વીક એન્ડ

ભેદી સ્વર્ગલોકમાં ૮૦ વર્ષની મહિલા રહે યુવાન!

કવર સ્ટોરી -મનીષા પી. શાહ

બ્લુ ઝોન. આ એવો વિસ્તાર કે જ્યાંના રહેવાસી દુનિયાની સરેરાશ આયુથી વધુ જીવે, તંદુરસ્ત રહે અને આયખાની સદી ફટકારનારાની વસતિ ઘણી હોય. ઇટાલીના ન્યુરો પ્રાંત, જાપાનના ઓકીનાવા, કોસ્ટા રીકાના નિકોયા પેનિનસુલા, ગ્રીસના ઇકારિયા અને અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત લોમા લિંડાનો સમાવેશ બ્લુ ઝોનમાં થાય છે. ઘણાં બ્લુ ઝોનમાં પાકિસ્તાનની હુંઝા વેલી (ખીણ) વિસ્તારનો સમાવેશ પણ કરે છે. ઉત્તર પાકિસ્તાનમાં આવેલી હુંઝા વેલીનું મૂળ નામ શાંગ્રીલા હતું. આ હુંઝા વેલીને પાકિસ્તાનનું ભેદી સ્વર્ગ પણ કહેવાય છે. અત્યારે અહીંની પ્રજાની જીવનશૈલીનો અભ્યાસ થઈ રહ્યો છે કે જેથી એમના લાંબા આયખા, જીવનશૈલી અને ખાધાખોરાકીના રહસ્ય સમજી, જાણી અને અપનાવી શકાય. ૮૦ અને નેવુંના દાયકામાં આ ખીણમાં વસતિ છ જનજાતિને મળવા અને એમની લાઈફસ્ટાઈલ સમજવા અમેરિકા અને યુરોપથી ધાડેધાડા ઊતરી આવતા હતા.

હુંઝા વેલીના રહેવાસીઓની લાંબી આવરદા, રોગપ્રતિકારકશક્તિ અને ચિરયૌવન માટે ઘણી દંતકથાઓ પણ છે. કલ્પના કરો કે આઠ હજાર ફૂટની ઊંચાઈએ દુનિયાથી સાવ વિખૂટા પડેલા પ્રદેશના લોકોનું સરેરાશ આયુષ્ય ૮૦ થી ૧૨૦ વર્ષનું છે.

આ હુંઝાની પ્રજાની અમુક આદતો અને વિશિષ્ટતાનો ખૂબ અભ્યાસ કરાયો. આ બધાને તેમના લાંબા અને સ્વસ્થ જીવનના રહસ્ય મનાય છે. એક, સ્થાનિક ઉત્પાદનનો ખોરાકમાં ઉપયોગ કરવો અને ઓછામાં ઓછું માંસ ખાવું. બે, બને ત્યાં સુધી ધ્રૂમ્રપાન ન કરવું, શારીરિક રીતે સક્રિય રહેવું અર્થાત્ શ્રમ કરવો., ચાલવું, દોડવું વગેરે અને નહીંવત્ મેદસ્વિતા. યોગ્ય ખોરાક અને નિયમિત શારીરિક શ્રમ ઉપરાંત સામાજિક સંપર્ક-સંબંધનો ફાળો પણ એમના સુખ-સ્વાસ્થ્યમાં બહુ મોટો છે.

હુંઝા ખીણ ગીલગીટ-બાલ્ટીસ્તાન વિસ્તારમાં છે. એના પર પાકિસ્તાનના દાવાને જમ્મુ-કાશ્મીરના ઘણાં રાજકીય પક્ષો નકારી કાઢે છે. રાજકીય અને વિવાદાસ્પદ બાબતોને કોરાણે મૂકીને ય હુંઝા જેવી દુર્લભ જગ્યાની વાતો કરવી – જાણવી પડે.

૨૦૧૯માં વિશ્ર્વ-વિખ્યાત ફોર્બસ મેગેઝિન દ્વારા હુંઝા વેલીને વિશ્ર્વના ‘કુલેસ્ટ પ્લેસ ટુ વિઝિટ’માં સ્થાન અપાયું હતું. ભૌગોલિક રીતે હુંઝા આપણા દિલ્હીથી ૮૦૦ કિલોમીટરના અંતરે છે. ૧૯૮૪માં બ્રિટન જવા ઈચ્છતી હુંઝાની મહિલાને વિઝા આપવાનો ઈનકાર કરી દેવાયો હતો. કારણ કે એનો જન્મ ૧૮૩૨માં થયો હતો. ૧૫૨ વર્ષની ઉંમર હોય કોઈની? આજ વિવાદ બાદ હુંઝા વિશે ચર્ચા શરૂ થઈ. એમાં બહાર આવ્યું કે અહીં ઘણા ૧૦૦ કે વધુ વર્ષ જીવે છે. એમનું જીવન એટલું સરળ, સારું અને શારીરિક શ્રમથી ભરપૂર છે કે કેન્સરનું નામ સુધ્ધાં સાંભળવું પડ્યું નથી.
હુંઝાની નારી વિશ્ર્વની સૌથી સુંદર મહિલાઓ ગણાય છે. ૮૦ વર્ષ સુધી મહિલાઓ એકદમ ખૂબસૂરત દેખાય છે. એટલું જ નહીં ૬૦ વર્ષ સુધી માતૃત્વ પણ ધારણ કરી શકે છે. આ લોકો વધુ ડ્રાયફ્રૂટ્સનું સેવન પણ કરે છે.

આવા હુંઝાને ‘પાકિસ્તાન’નું સ્વર્ગ કહેવાય છે. અહીં પરીઓ છે. પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદા પાર પાડવા માટે આતંકવાદીઓને મર્યા બાદ જન્નતની હૂર પાસે પહોંચી જવાની ભ્રામક લાલચ આપે છે. એને બદલે આ બધા નાદાન ભ્રમિતોને હુંઝા મોકલી દે તો? ના, ના એવું ન કરાય. એનાથી તો કદાચ હુંઝા ખીણની હાલત પણ હાલના પાકિસ્તાન જેવી થઈ જાય.

હુંઝા સહિતના વિશ્ર્વના બ્લુ ઝોન વિસ્તારોની જીવન-શૈલી અપનાવવાની આપણે સૌએ તાતી જરૂર છે. એ લોકો જંક ફૂડ ખાતા નથી, કોલ્ડ ડ્રિન્ક્સ પીતા નથી, સ્મૉકિંગ કરતા નથી, ડ્રિન્ક્સ લેતા નથી અને ખૂબ શારીરિક શ્રમ કરે છે. આપણે આવું કરી શકીએ? તો માંદગી અને તકલીફોને નિવારી શકાય. અત્યારે ભલે એવું ન કરીએ પણ નજીકના ભવિષ્યમાં એવું કરવાનું ફરજિયાત બની જાય તો નવાઈ નહીં. આપણે સૌ ઇચ્છીએ એવું બહુ જલ્દી બને. ત્યાં સુધી સૌ શક્ય બને એટલું પોતાનું ધ્યાન રાખજો, એનાથી વધુ શું શુભેચ્છા અપાય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button