સ્થાપત્યનું વાઈ-ફાઈ: M.O.R.E. ઓફ ગ્રીડ આવાસ-ક્યુબેક કેનેડા-સંકડાશની સમૃદ્ધિ

- હેમંત વાળા
આવાસ એ માનવીના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે, આ એવું સ્થાન છે જ્યાં તેની જ મરજી ચાલતી હોય છે. એ જ રીતે જોતા આવાસ એ વ્યક્તિના પ્રસાર સમાન હોય છે. આવાસની મજા જ જુદી હોય છે. તે પોતાની માટે છે, પોતાની ઈચ્છા પ્રમાણેનું છે, સંજોગો અને ક્ષમતા અનુસાર છે.
અહીં બીજા કોઈની ચંચુપાત લગભગ અસંભવ છે. મારે શું જોઈએ છે તે હું નક્કી કં, મારે કેવું જોઈએ છે તે પણ હું નક્કી કં અને તે પામવા માટે શેની શેની સાથે સમાધાન કં તે પણ હું જ નક્કી કં. આવાસ એ એક એવી રચના છે કે જે વાસ્તવમાં સપનું સાકાર કરે.
દરેક પસંદગીમાં ક્યાંક સમાધાન કરવું પડે. એક બાબત ગ્રહણ કરતી વખતે અન્યનો ત્યાગ કરવો પડે. એક પ્રકારનું આવાસ બનાવતી વખતે અન્ય સંભાવનાઓની બાદબાકી કરવી પડે. ઊંચાઈ માણવી હોય તો જમીન સાથેનો સંપર્ક છોડવો પડે.
દરિયાની અંદર જઈને રહેવું હોય તો ઝાડપાનથી અલગ થવું પડે. બરફ માણવો હોય તો જંગલ ન મળે અને જંગલ માણવું હોય તો દરિયાથી દૂર જવું પડે.
શહેરની વચ્ચે રહેવું હોય તો શાંતિ સાથે સમાધાન કરવું પડે અને શાંતિથી રહેવું હોય તો શહેરથી દૂર જવું પડે. શહેરથી દૂર જવાનું વલણ તથા તે માટેનું ગાંડપણ વધતું જાય છે અને તેમાં પણ જે પામવું છે તે પામવા માટે સઘનતાથી પ્રયત્નો કરાય છે.
કેનેડાના ક્યુબેકમાં `ઓફ-ગ્રીડ’ આવાસ શૈલીમાં બનાવાયેલા આ એક આવું જ ઉદાહરણ છે.
જમીનથી આશરે 60 ફૂટની ઊંચાઈ પર 100 ફૂટ લાંબું તથા 25 ફૂટની મહત્તમ પહોળાઈવાળું 950 ચોરસ ફૂટનું આ આવાસ બાંધકામની `કેન્ટીલીવર’ – લટકતી શૈલીમાં બનાવાયું છે. તેની રચનામાં ક્રોસ લેમીનેટેડ લાકડું અને કોન્ક્રીટના માળખા પર ટેકવાયેલ લોખંડનો મહત્તમ ઉપયોગ થયો હોય તે સ્વાભાવિક છે.
Also read: અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરામાં ફેસ્ટિવલ ટાઇમે ટૂરિસ્ટ ઓવરફલો…
ગુજરાતમાં મકાનની અંદર ગરમીનો પ્રવેશ ઘટે તે માટે બારી બારણા ઉત્તર તરફ રાખવાનું ચલણ છે તો આ વિસ્તારમાં સૂર્યની ગરમી મકાનમાં પ્રવેશી શકે તે માટે દક્ષિણ દિશામાં બારી બારણા પ્રયોજાય છે. અહીં પણ આમ જ છે. આ આવાસની રચનામાં બારીઓ મુખ્યત્વે દક્ષિણ દિશા તરફ રખાઈ છે. આનાથી, સ્થાનિક સંજોગો પ્રમાણે, બહારનું દ્રશ્ય પણ સરસ રીતે માણી શકાય છે.
સ્થપતિ પોલ કારિઔક દ્વારા સન 2022 મા નિર્મિત થયેલી આ રચનામાં ક્રમબદ્ધ સ્થાનોની ગોઠવણી થઈ છે. આવાસ સુધી પહોંચવા માટે નાનકડો સેતુ પણ બનાવાયો છે. અહીં દીવાનખંડ, ભોજનકક્ષ, રસોઈ ઘર, ઉપરાંત બે શયનકક્ષનો સમાવેશ થયો છે.
