સ્થાપત્યનું વાઈ-ફાઈ : દિવાળી ઉજવતું ઘર
–હેમંત વાળા
સ્થાપત્યની દરેક કૃતિ જુદા જુદા સમયે જુદી જુદી રીતે પ્રતીત થાય છે. સવારે ઘર જેવું જણાય તેવું રાત્રે નથી જણાતું. સવારના સૂર્યનાં કિરણો ઘર સાથે જે રીતે તાલમેલ સ્થાપે અને તેનાથી જે અનુભૂતિ થાય તે અનુભૂતિ રાત્રીના સમયે ક્યારેય ન થાય. રાત્રે એ ઘર જાણે જુદા જ રંગરૂપ ધારણ કરે. સવાર અને સાંજના સમયે પણ ઘર અનુભૂતિ ભિન્ન ભિન્ન હોય છે. સૂરજનાં કિરણોની દિશા તથા તીવ્રતા બદલાતા ઘર જુદું જ ભાસે.
ઋતુઓમાં પણ બદલાવ આવતા ઘર જાણે નવા જ પ્રકારનો વેશ ધારણ કરે. શિયાળામાં ઘરનું જે સ્થાન અનુકૂળ જણાતું હોય તે જ સ્થાન ઉનાળામાં તકલીફજનક લાગે. શરૂઆતના વરસાદને ઘર આવકારે તો સતત આવતી હેલીમાં ઘર સ્વયં વિરોધ નોંધાવે. જુદા જુદા સમયે વાતાવરણની પરિસ્થિતિને પ્રતિભાવ આપતું ઘર જાણે એક જીવંત અસ્તિત્વ છે. આવી જ રીતે ઘર વાર-તહેવારને પણ પ્રતિભાવ આપતું જોવા મળે છે.
વાર-તહેવારે પણ ઘર નવા રંગ રૂપ ધારણ કરે. ઘરમાં જ્યારે શ્રીગણેશની સ્થાપના કરી હોય ત્યારે ઘર અલગ જ બની જાય. તેવી જ રીતે નવરાત્રીમાં જો રાંદલ તેડવામાં આવે તો ઘર એ રીતે પોતાની જાતને જાણે ગોઠવી દે. ઉત્તરાયણના સમયે ઘર જાણે પતંગ અને દોરીના ઢગલા માટે જ બનાવ્યું હોય એમ લાગે, તો હોળીના દિવસે રંગ માણવા તથા રંગથી બચવાની વ્યવસ્થા ઘર જ ઊભી કરે. જુદા જુદા ઉત્સવમાં ઘર જુદી જુદી રીતે પોતાની જાતને ગોઠવતું જાય. દિવાળી તથા નૂતન વર્ષના સમયે ઘરની અનુભૂતિ જ કંઈક અલગ હોય છે.
દિવાળીમાં બારણે તોરણો લાગી જાય. આંગણું રંગોળીથી સુશોભન કરાય. વહેલી સવારે અને મોડી રાત્રે દીપમાળાથી નવા જ પ્રકારનો પ્રકાશ પથરાઈ જાય. રાત્રિના સમયે આંગણામાં ફટાકડાના અવાજો નવી જ ઊર્જા નું પ્રતિબિંબ બની રહે. આ ફટાકડાથી સર્જાતો ધુમાડો વરસાદના સમયે જન્મેલા જીવજંતુઓનો નાશ કરી દે. પહોંચની અંદર હોય તો ઘરમાં નવું રંગરોગાન કરવામાં આવે. પડદા બદલાઈ જાય અને સોફા પર નવા કવર લાગી જાય.
ચાદરો બદલાઈ જાય અને પગલૂછણીયા પણ નવા આવે. સુશોભન માટેની ખાસ સામગ્રી વસાવવામાં આવે. હવે તો લાઈટની સિરીઝ પણ દિલથી વપરાય છે – પણ દીપમાળાનું મહત્ત્વ તો તેટલું જ છે. ઘરમાં નવાં ઉપકરણો તો આવે જ પણ ઘરને પણ એવી રીતના તૈયાર કરવામાં આવે કે લાંબા સમય સુધી ઉત્સવનો માહોલ બનેલો રહે. ઘર પોતે દિવાળીની ઉજવણીમાં પરોવાઈ જાય. લાગે કે જાણે હમણાં ઘર પોતે દીવો પ્રગટાવશે અને ફટાકડા ફોડશે. ઘરમાં રહેનાર વ્યક્તિના દિલમાં જે ઉત્સવનો માહોલ ધબકતો હોય તેને ઘર પ્રતિભાવ આપે. ઘર જીવંત બની જાય.
