એક જ્યોતિષાચાર્યને કોઇ ગઠિયો ઉર્ફે રાહુકેતુ હોલસેલના ભાવે ચૂનો ચોપડી ગયો
ઊડતી વાત -ભરત વૈષ્ણવ
જ્યોતિષશાસ્ત્ર નામનું બાળક જન્મથી જ વિવાદાસ્પદ રહ્યું છે કારણ કે સત્ય-અર્ધસત્ય અને અસત્યના પ્રયોગો સૌથી વધારે આ શાસ્ત્રમાં થાય છે. નંગ, તંત્ર-મંત્ર, વિધિ-વિધાન જેવી ના સમજાય તેવી અટપટી પદ્ધતિઓ દ્વારા જાતકના ભાગ્યના દરવાજા ખોલવાની ગેરંટી આ શાસ્ત્રમાં અપાય છે. જાતકના પેટમાં ખંજર ભોંકી પેટિયું રળવાની માંદી માનસિકતાએ આ શાસ્ત્રના અસ્તિત્વ સામે પ્રશ્ર્નાર્થ મૂક્યો છે. જે રીતે આ શાસ્ત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે તે પ્રમાણે લાગે છે કે જે રીતે ડાયનોસોર નાશ પામ્યા તે રીતે જ આ શાસ્ત્રના હાડપિંજર પણ મ્યુઝિયમમાં જ જોવા મળશે…
કહેવાય છે કે એસ્ટ્રોલોજી શબ્દ લેટિન શબ્દ એસ્ટ્રોલોજિયા (“એસ્ટ્રોનોમિ), પરથી આવ્યો છે. આજનો અંગ્રેજી શબ્દ હોરોસ્કોપ (HOROSCOPE) આપણા હોરા-ચક્રઉપરથી લેવામાં આવ્યો છે. અને હોરાએ સંસ્કૃત શબ્દ અહો-રાત્ર (દિવસ-રાત્ર) ઉપરથી આવ્યો છે…
જ્યોતિષશાસ્ત્ર એ વિજ્ઞાન અને શ્રદ્ધાનો અદ્ભૂત સમન્વય છે. જ્યોતિષ જ્ઞાનના રચયિતા મહા મુનિ પરાશર જ્યોતિષને આધિ-વ્યાધિ અને ઉપાધિ સામે લડવાનું શાસ્ત્ર અને શસ્ત્ર કહે છે.
જ્યોતિષના ફલકથનમાં મુખ્યત્વે બાર રાશિ અને નવ ગ્રહોના આધારિત અવલોકનો અને તારણોના આધારે અમુક નિયમો કે ધારણાઓ નક્કી કરવામાં આવી છે. પરંતુ, વર્તમાન સમયમાં ગરજવાનની ગરજનો ફાયદો ઉઠાવી જ્યોતિષીઓ જાતકો નામની બોરડી ખંખેરીને માલેતુજાર બની રહ્યા છે.
તમારા જીવનમાં આવનારી તકલીફ, મુશ્કેલી સામે જયોતિષ કે જ્યોતિષી આડા હાથ દઇ શકે નહીં. વિધિએ લખેલ લેખને નોસ્ટ્રોડોમસ કે ટીડા જોષી મિટાવી શકે નહીં. પરંતુ, તેને હળવી બનાવવા મંત્ર, જાપ, દાન, દક્ષિણાથી સહ્ય બનાવી શકે. માનો કે શૂળીનો ધા સોયથી સરી શકે. જગતમાં એકાદ યુનિવર્સિટીમાં જ્યોતિષની ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ ચાલતો હશે.. તેમ છતાં, તમામ જ્યોતિષી, ટેરા કાર્ડ રીડર, પામિસ્ટ, છાયા જ્યોતિષ, બાબા, તાંત્રિક, પીરલાલ કિતાબ (રાજસ્થાનમાં લાલ કિતાબે બબાલ મચાવી છે તેનો અત્રે ઉલ્લેખ છે તેવું હરગીજ માનવું નહીં. અન્યથા આપના પર લાબ્રાડોર ડોગની જેમ શનિની સાડા સાતી ઝીંકવામાં આવશે, જેની જવાબદારી જાતકની રહેશે.
અમારા શિરે કોઇ પાતક કે મહાપાતકનું તૂત રહેશે નહીં.) સઘળા લોકો ગોલ્ડમેડલ ઘરાવતા હોય છે. એમના દાવા જેટલું સોનું આયાત થતું નહીં હોય કે સોનાની ખાણમાંથી ખોદાતું હશે નહીં.
