રંગીન ટુકડાઓનું જડતર – પિક્સેલ બિલ્ડિંગ – મેલબોર્ન
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
મકાનને સારું દેખાડવા માટે ઘણા અને જાતજાતના પ્રયત્નો કરવામાં આવે છે. આવા પ્રયત્નોમાં સૌથી સરળ પ્રયત્ન મકાનને કોઈક સારી સપાટીથી ઢાંકી દેવાનો રહ્યો છે. મકાનને જે તે જરૂરિયાત પ્રમાણે બનાવી, તેને આકર્ષક બનાવવા તેની સામે નજર ખેંચે તેવો રંગીન, કળાત્મક તથા નવીન ગણી શકાય તેવો પડદો બનાવી દેવાય છે. મકાનને ઢાંકી દેતી આ એક પ્રકારની આડાશ છે. મકાનની ઉપયોગીતા ગમે તે હોય, બહારની આડાશ એક અલાયદું સ્થાપત્યકીય વિધાન બની રહે છે. સ્વાભાવિક છે કે આવો ટકાઉ પડદો લોખંડ, પ્લાસ્ટિક, કાચ કે કોન્ક્રીટનો બનાવાય.
પિક્સેલ બિલ્ડિંગ મેલબોર્ન શહેરનું એક આશાસ્પદ મકાન ગણાય છે. તે લગભગ શહેરની મધ્યમાં આવેલું છે. કહેવાય છે કે આ અસરકારક સસ્ટેનેબલ ડિઝાઇન છે. આ મકાનમાં કાર્બનનું ઉત્સર્જન લગભગ નહિવત્ છે. એમ મનાય છે કે ૨૦૧૦માં તૈયાર થયેલ આ મકાનથી સ્થાપત્યમાં નવી સંભાવનાઓ ખૂલી ગઈ છે.
અહીં અગાસીમાં સૂર્ય ઊર્જા માટેની પેનલ અને ત્રણ વિન્ડ ટર્બાઇન રખાયા છે. સોલર પેનલ સૂર્યના કિરણોની દિશા પ્રમાણે પોતાની દિશા બદલે છે, જ્યારે વિન્ડ ટર્બાઇન પવનની દિશામાં ગોઠવાયા છે. આ ઉપરાંત આ મકાનમાં વરસાદના પાણીના ઉપયોગની વ્યવસ્થા પણ છે. આ સારી બાબત છે, પણ આ જ બાબત મકાનને સ્થાપત્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે એવું સાબિત ન કરી શકે. કોઈ જૂના મકાનમાં પણ આ રીતની ગોઠવણ કરી શકાય. ભારતમાં પરંપરાગત મકાનોમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી આખા વર્ષ માટે તેનો ઉપયોગ તો કરાય જ છે. તે મકાન પર સોલર પેનલ પણ ગોઠવી શકાય અને વિન્ડ ટર્બાઇન પણ. આટલો ફેરફાર કરવાથી મકાન ઐતિહાસિક સીમાચિહ્ન સમાન ન બને. તેમાં સ્થાપત્યના મૂળભૂત પાસાઓ ગંભીરતાથી લેવાયેલા હોવા જોઈએ. હા, તમારી પાસે કોઈ પ્રભાવશાળી મીડિયા હોય તો આવા મકાનને પણ તમે ઐતિહાસિક મકાન ગણાવી શકો.
પિક્સેલનો અર્થ પિક્ચર એલિમેન્ટ એમ કરાય છે. કોમ્પ્યુટરમાં ઊભરતી છબીનું આ સૌથી નાનું અંગ છે. કોમ્પ્યુટરની છબી આવા અસંખ્ય પિક્સેલના સમૂહથી બને છે. કોમ્પ્યુટરનું પિક્સેલ ચોરસ અથવા ગોળાકાર ટપકા સમાન હોય છે, પણ આ મકાનના દેખાવ માટેનું પિક્સેલ અનિયમિત ભૌમિતિક આકારથી નિર્ધારિત થયેલું છે. કોમ્પ્યુટરના પિક્સેલમાં વિવિધ રંગો હોય છે તેવી જ રીતે આ મકાનના દરેક પિક્સેલને અલગ રંગ અપાયો છે. કોમ્પ્યુટરના વિજ્ઞાનની આ દૃશ્ય ઉઠાન્તરી છે. કોમ્પ્યુટરના પિક્સેલ
પાછળ એક આખું વિજ્ઞાન છે – તેની યથાર્થતા છે – અને તે પ્રમાણે તેની સ્વીકૃતિ છે. સ્થાપત્યમાં આવી તક્નિકી બાબત જેમની તેમ લાગુ પાડવી તે સ્વીકૃત હોય કે નહીં તેવો પ્રશ્ર્ન ઘણાના મનમાં થયો છે.
