વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: ફટાફટ બાંધી દેવાની ઘેલછા

  • હેમંત વાળા

યુટ્યૂબ પર તાત્કાલિક બનાવી દેવાતાં શેલ્ટર – હંગામી આવાસ પર ઘણા વીડિયો જોવા મળે છે. જોવાની મજા પણ આવે. ટૂંકા સમયમાં, કુદરતી પરિસ્થિતિમાં, કોઈ એક કે બે વ્યક્તિ દ્વારા જે રીતે આવો આશરો બનાવાતો હોય છે તે એક રસપ્રદ રચના ગણાય. આમાં બાંધકામ માટે જરૂરી તકનિકી સમજ હોય, બાંધકામની પ્રાપ્ય સામગ્રી માટેની યોગ્ય જાણકારી હોય, ન્યૂનતમ ઉપયોગિતાનું વ્યવસ્થિત નિર્ધારણ હોય, ન્યૂનતમ રક્ષણ માટેની સાવચેતી હોય, માનવીય સંવેદનશીલતાનો સમાવેશ હોય, થોડામાં ઘણું પ્રાપ્ત કરવાની ભાવના હોય, કાર્યલક્ષી આયોજન હોય, વધારાનો સમય વ્યતીત કરી શકાય તેવી વ્યવસ્થા હોય અને તે બધા સાથે પર્યાવરણ અને પરિસ્થિતિ સાથે તાલમેલ હોય. આ એક સંવેદનશીલ સર્જનાત્મક રચના કહી શકાય.

આ પ્રકારની શેલ્ટર-આશરોની રચનામાં થોડો રોમાંચ હોય, થોડું સુશોભન હોય, થોડી નાટકીયતા હોય, થોડી વ્યક્તિગતતા હોય, થોડું સમાધાન હોય, થોડી કલાત્મકતા હોય, ક્યાંક થોડી ચોક્સાઈ પણ હોય અને જરૂરી ન્યુનતમ મજબૂતાઈનો સમાવેશ હોય. અહીં વ્યક્તિનું કૌશલ્ય, તેની કલાત્મક સંવેદનશીલતા, તેનું શારીરિક સામર્થ્ય, તેની એકાગ્રતા, તેની સૂઝબૂઝ તથા પોતાની જરૂરિયાતો માટે તેની સ્પષ્ટ સમજ પ્રતિબિંબિત થાય.

વર્ષા જંગલ હોય, રણનો કોઈ ભાગ હોય, બર્ફીલો પ્રદેશ હોય, દરિયા કિનારો હોય કે આવું કોઈ અન્ય સાવ અલાયદું સ્થાન હોય, આ પ્રકારના સ્થાનની પસંદગી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં રહેવાનો એક રોમાંચ હોય. દરેક વ્યક્તિને ક્યારેક તો આ પ્રકારની કુદરતી પરિસ્થિતિમાં રહેવાની ઈચ્છા થઈ આવે, પરંતુ સમજવા જેવી વાત એ છે કે આ પ્રકારની ઈચ્છાને એન-કેશ કરવાની-પૈસા કમાઈ લેવાની આ પ્રક્રિયા છે.


Also read: અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરામાં ફેસ્ટિવલ ટાઇમે ટૂરિસ્ટ ઓવરફલો…


અહીં કોઈ ગંભીરતા નથી હોતી. આ પ્રકારના બાંધકામમાં જે કંઈ દેખાડવામાં આવે છે તે પ્રમાણે જો ખરેખર આવાસની રચના કરવામાં આવે તો તે મોટી ભૂલ ગણાય, પરંતુ વ્યાપારીકરણની આ દુનિયામાં આ પ્રકારની નાટકીયતા ચાલી જાય છે.

ક્યારેક ઝાડ ઉપર ટેકવાયેલા, ક્યારેક કોતરમાં જોડાયેલા, ક્યારેક જમીનની નીચે દટાયેલા, ક્યારેક બે ઝાડ વચ્ચે લટકતા, ક્યારેક પાણીમાં તરતા તો ક્યારેક બરફથી ઢંકાયેલા – આ પ્રકારના આવાસ-આ પ્રકારનો હંગામી આશરો ક્ષણિક આકર્ષણ જમાવી શકે. તેની બનાવટ જોવાની મજા આવે. ધીરે ધીરે જેમ તેનો આકાર ઘડાતો જાય તેમ તેમ તેનામાં વધુ રસ જાગ્રત થતો જાય. પ્રારંભિક માળખાકીય રચનાથી નાના વિગતિકરણ સુધીની તેની યાત્રાના દરેક પડાવ પર કંઇક નવીનતા દેખાય. કયારેક અપેક્ષા મુજબ બાંધકામ આગળ વધે તો ક્યારેક અનપેક્ષિત ઘટના પણ આકાર લે.

કયારેક એમ જણાય કે બધું જ પૂર્વ નિર્ધારીત છે અને ક્યારેક એમ લાગે કે ઘણી બાબતો આકસ્મિક છે.
સમગ્ર કાર્યમાં ક્યારેક ગંભીરતા જણાય તો ક્યારેક તે અનૌપચારિક ઘટના તરીકે ઊભરે. કેટલાક નિર્ણયો બુદ્ધિપૂર્વકના તો કેટલાક નાદાનિયતમાં લીધેલા જણાય. એકંદરે વીડિયો પતે ત્યાં સુધી જોનાર જકડાઈ રહે. આ માટે ક્યારેક કેટલીક ક્રિયા ઝડપથી દેખાડી દેવામાં આવે.

