એન્ડ અવૉર્ડ ગો…ઝ ટુ…!
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
આ કોઈ ફિલ્મફેર અવૉર્ડ નથી કે પદ્મશ્રી- પદ્મવિભૂષણ એનાયાત કરવાનો કોઈ ઉપક્રમ નથી. આ વખતની દિવાળીએ કે જે લોકોના ઘરે સાલ મુબારક કરવા ગયા તેમાં નાસ્તાની ક્વોલિટી, ક્વોન્ટીટી, શુભેચ્છા સંદેશ,… વિગેરે મેગા ઇવેન્ટના એવોર્ડ જાહેર કરવાની વિધિ છે.
પહેલાના જમાનામાં તો ઘરના બહેનો સાથે મળી અને ઘારી – ફરસી પૂરી ને જુદી જુદી મીઠાઈઓ મઠિયા વિગેરે જાતે જ બનાવતા અને બનાવતા પાંચ દિવસ થાય ને ખાલી કરતાં દિવાળી અને બેસતું વર્ષ બે જ દિવસ થાય. અત્યારે બહારથી લાવેલી મીઠાઈ અમુક મહેમાનો થાળીમાં હાથ નાખે ત્યારે એમ થાય કે એક કટકો લઇ અને અટકી જાય તો સારું. ₹૫૦થી લઈ અને સો રૂપિયાનો કટકો દિલમાં મોટો ખટકો બની અને તકલીફ આપે. અમુક મહેમાન ઘાઘરી બંધ અને પાઘડી બંધ આવે એટલે કે ત્રણે ત્રણ પેઢી એક સાથે હોય.
Also read: ઔર યે મૌસમ હંસીં… : દિવાળી: સુખ તો વાતોના તડાકામાં છે, ભોગવી લેજો..!
શુભેચ્છા આપવા નહીં, પરંતુ નાસ્તાની ડિશ પર ધાડ પાડવા આવ્યા હોય તેવું લાગે. અમુક કુટુંબે તો સાથે બેસી નક્કી પણ કરી રાખ્યું હોય કે કોના ઘરે જઈશું તો શું મળશે તેને માટે છેલ્લી પાંચ દિવાળીનો સર્વે લખીને રાખ્યો હોય. સુલોચનાબહેનના ઘરે જઈશું તો ત્યાં માત્ર ઘારી અને મઠિયા જ ખાવાના, મંદાબહેને ના ઘરે રાતડા અને પ્રભાવતીબહેનના ઘરે ગળ્યા ઘુઘરા, જેવી જેની હથોટી. જોકે, હવે અવૉર્ડ આપવામાં પણ ધ્યાન રાખવું પડે તેવું છે, કારણ કે ખાનગીમાં દરેકના પતિને પૂછી લેવું પડે કે કોણે બનાવ્યું છે? અવૉર્ડ આપનાર સમિતિનો આ વર્ષનો સર્વે એવો છે કે મોટાભાગના પતિદેવો મેદાનમાં આવ્યા હતા એટલે કે આવવું પડ્યું હતું એટલે કે માત્ર એમણે જ બનાવ્યું હતું એટલે કે ફરજિયાત બનાવવું પડ્યું હતું….
અમુક લોકોએ બારોબાર દુકાનમાંથી મંગાવી લીધું હતું. જે ઘરમાં આગ્રહ કરી કરી અને સામેથી ખવડાવે તો સમજી લેજો કે ઘરે બનાવેલું છે, પરંતુ ‘એક ઘારી આપું.. એક ઘૂઘરો આપું’ એવું પૂછી પૂછી તમને કેટલું ખાધું તેનો અહેસાસ કરાવે તો સમજી લેવું કે મોંઘા ભાવનું બહારથી મંગાવેલું છે અને તમને તે ખાવા માટે યોગ્ય ગણતા નથી.
મારો અનુભવ છે કે બેસતા વર્ષ સુધીમાં દિવાળીની શુભકામનાઓ રૂબરૂ પતાવી લેવી અને નાસ્તા- પાણી ઉપર ધોંસ બોલાવી લેવી. લાભ પાંચમની આસપાસ નાસ્તો કરવા જાવ તો આગ્રહ કરી કરી અને લાલ લીલી ચટણી ઉમેરી ભેળ ખવડાવશે. સીબીઆઇના રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે લાભ પાંચમ પહેલાંના અઠવાડિયા દરમિયાન મહેમાનોએ ખાતા બચેલો અડધો ઘૂઘરો કે અડધી ફરસી પૂરી કે સેવ- ગાંઠિયા બધું જ મિક્સ કરી અને એક ડબ્બામાં ભરી રાખવામાં આવે છે પછી મહેમાનોને ભેળ તરીકે પ્રેમથી પીરસવામાં આવે છે
એટલે આ વર્ષે બેસ્ટ આઈટમ કોણ બનાવે છે તેનો અવૉર્ડ આપવાનું કેન્સલ કરવામાં આવ્યું છે.