આ એક ચાર સ્તરમાં ફેલાયેલું ઑફિસનું મકાન છે. આ મકાનની રચના એ રીતના કરાય છે કે તેની ઉપયોગીતા માટે જરૂરી ઊર્જા તથા પાણી આ મકાન જાતે જ એકત્રિત કરી લે છે. આ મકાનના બાંધકામમાં માત્ર સસ્ટેનેબલ સામગ્રી વપરાઇ છે તેવો દાવો કરાય છે. આ બધી વાત સારી છે. આ બધાને કારણે કેટલીક સંસ્થાઓ દ્વારા અપાતા ચોક્કસ પ્રકારના રેટિંગમાં આ મકાનને સારા ગુણાંક મળે છે. આ એક સારી નિશાની છે, પણ તેનાથી આગળ શું એ પ્રશ્ર્ન છે. આ એક સામાન્ય જણાતું મકાન નથી. બહારથી જોતા એમ લાગે કે, મકાન સામે આડાશ ઊભી કરવા જુદા જુદા પ્રકારના આકારો જુદા જુદા રંગમાં ઝબોળી આમ તેમ ગોઠવી દેવાયા છે.
જો આ મકાન સસ્ટેનેબલ ન હોત તો એ આટલું સ્વીકૃત બન્યું હોત કે કેમ તે શંકા છે. સસ્ટેનેબિલિટી સિવાય તેની સ્વીકૃતિ કયા કારણે થઈ શકે તેની આજ સુધી સ્પષ્ટતા નથી થઈ. સ્થાપત્યમાં માળખાગત રચનામાં જ એક પ્રકારની સુંદરતા વણાયેલી હોવી જોઈએ. સ્થાપત્યની સામગ્રીની પણ પોતાની સુંદરતા હોય છે. આકાર, પ્રમાણમાપ અને વિગતિકરણનું પોતાનું મહત્ત્વ છે.
ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોતાં જણાશે કે જે મકાનો સીમાચિહ્ન જેવા બનેલા છે તેમાં ક્યાંય દંભ કે આડંબર નથી હોતો. તે મકાનની રચના જ મૂળમાં આકર્ષક હોય છે. તેમાં માળખાગત રચનાથી લયબદ્ધતા ઊભી થાય છે. તેની દીવાલ અને બારી-બારણાની ગોઠવણથી આકર્ષક પ્રમાણમાપ ઊભરે છે. સામગ્રીની પસંદગીમાં જે ડીટેલિંગ કે વિગતિકરણ કરાય છે તેનાથી જ લાલિત્ય સર્જાય છે. અહીં ચટાકેદાર કે ભડાકેદાર રંગ નથી હોતા. આ બધી રચનાઓમાં એક પ્રકારની સૌમ્યતા દેખાશે. કોઈ પણ બાબતને નજર ખેંચે તેવું બનાવવા ગ્લેમરનો ઉપયોગ નથી થતો. અહીંયા બધું પોત પોતાના સ્થાને યથાર્થતાથી ગોઠવાય છે. આનાથી વિપરીત અત્યારના સીમાચિહ્ન ગણાતા મકાનોમાં દેખાવ ખાતર નાટકીય નિર્ણયો લેવાય છે. આવી દેખાડાવાળી બાબતો લાંબા સમય સુધી સ્વીકાર્ય નથી રહેતી. લાંબા ગાળે આ નાટકીયતાની સ્વીકૃતિ કેટલી રહેશે તે વિશે કોઈ નિર્ણય આપી ન શકાય, પણ માનવ સહજ સ્વભાવની વાત કરીએ તો આવી બાબતો લાંબા સમય સુધી લોકોને પસંદ નથી રહેતી. નવું હોય એટલે ચાલી જાય, પરંતુ લાંબા ગાળે તેના તરફથી લોકો નજર ફેરવી લે આવું મનોવિજ્ઞાન
કહે છે.
દરેક મકાનની રચના તેના દેખાવ, ઉપયોગીતા અને તક્નિકી જાણકારીના સમન્વય સમાન છે. પ્રશ્ર્ન એ છે કે શેનો ઉપયોગ શેની માટે કરીએ છીએ. ગુણવત્તાવાળું મકાન આપમેળે ખાસ બની રહે, પણ ખાસ બનાવવા માટે જ સાવ અલગ, વિચિત્ર અને બિનયથાર્થ આડાશ ઊભી કરવી એ બંને ભિન્ન બાબતો છે. સ્થપતિએ ક્યારેક તો એ સમજવું પડશે.