મહેમાનોને આવકારવા માટે પણ ઘર તૈયાર થાય. બાળકોની રૂચિ પણ સચવાઈ જાય. ઘરની સ્ત્રી પોતાના વધારાના સપના ઘરની સજાવટમાં ઉમેરતી જાય. ઘરની કમાનાર વ્યક્તિએ આ દિવાળી માટે જ ભેગી કરેલી પુંજીને યોગ્ય રીતે ખર્ચી ઘરને તથા કુટુંબના સભ્યોને આનંદવિભોર કરી દે. ભારતીય પરંપરામાં ઘર એ ઘર નથી પણ કુટુંબનું એક સભ્ય છે. અહીં દરેક વ્યક્તિના ભાવ તથા લાગણી પ્રતિબિંબિત થતી રહે છે.
અહીં જરૂરિયાતો તો સંતોષાય છે જ પણ સાથે સાથે માનસિક સંબંધ પણ જોડાય છે. ઘરમાં પડેલી નાનકડી તિરાડથી પણ કુટુંબના લોકો વ્યથિત થતા જોવા મળે છે. ઘર માંદા ને પણ સાચવી લે છે અને નાના બાળકને પણ. ઘર વૃદ્ધને પણ અનુકૂળ રહે છે અને યુવાનને પણ. ઘર કુટુંબની વ્યક્તિઓને હૂંફ તો આપે જ છે અને સાથે સાથે મહેમાનોને પણ પોતાના કરી દે છે. તહેવારના સમયે આ બધાં સમીકરણો થોડાક બદલાતા હોય છે અને ઘર એ લગભગ જીવંત અસ્તિત્વ હોવાથી આ બદલાવને યોગ્ય પ્રતિભાવ આપે છે. એ વાત સાચી છે કે આ માટેનો પરિશ્રમ ઘરના કુટુંબના સભ્યો કરતા હોય છે પરંતુ સંમેલિત તો ઘર જ થાય છે.
દિવાળીનું ઘર પરંપરાને પ્રતિબિંબિત કરે છે. સાથે સાથે તે દિવાળીના ઉત્સવનું મહત્ત્વ પણ દર્શાવે છે. આ સમયે સામાજિક સમીકરણોને પણ ઘર ન્યાય આપે છે. તે કુટુંબના સભ્યોની લાગણી તથા ભાવનાને યોગ્ય પ્રતિભાવ આપે છે. આ તહેવારમાં ઘરમાં ખુશી પ્રસરેલી રહે તે માટે ઘર સ્વયં જાણે પોતે પણ પ્રયત્ન કરે છે.
આ સમયે સંભવિત ઊભી થનારી પરિસ્થિતિઓને ઘર સાચવી લે છે. પોતાની પાસે જે પણ કંઈ છે અને પોતાને જે તહેવાર માટે આપવામાં આવ્યું છે તે બધાનો અસરકારક ઉપયોગ કરીને ઘર એક સાંસ્કૃતિક વિચારધારાને સાચવી લે છે. દિવાળીના તહેવારનું આધ્યાત્મિક મહત્ત્વ જાણી ઘર આધ્યાત્મિકતા પણ ધારણ કરે છે. આ તહેવારમાં જે સામાજિક સમીકરણો સાચવવા જરૂરી હોય છે તેને ઘર સાચવી લે છે.
એક મનોવૈજ્ઞાનિક હકારાત્મક ભાવ ઉભો કરી બધાને ખુશ રાખવા ઘર પ્રયત્ન કરે છે. તહેવારોને અનુરૂપ ઉભી થયેલી ભૌતિક જરૂરિયાતો તો સાચવી જ લેવાય છે પરંપરા સાથે એક પ્રકારનું જોડાણ પણ ઘર વડે ઊભું થાય છે.
સ્થાપત્યની દરેક કૃતિ જુદા જુદા સમયે જુદી જુદી રીતે પ્રતીત થાય છે. સવારે ઘર જેવું જણાય તેવું રાત્રે નથી જણાતું. સવારના સૂર્યનાં કિરણો ઘર સાથે જે રીતે તાલમેલ સ્થાપે અને તેનાથી