રંગોળી અવૉર્ડ પણ અવૉર્ડ સમિતિને ખૂબ તકલીફ પડી. જુદી જુદી ડિઝાઈનવાળા કાગળિયા બજારમાં મળે છે સીધા ગોઠવી દઈ તેની માથે કલર ઢોળી કાગળ ઉપાડી લેવામાં આવે એટલે નીચે ડિઝાઇન તૈયાર. પહેલાના જમાનામાં તો રાતના જમી- ખાઈ- પી અને કુટુંબ આખું સાથે બેસતું અને જુદા જુદા ચિરોડીના કલર દ્વારા પરિવાર સાથે મળી અને રંગોળી બનાવતું. જેને ડ્રોઈંગ સારુંં આવડે તે પહેલા ડ્રોઈંગ કરે. નાના છોકરાઓએ અઠવાડિયા અગાઉ શાળામાંથી શિક્ષકને ખબર ન પડે તે રીતે સરકાવેલા ચોકથી આંગણામાં ચિત્રકામ થાય.
ત્યાર પછી ઘરના બહેનો ચપટી દ્વારા રંગોળીમાં કલર પૂરતા જાય. મધુકાન્તાબહેનના ભાગે મોટી ડિઝાઇન જ આવતી, કારણ કે આપણી મુઠ્ઠી જેવડી એમની ચપટી રહેતી. વડીલો કચકચ ન કરે એટલા માટે હવેની ફેશનેબલ વહુ કાણાવાળા કાગળિયની ડિઝાઇન લાવી સિંગલ કલર રંગોળી બનાવે છે. અમુક તો એટલી પણ તસ્દી નથી લેતી – સીધા દરવાજાની વચ્ચોવચ વેલકમના સ્ટિકર લગાવી દે છે.
Also read: ઠરાવ પસાર કરવાથી કલમ ૩૭૦ પાછી ના આવે
સોસાયટીમાં દરેક ઘરે રંગોળી થતી હોય ત્યારે રાત્રે જાગતા જુવાનિયાઓ રંગોળી કરતા કરતા જ એકબીજાના પ્રેમમાં પડ્યા હોય, લગ્ન પણ થઈ જાય અને બે ઘર વચ્ચેની દીવાલ તૂટી અને મોટું ફળિયું થતું મેં જોયું છે. અત્યારે તમે જ કહો આવી રંગોળીનો અવૉર્ડ કોને આપવો?
શુભેચ્છાના શબ્દો દિવાળીના સમયમાં ખૂબ અગત્યના હોય છે, પરંતુ હવે પત્ર વ્યવહાર કે દિવાળી કાર્ડનો જમાનો ક્યારનો વિસરાઈ ગયો. મોબાઇલમાં આવેલા મેસેજને ફોરવર્ડ કરી કરી અને લોકો એકબીજાને રૂબરૂ મળ્યા તુલ્ય શુભેચ્છા સંદેશ આપવા માંડે છે. વર્ષોથી અમુક મેસેજ ફરતા જ રહે છે, જેમકે સુખનું તોરણ ઝૂલતું રહે….’ . અરે ભાઈ, તું અમારા જીવનમાં દખલગીરી નહીં કરે, ઉછીના લીધા છે તે પાછા આપી દઈશ, ભવિષ્યમાં ઉછીના નહીં માંગ તો આ શુભકામનાઓની જરૂર નથી…અમારે ત્યાં આપમેળે સુખનું તોરણ ઝૂલતું જ રહેશે..! .
ઘણા તો દિવાળીના અઠવાડિયા પહેલા મંગળ ઉપર પાણી શોધ્યું હોય અને વૈજ્ઞાનિકો જેટલા ખુશ થાય તેમ દિવાળી અને બેસતા વર્ષનો મેસેજ ચીપકાવી લખે કે ‘સૌથી પહેલા મેં તમને શુભેચ્છા આપી! ’
એવા બધા ઉત્સાહી શુભેચ્છકોને કહેવાની ઈચ્છા થાય કે ભઈ, દસેક દિવસ પછી મોકલી હોત તો સારુંં હતું… બોણીમાં તારી શુભકામના આવનારા દિવસો કેવા દેખાડશે તે નક્કી નહીં… ! ’
પગે લાગવાનો રિવાજ તો જાણે ભુલાય જ ગયો છે…. જોકે ભેટવાનો રિવાજ વધી ગયો છે, પરંતુ જે ચરણ સ્પર્શ કરી શકે તેને અચૂક અવૉર્ડ મળવો જોઈએ.
Also read: ભારતીય એજન્સીઓ કાશ્મીરમાં આતંકવાદ શું કરવા ફેલાવે?
આ દિવાળીએ આમ તો મેં ઘણા અવૉર્ડ જાહેર કર્યા, પરંતુ સાથે સાથે અત્યારે જે દિવાળીના સેલ ચાલતા હોય કે એ પછી પણ ચાલવાના હોય તેમાં શરતોને ‘આધીન’ની ફૂદડી હોય તેવી ફૂદડી પણ મેં રાખી, જેથી કોઈ પણ અવૉર્ડ ન આપવાનો અવૉર્ડ મને મળવો જોઈએ!
વિચારવાયુ:
આપણા ક્રિકેટ બોર્ડે એ વિચારવા જેવું છે કે મોટી સાઈઝના રોકેટ બનાવી ભારતીય ક્રિકેટ ટીમના અમુક ક્રિકેટરોને દેવદિવાળીએ રોકેટ સાથે બાંધી અજ્ઞાત જગ્યાએ રવાના કરી દેવા જોઈએ, જેથી નવાની જગ્યા થાય !