કોઇ રજતચંદ્રક કે કાંસ્યચંદ્રકધારક હોવાનો દાવો કરતું નથી. જયોતિષીઓ ગ્રહો તેમના પાલ્ય હોય અને તેમના વશમાં હોવાનો હાઇપ ક્રિએટ કરે છે, ક્ધિતું, જ્યોતિષીની ઘરવાળી કે પુત્રો તેમની છીંકણી લેતાં નથી. મોટા ભાગે તમે જે જ્યોતિષીને ઓળખતા હોવ છો તે તમને કહેતા હોય છે કે, ૯૯% એસ્ટ્રોલોજર ખોટા છે, ઝોલાછાપ છે, તેમના કારણે જ જ્યોતિષ વિદ્યા બદનામ થઈ રહી છે. જ્યોતિષ હંબગ છે, દબંગ નથી. લોકો પાસેથી પૈસા પડાવવાના ધંધા છે.
જ્યોતિષીઓ ગ્રહ પોતાના ખિસ્સામાં હોય તેવો ફાંકો રાખતા હોય છે. ગ્રહોની માર્ગી અને વક્રી ચાલ બદલવાનો દાવો કરતા હોય, સાડાસાતીના નિવારણ, રાહુની મહાદશા, ક્યારે કામ કયું કામ કરવું, વશીકરણ વગેરેની ગુલબાંગ ઠોકતા હોય છે. જે જ્યોતિષીઓ ગૂંચવાયેલા લગ્નની ગૂંચો ઉકેલે છે અને તેના છૂટાછેડાના કેસ કોર્ટમાં તારીખ પે તારીખમાં ઝૂલાની જેમ
ઝૂલે છે.
ખુદના છૂટાછેડાનો કેસ પંદર વરસથી કોર્ટમાં પેન્ડિંગ હોય અને તમને ઇન્સ્ટન્ટ ફૂડની જેમ ડીવોર્સ અપાવવાની મિથ્યા ખાતરી આપતા હોય. લગ્ન માટે યુવક અને યુવતીના ગુણ ૩૬ હોવા જોઇએ તેમ કહે છે. અમારા મિત્ર અને ભાભીના ૩૬ માંથી કેવળ ૪ જ ગુણ મળે છે. તેમ છતાં,તેમનું દામ્પત્ય ચીનની દીવાલ જેટલું મજબુત છે. માનો કે ફેવિકોલની મજબૂત જોડ ન હોય.
થોડા સમય પહેલા અમદાવાદના નવરંગપુરામાં મીઠાખળી અંડર પાસમાંથી બહાર નીકળતા જયોતિષની કારમાંથી બે બાઈક પર આવેલા ત્રણ શખ્સો રૂ.૫ લાખની મતા ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આશ્રમરોડ પર ચિનુભાઈ ટાવર ખાતે આવેલી આંગડીયા પેઢીમાંથી સાંજના ચાર વાગ્યે રૂ.૪,૯૯,૫૦૦ની રોક્ડ રકમ ભરેલી કાપડની બેગ કારમાં મૂકીને ઘરે જવા નીકળ્યા હતા. તે સમયે મીઠાખળી અંડર પાસની બહાર નીકળતા એક હેલ્મેટ પહેરેલા બાઈક ચાલકે ઈશારાથી ગાડી રોકવા જણાવ્યું હતું. ફરિયાદીએ ગાડી રોકતા ડાબી સાઈડે ઊભેલા બાઈકચાલકે કાર ઉતારીને કારની જમણી તરફ આવવા કહ્યું હતું. ફરિયાદી બાઈક ચાલક સાથે વાત કરતા હતા, તે સમયે ત્યાં અન્ય બાઈક પર આવેલા બે શખ્સો ફરિયાદીની ડાબી સાઈડની સીટ પાસે મુકેલી રૂ.પાંચ લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. તે સમયે કાર રોકીને વાતચીત કરતો બાઈકચાલક પણ ત્યાંથી નીકળી ગયો હતો. શું જ્યોતિષીને તેમના જ્ઞાનથી પોતાની સાથે ચોરી થવાની એ ઘટનાની આગોતરી જાણ નહીં હોય? તેને નિવારવાના ઉપાય તરીકે પાલડીમાથી નીકળવાના બદલે અન્ય વિસ્તારમાંથી નીકળી શકાયું હોત.
આંગડિયામાંથી બીજા દિવસે શુભ ચોઘડિયાંમાં પૈસા ઉપાડી ન શકયો હોત? ચંદીપાઠ કે રૂદ્રી કે સંકટ નિવારવા ગાયત્રીમંત્રના જાપ કરી શકયો ન હોત ?
કહે છે કે જ્યોતિષીઓ ગરજવાન લોકોને જ્યોતિષના નામે અગડમબગડમ મારફત લૂઝમાં ચૂનો ચોપડી તેમનો ઉલ્લું લલ્લું સીધો કરતા હોય છે. છૂટકમાં ચૂનો ચોપડી પેટ્યું રળનાર જ્યોતિષીને ગઠિયો હોલસેલના ભાવે ટનબંધ ચૂનો ચોપડી ગયો.
મતલબ કે હિસાબ બરોબર થઇ ગયો. હવે રાહુ કેતુ, ગુરૂ ગ્રહ , ચાંડાલયોગ-છત્રભંગ યોગ ગઠિયાનું શું ઉખાડી લેશે?