કોઈપણ કારણસર આ પ્રકારના આશરાનું બાંધકામ ચોક્કસ સમયમર્યાદામાં કાર્ય પૂરું કરવાની ઉતાવળ હોય. આ ઉતાવળને કારણે વ્યક્તિ ક્યાંક બાંધકામની અનિચ્છનીય અને અયોગ્ય તકનિક પ્રયોજવા પ્રેરાય તે સ્વાભાવિક છે. એમ જણાય છે કે આ પ્રકારની ઉતાવળમાં ક્યારેક સામગ્રીને યોગ્ય ન્યાય નથી મળતો, માળખાકીય ટેકામાં જરૂરી મજબૂતાઈ કે સ્થિરતા સાથે બાંધછોડ કરાતી હોય છે, આશરાનું આયુષ્ય પણ ઇચ્છનીય સમયગાળા કરતા ઓછું રહેતું હોય છે અને તેની ઉપયોગિતામાં પણ અનેક પ્રકારની મર્યાદાઓ રહેલી હોય છે. ક્યારેક તો બિનજરૂરી ક્રિયાને દર્શાવવા માટે વધુ સમય ફાળવવામાં આવતો હોય છે.

યુટ્યૂબના ધારા-ધોરણ પ્રમાણે આ યોગ્ય પણ ગણાય. બાંધકામના પ્રકાર પરથી તો એમ લાગે છે કે આ પ્રકારનો આશરો અમુક કલાકો માટે જ ઉપયોગમાં લેવાતો હશે. જે પ્રકારની પરિસ્થિતિમાં આ બાંધકામ કરવામાં આવે છે તે પ્રકારની પરિસ્થિતિમાં, અને આ પ્રકારના આશરામાં કોઈપણ વ્યક્તિ વધુ સમય સુધી રહી જ ન શકે. જેની રચના પાછળ અમુક કલાકો લાગ્યા હોય તેના કરતાં ઓછા કલાકો સુધી જો કોઈ વ્યક્તિ તેમાં રહેવાની હોય તો રચનાની તે નિષ્ફળતા ગણાય. યૂટ્યૂબમાં દર્શાવાયેલ આવી રચનાઓ મોટાભાગે નિષ્ફળતાની શ્રેણીમાં આવે.

ક્યારેક તો એમ જણાય છે કે આ આખું બાંધકામ માત્ર યુટ્યૂબ માટે જ કરાય છે. એકવાર વીડિયો અપલોડ થઈ જાય પછી કોઈ ચિંતા કરતું નથી આ પ્રકારના બાંધકામનો પછી ઉપયોગ થાય છે કે કેમ તે પ્રશ્ર્ન પણ નથી પૂછાતો. આનું બાંધકામ કરનાર વ્યક્તિને તેની માટે કોઈ લગાવ રહેતો હોય છે કે નહીં તે પણ પ્રશ્ર્ન છે. આ પ્રકારના આશરાની યથાર્થતા, તેની ઉપયોગિતા, તેનું વજૂદ-એ બધી બાબતો માટે કોઈક તો પ્રશ્ર્ન પૂછી જ શકે.

જ્યારે વાંસને ખીલી વડે ફિટ કરવામાં આવે, માળખાકીય ટેકા જ વ્યવસ્થિત ટેકવ્યા ન હોય, વાતાવરણના વિપરીત પરિબળો સામે વાસ્તવિક રક્ષણના સ્થાને માત્ર રક્ષણનો ભાવ ઊભો કરવાનો પ્રયત્ન થયો હોય, હંગામી રચના પાછળની સ્થાપત્યની ગંભીરતા સમજ્યા વગર રમત રમવાનો કે રમકડાં જેવી રચના કરવાનો ભાવ સ્થાપિત હોય, ત્યારે તેની પાસેથી શું શીખવું જોઈએ તેના કરતાં શું ન શીખવું જોઈએ તે બાબત વધારે સ્પષ્ટ થઈ શકે.


Also read: વિશેષ : આશ્ચર્ય – રોમાંચ ને ચિંતાનું કારણ બને છે હ્યુમનોઇડ રોબો


ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં, ચોક્ક્સ પ્રકારના હેતુ મુજબ, આ પ્રકારનું બાંધકામ જરૂરી પણ છે, પરંતુ તેમાં મજબૂતાઈ હોવી જોઈએ, એનું ચોક્ક્સ આયુષ્ય હોવું જોઈએ, તેની ઉપયોગિતામાં સરળતા સાથે આનંદની અનુભૂતિ સમાયેલી હોવી જોઈએ, તેની સાથેનો સંબંધ અસરકારક અને અનુકૂળ રહેવો જોઈએ. વિશાળતામાં વિચારતા એમ પણ કહેવાય કે આવું સ્થાન પાછળથી જોવાલાયક સ્થાન બની રહેવું જોઈએ. જો આમ ન થાય તો સમગ્ર રચના માટે કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને પ્રશ્ર્નો થાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button