. અહીં શ્રમ પણ જરૂરી છે અને બુદ્ધિમતા પણ. સ્થાપત્યના ક્ષેત્ર સાથે લગભગ દરેક ક્ષમતાવાળી વ્યક્તિ સંકળાઈ શકે છે. રોજગાર પર સ્થાપત્યનો ચોક્કસ પ્રભાવ છે.

સ્થાપત્યની રચના જેને અનુલક્ષીને કરાઈ હોય તે તો તેના લાભાર્થી બને જ છે પણ સાથે સાથે આમ જનતા પણ સ્થાપત્યની રચના સાથે જોડાય છે. જે કુટુંબ માટે આવાસ બનાવાયું હોય તે લોકો તો તે રચનાને માણે જ પણ રસ્તાના રાહદારી પણ તેનાથી પ્રભાવિત – પ્રેરિત થઈ શકે. વળી સ્થાપત્યની અસર લાંબા ગાળાની હોય છે. વ્યક્તિનો સ્થાપત્યની રચના સાથેનો સંપર્ક પણ વધુ અર્થપૂર્ણ હોય છે. વ્યક્તિ લાભાર્થી હોય કે ન હોય, સ્થાપત્યની રચનાનો પ્રભાવ સચોટ રહે છે. ભાગ્યે જ અન્ય કોઈ કળા વ્યક્તિ અને સમાજ પર આવી અસર છોડતી હશે.
કળાના અન્ય ક્ષેત્રની જેમ અહીં પણ એમ કહી શકાય કે ઘણી ઓછી વ્યક્તિ સ્થાપત્યની રચનાને યથાર્થ રીતે સમજવાની ક્ષમતા ધરાવતી હશે. અહીં પણ બધાને પોત પોતાનો અભિપ્રાય હશે. અહીં પણ વ્યક્તિગત માનસિકતા કામ કરી જતી હશે. પણ આનાથી સ્થાપત્યનો પ્રભાવ ઓછો નથી થતો. જ્યારથી સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી મ
ાનવજાત સાથેનું તેનું સમીકરણ સર્જનાત્મક અને પરિવર્તનશીલ રહ્યું છે.

સ્થાપત્યમાં ક્યાંક નવો ચીલો અંકિત થયો છે તો ક્યાંક પરંપરાગતતામાં નવાં મૂલ્યો સામેલ કરાયાં છે. અહીં ક્યાંક શાસ્ત્રીયતા કેન્દ્રમાં રહે તો ક્યાંક વિદ્રોહ સ્વરૂપે નવા પ્રયોગો કરાય. અહીં ક્યાંક વિશાળતા હાવી થાય તો ક્યાંક નાના નાના વિગતિકરણમાં પ્રાણ રેડી દેવાય. સ્થાપત્યમાં ક્યાંક સંવેદનાઓ વણાય છે તો ક્યાંક માત્ર કાર્યક્ષમતાને જ મહત્ત્વ અપાય. પણ અંતે તો સ્થાપત્ય એ સમગ્રતાની કળા છે અને તેનો પ્રભાવ સમગ્રતામાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button