આવાસનું પ્રમાણ માપ એ રીતે નિર્ધારિત કરાયું છે કે અનુકૂળતા તો જળવાઈ જ રહે પણ સાથે સાથે આવાસ ને ગરમ કરવા ઊર્જાની ખપત પણ ઓછી થાય. આવાસ નું વજન ઓછું કરવા – તેની માળખાકીય કિમત ઘટાડવા ફોલ્ડ' કરેલી
પ્લેટ’ની તકનીક અપનાવાઈ છે. આનાથી મકાનની કિમત તો ઓછી થઈ છે પણ સાથે સાથે કુદરતનાં વિપરીત પરિબળો સામે ટકી રહેવાની તેની ક્ષમતા પણ વધી છે.
આ સમગ્ર રચનામાં બહારની પરિસ્થિતિ સાથેના દ્રશ્ય સંબંધને સ્વાભાવિક રીતે વધુ મહત્ત્વ અપાયું હોય. વ્યવસાયિક ભાગીદારો વચ્ચે સમન્વયથી બનાવાયેલા આ આવાસનું નામ બધાની દાદીના નામના પ્રથમ અક્ષર જોડીને M.O.R.E. રખાયું છે.
એક વાત એ પણ છે કે આ આવાસની રચના એ રીતે કરવામાં આવી છે કે ત્રણેય ઋતુમાં તેની મજા લઈ શકાય. જે તે પ્રકારની સામગ્રીના ઉપયોગથી આ આવાસને આધુનિકતા તો મળે જ છે પણ સાથે સાથે ભૌમિતિક આકારનો જે રીતે ઉપયોગ કરાયો છે એનાથી રસપ્રદતા પણ ઊભી થાય છે. એક તરફ લોખંડ અને કાચ એક પ્રકારની છબી ઊભી કરે તો બીજી તરફ લાકડાનો ઉપયોગ અન્ય વાત કહેવાનો પ્રયત્ન કર્યો.
આ બંને વચ્ચેનો સંતુલિત સંવાદ આ આવાસની એક ખાસિયત છે. આ રચના ક્યાંક ગૌરવ અપાવે તો ક્યાંક અલગતા સ્થાપિત કરવી. અહીં વ્યક્તિત્વ ખીલી શકે તો એકાકીપણું પણ અનુભવાય. અહીં રચના નિર્ધારણમાં એક પ્રકારની સ્પષ્ટતા જોવા મળે તો સાથે સાથે માનવીય અનુકંપા નજરઅંદાજ થતી જણાય.
સ્વાભાવિક છે કે વસવાટથી કોઈક દૂરના સ્થાને આવાસ બનાવવામાં આવે ત્યારે ઊર્જા કે પાણીની વ્યવસ્થા ત્યાં જ ઊભી કરવી પડે. અહીં પણ એમ જ કરાયું છે. આવા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વિકટ ન હોય. ઊર્જા માટે અહીં સોલર પેનલનો ઉપયોગ કરાયો છે. પણ તેમાં પણ તકલીફ છે. અહીં સૂર્ય-કિરણો આખું વર્ષ નથી મળતા. તેમાં પણ જ્યારે ઊર્જાની જરૂરિયાત સૌથી વધુ હોય ત્યારે તેમાં એટલી તીવ્રતા નથી હોતી. આવા સંજોગોમાં સ્વાભાવિક રીતે વૈકલ્પિક વ્યવસ્થા જરૂરી બને. આ પ્રકારના સ્થાને આ પ્રકારના બાંધકામમાં દરેક પ્રકારની સંરચના જાતે જ ઊભી કરવી પડે.
Also read: વિશેષ : આશ્ચર્ય – રોમાંચ ને ચિંતાનું કારણ બને છે હ્યુમનોઇડ રોબો
આ આવાસની રચનામાં નાટકીયતા છે, વિશેષતા છે, જેને કારણે તેની એક નવી ઓળખ જ સ્થપાય છે. એક રીતે જોતા આ મકાન કુદરત સાથે ઘર્ષણ ઊભું કરે છે, પરંતુ આ આવાસનું માપ નાનું હોવાથી આ ઘર્ષણ સ્વીકૃત બની રહે છે.
વિશાળ રચના જ સ્થાપત્યમાં પ્રશંસા પામી શકે તેવી માન્યતાનું આવી રચનાથી ખંડન થાય છે. આ વાત પહેલાં તો કહેવાઈ જ ગઈ છે, પરંતુ આ પ્રકારની રચનાથી તેનું દ્રઢીકરણ થતું રહે છે.